Sunday, February 28, 2010

અમૃતનો ઓડકાર


એક સર્વે દરમિયાન પરદેશની એક પ્રાથમિક શાળામાં 4 થી 8 વર્ષનાં બાળકોને ‘પ્રેમ કોને કહેવાય ?’ એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે આટલાં નાનાં બાળકોએ જે જવાબો આપ્યા તે અચંબો પમાડે તેવા હતા. એમાંના ઘણાં બાળકોના જવાબો પરથી તો એ ટબૂડિયાઓને પ્રેમ શબ્દની સમજણ મોટા માણસો કરતા પણ વધારે પડે છે એવું જ લાગે ! તો એમની ભાષામાં જ એ જવાબો જોઈએ :

[1] મારા દાદીને સાંધાનો વા થયેલો છે. એ વાંકા નથી વળી શકતા એટલે એમના પગના નખ કાપવાનું તેમ જ રંગી આપવાનું કામ મારા દાદા પોતાને હાથના સાંધા દુ:ખતા હોવા છતાં નિયમિત કરી આપે છે. એને પ્રેમ કહેવાય ! – (રિબેકા, 8 વર્ષ)

[2] ‘જ્યારે તમને કોઈ ચાહતું હોય ત્યારે એ તમારું નામ બીજા કરતા કંઈક જુદી રીતે જ બોલે છે ! તમને એવું લાગે કે તમારું નામ એના મોઢામાં ખૂબ સલામત છે, એ જ પ્રેમ !’ – (બિલિ, 4 વર્ષ)

[3] ‘પ્રેમ એટલે તમે કોઈની જોડે નાસ્તો કરવા જાઓ અને તમારી મનપસંદ પોટેટો-ચિપ્સ બધી જ એને આપી દો, બદલમાં એની પ્લેટમાંથી કંઈ પણ લીધા વિના…એ !’ – (ક્રિસ્ટી, 6 વર્ષ)

[4] ‘તમે જ્યારે અત્યંત થાકેલા હો ત્યારે પણ જે તમને હસાવી શકે એ પ્રેમ !’ – (ટેરી, 4 વર્ષ)

[5] ‘મારી મમ્મી કૉફી બનાવ્યા પછી મારા પપ્પાને આપતા પહેલા એક ઘૂંટડો ભરીને ચાખી લે છે કે બરાબર બની કે નહીં !’ બસ, એને જ પ્રેમ કહેવાય ! – (ડેની, 7 વર્ષ.)

[6] ‘તમને ખૂબ જ ગમતી ભેટનું પેકેટ કોઈ આપે અને એ પેકેટ ખોલવાને બદલે તમને એ આપનારની વાતો સાંભળવામાં વધારે રસ પડે એ પ્રેમ !’ – (બૉબી, 7 વર્ષ.)

[7] ‘એક છોકરી એક છોકરાને કહે કે તારું આ શર્ટ મને ખૂબ જ ગમે છે અને એ પછી છોકરો રોજે રોજ એ શર્ટ પહેરે એ પ્રેમ !’ – (નોએલ, 7 વર્ષ.)

[8] ‘એક વૃદ્ધ પુરુષ એક વૃદ્ધ સ્ત્રી એકબીજા વિશે બધું જાણતા હોવા છતાં વર્ષો સુધી જોડે રહી શકે એને પ્રેમ કહેવાય !’ – (ટોમી, 6 વર્ષ.)

[9] ‘મારી મમ્મી મને સૂવડાવી દીધા પછી મારી આંખ બંધ થયેલી જુએ ત્યારે હળવેથી મારા ગાલ પર પપ્પી કરે છે એ જ પ્રેમ !’ – (કલેર, 6 વર્ષ.)

