Tuesday, August 2, 2011

શું બાળકોને ખબર છે કે બાળમજૂરી પ્રતિબંધિત છે?


આપણા દેશમાં અનેક પ્રક્રિયા બાળકો પાસે કરાવવા અંગે પ્રતિબંધ હોવા છતાં અનેક બાળકો એવી જોખમી પ્રક્રિયા કરી રહ્યા છે.

બાળમજૂર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ ૧૯૮૬થી અમલમાં આવ્યો છે, પરંતુ બાળમજૂરીનું દૂષણ ઓછું થયું નથી. ૧૯૮૬ પહેલાં આંતરરાષ્ટ્રીય સ્તરે બાળમજૂરીના પ્રશ્ન દુનિયાના દેશોનું ધ્યાન ખેંચાયું હતું અને ત્યારે ભારતમાં બાળમજૂરો માટે કોઇ ચોક્કસ કાયદો ન હતો. વિવિધ કાયદામાં જેમ કે, કારખાના અંગેનો કાયદો, ખાણોનો કાયદો વગેરેમાં બાળકો માટે જોગવાઇઓ હતી.

પરંતુ ઉપરોકત કાયદો ૧૯૮૬માં અમલી બનાવાયો અને આ કાયદાની જોગવાઇ મુજબ ‘બાળક’ એટલે કે જે વ્યક્તિએ પોતાની ૧૪ વર્ષની ઉંમર પૂરી કરી ન હોય તે વ્યક્તિ આ કાયદા નીચે આવરી લેવાયેલ ૧૪ જેટલા વ્યવસાયમાં બાળકને કામ કરવા રોકવા કે કામ કરવાની પરવાનગી આપવાની સામે પ્રતિબંધ ફરમાવેલ છે. આ વ્યવસાયોમાં કતલખાના, ધાબા, રેસ્ટોરન્ટ, હોટલો, ચાની દુકાનો, રીસોર્ટ અથવા અન્ય મનોરંજનના કેન્દ્રોમાં બાળકોની રોજગારીના પ્રતિબંધનો સમાવેશ થાય છે.

આ કાયદા નીચે ૬૫ જેટલી પ્રક્રિયાઓ ઉપર બાળકને કામ કરવા રાખવા કે કામ કરવાની પરવાનગી આપવાની મનાઇ ફરમાવેલી છે. આ પ્રક્રિયાઓમાં મકાન અને બાંધકામ ઉદ્યોગ, બીડી બનાવવી, દિવાસળી, સ્ફોટક પદાર્થો અને ફટાકડા બનાવવા, અગરબત્તી બનાવવી, ઇંટ પકવવાનો ભઠ્ઠો તથા છાપરાના નિળયા બનાવવાના એકમ, ડિટર્જન્ટ બનાવવો, ચૂનાના ભઠ્ઠામાં ચૂનો બનાવવો, તાળા બનાવવા, કુંભારકામ અને માટીકામ ઉદ્યોગ, જરીકામ, હીરા ઘસવા અને ઝેરી ધાતુઓની ઉત્પાદન પ્રક્રિયાનો સમાવેશ થાય છે.

આ કાયદા નીચે પ્રતિબંધિત કર્યા સિવાયના બીજા કોઇ ધંધા કે પ્રતિક્રિયામાં બાળકને કામે રાખી શકાય છે પરંતુ તે કામ લેવાના કલાકો અને મુદત અંગે ખાસ જોગવાઇઓ કરવામાં આવેલ છે. જેમ કે, દરેક દિવસે કામનો સમય, આરામના ગાળા સહિત ૫ કલાકથી વધુ હોવો જોઇએ નહીં, કામનો સમય રાત્રિના ૭:૦૦ વાગ્યાથી સવારના ૮:૦૦ વાગ્યા વચ્ચેનો રાખી શકાય નહીં. બાળક પાસેથી ઓવરટાઇમ કામ લઇ શકાય નહીં. દરેક અઠવાડિયામાં બાળકને એક આખા દિવસની રજા આપવી પડે.

આ કાયદા નીચે બાળક જે સંસ્થામાં કામ કરે તે સંસ્થાની વ્યાખ્યામાં ખેતર, દુકાન, વ્યાપારી સંસ્થા, કાર્યસ્થળ, નિવાસ માટેની હોટલ અને થિએટરનો સમાવેશ થાય છે. કોઇ પણ સંસ્થા કોઇ બાળકને પોતાની સંસ્થામાં કામે રાખે તો બાળકને કામે રાખ્યાની તારીખથી ૩૦ દિવસના સમયમાં સ્થાનિક હકુમતમાં આવેલ ઇન્સપેક્ટરને આ અંગે જાણ કરવાની રહેશે. સંસ્થાના કબજેદારે એ રજિસ્ટર ફરજિયાત રાખવાનું રહે છે જે સંસ્થાના કામકાજના સમય દરમિયાન દરેક સમયે ઇન્સપેક્ટરને તપાસવા માટે ઉપલબ્ધ હોવું જોઇએ.

જેમાં કામે રાખેલ બાળકનું નામ, કામ, જન્મતારીખ અને અન્ય વિગત લખવાની રહેશે. આ કાયદામાં બાળકોની સલામતી અને સ્વાસ્થ્ય વિશે ખાસ જોગવાઇ કરી છે. જેમાં કામના સ્થળે સ્વચ્છતા, કચરાનો નિકાલ, પીવાનું પાણી, સંડાસ અને મૂત્રાલય અને બીજી અનેક સૂચનાઓનો સમાવેશ થાય છે. આ કાયદામાં શિક્ષાની પણ જોગવાઇ કરવામાં આવી છે.

બાળમજૂરી અંગેનો કાયદો હોવા છતાં અને બાળકને સંવિધાને આપેલ રક્ષણ અંગેના અધિકાર હોવા છતાં આપણા દેશમાં તાજેતરમાં થયેલ માનવ અધિકારનો એક અભ્યાસ બતાવે છે કે લાખોની સંખ્યામાં બાળમજૂરોને બે ટંક ભોજન નથી મળતું. લાખો બાળકો ખતરનાર કહી શકાય તેવા માચીસ, ફટાકડા અને દારૂગોળાના ઉદ્યોગોમાં જાનના જોખમે મજૂરી કરે છે.

અતિશય ગરીબી, બેકારી અને નિરક્ષરતાને લીધે બાળમજૂરીનું પ્રમાણ વધી રહ્યું છે. ૧૯૯૭માં ભારતની સર્વોચ્ચ અદાલતે એક ક્રાંતિકારી ચૂકાદામાં એવું કહેલ છે કે બાળમજૂરોને પુન:સ્થાપિત કરવા માટે વેલફેર ફંડ ઊભું કરવું અને બાળમજૂર ધરાવનાર માલિક પાસે દંડ વસૂલ કરવો પરંતુ આનું અમલીકરણ જોવા મળતું નથી. બાળમજૂરીનું મૂળ કારણ ગરીબી છે અને જ્યાં સુધી સમાજ આ દૂષણને કાઢવા માટે આગળ નહીં આવે તો કાયદો ચોપડીઓમાં જ રહી જશે.

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment