Showing posts with label ટૂંકી વાર્તા. Show all posts
Showing posts with label ટૂંકી વાર્તા. Show all posts

Friday, August 12, 2011

ઝફરનો ખજાનો – રશ્મિકાન્ત દેસાઈ


ગુજરાતના એક મોટા શહેરમાં કેંદ્ર સરકારની કર્મચારી વસાહતમાં રમેશભાઈ રહેતા હતા. તેમના પડોશી રહીમભાઈ સાથે તેમને ઘણો સારો સંબંધ થઈ ગયો હતો. રમેશભાઈને પિંકી નામની એક પુત્રી અને ચિરાગ નામે એક પુત્ર હતા. પિંકી આશરે પંદર વર્ષની હતી જ્યારે ચિરાગ ત્રણેક વર્ષનો હતો. રહીમભાઈને એક જ પુત્રી સલમા લગભગ ચૌદ વર્ષની હતી. પિંકી અને સલમા ગાઢ મિત્રો બની ગયા હતા.

રજાના એક દિવસની સાંજે બંને કુટુંબો તેમના આંગણામાં ખુરશીઓ નાંખી વાતો કરતા બેઠા હતા. થોડું થોડું અંધારૂં થવા આવ્યુ હતું. ચિરાગને બાથરૂમ જવાનું થયું. પણ એકલા ઘરમાં જવાની તેની હિંમત ચાલતી નહોતી. તેણે પિંકીને સાથે જવા કહ્યું. પણ રમેશભાઈએ ના પાડી. પૂછ્યું, ‘કેમ ચિરાગ તને શાની બીક લાગે છે?’. ચિરાગ કહે ‘ભૂતની’. રમેશભાઈ કહે, ‘જો, ભૂતબૂત કશું હોતું નથી. તું તારે ભગવાનનું નામ લઈ જઈ આવ.’ ચિરાગ તો ગયો.

Sunday, January 30, 2011

ટૂંકી વાર્તા


મા કેમ મરી ગઈ? – કોઈચી એગુચી (14 વર્ષનો છોકરો)



{ વાત થોડીક જૂની છે, જાપાનના પહાડોની ગોદમાં યામામોટો નામનું નાનકડું ગામડું વસેલું છે, બીજા વિશ્વયુધ્ધ પછી આ શાળામાં ફરજીયાત અભ્યાસ શરૂ કરાયો છે, પણ શાળામાં છાજલી વરસાદ અને બરફ વર્ષાની રાહ જોઈને ઉભી છે, કોઈ સાધનો નથી, નકશા નથી, સંદર્ભગ્રંથો નથી, પુસ્તકો નથી, દરેક વિષયનું એક પાઠ્યપુસ્તક, પાટી અને ચોક છે. પણ શાળાની સૌથી મોટી મૂડી તેના વિદ્યાવ્યસની વિદ્યાર્થીઓ અને લગની વાળા શિક્ષકો છે. પહાડના બાળકોની આ માનીતી શાળા છે, અને તેના માટે એ બધી મુસીબતો વેઠે છે. સેઈક્યો મુચાકુ નામના ૨૪ વર્ષના શિક્ષક પોતાના દેશની – ગામની હાલત એ નિશાળીયાઓ સમજે, સુધારવાની તમન્ના જાગે એ માટે તે મહેનત કરે છે. પોતાના જીવનના કોયડાઓ, મુસીબતો અને સમાજ માટેના ખ્યાલો વિશે જાણવા તે વિદ્યાર્થીઓ પાસે નિબંધ લખાવે છે, છોકરાઓએ ગામડાનું જીવન જેવું જોયું, એવું આલેખ્યું. આ લખાણોમાં એ બાળકોએ એમના જીવનનું, આસપાસના વાતાવરણનું હૂબહુ પ્રતિબિંબ પાડ્યું છે, જાપાનમાં એક સમયે સહુથી વધુ વેચાતી, વંચાતી અને ચર્ચાતી આ નાનકડી પુસ્તિકા એટલી પ્રખ્યાત થઈ કે જાપાનના શિક્ષણ પ્રધાને એ ગામ સુધીની સફર ખેડીને એ ગામઠી શાળાના શિક્ષકો – બાળકોને શાબાશી આપી. આ ચોપડી પરથી ફિલ્મ પણ ઉતરી, “ઈકોઝ ફ્રોમ એ માઊન્ટેન સ્કૂલ”. કોઈચી એગુચી નામના ૧૪ વર્ષના એક કિશોરની વાત મને ખૂબ સ્પર્શી ગઈ, આજે પ્રસ્તુત છે એ કિશોરના મનોભાવો.

