સતત દબાવી દે તેવા પ્રતિકુળ સંજોગો વચ્ચે વ્યક્તિત્વનો થતો વિકાસ અને પ્રગતી એનું નામ જીવન – સ્વામી વિવેકાનંદ.
જીવન શું છે? જીવન એક પડકાર છે. પ્રત્યેક ક્ષણે જીવવા માટે સંઘર્ષ કરવો પડે છે. નબળાને દબવી દેવા માટે સબળો હંમેશા તત્પર રહે છે. નાના નાના પ્રાણીઓનો મોટાં પ્રાણીઓ શિકાર કરે છે. નાની માછલીઓને મોટી માછલીઓ ખાઈ જાય છે. નાના નાના ઉધ્યોગગૃહોને બહુ-રાષ્ટ્રીય કંપનીઓ હડપ કરી જાય છે. પ્રાણી માત્રને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સતત સંઘર્ષ કરવો પડે છે. જે વ્યક્તિ, કુટુંબ, સમાજ, જાતી, સમૂહ, પ્રજા અને દેશ સતત પડકારોને જીલતાં રહીને અવિરત સંઘર્ષ કરે છે તેઓ જ માત્ર પોતાનું અસ્તિત્વ ટ્કાવી રાખવા માટે સક્ષમ બને છે.
કોઈ કાયમને માટે ક્યારેય નીંરાત ન અનુભવી શકે. આટલાં રુપિયા કમાઈ લીધા એટલે હાશ કે આટલું જાણી લીધું એટલે હાશ તેવું થઈ શકતું નથી. પ્રકૃતિની પકડમાંથી કોઈ છટકી શકતું નથી. કોઈ આર્થિક વિકાસ સાધી લે તો પ્રકૃતિ તેને હોનારત અને મહામારીના એક જ પ્રહારથી જમીનદોસ્ત કરી શકે છે. કોઈ શારિરિક વિકાસ પ્રાપ્ત કરી લે તો પ્રકૃતિ તેને આર્થિક રીતે ભીંસમાં લેશે. કોઈ બૌદ્ધિક વિકાસ સાધી લે તો પ્રકૃતિ તેના પર જાતજાતના આરોપો અને લાંછન લગાડીને તેને સકંજામાં લેશે. અહીં કોઈને સંપૂર્ણ સુખી જોવા તે આકાશ કુસુમવત છે.
તો આ સતત પડકારોનો સામનો કઈ રીતે કરશું? તેનો જવાબ છે સતત પોતાનું આંતરિક સત્વ મજબુત કરતા જવું. સ્વામી વિવેકાનંદ કહે છે કે – બાહ્ય પરિસ્થિતિ પર આપણો ભલેને બિલકુલ કાબુ ન હોય પણ આપણી આંતરિક પરિસ્થિતિ પર કાબુ મેળવવો તે તો આપણાં હાથની વાત છે. અને જે વ્યક્તિ મજબુત મનનો, વિશાળ હ્રદયનો અને સાથે સાથે સતત પોતાની બૌધ્ધિક ક્ષમતા વિકસાવવા માટે કૃતનીશ્ચયી હોય જે દૃઢ નીતીમાન અને ચારિત્ર્યવાન હોય તેની પર લોકો ગમે તેટલો કાદવ ઉછાળે તો પણ તે સતત પોતાના હોઠો પર એક સ્મિત ફરકતું રાખે છે. લોકોની ટિકાઓનો જવાબ તે પોતાના મજબુત ઈરાદાઓ અને હૈયાની મક્કમતાથી એક નાનકડાં સ્મિત દ્વારા આપે છે.
જીવનના યુદ્ધમાં જે સમજી લે છે કે “હું તો બસ અહિં ફરવા આવ્યો છું – હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું” – તેવી વ્યક્તિ સતત કાર્યરત રહેતી હોવા છતાં કશુંયે કરતી નથી. મોટાં મોટાં મહેલોનો વૈભવ હોય કે ભોંય પથારીએ સુતો હોય તેના મુખની એક પણ રેખા વક્ર બનતી નથી. તેના હ્રદયમાંથી સ્નેહની સરવાણીઓ કદીયે ખૂટતી નથી. તેના હાથ મહેંદી મુકાયેલા હાથ જેવા લાલમલાલ હોય છે, તે એક પ્રેમના પમરાટ જેવી હોય છે. તેની પ્રજ્ઞા કદીયે ઘટતી નથી. તે મીતાહારી હોય કે અલ્પાહારી હોય કે વૃકોદરની જેવો અકરાંતીયો હોય તે જે કાઈ ખાય તે પચાવવાની તેનામાં ક્ષમતા હોય છે. તે તલવારધારીઓ કે મુક્કા ઉગામનારાઓથી ડરતી નથી અને નાના નાના બાળકોને ક્યારેય ડરાવતી નથી. તેના હ્રદયમાં હંમેશા અલખનો એક અક્ષર નાદ થયા કરે છે. તે વાંચે છે, લખે છે, હસે છે, રમે છે, રડે છે, ગીતો ગાય છે, નાચે છે, કુદે છે અને આવું બધું જ કરતી હોવા છતાં કશું જ કરતી નથી. તેના કંઠમાંથી “ટહુકા”ઓ ટહુક્યા કરે છે, તેની આંખોમાંથી પ્રેમ નીતરતો રહે છે. તેના વાત્સલ્યનો પ્રેમાળ હાથ સતત ફરતો રહે છે. તેના લાગણી ભીના શબ્દો અનેકના હ્રદયને શાતા આપ્યા કરે છે. તે સંત ન હોવા છતાં સંત છે. તે મૌન ન રાખતી હોવા છતાં મુનિ છે. તે સાધુ ન હોવા છતાં સિદ્ધ છે અને છતાંયે બધી જ સિદ્ધિઓથી પર હોય છે. આવું વ્યક્તિત્વ કેળવવું એ જીવનનું લક્ષ્ય છે.
બોલો શું તમે તમારા વ્યક્તિત્વને આવી ઉંચાઈ સુધી પહોંચાડવા અને જીવનમાં ડગલે અને પગલે આવતાં પડકારોને પડકારવા માટે અંદરથી તાકતવર છો?
0 comments:
Post a Comment