Saturday, August 6, 2011

બારણું – એક અવલોકન


મારી રૂમમાં હું બેઠો છું. બારણું બંધ છે. રૂમની બહાર શું છે, તે હું જોઈ શકતો નથી. રૂમની બહારથી પણ કોઈ અંદર જોઈ શકતું નથી. બારણું ખોલ્યા વગર હું બહાર જઈ શકતો નથી; તેમ જ કોઈ અંદર આવી શકતું નથી. બારણાં અને ભીંત વચ્ચે કશો ફરક નથી. માત્ર એટલો જ ફરક કે, બારણું ખોલી શકાય છે!
દિવાનખંડ અને રસોડાને કોઈ બારણું જ નથી. ત્યાં આવન-જાવન મુક્ત છે.
ઘરને પણ બારણું છે; એમાં બહાર જોઈ શકાય તેવું છિદ્ર છે. એમાંથી હું બહાર જોઈ શકું છું; પણ બહારની વ્યક્તિ અંદર જોઈ શકતી નથી.

બેકયાર્ડમાં જવાનું બારણું કાચનું છે; એમાંથી બહારથી અંદર તેમ જ અંદરથી બહાર જોઈ શકાય છે. પણ આવન જાવન માટે એ બારણું ખોલવું પડે છે.
ઓફિસમાં સાહેબની કેબિનના બારણામાં જોવાની બારી છે; એમાથી સાહેબને જોઈ શકાય છે; પણ સાહેબ એમની ખુરશીમાં બેઠા એમાંથી ખાસ કાંઈ જોઈ શકતા નથી. ત્યાં પણ આવન જાવન માટે એ બારણું ખોલવું પડે છે.
જાતજાતનાં બારણાં – જાતજાતના ઉપયોગ.
કુદરતમાં કોઈ બારણાં જ નથી. બધું મુક્ત, જોઈ શકાય, ફરી હરી શકાય. પણ દુસાધ્ય પર્વત કે ઊંડી ખીણને બારણાં ન હોવા છતાં; ત્યાં અસીમ પ્રયત્ન કર્યા વિના જઈ શકાતું નથી.
——————————————–
પણ સૌથી વિશિષ્ઠ બારણાંની પેલી પાર, મારો ‘ હું’ કેદ થઈને સપડાયેલો છે. એ દુર્ભાગી જીવ બધું જોવા, જાણવા છતાં અસહાય, બંદીવાન થઈને પૂરાયેલો છે. મારી ઓળખ જે છે, તે ‘હું’ એનાથી સાવ અજ્ઞાન છે. મારા એ બે ‘હું’ વચ્ચે કોઈ બારણું જ નથી- છે માત્ર એક અભેદ્ય દિવાલ- કદી ન તુટે તેવી દિવાલ.
ક્યારે એ બારણું ખૂલશે? ક્યારે એ દિવાલ કડડ ભૂસ થઈને જમીનદોસ્ત બની જશે? ક્યારે પર્વત કે ખીણને પહોચાય, તેમ ત્યાં પહોચી શકાશે?
કહે છે કે, એ દિવાલ તુટી શકે છે; અને પછી બધું પ્રકૃતિમાં હોય છે તેવું, આનંદમય બની જતું હોય છે – કદી ન ઓસરે તેવો આનંદ.

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment