બાળ વાર્તા ૧
દોડતો દોડતો વિક્રમ સ્મશાનમાં અશોક વૃક્ષ નીચે આવ્યો. આછા પ્રકાશમાં ઉંચે નજર કરી. ડાળી પર એક શબ લટકતું હતું. વિક્રમ ઝડપથી ઝાડ પર ચડ્યો અને શબને નીચે ઉતાર્યું. ખભે નાખીને તે ઝડપથી ચાલતો થયો. શબે સળવળાટ કર્યો. તેમાં છુપાયેલો વૈતાળ બોલ્યો : ‘વિક્રમ, તારી વીરતાનો હું પ્રશંસક છું. પણ તું ખોટો અડધી રાતે અહીં સ્મશાનમાં આવે છે. દોડાદોડી કરીને તું થાક્યો હોઈશ. તને આનંદ આવે એવી સરસ વાર્તા કહું છું :’
વારાણસી નામનું નગર. આ નગરમાં ભગવાન શંકરનું નિવાસસ્થાન, પવિત્રભૂમિમાં પુણ્યશાળી લોકો રહેતા હતા. નગરના કાંઠે ગંગા નદી ખળખળ વહેતી હતી. આ નદી જાણે કે ડોકમાં પહેરેલા હીરાના હાર જેવી લાગતી હતી. આ નગરનો રાજા પ્રતાપસિંહ. રાજા પરાક્રમી અને શૂરવીર. દુશ્મનો તેનું નામ સાંભળીને સંતાઈ જતા. પ્રતાપસિંહને એક કુંવર હતો. સૌંદર્યમાં જાણે કામદેવનો અવતાર. અર્જુન જેવો શસ્ત્રવિદ્યામાં પારંગત. પિતા જેવો પરાક્રમી. પ્રતાપસિંહને એક મિત્ર હતો, તેનું નામ બુદ્ધિધન… તેની કુશાગ્ર બુદ્ધિ ચતુરાઈને કારણે રાજકુમારને પ્રાણથી વિશેષ વહાલો હતો. બુદ્ધિધનના પિતા આ રાજ્યના પ્રધાન હતા.
એકવાર પ્રતાપસિંહ જંગલમાં શિકાર કરવા નીકળ્યા. સાથે બુદ્ધિધન પણ હતો, નોકર-ચાકર અને સૈનિકો પણ હતા. પ્રતાપસિંહનો ઘોડો પવનવેગે જંગલમાં ઘુમતો હતો. પ્રતાપસિંહ શિકાર કરવામાં મશગૂલ હતાં. છનનન કરતું તીર છોડતા હતા. જંગલમાં પશુઓ નાસભાગ કરતાં હતાં. વૃક્ષ પર પંખીઓ કલકલાટ કરતાં હતાં. બંને મિત્રો જંગલમાં દૂર દૂર નીકળી ગયા. જંગલની વચ્ચે એક સરોવર હતું. સરોવરમાં રંગબેરંગી કમળો ખીલ્યાં હતાં. પવનની લહેરથી સરોવરમાં પાણીના તરંગો ઊઠતા હતા. કિનારે ઘટાટોપ વૃક્ષ. તેની ડાળે બેસીને કોયલ મધુર ટહુકાર કરતી હતી. આ સરોવરમાં એક યુવતી નહાતી હતી. પાણીમાં છબછબિયાં કરતી હતી. જાણે આકાશમાંથી પરી આ પૃથ્વી પર ભૂલી પડી હોય તેવી તે હતી. આજુબાજુ દાસીઓનું ઝુંડ હતું.