[10] ‘પ્રેમ એટલે – મારા પપ્પા કામેથી આવે ત્યારે ધૂળ ધૂળ હોય અને પરસેવાથી ગંધાતા હોય છતાં મારી મમ્મી એની સામે હસે અને એમના ધૂળ ભરેલા વાળમાં હાથ ફેરવીને એમને ભેટી પડે – એ જ તો વળી !’ – (ક્રિસ, 7 વર્ષ.)

[11] ‘સવારમાં તમે હોમવર્ક કરતા હો એ વખતે તમે જેને દૂર હાંકી કાઢ્યું હોય અને પછી આખો દિવસ ઘરમાં એકલું છોડી દીધું હોય એ ગલૂડિયું સાંજે તમે નિશાળે પાછા આવો ત્યારે તમારો ગાલ ચાટે એને પ્રેમ કહેવાય !’ – (મૅરી એન, 4 વર્ષ.)

[12] ‘કોઈ તમને આઈ લવ યુ કહે અને તમારી આજુબાજુ ઘણા બધા તારા ફરતા હોય એવું લાગવા માંડે એ જ પ્રેમ !’ – (કરેન, 7 વર્ષ.)

નથી લાગતું કે આ ટબૂડિયાઓ પાસે પ્રેમ કોને કહેવાય એની ઉચ્ચ અને ઉત્કૃષ્ટ સમજણ છે ? હવે એક નાનકડી વાત. પડોશમાં રહેતા દાદી ગુજરી ગયા ત્યારે ચાર જ વરસનો એક નાનકડો બાળક દાદાને મળવા ગયો. એકાદ કલાક પછી એ પાછો ઘેર આવ્યો ત્યારે એની મમ્મીએ પૂછ્યું કે, ‘બેટા ! તેં વળી દાદાને શું કહ્યું ?’
‘કંઈ નહીં મમ્મી !’ બાળકે જવાબ આપ્યો, ‘એમના ખોળામાં બેસી મેં એમને રડવામાં મદદ કરી !’
…..બસ, આ જ પ્રેમ !!

પર્વત પર ચડીને


પર્વત પર ચડીને
શિખરોને ધક્કા મારી મારીને
ગબડાવી દેવાં છે,
દરિયાને ખાલી કરીને રણમાં
વહાવી દેવા છે,
હવાના મહેલોને
મુઠ્ઠીએ મુઠ્ઠીએ
તોડી નાખવા છે,
રાત-દિવસના પડછાયાઓને
પૃથ્વીના પેટાળમાં
દાબી દેવા છે.
અને પછી, મા,
તમારા ખોળામાં
મોઢું સંતાડી
છાતીફાટ રડી લેવું છે.

Saturday, February 27, 2010

સફલતા


શું સારા માનવી અને સફળ માનવી એ બે જુદી ચીજ છે? આ સવાલને યોગ્ય રીતે સમજવા માટે આપણે એને બે ભાગમાં વહેંચી શકીએ: પહેલો હિસ્સો છે કે શું સારી વ્યક્તિ હોવા માટે સફળ હોવું જરૂરી છે? અને બીજું કે શું સફળ હોવું જ સારા હોવાનું પ્રમાણ છે?

‘જે સાચું છે એ હંમેશાં લોકપ્રિય નથી નીવડતું અને જે લોકપ્રિય છે એ હંમેશાં સાચું નથી હોતું.’
આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું આ વાકય એમને ખુદને જ લાગુ પડે છે. લગ્ન પછી તેઓ પત્નીને વફાદાર ન રહ્યા. એમના બે દીકરા સાથે પણ એમનો સંબંધ ક્યારેય સારો ન રહ્યો. હિબ્રૂ યુનિવર્સિટી ઓફ જેરુસલેમે ૩૫૦૦ પાનાંનો જે દસ્તાવેજ રજૂ કર્યો, એમાં આઇન્સ્ટાઇનનું આ ઓછું જાણીતું રૂપ દેખાડાયું છે.

આ દસ્તાવેજ અનુસાર નોબલ પુરસ્કારમાં મેળવેલી રકમ આઇન્સ્ટાઇને શેરબજારમાં ડૂબાડી દીધી હતી. મિલેવા સાથેનું સુખી લગ્નજીવન અને હેન્સ અને એડવર્ડ જેવાં બે સુંદર બાળકો હોવા છતાં આઇન્સ્ટાઇનને કઝિન બહેન ઇલ્સા તરફ વિશેષ ખેંચાણ હતું. ૧૯૧૯માં મિલેવાને છૂટાછેડા આપ્યા પછી એમણે ઇલ્સા સાથે લગ્ન કર્યા અને ચાર વર્ષમાં જ ફરી મિત્રની ભત્રીજીની દીકરી ન્યૂમનના પ્રેમમાં પડ્યા.

આ પછી પણ લફરાંબાજીનો સિલસિલો ખતમ ન થયો! એક પત્ર પ્રમાણે આઇન્સ્ટાઇન તેમના લગ્નેતર સંબંધોનો સ્વીકાર પરિવાર સામે ગર્વથી કરતા! મિલેવા સાથે છૂટાછેડા લીધા પછી એમને સંતાનો સાથે રજાનો સમય પસાર કરવામાં ખૂબ આનંદ આવ્યો એવું લખ્યું હોવા છતાં એકવાર સ્કિઝોફ્રેનિયા રોગ સામે ઝઝૂમી રહેલા દીકરા એડવર્ડને એમણે એ હદ સુધી કહી દીધું હતું કે એ જન્મ્યો જ ન હોત તો સારું થાત.

મોટા દીકરા હેન્સ સાથે પણ એમના સંબંધ સારા નહોતા. એ વખતે ૧૧ વર્ષીય હેન્સે એક પત્રમાં એમને લખ્યું હતું કે તમે મમ્મી સાથે સારું વર્તન ન કરી શકતા હો તો હું પણ રજાઓમાં તમારી પાસે આવવા નથી માગતો. છૂટાછેડાની પ્રક્રિયા દરમિયાન મિલેવા સાથે આઇન્સ્ટાઇને સમાધાન કર્યું હતું કે એમને જો નોબલ પુરસ્કાર મળશે તો એ રકમ તેઓ મિલેવાના નામ પર સ્વિસ બેન્કમાં જમા કરાવી દેશે, જેથી બંને સંતાનોનું ભરણપોષણ તે સારી રીતે કરી શકે.

૧૯૨૧માં પુરસ્કાર મેળવ્યા પછી પણ એમણે ક્યારેય પોતાનો વાયદો પાળ્યો નહીં. દસ્તાવેજ અનુસાર પુરસ્કારમાં મળેલી પોણા ભાગની એટલે કે લગભગ ૧૧ લાખ પચાસ હજાર ડોલર જેટલી રકમ એમણે લાંબા સમયના બોન્ડમાં રોકી દીધી. આ રકમ ૧૯૩૦માં મંદીને કારણે ડૂબી ગઇ. એમણે આ રકમ મિલેવા અને દીકરાઓના નામે જમા કરાવી દીધી હોત તો તેઓ સરળતાથી પોતાની જિંદગી પસાર કરી શક્યા હોત.

આ જમાતમાં આઇનસ્ટાઇન એકલા નથી. ઘણાં મોટાં મોટાં અને પ્રખ્યાત નામ આમાં સામેલ છે, જેમની સફળતા કે પ્રસિદ્ધિએ એમની ખરાબીએ ઢાંકી દીધી.અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપતિ અને દેશમાં પ્રજાસત્તાકની વિચારધારાના પ્રણેતા થોમસ જેફરસનને યુએસના મહાનતમ રાષ્ટ્રપતિઓમાંથી એક ગણવામાં આવે છે, પણ જેફરસને પોતે એકવાર કહ્યું હતું કે, જે શ્વેત પોતાની જાતિ ભૂલીને અશ્વેતો સાથે લગ્ન કરે છે, વંશવિસ્તાર વધારે છે, એમના મનમાં પોતાના દેશ માટે કોઇ પ્રેમ નથી અને તેમને માણસના ચારિત્ર્યની મજબૂતીની કોઇ પરવા નથી.