શ્રી મહેન્દ્ર મેઘાણી અને લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ખીસ્સાપોથી, “પહાડી નિશાળના પડઘા”, મૂળ સંપાદક શ્રી સેઈક્યો મુચાકુ, ગુજરાતી અનુવાદ શ્રી મહેન્દ્ર મેઘાણી – માંથી સાભાર. }

બા ગુજરી ગઈ તેને કાલે પાંત્રીસ દિવસ થશે. આજા આખો દિવસ મને બાના ને અમારા ઘરની દુર્દશાના જ વિચાર આવ્યા કર્યા છે. અમે એટલા બઘા ગરીબ છીએ કે કાલ પાંત્રીસમા દિવસની વિઘિ ઊકલી ગયા પછી કાકા મારા નાના ભાઈને લઈ જશે ને એને દત્તક લઈ લેશે. ભાઇ જતો રહે તે મને બહુ વસમું લાગે છે. એવો ડાહ્યો છોકરો છે, ને હું જેમ કહું તેમ કરે છે! મારી નાની બહેન સુએકોને બીજા કાકા દત્તક લેવાના છે. પણ બા ગુજરી ગઈ ત્યારનું એને ઉટાંટિયું થયું છે તે મટશે પછી જ એ કાકાને ઘેર જશે. પછી ઘરમાં રહેશું, દાદી ને હું- બે જ જણ. 74 વરસનાં દાદી બે જણનું રાંઘણું યા માંડ માંડ રાંઘે છે. બા એ અમને બઘાં ભાંડરડાંને ભેગાં રાખવા બહુ મથામણ કરી; પણ હવે એ ગઈ, ને અમે વેરણછેરણ થઈ જવાનાં. 2/3એકરની અમારી જમીન છે – તેમાં ઘર ને ખેતર બઘું આવી જાય. બાપા ગુજરી ગયા પછી એટલી જમીનમાંથી અમારો રોટલો પેદા કરવા બાએ એકલે હાથે ખૂબ મહેનત કરી. હવે મારે એ જમીના ઉપર મજૂરી તો કરીને દાદીનો ને મારો ગુજારો કરવાનો આવ્યો છે. બાને એક હોંશ હતી કે હું ઝટ મોટો થઈને એને કામમાં મદદ કરું. એના શરીરમાં તો ઝાઝું કૌવત મળે નહિ, પણ અમારાં પેટ ભરવા અને સરકારી કરા વેરા ભરવા એણે કામ ખેંચ્યે રાખ્યું. છેલ્લા દિવસોમાં, શુદ્ઘિ રહી નહિ તે પછી પણ, એ ગણગણતી હતી: “લાકડા વીણી આવ્યા?” ;”ગાજરની સુકવણી કરેલી તેને મીઠું ને ચોખાનો આથો ચડાવ્યો?”;લીલાં શાકને અથાણું કરવા ઘોઈને તૈયાર રાખ્યા?” કોઈ રોગને લીઘે મા મરી ગઈ તેનાં કરતાં આ ઢોર મજૂરીમાં જા એ ઉકલી ગઈ, એમ મારું મન તો કહ્યા કરે છે. એને મદદ કરવા હું મથામણ તો ઘણીય કરતો, ને નિશાળ પડતી મૂકીને ઘેરા રહેતો. પણ માને માથે કામનો કેવો ડુંગર જેવડો બોજો હતો તેની તો, મરણપથારીએથી એ જે બબડતી હતી તે સાંભળીને જ મને ખબર પડી. એ શબ્દો મારાથી સાંભળ્યા જતા નહિ એટલે,બા પાસે બેસવાનું મન હતું છતાં, હું દોડીને કામે ચડી જતો.