પ્રતાપસિંહ અને બુદ્ધિધન આ સરોવરના કિનારે આવ્યા, પ્રતાપસિંહે સરોવરમાં સ્નાન કરતી સુંદરી જોઈ, એકીટશે તે જોતો રહ્યો. પ્રતાપસિંહ જાણે કે તેના રૂપમાં ખોવાઈ ગયો. તે સુંદરીએ સરોવરમાંથી એક કમળ તોડ્યું. આ કમળની દાંડી કાનમાં બુટિયાં પહેરતી હોય, તેમ ભરાવવા લાગી. પછી કમળની દાંડી દાંત વડે તોડવા લાગી. પછી એક કમળ તોડીને માથા પર મૂક્યું. પ્રતાપસિંહ અને બુદ્ધિધન જોતા જ રહ્યા. પેલી સુંદરીએ રાજકુમાર સામે જોયું અને દાસીઓ સાથે તે ચાલતી થઈ. પ્રતાપસિંહ ઘોડા પર બેઠો. ઘોડા પાછા વાળ્યા. પ્રતાપસિંહ આખા રસ્તે એક અક્ષર ન બોલ્યો. વારાણસી શહેરમાં બંને મિત્રો આવ્યા. પ્રતાપસિંહ મહેલમાં ગયા. કોઈની સાથે એક અક્ષર ન બોલે, સૂનમુન બેસી રહે. ઊંડા વિચારમાં અટવાયા કરે. ખાવા-પીવાનું ઉંઘવાનું હરામ… તેને તો પેલી સુંદરી આંખ સામે તરવરતી હતી. કોઈની સાથે બોલે નહિ, વાત પણ ન કરે. રાજમહેલમાં બધા અકળાયા, પણ પ્રતાપસિંહ પાસે જવાની કોઈ હિંમત ન કરે. છેવટે બુદ્ધિધન પ્રતાપસિંહ પાસે ગયો, એ તેનો જીગરજાન મિત્ર હતો, તેણે પ્રતાપસિંહને પૂછ્યું :
‘આપણે સરોવર પાસે ગયા. બસ ત્યારથી તમો ઉદાસ છો. જાણે દુ:ખનો ડુંગર ઢળી પડ્યો, તમે કંઈક વાત કરો તો તેનો ઉપાય થાય.’
‘પેલી સુંદરી… તેના નામની ખબર નથી. તે ક્યાં રહે છે, તે કોઈ જાણતું નથી. તે સુંદરીને આ મહેલમાં કેવી રીતે લાવું ?’ પ્રતાપસિંહ ખૂબ ધીમેથી બોલ્યો.
‘અહો, એમાં શું ? તે સુંદરીએ અમુક સંજ્ઞા કરી હતી. નિશાની આપી હતી. તે તમોને યાદ છે ? મેં એ નિશાની પરથી અર્થ તારવ્યો છે.’
‘હેં ! ખરેખર ! તને નામ ઠેકાણું મળી ગયું ?’ પ્રતાપસિંહના જીવમાં જીવ આવ્યો. આંખમાં એક ચમક દેખાઈ. તેણે બુદ્ધિધનનો હાથ પ્રેમથી પકડ્યો. બુદ્ધિધને તે સુંદરીએ જે નિશાની કરી હતી, તેના પરથી અર્થઘટન કર્યું.
‘જુઓ, પહેલાં તેણે કાનમાં કમળ ધારણ કર્યું, તેનો અર્થ એમ થાય કે તે કર્ણાત્પલ રાજાના દેશમાં રહે છે. તેણે કમળની દાંડી દાંતમાં નાખી, એટલે તે દંતવૈદ્યની દીકરી છે. તેણે મસ્તક પર કમળ મૂક્યું, તેનો અર્થ એમ થાય કે તેનું નામ પદમાવતી છે.’ પ્રતાપસિંહ આ અર્થ સાંભળતા હતા. હર્ષ ઉલ્લાસમાં તેમણે બુદ્ધિધનનો હાથ ચૂમી લીધો. બુદ્ધિધને તપાસ કરી, તો કલિંગદેશનો રાજા કર્ણાત્પલ હતો. તે રાજ્યના દંતવૈદ્ય શંભુપ્રસાદ અને તેમની પુત્રી તે પદમાવતી… જાણે ઈન્દ્રની અપ્સરા…
પ્રતાપસિંહ પદમાવતીને મળવા વિહવળ બન્યો હતો. બીજે દિવસે શિકારનું બહાનું બતાવી તે જંગલમાં ચાલી નીકળ્યો. તેની સાથે બુદ્ધિધન પણ હતો, બંને મિત્રો પૂરપાટ ઘોડા દોડાવતા હતા. તેમની સાથે સૈનિકો કે નોકર-ચાકર કોઈ ન હતા. જંગલ પાર કર્યું. બંને કલિંગ દેશમાં પહોંચ્યા. સંધ્યા ઢળતી હતી. ધીમે ધીમે અંધારું ઊતરતું હતું. રાત્રિના શહેરમાં પ્રવેશ કરવામાં જોખમ હતું. રાજ્યના સિપાઈ પૂછતાછ કરે. શહેરની બહાર એક નાનું મકાન હતું. ઝૂંપડા જેવું. બંને મિત્રો ત્યાં ગયા. બારીમાંથી જોયું, મકાનમાં એક વૃદ્ધ સ્ત્રી હતી. સાડલા પર સીત્તેર થીંગડાં…. ગરીબાઈમાં દિવસો વીતાવતી હતી. તેનું નામ હતું રંભા. બંનેએ બારણું ખટખટાવ્યું. રંભાએ બારણું ઉઘાડ્યું, બુદ્ધિધને વિનંતી કરી : ‘
માજી, અમો મુસાફર છીએ, આજની રાત્રિ અહીં રહેવા દેશો ?’