આવી વાતો કરનારા થોમસને પોતાની જ દાસી શૈલી હેમિંગ્સ થકી ઘણાં બાળકો થયાં, તેમ છતાં આ વાતનો તેઓ જિંદગીભર ઇનકાર કરતા રહ્યા. આખરે ડીએનએ ટેસ્ટિંગથી પ્રમાણિત થયું કે હેમિંગ્સનાં બાળકોમાં કમ સે કમ એક જેફરસનનું છે. અરે, સેક્રેટરી ઓફ ધ નેવી રોબર્ટ સ્મિથને લખેલા પત્રમાં જેફરસને એ સ્વીકાર પણ કર્યો છે કે એમણે પોતાની વિવાહિત પાડોસણ બેટ્સ વોકરનું ચરિત્રભંગ કરવાની કોશિશ પણ કરી હતી!

આધુનિક જીવનની સૌથી મોટી મૂંઝવણોમાંથી આ એક છે: સફળ શું છે અને સારું શું છે? મોટાભાગે લોકો એ વાતે ભ્રમિત થઇ જાય છે કે જે માણસ સફળ છે, એ સારો છે. પણ એવું જરૂરી નથી.

શું સારો માનવી અને સફળ માનવી એ બે જુદી ચીજ છે? આ સવાલને યોગ્ય રીતે સમજવા માટે આપણે એને બે ભાગમાં વહેંચી શકીએ: પહેલો હિસ્સો છે કે શું સારી વ્યક્તિ હોવા માટે સફળ હોવું જરૂરી છે? અને બીજું કે શું સફળ હોવું જ સારા હોવાનું પ્રમાણ છે? જ્યારે આ સવાલના જવાબ આપણે શોધી લઇશું ત્યારે જાણી શકીશું કે આપણી વાસ્તવિક ભૂમિકા શું હોવી જોઇએ.

એટલે કે આપણે સફળ બનવું છે કે સારા માનવી કે પછી કંઇ બીજું? શું સફળ હોવું જ વ્યક્તિ સારી હોવાની સાબિતી છે?

હવે સામાન્ય અર્થ સમજીએ કે સફળને જ સારું કેમ સમજવામાં આવે છે? એવું શું કારણ છે કે સફળ લોકોની બધી માનવીય ત્રુટિઓને ભૂલીને એમને જ આદર્શ માની લેવાય છે? ‘હાઉ મેન મેઝર્સ સક્સેસ’ના લેખક જિમ સ્મોક અને ડેવિડ હેઝાર્ડ અનુસાર એક સામાન્ય વ્યક્તિ માટે આર્થિક આત્મનિર્ભરતા, બહેતર જિંદગી, પાવર, લોકપ્રિયતા, પ્રતિષ્ઠા તથા સિદ્ધિ જે એમની પાસે નથી હોતી અને બીજી વ્યક્તિ પાસે હોય છે એ વાત જ એમને સ્વીકારવા માટે પ્રેરે છે કે બીજી વ્યક્તિ (જેમની પાસે બધું જ છે તે) સફળ છે.

સફળતા જાણે કે એક પડદાની જેમ કામ કરે છે. એ સફળ વ્યક્તિની ભૂલો-ખરાબીને ઢાંકી દે છે. ‘મેની ફેસિસ ઓફ ઇવિલ : હિસ્ટોરિકલ પ્રર્સ્પેક્ટિવ’ની લેખિકા એમિલી રોર્ટી અનુસાર સફળ વ્યક્તિને ખરાબી વગરની સમજી લેવી એ વધુપડતા આદર્શવાદ સુધી પહોંચી જવા જેવું છે.