12મી નવેમ્બરે, બાના મરણના આગલા દિવસે, જંગલ માંથી લાકડાં લાવવામાં પાડોશીઓએ મને મદદ કરી. એમની મદદ વિના મારું કોણ જાણે શું યે થયું હોત! તા.13મીએ ગામની ઈસ્પિતાલમાંથી સંદેશો આવ્યો કે બા છેલ્લાં ડચકાં ભરી રહી છે.

એની પથારીની આજુબાજુ અમે બઘાં ભેગાં થયાં ત્યારે મેં બાને વાત કરી કે લાકડાં લાવવામાં પાડોશીઓએ મને કેવી મદદ કરી હતી. સાંભળીને બા હસી: હું જીવીશ ત્યાં સુઘી એનું એ હસવું ભુલાશે નહિ. ખરી રીતે, ત્યાર પહેલાં કોઈ દી મેં બાને હસતાં જોયેલી પણ નહિ.

બાની જિંદગીમાં હસવા જેટલું સુખ હતું નહિ. પરણી ને આવી ત્યારથી, ને ખાસ તો બાપા ગુજરી ગયા પછી, એનું શરીર ને એનો આત્મા કુટુંબને ટકાવી રાખવાની હોડમાં ઊતર્યા હતા- ને હારતાં જતાં હતાં. દિવસોના દિવસો સુઘી, મહિનાઓ સુઘી, વરસો સુઘી,અમારી હાલત સુઘારવા એ જાણે કે જુદ્ઘે ચડી હતી. સરકારી મદદ ના લેવી પડે તે માટે એણે કાળી મજૂરી કરીને કાયા ઘસી નાખેલી.પણા માથે દેણું વઘતું જતું હતું. એટ્લે છેવટે 1948માં એ અને દાદી ગામની સરકારી કચેરીએ મદદ માંગવા ગયાં. તે દિવસથી બા જાણે બદલાઈ જા ગઈ. અમે સરકારી મદદ ઉપર નભતાં હતાં એ વાત બા ને દાદી વારેઘડીએ અમને યાદા કરાવતાં.

તે પછી એકા વરસ ને નવ મહિને માંદી બાની હાલત એવી થઈ કે પથારીમાંથી ઉઠાય પણ નહિ. જો કે એતો કીઘા જ કરે કે, થોડા દિવસામાં હું હરતી ફરતી થઈ જઈશ. પણ એની હાલત બગડતી જ ચાલી. દાદીમા વારેવારે કહે કે દાક્તરને બોલાવીએ. પણ બાના પાડે કે, આપણને દાક્તર પોસાય ક્યાંથી? “એતો એવો વખતા આવે,” દાદીમા કહેતાં:” તો ખેતર વેચીને યા દવા કરાવવી પડે.” પણ ખેતર કદી વેચાયું નહિ,ને બા સાજી થઈ નહિ.

એક દિવસ બાજુમાંથી તારોસાન આવેલા તેમણે દાદીમાને દાક્તરની વાત કરતાં સાંભળ્યાં. એ તો ચોંકી ઊઠ્યાં: ‘તે શું હજી સુઘી તમે દાક્તરને તેડાવ્યા નથી? તમને ખબર નથી કે સરકારી મદદ જેને મળતી હોય તેને દાક્તરી મદદ પણ મફત મળે છે? હમણાં જ જઈને હું દાક્તરને મોકલું છું.”

દાક્તરે બાને તપાસીને કહ્યું કે એને તરત ઇસ્પિતાલે લઈ જવી પડશે; એના હ્રદયમાં ભારે રોગ પેસી ગયો હતો. ‘ઇસ્પિતાલ’નું નામ સાંભાળતાં જ ઘરમાં ફફળાટ થઈ જતો,કારણકે દરદીની સંભાળ રાખવા ઘરના બઘા બીજા કોઈ માણસને પણ એની સાથે ત્યાં જવું પડે. મેં સાંભળ્યું છે કે પરદેશની ઈસ્પિતાલોમાં નર્સો જ દરદીની બઘી સંભાળ રાખે છે.અને ઇસ્પિતાલના રસોડમાં જ બઘાં દરદીની રસોઈ થાય છે.આ તો બહુ સરસ ગોઠવણ કહેવાય.એવું જાપાનની ઇસ્પિતાલોમાં પણ થાય તો કેવું સારું!