‘હા ભાઈ…. ખુશીથી રહો, આ ઘર તમારું જ માનજો.’ રંભાએ બંનેને આવકાર આપ્યો. બુદ્ધિધને ઘોડાઓને બાંધ્યા. ઘાસ નીર્યું. પાણી પાયું. પછી ઓરડામાં બંને એક ખાટલા પર બેઠાં. બુદ્ધિધને વાતની શરૂઆત કરતાં કહ્યું :
‘માજી, આ નગરમાં શંભુપ્રસાદ દંતવૈદ્ય છે, તમે ઓળખો છો ?’
‘હા ભાઈ, હું તેના ઘરે જ કામ કરવા જાઉં છું. પણ મારા કપડાં ફાટ્યાં છે, ઘરમાં કાણી કોડી નથી, મારો દીકરો જુગારી-રખડુ છે, ઘરના વસ્ત્રો પણ વેચી નાખે છે. હું તો પદમાવતીની કામવાળી છું. વસ્ત્રો નથી, એટલે હમણાંથી હું વૈદના મહેલમાં જતી નથી.’ રંભાએ વિગતથી વાત કરી. પ્રતાપસિંહ મનમાં હરખાતો હતો. બુદ્ધિધનને સફળતા માટે આનંદ હતો.
બીજે દિવસે સવારના બુદ્ધિધને રંભાને પૈસા આપ્યા. રંભા દોડતી બજારમાં ગઈ. નવાં વસ્ત્રો ખરીદી લાવી, રસોઈ માટે અનાજ-શાકભાજી લાવી. રસોઈ બનાવીને બંનેને જમાડ્યા. બુદ્ધિધને હળવેથી કહ્યું :
‘માજી, તમો તો અમારા બા જેવાં છો. અમારું એક કામ કરવાનું જેના બદલામાં અમે તમારી બધી મુશ્કેલીઓ દૂર કરીશું. તમારે પદમાવતી પાસે જવાનું, તેને મળવાનું અને એકાંતમાં એમ કહેવાનું કે સરોવરના કિનારે રાજકુમાર મળ્યા હતા તે આ નગરમાં આવ્યા છે, આ સંદેશો આપવાનો છે.’ રંભાને બુદ્ધિધને પાંચ સોનામહોર આપી. તે તો ખુશખુશાલ થઈ ગઈ. રંભા તૈયાર થઈ અને દંતવૈદના મહેલ જવા રવાના થઈ. બંને મિત્રો રંભાના આવવાની રાહ જોતા રહ્યા. ચાતક પક્ષી મેઘની રાહ જુએ તેમ. રંભા પદમાવતીને મળીને પાછી આવી. તે ઉદાસ હતી. દિવેલ પીધેલા જેવું મુખ. બુદ્ધિધને પૂછ્યું :
‘મા, શું સમાચાર લાવ્યાં ?’