એ પણ એટલું જ સત્ય છે કે બુરાઇના અસ્તિત્વને આપણું મગજ સારી રીતે સમજે છે અને એટલે જ એક સફળ વ્યક્તિની સફળતા આપણને એની વ્યક્તિગત ખરાબી કરતાં ઘણી વધારે પ્રભાવિત કરે છે. એટલે એક સફળ વ્યક્તિ સારી વ્યક્તિ હોવી જરૂરી છે, એ વાત આપણને એટલી મહત્વની નથી લાગતી.

તો હવે પહેલો સવાલ એ ઉદ્ભવે છે કે શું એક સારી વ્યક્તિ હોવા માટે તમારું સફળ હોવું જરૂરી છે? ‘હાઉ ગૂડ પીપલ મેક ટફ ચોઇસિસ’ના લેખક રુઝવર્થ એમ. કીડર કહે છે કે સારા હોવાની બસ ઇચ્છા હોવી એ જ સૌથી મોટી યોગ્યતા છે.

‘લીડિંગ વિથ કાઇન્ડનેસ: હાઉ ગૂડ પીપલ કન્સિસટન્ટલી ગેટ સુપિરિયર રિઝલ્ટ્સ’ના લેખક વિલિયમ એફ. બેકર અને માઇકલ ઓમેલેના શબ્દોમાં સારપ તો બસ એક ગુણ છે, જેને કોઇ પણ વ્યક્તિ કેળવી શકે છે. સૌથી ખાસ વાત તો એ છે કે એક સફળ વ્યક્તિની સરખામણીએ એક સારી-ઉમદા વ્યક્તિની સિદ્ધિ લાંબા ગાળા સુધી સ્મૃતિપટ પર સચવાય રહે છે.

એના કામની મર્યાદા પણ વ્યક્તિગત સ્તર કરતાં ઉપર હોય છે. લેખક નિક હોર્નબી અનુસાર સફળ વ્યક્તિ પોતાની સિદ્ધિઓથી ઓળખાય છે. જો કે આ સિદ્ધિઓ મૂળભૂતરૂપે ફક્ત એને ફાયદો પહોંચાડનારી હોય છે, પણ એક સારી વ્યક્તિનું કામ સ્વાર્થથી પર હોય છે.

ઇમેન્યુઅલ કાન્ટ કહે છે કે સારા હોવું એ ક્યારેય પણ સફળ હોવાનો વાયદો નથી કરતું. કોઇ વ્યક્તિ સારી હોવા છતાં સફળ નથી થઇ શકતી. એક સફળ વ્યક્તિ એકદમ સહજતાથી ખોટું કામ શી રીતે કરી લે છે? શું સારપ સફળતાના માર્ગમાં અવરોધ ઊભો કરે છે?

ખરી રીતે તો આ બધા સવાલ એક સારી અને સફળ જિંદગીની રૂપરેખા દોરવામાં મદદ કરે છે. એરિસ્ટોટલ અનુસાર સમૃદ્ધિ હોવા છતાં એક ઉમદા જિંદગી જીવવી એ વ્યક્તિનાં સદ્ગુણ અને વર્તન પર નિર્ભર કરે છે. જો કે કોઇ સદ્ગુણને સારી અને સફળ જિંદગીનો ફક્ત એક પર્યાય પણ માની શકે.

કેટલાક લોકો બેહદ મુશ્કેલ સમયમાં પણ સારપ નથી છોડતાં, પછી ભલેને નિષ્ફળતા જ કેમ ન મેળવવી પડે અને જે પણ તેઓ કરે એ એમને માટે નેગેટિવ સાબિત કેમ ન થતું હોય. આ સવાલ કેળવણીના મનોવિજ્ઞાન સાથે જોડાયેલો છે.