પહેલો સવાલા મારે એ ઊભો થયો કે બાની સંભાળ રાખવા ને એની રસોઈ કરવા ઇસ્પિતાલમાં કોણ જાય? જો હું જાઉં તો કામા કરનારું કોઈ રહે નહિ. ત્યારે, દાદી તો બહું ઘરડાં હતાં. બાકી રહી નાની સુએકો. પણ એ નવ વરસની છોકરી, માંદાની માવજાતના કાંઈ અનુભવા વિનાની, કેવી રીતે દરદીનું બીજું બઘું કામ કરે? પણ બીજું કોઈ તો હતું જ નહિ; સુએકોને મોકલ્યા વિના છૂટ્કો જ નહોતો.

દાક્તર અમારે ઘેર જ્મ્યા, તે પછી ગયા, એટલે હું ને દાદી બાને ઇસ્પિતાલે પહોંચાડવાની તૈયારીમાં પડ્યાં.

વળતે દિવસે, કાકા કોઈની સાઇકલ-રિક્ષા માગી લાવ્યા. એમાં અમે ગાદલાં પાથર્યા, ને બાને એની ઉપર સુવડાવી. ગોદ્ડું ઓઢાડ્યું. એ બઘાંની ઉપર પાછો ચીકણો કાગળ પાથરી દીઘો – એટલે વરસાદ ના લાગે. પછી બાના મોઢા ઉપર રહે તેવી રીતે એકા ખુલ્લી છત્રી રિક્ષા ઉપર અમે બાંઘી; અને પછવાડે શાકભાજી, ચોખા ને ઠામવાસણ બાંઘ્યાં. ઇસ્પિતાલે પહોંચતાં પહોંચતાં બાને બહુ હડદા લાગ્યા; પણ એણે ઘીરજથી સહન કર્યે રાખ્યા. બા ઇસ્પિતાલમાં જઈને સારવાર પામશે એ વિચારે હું રાજી થયો. પણા પછી ખેડનાં કામનો બઘો ભાર માથે આવ્યો. બાની પાસે જવાનું ઘણુંયે મન થાય, પણા વખત જ ના મળે. એમાં નિશાળે જવાનો તો સવાલા ક્યાંથી આવે?

કામ ખેંચ્યે રાખવા સિવાય મારે બીજો કોઈ રસ્તો નહોતો, એ દિવસોમાં પછી ગામનાં લોકો મને મદદ કરવા લાગતાં, નવેમ્બર ૧૩મીએ બા ગુજરી ગઈ.

મારા વર્ગના છોકરાઓએ અંતિમ સંસ્કાર માટે થોડા પૈસાનું ઉઘરાણું કર્યું હતું, એ છોકરાઓને લઈને અમારા બે શિક્ષક સ્મશાનમાં આવ્યાં હતાં, અંતિમ સંસ્કારનો બધો ખર્ચ ચૂકવાઈ ગયા પછી દાદી કહે કે, “હવે આપણી પાસે ૭૦૦ યેન રહ્યા છે, તારા બાપા ગુજરી ગયા ત્યારે તો ઘરમાં આટલાય પૈસા નહોતા.” પણ અમે કરજ ચૂકવવા માંડ્યા તો ૭૦૦૦ યેન તો ચટ થઈ ગયા ને ઉલટું ૪૫૦૦ યેન નું દેવું માથે રહ્યું.