‘ધૂળ…. મેં ખાનગીમાં પદમાવતીને બોલાવી, રાજકુમારના આગમનના સમાચાર આપ્યા, તો ગાળો ભાંડવા લાગી. કપુરવાળો હાથ કરીને મારાં બંને ગાલ પર એક એક તમાચો ફટકાર્યો. જુઓ તેની આંગળીનાં નિશાન….’ રંભાએ આંગળીનાં નિશાન બતાવ્યાં. પ્રતાપસિંહ નિરાશ થઈ ગયો. તેનો હેતુ સફળ ન થયો. બુદ્ધિધને તેને એક બાજુ બોલાવ્યો અને ખાનગીમાં કહ્યું :
‘મિત્ર, નિરાશ થવાની જરૂર નથી. પદમાવતી હોંશિયાર અને ચતુર છે. તે સંજ્ઞાથી વાત કરે છે. મારી સમજ મુજબ તે એમ કહેવા માંગે છે કે હાલ અજવાળિયું છે એટલે દશ દિવસ સુધી મળી શકાશે નહિ. દશ દિવસ પછી અંધારિયું આવશે ત્યારે વાત……’
પ્રતાપસિંહ પાસે સોનામહોરો હતી, તે બજારમાં વેચી દીધી. સીધું-સામાન લઈ આવ્યા. રંભા દરરોજ મિષ્ટાન બનાવે. સરસ રસોઈ બનાવે. આ બંને મિત્રો જમે અને આરામ કરે. દશ દિવસ વીતી ગયા. રંભાને ફરીથી પદમાવતી પાસે મોકલી. આ સમયે પદમાવતીએ રંભાને દબડાવી નહિ, રંભા પણ મુંગી મુંગી ઊભી રહી. પદમાવતીના મુખ પર આનંદ હતો. પણ તેણે કંકુમાં આંગળી બોળી. રંભાની છાતી પર ચાર આંગળીનાં નિશાન કર્યાં. રંભા પાછી આવી. બુદ્ધિધને એ સંજ્ઞાનો અર્થ તારવ્યો અને પ્રતાપસિંહને કહ્યું : ‘આપણે સફળ થયા છીએ. ચાર દિવસ પછી પદમાવતી મળવા માટે ખુશ છે.’ પ્રતાપસિંહ આનંદમાં હતો, તે દિવસો ગણતો હતો. ત્રણ દિવસ પછી બુદ્ધિધને ફરી રંભાને મોકલી. પદમાવતીએ રંભાને મીઠો આવકાર આપ્યો. તેની સાથે પ્રેમથી વાતો કરી. મિષ્ટાન પકવાન જમવા માટે આપ્યાં. આખો દિવસ રંભાને મહેલમાં રાખી. સાંજ પડી ને રંભાને ઘેર જવાની રજા આપી. એવામાં મહેલની બહાર શોરબકોર સંભળાયો. માણસો નાસભાગ કરતા હતા, મોટો કોલાહલ થઈ ગયો. લોકો બૂમો પાડીને કહેતા હતા : ‘હાથી ગાંડો થઈ ગયો છે, લોકોને કચડી નાખે છે… ભાગો ભાગો….’ પદમાવતીએ બૂમો સાંભળી. તેણે રંભાને કહ્યું : ‘માજી, રસ્તા પર જશો નહિ. હાથીનો ભય છે. તમોને બારી વાટે બગીચામાં ઉતારું છું. દોરડાં બાંધેલો પાટલો છે. તેના પર બેસી જાઓ. નીચે બગીચામાં ઊતરશો, પછી સામે દિવાલ છે, ઝાડ પર ચઢીને દીવાલ પર ચઢી જજો. ત્યાંથી નીચે ઊતરીને અંધારું થાય એટલે ઘેર જજો.’ રંભાને એક પાટલા પર બેસાડી દોરડા વડે બગીચામાં ઉતારી. તે દીવાલ કૂદીને ઘેર પહોંચી. રંભાએ રાજકુમાર અને બુદ્ધિધનને બધી વાત કરી. પ્રતાપસિંહને આશ્ચર્ય થતું હતું. પદમાવતીએ કોઈ સંજ્ઞા આપી ન હતી.