સ્વિટ્ઝરલેન્ડની યુનિવર્સિટી ઓફ ફ્રિબોર્ગમાં એજ્યુકેશનલ સાઇકોલોજીના પ્રોફેસર ફ્રિટઝ કે ઓસેર જણાવે છે કે જે લોકો સારપનો હાથ પકડે છે તે લોકો ઘણી વાર સમાજથી છૂટા પડી જાય છે અને નિષ્ફળ જિંદગી વિતાવે છે. અમેરિકી લેખક અને લેક્ચરર માર્ક ટ્વેનનું કહેવું હતું: ‘સારા બનો... અને તમે એકલા રહી જશો.’

મનોવિજ્ઞાની લીઝા હેટરસ્લે કહે છે, સફળતા સ્વ-સંતુષ્ટિનું માઘ્યમ છે અને એ નૈતિકતાને નથી સમજતી. સ્વ-સંતુષ્ટિથી પ્રભાવિત લોકો માટે સફળતા જ સર્વોપરી હોય છે અને તેઓ અંતરાત્માનો અવાજ સાંભળવાનું બંધ કરી દે છે અથવા તો બીજા શબ્દમાં કહીએ તો તેઓ મૂલ્યોથી અજાણ હોય છે.

ઓસ્ટ્રેલિયાના પ્રોફેસર લુઇ સી. પેરી અને ડેવિડ પેરીએ બાળકો પર સંશોધન કર્યું. બાળકોને એમણે બે વિભાગમાં વહેંચી દીધાં. એક જૂથને ખુશ રહેવા માટે જેટલું મન હોય એટલી છૂટનો અવસર આપ્યો, જ્યારે બીજા જૂથને જણાવ્યું કે જાત પ્રત્યે વધુ આસક્તિ સારી નથી.

જે બાળકોને આ વાતની જાણકારી નહોતી કે વધુ આસક્તિ નૈતિક સંસ્કારોનું દમન કરે છે, તેઓ સફળતા મળતાં જ સ્વ-સંતુષ્ટિથી ધરાઇ ગયાં, પણ જે બાળકો પર દબાણ લવાયું હતું એમનામાં આસક્તિની લાગણી ઓછી મળી. પેરી કહે છે કે સફળતા સંતુષ્ટિ આપવાનું કામ કરે છે, અને એમાંય જ્યારે તમને એ વાતનું અજ્ઞાન હોય કે વધુપડતો આત્મસંતોષ નૈતિકતાને જખમી કરી શકે છે.

મોર્ગન ડબલ્યૂ મેકકોલ જુનિયર નામના લેખક કહે છે, સાવ સાદી વાત છે કે અનીતિ તમને ઝડપથી સફળતા સુધી પહોંચાડે છે. ઉદાહરણ તરીકે, મિડિયા ટાયકૂન રૂપર્ટ મર્ડોક. એણે સફળતા મેળવવા માટે પરિસ્થિતિ, આસપાસના લોકો અને સંવેદનાઓને ખૂબ વટાવ્યાં. કદાચ શક્ય છે કે નૈતિક મૂલ્યો જાળવી રાખી તેઓ સાથે આવી સફળતા ન મેળવી શક્યા હોત.

તો શું એનો અર્થ એમ કે અચ્છાઇ સફળતાના માર્ગમાં અવરોધ ઊભા કરે છે? એનો જવાબ આપતાં મોર્ગન કહે છે, ‘એને બાધક તો ન કહી શકાય, પણ એ ધૈર્ય રાખવાની સાથે ઘણું બધું ગુમાવી બેસવાની તૈયારી માગી લે છે. જો કે ત્યાર પછી પણ સફળતાની કોઇ ગેરેંટી નથી હોતી પણ વ્યક્તિ પોતાની નૈતિકતા બાબતે મક્કમ હોય તો એ એની સાથે જ સંતુષ્ટ રહી શકે છે.’

નૈતિકતાની કસોટી પર ખરા ઊતરવું જ મોટામાં મોટું કામ છે, જે સફળ લોકોના વશમાં ન પણ હોય. જીવનમાં પૈસા, પ્રસિદ્ધિ અને શક્તિ મેળવવાં શક્ય છે, એ એટલું મુશ્કેલ કામ નથી, પણ પોતાના સદ્ગુણોને સાચવી રાખવા એટલું જ અશક્ય.

દસ કામ બગડ્યાં પછી પણ સત્યનો તમે સાથ ન છોડો અને અગિયારમી વાર પણ સજા પામો અને તે પછી પણ સત્ય બોલવાનું સાહસ રાખો તો તમે સારા છો. પ્રસિદ્ધ અંગ્રેજી કવિ, સાહિત્યિક, વિવેચક, અનુવાદક અને નાટ્યકાર જોન ડ્રાઇડેન કહે છે, ‘આ દુનિયામાં ફક્ત થોડા લોકો પોતાની સારપ વિશે જાણે છે અથવા તો સમજે છે કે સારપ એણે શોધવાની છે.’ અમેરિકી નિબંધકાર, કવિ અને દાર્શનિક હેન્રી ડેવિડ થોરો કહે છે, ‘અચ્છાઇ એકમાત્ર રોકાણ છે, જે ક્યારેય પણ નકામું નથી જતું.’

સચ્ચાઇની હત્યા

ઇકબાલ મસીહ એક પાકિસ્તાની છોકરો હતો. એની જિંદગી દુ:સ્વપ્ન જેવી હતી. ફક્ત ચાર વર્ષની ઉંમરે એના પિતાએ થોડા રૂપિયાની લાલચમાં એને ગાલીચા બનાવનારી ફેકટરીના માલિકને વેચી દીધો. ઇકબાલ હવે એક ગુલામ હતો. કારખાનાની ગૂંગળાવી નાખતી હવામાં દસ વર્ષનો થયો ત્યાં સુધી એણે કામ કર્યું.

એક દિવસ મોકો મળતાં જ ત્યાંથી ભાગી છૂટ્યો. એક સેવાભાવી સંસ્થા ચલાવતા અહસાન ઉલ્લા ખાને એને બચાવ્યો. એને યાદ નહોતું કે કારખાનામાં હતો ત્યારે છેલ્લું ભરપેટ ભોજન ક્યારે ખાધું હતું. એને બાંધી દેવાતો. સતત ૧૨ કલાક કામ કરવું પડતું. એની કરોડ રજ્જુ વાંકી વળી ગઇ હતી, ફેફસાં ખખડી ગયાં હતાં.

ઇકબાલ બોન્ડેડ લેબર લિબરેશન ફ્રન્ટના સભ્ય બની ગયા. એણે પોતાના ભાષણોથી પાકિસ્તાનમાં ચાઇલ્ડ લેબર સામે અવાજ ઉઠાવ્યો. બાર વર્ષની ઉંમરે એમની આંતરરાષ્ટ્રીય ઓળખ ઊભી થવા માંડી, પછી તો તેમને રિબોક હ્યૂમન રાઇટ એવોર્ડથી નવાજવામાં આવ્યા.

એમની વધતી પ્રખ્યાતિને લીધે ગાલીચા બનાવવાના વ્યવસાયમાં થતો બાળકોનો ગેરકાયદેસર ઉપયોગ મુશ્કેલ બનવા લાગ્યો. ૧૬ એપ્રિલ, ૧૯૯૫ના રોજ ઇકબાલની ગોળી મારી હત્યા કરી દેવાઇ. એમણે સત્યની એવી લડાઇ લડી જેને લીધે ધૂળભરી અંધારી ફેક્ટરીઓમાં બાળકોએ પીડાવું ન પડે. ઇકબાલ શબ્દ આજે પણ એટલો જ જીવંત છે. ઇકબાલ જેવા લોકોને લીધે જ આપણને લાગે છે કે આપણે પરિસ્થિતિને બદલી શકીએ છીએ.