આ બધો વિચાર કરતા મને મારા બાપા મરી ગયા તે દિવસો યાદ આવ્યા, ત્યારે હું હતો છ વરસનો જ્ પણ મને બધું યાદ છે, બાએ ને દાદીએ એની વાતો એટલી બધી વાર મારે મોઢે કરી છે કે મારાથી એ ભૂલાય જ નહીં. બાપા ગયા પછી બીજે દિવસે ઘરમાં ચોખા ક્યાંથી આવવાના હતા તેની બાને કે દાદીને ખબર નહોતી. એ બેઊ મંડ્યા ઘાસની સપાટ બનાવવા, ને એના બદલે ચોખા લઈ આવ્યા, એ દિવસોમાં જેટલી સપાટ એ બનાવે તેના છ શેર ચોખા મળે. બા કહે કે, સપાટના એ ભાવ સારા કહેવાય. ઘરમાં અમે નાનાં છોકરાં હતાં તેથી રોજના ચાર શેર ચોખાથી અમારે થઈ રહેતું. એ રીતે ધીમે ધીમે અમારી પાસે થોડીક સિલક ભેગી થવા માંડી.

તનતોડ મજૂરી કરી અમે દિવસ કાપતાં, બા ને એમ કે હું મોટો થાઊં ત્યાં સુધી જેમતેમ કરીને ખેંચી નાખીએ તો પછી વાંધો નહીં આવે. કેટલીયે વાર બા કહેતી કે “કોઈચી મોટો થઈને આપણને કામમાં મદદ કરશે પછી તો આપણે બધું દેવું માથેથી ઉતારી નાખીશું.”

બસ બા નાં જીવનમાં આ એક જ વાતની શાતા હતી, પણ એનું એ સ્વપ્ન કદી સાચું પડ્યું નહીં, ગરીબીએ એને ભીંસી જ નાખી. ગમે તેવી કાળી મહેનત કરે તો પણ કાંઈ વળતું નહીં, બા શું ખરેખર એમ માનતી હશે કે ભણી ગણીને કામે પડીશ એટલે અમારી હાલત સુધરી જશે? આખરે તો, બાએ જે કર્યું તેથી વધારે હું શું કરી શકવાનો હતો? આવા બધા વિચારો આડે મને ઉંઘ પણ આવતી નથી. બહુ બહુ વિચાર કરીને પછી એક યોજના બનાવીને અમારા માસ્તરને મોકલવાનું મેં નક્કી કર્યું.

આવતે વરસે મિડલ સ્કૂલમાં મારું છેલ્લું વર્ષ છે, ફરજિયાત ભણતર ત્યારે પૂરું થશે. મારે વરસ આખું નિયમિત નિશાળે જવું છે, તે પછીના વરસે હું થાય એટલી મહેનત કરીને અમારું દેણું ચૂકવીશ, કો’ક દી’ય જો મારી પાસે પૈસા બચશે તો એમાંથી મારે ચોખાનું એક ખેતર લેવ્ છે. અત્યારે તો અમારા ખેતરમાં એકલાં શાકપાન ઉગે છે, એટલાથી અમારું પૂરું થાય નહિં. મારે નવું નવું ભણીગણીને હુશિયાર થવું છે; એટલે પછી બકરાની જેમ કોઈ ચારો નીરે ત્યારે ખાવાને બદલે હું માણસની જેમ કામ કરી શકું.

પણ આ બધી યોજનાનો મેં ફરી વિચાર કર્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી કેટલી બધી ભૂલ થતી હતી. પહેલા તો ચોખાનું ખેતર લેવા જેટલા પૈસા જ હું ક્યાંથી બચાવી શકવાનો હતો? વળી હું જે ખેતર ખરીદું તે બીજા કો’ક કુટુંબ પાસેથી જ આવવાનું ને ? એટલે પછી એ બાપડાં આજે અમે છીએ તેવા જ ગરીબ થઈ જવાનાં ને ?