બુદ્ધિધન ખુશમાં હતો. તેણે કહ્યું : ‘તમારું કાર્ય સફળ થયું છે. પદમાવતીએ યુક્તિપૂર્વક તમોને રસ્તો પણ બતાવી આપ્યો છે. આજે રાત્રિના તમારે તેના મહેલમાં જવાનું, રંભા જે રસ્તે આવી હતી તે રસ્તે જ.’ પ્રતાપસિંહ બુદ્ધિધનની બુદ્ધિ પર ફિદા થયો. રાત્રિના તે પદમાવતીના મહેલ તરફ ગયો. દીવાલ કૂદીને બગીચામાં બારી પાસે નીચે ઊભો રહ્યો. બારી પાસે એક પાટલો હતો. પાટલાની ચારે તરફ દોરડું બાંધેલું. પ્રતાપસિંહ આ પાટલા પર બેઠો. પદમાવતીની દાસીઓએ દોરડું ખેંચ્યું. પ્રતાપસિંહ મહેલમાં પહોંચી ગયો. પદમાવતી પ્રતાપસિંહને જોઈને ખુશ થઈ. તેને ભેટી પડી. બીજે દિવસે ગુપ્ત રીતે ગાંધર્વ વિધિથી લગ્ન થયાં. પ્રતાપસિંહ મહેલમાં રહેતો હતો. પદમાવતી સાથે આનંદમાં દિવસો વિતાવતો હતો. બુદ્ધિધન રંભાની ઝૂંપડીમાં રહેતો હતો. પ્રતાપસિંહને પોતાના મિત્રની યાદ આવી. તેણે પદમાવતીને કહ્યું :
‘મારી સાથે મારો દિલોજાન મિત્ર છે. રંભાના ઘેર રહે છે. તે મારા પ્રધાનનો પુત્ર છે. અમારી મૈત્રી અતૂટ છે. હું તેને મળવા જાઉં છું.’ પદમાવતી વિચારમાં પડી, ગાલ પર હાથ રાખીને બેઠી, પછી પૂછ્યું :
‘ઘણા દિવસથી એક વાત તમને પૂછવી હતી. હું જે સંજ્ઞા સંકેતો કરતી હતી, તે તમે સમજતા હતા કે તમારો આ મિત્ર સમજતો હતો ?’
પ્રતાપસિંહ ભોળો હતો. તેણે સાચી વાત સ્પષ્ટ કહી દીધી : ‘તારી સંજ્ઞા હું કાંઈ સમજતો નહોતો. તેનો ઉકેલ-રહસ્ય તો મારો આ મિત્ર કહેતો હતો.’ પદમાવતીએ દાંતમાં હોઠ દબાવ્યો. તેના મનમાં કપટ હતું, પણ ભોળપણનો દેખાવ કરતાં બોલી :
‘આ વાત તમારે પહેલાં કહેવી જોઈતી હતી. તમારો મિત્ર તે મારો ભાઈ થાય. તમે એને મળવા જાઓ એના કરતાં મારે એને મહેલમાં બોલાવવો જોઈએ. એનું સ્વાગત કરવું જોઈએ. આજે હું તેમના માટે ખાસ મિષ્ટાન મોકલીશ. આવતી કાલે તેમને મહેલમાં બોલાવીશ.’ પદમાવતી રસોડામાં ગઈ. રસોઈની સૂચના આપી. પ્રતાપસિંહ પાછળના રસ્તેથી તેના મિત્રને મળવા ઉપડી ગયો. બંને મિત્રો ઘણા સમયે એકબીજાને મળ્યા. ભેટી પડ્યા. પછી વાતે વળગ્યા. પ્રતાપસિંહે મિત્રને બધી વાત કહી. પદમાવતીએ સંજ્ઞા વિષે વાત કરી હતી તે પ્રતાપસિંહે બુદ્ધિધનને કહ્યું. બુદ્ધિધન વિચારીને બોલ્યો : ‘તેં મારું નામ આપ્યું તે બરાબર ન કર્યું.’