હજી તો અમારે માથે કરજ ઉભા છે, દાદીમાનો, મારો ને નાના બે ભાઈ બહેનનો ગુજારો કરવાનો કોઈ રસ્તો નથી. એટલે તો એ બેયને દત્તક લેવાનું અમારા કાકાને કહેવું પડ્યું. પણ એ બે ન હોય તો યે બે ટંક ખાવાના જ અમારે મહિને ૨૦૦૦ યેન જોઈએ. લૂગડાં ને બળતણ તો જુદાં. એ ઉમેરીએ તો તો ૨૫૦૦ યેન થઈ જાય. અમારા ખેતરમાં તમાકુ થાય છે, તેની આવક અને સરકારી મદદ બેયની મળીને એટલી રકમ થાય, પણ પેલા દેણાં તો ઉભાં ને ઉભાં જ રહે છે. એટલે ચોખાનું ખેતર ખરીદવાની મારી રૂડીરૂપાળી યોજના સ્વપ્ન જેવી જ રહેશે.

અમે ગરીબ છીએ એ કાંઈ અમારી અશક્તિ કે આળસને લીધે નથી. અમારી પાસે પૂરતી જમીન નથી એ એક જ એનું કારણ છે. પાંચ જણનું કુટુંબ પોણા એકરના ટુકડા ઉપર કેમ કરીને નભી શકે? અમારા નસીબમાં આખરે તો ગરીબી જ મંડાયેલી રહેશે. બાપાના નસીબમાં એ હતી, બાના નસીબમાં યે હતી ને મારા નસીબમાંયે કદાચ એ જ રહેશે.

૨૯મી નવેમ્બરે મારા માસ્તરે ને હેડમાસ્તરે મને બોલાવ્યો ત્યારે મારા નસીબમાં શું મંડાયું હશે તે તેમને પૂછવાનો મારો વિચાર હતો પણ હજી હું કાંઈ બોલું તે પહેલા મચાકુભાઈએ પૂછ્યું તમે હજી રોજ ડુંગરામાં લાકડા વીણવા જાવ છો? શિયાળો આખો ચાલે એટલાં લાકડાં ભેગાં કરતાં તમને કેટલા દિવસ લાગશે? ને લાકડા લાવ્યા પછી તમારા ઘરનું શું શું કામ બાકી રહેશે?”

એમને મેં કહ્યું કે, “પાડોશીઓ મને મદદ કરે છે તે છતાં હજી મારે ઘણું બળતણ લાવવાનું બાકી છે. ને તે પછી તમાકુના પાન વીણીને તેને ચપટાં બનાવવાનાં છે.”

“એમાં કેટલાં દિવસ લાગશે?” એમણે પૂછ્યું.

“કોણ જાણે ! મને તો ખબર પડતી નથી” મેં કહ્યું.

“વરસ આખાનાં બઘાં કામનો હિસાબ રાખવો જોઇએ. તો જ આપણને ખબર પડે કે શેમાં કેટલો વખત જાય છે. આજથી જ નોંઘ રાખવા માંડજો!… હ્ં, તો પછી ક્યું કામ બાકી રહેશે?”

“બરફ પડવા માંડે તે પહેલાં ઘરનાં છાપરાં ઉપર સાદડી લગાડવાની છે. તે પછી મારે નિશાળે અવાશે.”

“તો તો પછી આ સત્રમાં થોડાક દિવસ જ તમે નિશાળે આવી શકશો;” માસ્તર બોલ્યાઃ “એ તો કામ ન જ આવે. જુઓ, કાલે તમે ચોખાનું ‘રેશન’ લેવા જાવ ત્યારે નિશાળે આવજો. મહિના દીથી તમે નિશાળે નથી આવ્યા. બઘા છોકરાઓને તમારે મળવાનું છે; તમારી બા ગુજરી ગયાં ત્યારે એમણે જે મદદ કરેલી તે માટે એમનો ઉપકાર માનવાનો છે. કાલે તમે આવો ત્યારે તમારા કામનો એક નકશો બનાવીને લેતા આવજો; હું એમની ઉપર નજર નાખી જઈશ.”

એ શબ્દો સાંભળીને મારી છાતી ઉપરથી જાણે મોટો ભાર ઓછો થયો. ક્યા કામમાં કેટલા દિવસ જશે તે બતાવતો કોઠો તૈયાર ક્ર્યો ત્યારે મેં જોયું કે માસ્તર કહેતા હતા તેમ ડિસેમ્બર મહિનાના છેલ્લા એક-બે દિવસ રહે ત્યારે જ હું નિશાળે જઈ શકવાનો હતો.

બીજે દિવસે એ કોઠો લઈને હું નિશાળે ગયો; મુચાકુભાઈન એ એ બતાવ્યો.

થોડી વાર સુઘી એમણે એ કાળજીથી જોયો; ને પછી કહ્યું;”તમે – તોઝાબુરો, સોજુ, શુનિચિ અને સુતોમુ – તમે જરા શિક્ષકોના ઓરડામાં લઈ જાવ, ત્યાં હું આ આવ્યો.”

ત્યાં આવીને એમણે મારા કામનો કોઠો તોઝાબુરોના હાથમાં મુક્યો, ને કહ્યું ;”આ તમને કેમ લાગે છે?”

તોઝાબુરોએ વાંચીને બીજાના હાથમાં મુક્યો. બઘાં વાચી રહ્યાં પછી શિક્ષક બોલ્યાઃ “કાં, કેમ લાગે છે?”

“અમે બઘાં ભેગા મળીને એ કામ ઝપાટામાં ઉકેલી નાખશું;” તોઝાબુરો બોલ્યોઃ “કાં અલ્યાવ, નહિ કે? તે પછી કોઈચી પણ આપણી જેમ નિશાળે આવી શકશે.”

બીજા છોકરાઓએ હસતે મોઢે ડોકાં ઘુણાવીને હા પાડી. હું કાંઈ બોલી શકયો નહિ.આંખમાંથી પાણીઊભરાતાં હતાં તેને રોકી રાખવા હું પાંપણ પટપટાવ્યે જતો હતો.

“પણ કામ બરાબર પાકું થાય તેનું ઘ્યાન રાખજો, હો!” શિક્ષક બોલ્યાઃ સહુ ભાગે પડતું વહેંચી લો, ને ઝપાટાબંઘ પૂરું કરી નાખો.”

હવે આંસુ રોક્યાં રોકાયા નહિ; લાજશરમ મૂકીને એ મારા ખોળામાં ટપક્યાં.

૩જી ડિસેમ્બર ને શનિવાર આવ્યો ત્યાં સુઘીમાં નિશાળના છોકરાઓએ ને થોડાં ગામલોકોએ મળીને મારું તમામ કામ આટોપી નાંખ્યું હતું. નિશાળે ક્યારે જવાશે તેની ચિંતા હવે મારે રહી નહોતી. કેવા સારા શિક્ષક ને કેવા મજાના દોસ્ત મને મળ્યા છે!

બા ગુજરી ગઈ એનો કાલે પાંત્રીસમો દિવસ છે. એના આત્માને આ બઘી વાત હું કહીશ. બાને હું વચન આપીશ કે, હું ખૂબ ખૂબ મહેનત કરીને ભણીશ; ને ભણીગણીને હું શોઘી કાઢીશ કે બા આટઆટ્લું વૈતરું કરતી છતાં તેમાંથી કેમ ઊપજતું નહિ? બીજાં લોકો એની જેમ મિનિટે- મિનિટ મજૂરી કરે છે તોય એમના ગુજરાન જેટલું એ કેમ રળી શકતાં નથી? ભણીગણીને બીજું મારે એ શોઘી કાઢવું છે કે જે માણસ મને પોતાનું ખેતર વેચે તેને મુસીબતમાં મૂક્યા વિના હું ચોખાનું ખેતર કઈ રીતે ખરીદી શકું?

અમારી શાળામાં ટોશીઓ નામનો બીજો એક છોકરો છે. એના ઘરની હાલત તો મારા કરતાંય ખરાબ છે. એને તો ત્રીસે દી ને બારે ય મહિના ડુંગરામાંથી લાકડાં ઘસડી લાવવાની ને કોલસા પાડવાની મજૂરી કરવી પડે છે. એટલે એ ક્યારેક જ નિશાળે આવે છે. અમે બઘાં ભેગા મળીએ તો બીજા છોકરાઓએ મને મદદ કરી તેમ કદાચ એને પણ અમે મદદ કરી શકશું.

- કોઈચી એગુચી (14 વર્ષનો છોકરો)