સાંજ પડી. પદમાવતીના મહેલમાંથી એક દાસી બુદ્ધિધન માટે ભોજનનો થાળ લાવી હતી. તેમાં ભાતભાતની સ્વાદિષ્ટ મિઠાઈઓ હતી. ફરસાણ હતાં અને તમતમતાં શાક હતાં. દાસીએ પ્રતાપસિંહને કહ્યું :
‘ભોજન કરવા માટે પદમાવતી આપની રાહ જુએ છે. આ થાળીમાંથી આપે જમવાનું નથી. આ પકવાન તો તમારા મિત્ર માટે છે.’ દાસી થાળી મૂકીને ચાલતી થઈ. બુદ્ધિધન સામે પકવાનનો થાળ પડ્યો હતો. તેણે થોડીક વાર વિચાર કર્યો પછી તેણે પ્રતાપસિંહને કહ્યું : ‘મહારાજ, હું આપને એક ચમત્કાર બતાવું…. અજબનું કૌતુક….’ એમ કહી તેણે એક કૂતરાને પાસે બોલાવ્યો. થાળીમાંથી થોડુંક ભોજન કૂતરાને આપ્યું. કૂતરાએ ખાધું, તરફડીને તુરત મૃત્યુ પામ્યો. પ્રતાપસિંહ આશ્ચર્યથી આ જોઈ રહ્યો. પ્રતાપસિંહ મૂંઝવણ અનુભવતો હતો. તે બોલ્યો :
‘આમાં મને કાંઈ ન સમજાયું’
‘જુઓ, પદમાવતી તમને ખૂબ ચાહે છે. તમોએ સંકેતની વાત કરી, તેથી તે જાણી ગઈ કે આપણી મૈત્રી અતૂટ છે. તેને મનમાં ડર છે કે કોઈ દિવસ તેને છોડીને તમો મારી સાથે દેશમાં ચાલ્યા જશો, એટલે વચ્ચેથી એ મારો કાંટો કાઢી નાખવા માંગે છે. મને મારી નાખવા માંગે છે તેથી પકવાનમાં ઝેર નાખ્યું છે.’ પ્રતાપસિંહ તો ગુસ્સે થઈ ગયો. પદમાવતીની ખબર લઈ નાખવા તૈયાર થયો. બુદ્ધિધને તેને શાંત પાડતાં કહ્યું :
‘મહારાજ, કોઈ કામ ઉતાવળથી ન કરવું, શાંત ચિત્તથી વિચાર કરવો. પદમાવતી આપણા દેશમાં આવવા તૈયાર થાય તેમ જણાતું નથી, તે માટે યુક્તિ કરવી પડશે.’ બંને મિત્રો વાતો કરતા હતા. બહાર શોરબકોર થવા લાગ્યો. લોકો રડવા લાગ્યા. દુકાનો ટપોટપ બંધ થતી હતી. આખા નગર પર શોકનું વાદળ છવાયું. બુદ્ધિધને બહાર આવીને તપાસ કરી તો જાણવા મળ્યું, કે ઉત્પલ દેશના રાજાનો કુંવર મૃત્યુ પામ્યો છે, તેથી રાજ્યમાં શોક છવાયો હતો. બુદ્ધિધનને નવો વિચાર આવ્યો, તેણે રાજા પ્રતાપસિંહને કહ્યું : ‘હવે હું કહું તે પ્રમાણે તમારે કરવાનું છે. તમો પદમાવતીના મહેલમાં જાઓ, રાત્રિના ઘેનની આ પડીકી પાણી સાથે તેને પાઈ દેજો એટલે પદમાવતીને ઘસઘસાટ ઊંઘ આવશે. તમે એના દાગીના લઈ લેજો, તેના પગ પર લાલચોળ ધગધગતા નાના ચીપીયાનો ડામ દેજો. પછી ચૂપચાપ પાછળના દરવાજેથી અહીં આવતા રહેજો, પછીનું કામ હું સંભાળી લઈશ.’ બુદ્ધિધને પ્રતાપસિંહને સમજણ આપી, અને વિદાય કર્યો. પ્રતાપસિંહ મહેલમાં આવ્યો. પદમાવતીને શંકા ન જાય તે રીતે વહાલથી વાતો કરી, ખૂબ પ્રેમ બતાવ્યો. રાત્રિના છાનામાના ઘેનની પડીકી આપી. સોના-ચાંદીના દાગીના લીધા અને મહેલમાંથી નીકળી ગયો. તે બુદ્ધિધનને મળ્યો.
બુદ્ધિધન બોલ્યો : ‘આપણી યોજના હવે સફળ.’ અને પછી બંનેએ સાધુનો વેશ ધારણ કર્યો. બુદ્ધિધન સાધુ મહારાજ અને પ્રતાપસિંહ તેનો શિષ્ય. બંને ચાલી નીકળ્યા. એક સ્મશાનમાં જઈને બેઠા. પછી બુદ્ધિધને પ્રતાપસિંહને કહ્યું : ‘તમારે આ હીરાનો હાર લઈને શહેરમાં જવાનું છે. આ હાર વેચવાનો છે, પણ તેની કિંમત ખૂબ વધારે કહેજો, જેથી કોઈ ખરીદે નહિ. હાર બધા જોઈ શકે તેમ હાથમાં રાખજો. સિપાઈ તમને પકડે તો તમારે એટલું કહેવાનું કે મારા ગુરુએ આ હાર વેચવા આપ્યો છે, બીજી મને કાંઈ ખબર નથી.’ પ્રતાપસિંહ સાધુના વેશે બજારમાં આવ્યો, તેના હાથમાં હીરાનો હાર હતો. પદમાવતીના ઘરમાં ચોરી થઈ એટલે તેના પિતા શંભુપ્રસાદ દંતવૈદે રાજ્યમાં ફરિયાદ કરી હતી. સૈનિકો શોધખોળ કરતા હતા. પ્રતાપસિંહના હાથમાં હીરાનો હાર જોયો. સૈનિકોએ તેને પકડ્યો. તેને ન્યાયાધીશ સમક્ષ લઈ ગયા. પ્રતાપસિંહે બે હાથ જોડીને કહ્યું : ‘આ હારની મને ખબર નથી, મારા ગુરુએ મને હાર વેચવા મોકલ્યો છે. મારા ગુરુ સ્મશાનામાં ધૂણી ધખાવીને બેઠા છે.’ ફોજદાર, ન્યાયાધીશ અને અધિકારીઓ તુરત સ્મશાનમાં ગુરુ પાસે ગયા. બધાએ ગુરુને વંદન કર્યા અને પૂછ્યું :
‘ગુરુદેવ, આ હાર આપની પાસે કેવી રીતે આવ્યો ?’ બુદ્ધિધન સાધુનો ઢોંગ કરતો હતો. તે આંખ બંધ કરીને સમાધિમાં હતો, તેણે આંખ ખોલી બધાની સામે જોયું અને કહ્યું :
‘સાંભળો… અમે તો સાધુ… સ્મશાનમાં રહીએ છીએ. કાલે રાત્રિના એક ડાકણ આવી હતી. તેની સાથે રાજાનો કુંવર હતો. તેણે રાજાના કુંવરને મારી નાખ્યો એટલે મને ક્રોધ ચડ્યો. મેં તેના પગ પર ચીપિયાનો ડામ દીધો અને તે નાસી ગઈ. પણ નાસતા નાસતા એના ગળાનો હાર મારા હાથમાં આવી ગયો. મારે આ હારની કોઈ જરૂર નથી તેથી તે વેચવા મોકલ્યો.’
ફોજદાર અને અધિકારીઓ શહેરમાં આવ્યા. ફોજદારે રાજાને વાત કરી. રાજાએ વિચાર કર્યો કે આ હાર તો પદમાવતીનો છે તો પછી એણે જ કુંવરનો ભોગ લીધો હશે. રાજાએ એક દાસીને બોલાવી અને હુકમ કર્યો : ‘તું દંતવૈદના ઘેર જા, તેની પુત્રી પદમાવતીના પગ પર ચીપિયાનો ડામ છે કે નહિ તે જાણી લાવજે.’ દાસી તુરત ઉપડી અને તપાસ કરી તો પદમાવતીના પગ પર નિશાન હતું. દાસીએ રાજાને બધી વાત કરી. રાજા ખૂબ રોષે ભરાયો. તેને ખાત્રી થઈ કે આ પદમાવતી જ ખરાબ છે. એણે જ મારા કુંવરને મારી નાખ્યો. રાજાએ તરત પેલા સાધુ બનેલા બુદ્ધિધન પાસે જઈને કહ્યું કે :
‘આ સ્ત્રી એ જ મારા કુંવરને માર્યો છે. બોલો એને શી સજા કરવી ?’
‘તે છોકરીને દેશનિકાલ કરો.’ બુદ્ધિધને કહ્યું. રાજાએ પદમાવતીને નગરમાંથી કાઢી નાખવાનો હુકમ કર્યો. સૈનિકોએ પદમાવતીને પકડી તેને એકલી જંગલમાં છોડી મૂકી.
પદમાવતી એક ઝાડ નીચે જંગલમાં બેઠી હતી, રડતી હતી ચોધાર આંસુએ. મનમાં વિચારતી હતી કે આ બધી કરામત બુદ્ધિધનની છે. પ્રતાપસિંહ અને બુદ્ધિધને સાધુનો વેશ ઉતારી નાખ્યો. ઘોડા પર બેસીને જંગલમાં આવ્યા. પદમાવતીને શોધી કાઢી. પ્રતાપસિંહે તેને આશ્વાસન આપ્યું. દિલાસો આપ્યો. પછી ઘોડા પર બેસાડી, પોતાના નગર વારાણસી તરફ ચાલતા થયા. વારાણસી આવ્યા. ધામધૂમથી બંનેનાં લગ્ન થયાં… આનંદથી રહેવા લાગ્યાં. પુત્રીને દેશનિકાલ કરી, જંગલમાં એકલી છોડી દીધી તેથી તેના પિતા શંભુપ્રસાદને ખૂબ આઘાત લાગ્યો. તેઓ વિચારમાં ખોવાયા કે પદમાવતીને જંગલી પશુઓ ખાઈ ગયા હશે તો ? શંભુપ્રસાદ ભાંગી પડ્યા. તેમનાથી આ આઘાત સહન ન થયો અને મૃત્યુ પામ્યા. તે પછી તેમની પત્ની પણ તેમની પાછળ મૃત્યુ પામી.
વૈતાળ વિક્રમના ખભા પર બેઠો હતો. વાર્તા પૂરી કરતાં વૈતાળ બોલ્યો : ‘વિક્રમ…. આ વાર્તામાં મારા મનમાં એક શંકા રહે છે. આ વાર્તામાં શંભુપ્રસાદ અને તેમની પત્ની મૃત્યુ પામ્યાં, તેમાં કોણ જવાબદાર…. ? બુદ્ધિધન, પ્રતાપસિંહ, ઉત્પલનો રાજા કે પદમાવતી ? ચારમાંથી કોણ જવાબદાર ? તું સત્ય જાણતો હોવા છતાં નહિ બોલે તો તારા મસ્તકના ટુકડે ટુકડા કરી નાખીશ.’
રાજા વિક્રમ સત્યવક્તા હતો. તે ચૂપ ન રહી શક્યો. મૌન રહે તો મૃત્યુનો ભય હતો. તે બોલ્યો : ‘શંભુપ્રસાદ અને તેની પત્નીના મૃત્યુ માટે સાચો જવાબદાર કર્ણોત્પલનો રાજા છે. બુદ્ધિધન, પ્રતાપસિંહ અને પદમાવતી નિર્દોષ છે. બુદ્ધિધને જે કામ કર્યું તે મિત્રના કલ્યાણ માટે કર્યું હતું. પ્રતાપસિંહ અને પદમાવતી પ્રેમમાં આંધળાં બન્યાં હતાં. હંસ ડાંગર ખાઈ જાય, તેમાં કાગડાનો શો દોષ ? રાજા કર્ણોત્પલ નીતિશાસ્ત્ર જાણતો ન હતો. તેણે ગુપ્તચરો મારફતે તપાસ કરાવવી જોઈતી હતી. સાચી હકીકત જાણવી જોઈતી હતી. રાજાએ તેમ નથી કર્યું, તે પોતાનો ધર્મ ચૂક્યો છે અને પદમાવતીને શિક્ષા કરી છે. એટલે શંભુપ્રસાદ અને તેની પત્નીના મૃત્યુનું કારણ રાજા જ છે.’
વિક્રમનો જવાબ વૈતાળે સાંભળ્યો, તેણે અટ્ટહાસ્ય કર્યું અને બોલ્યો : ‘રાજા વિક્રમ, તું હોંશિયાર અને બુદ્ધિશાળી છે. મને ખબર હતી કે તું બોલ્યા વિના નહીં રહે. પણ તેં શરતનો ભંગ કર્યો છે…. એટલે હું જાઉં છું…’ અને શબ આકાશમાં સડસડાટ ઊડવા લાગ્યું. રાજા વિક્રમ ખુલ્લી તલવાર લઈને તેને પકડવા દોડ્યો.
બાળકો વાર્તાનુ ટાઇટલ તમે આપો....
Subscribe to:
Posts (Atom)
0 comments:
Post a Comment