પાકિસ્તાની ત્રાસવાદી અજમર આમીર કસાબને ભારતની પારદર્શી ન્યાયિક પ્રક્રિયા દ્વારા ફાંસીની સજાનું ફરમાન થયું કે દેશના હર્ષાન્વિત લોકો પોતાની ખુશી છુપાવી ના શક્યા. અતિ હર્ષિત લોક જુવાળ એ સ્વાભાવિક બાબત છે. પોતાના આક્રોશને અભિવ્યક્ત કરવાનો અને પોતાની હૈયાવરાળ કાઢવાનો તેઓને મન આ એક સુવર્ણ અવસર હતો. ૨૬/૧૧ના ભારત પરના ત્રાસવાદી હુમલા બાદ, કસાબનું પકડાવું અને પછી તેને આધારે ધીરેધીરે તબક્કાવાર એ ઘટના ભીતરની વાતો ખૂલવું ને પછી સરવાળે પોલીસ તપાસ અને ન્યાયિક પ્રક્રિયા દરમિયાન હાથ આવ્યું અંતિમ સત્ય! જે આપણે બાપોકાર વર્ષોથી કહી રહ્યા છીએ.. એ સત્ય આખી દુનિયા સામે ઉજાગર થયું. પણ મને સવિશેષ આનંદ અને ગર્વ થયો, ભારતીય લોકશાહીની પારદર્શી ન્યાય પ્રણાલીને માટે! તેથી આપણા સૌ માટે આ એક ઐતિહાસિક પ્રકરણ બની રહ્યું છે. આ આતંક દરમિયાન સ્વજનો ગુમાવનાર નિર્દોષ સામાન્ય જન હૃદયની વેદનાનો શુમાર મને કે તમને ક્યાંથી હોય? તેમના આહત હૈયાને તો નિષ્ઠુર કસાબને ફાંસી આપવામાં આવશે તો પણ ભાગ્યે જ શાંતિ મળશે…
પણ મારે તો આજે આ ઘટનાને સમાંતર, બનેલી બીજી એક ઐતિહાસિક ઘટનાની વાત કરવી છે; કે જેને કારણે લાંબા અંતરાલ પછી હું આ બ્લૉગ પોસ્ટ લખવા માટે સાચું કહું તો મજબૂર થયો! કસાબનો ચુકાદો જાહેર થયો…અને વિવિધ ચૅનલ પર ચાલતી ચર્ચા સાંભળી રહ્યો હતો ત્યારે અચાનક જ આ ઐતિહાસિક ઘટનાની માહિતી મને મળી – “સ્ટાર ન્યૂઝ” ચૅનલ પરથી! કોણ જાણે કેમ મને એક નવી આશાનું કિરણ દેખાયું એ સમાચારમાં! એ આશાવંત વિચાર સાથે હું સમાચાર જોવા લાગ્યો.
ખૂબ સામાન્ય લાગે એવા એ સમાચાર હતા…સતત સળગતા રહેતા જમ્મુ કાશ્મીરના કુપવારા જિલ્લાનો ૨૬ વર્ષીય ફૈસલ શાહ નામનો એક યુવાન તબીબ યુપીએસસી – સિવિલ સર્વિસની પરીક્ષામાં ટૉપર થયો હતો! એક એવો કાશ્મીરી યુવાન કે જેના પિતા ગુલામ રસુદ શાહને ત્રાસવાદીઓ દ્વારા આઠ વર્ષ પહેલાં ઠાર મારવામાં આવ્યા હતા! કારણ ?…એ ત્રાસવાદીઓને આશરો આપવાની તેના પિતાજીએ ના પાડી હતી! એક એવો યુવાન કે જેણે વિવાદિત કાશ્મીરના આવા કેટલાય રક્તપાત નજીકથી જોયા હતા! અને જેણે યુપીએસસીની પરીક્ષા માટે કોઈપણ પ્રકારની ટ્રેનિંગ લીધી નહોતી! એવો ખુલ્લા દિલનો નવયુવાન કે જેણે ભારતીય જનતંત્ર માટેની પોતાની શ્રદ્ધાને આવી અનેકાનેક મુશ્કેલીઓ વચ્ચે પણ જરાય ડગવા દીધી નહોતી – વિંધ્યાચળ સરીખી અચળ અને સ્થિર!
“સ્ટાર ન્યૂઝ” ચૅનલના ઍંકર સાથેનો તેનો નાનકડો ઈંટર્વ્યૂ શરૂ થયો અને પ્રસન્ન હૈયે હું તે સાંભળી રહ્યો. મન કહેતું હતું કે એ રસપ્રદ મુલાકાત લાંબો ચાલે તો સારું! કમનસીબે તેમ ન થયું! પણ ભલે, “સ્ટાર ન્યૂઝ”ને પણ આ નિમિત્ત અભિનંદન આપું છું…આટલો મઝાનો નાનકડો લહાવો આપવા બદલ. એ કાશ્મીરી નવયુવાનની આશાવંત આંખો વચ્ચે નિર્ભેળ આનંદ છલકતો હતો. તે નિખાલસપણે બોલી રહ્યો હતો…તેના પ્રેરણાસ્ત્રોત રહ્યા હતા ૧૯૯૪ના આઈપીએસ પાસ કરનાર કુપવારા જિલ્લાના અબ્દુલ ગની મીર કે જેઓ હાલમાં જમ્મુ-કાશ્મીરના ડીઆઈજી –સીઆઈડી છે… પણ મને તો કદાચ સૌથી ઉપર તેની પ્રેરણાશક્તિ, તેનું હૃદય જ લાગી રહ્યું હતું!…જે તેને કહી રહ્યું હતું કે તેણે તબીબી વ્યવસાયમાં નહીં, પણ ક્યાંક બીજે જવું…સિવિલ સર્વિસમાં! પરોક્ષ રીતે તેની પ્રેરણામૂર્તિ તેની માતા મુબીનાનો બની હશે કે જે વ્યવસાયે શિક્ષક હતી અને જેણે અસંખ્ય અવરોધ સામે ક્યારેય પણ હાર માનવાનું સ્વીકાર્યુ નહોતું! પ્રાંતના લોકોની સેવા કરવા માટેનો એ યુવાનનો તલસાટ, તેની વાતો પરથી સ્પષ્ટ થતો હતો- જાણે ભડવીર અહિંસાનું શસ્ત્ર લઈ એકલપંડે જંગે ચઢવા શસ્ત્રસજ્જ ના થઈ રહ્યો હોય!
એ મુલાકાત દરમિયાન સ્પષ્ટપણે તેના વિચારોમાં અને તેની દેહભાષામાં એક ગજબનો આત્મવિશ્વાસ જણાતો હતો; કહીશ કે ઉફાણ પર હતો. તે કુપવારાના કાશ્મીરી યુથ, સ્ત્રીવર્ગ અને ભારત માટે કૈંક કરી છૂટવા માટે તત્પર જણાતો હતો. સાથોસાથ પોતાના લક્ષ્ય બાબતે, તેની સ્પષ્ટભાષિતા ઊડીને આંખે વળગે એવી હતી. તેની વાતોમાં એક એવું ઝનૂન હતું, જે અનેકાનેક વિટંબણાને પાર કરવાના તેના અડગ નિર્ધારને દર્શાવી રહ્યું હતું. તેણે પોતાના પિતાને પ્રદેશમાં વરસોથી ચાલતા જૂના વિખવાદમાં ગુમાવ્યા હોવા છતાં; તેણે એ બાબતનો લગીરેય રંજ કે અદાવત રાખ્યા વિનાં – કસાબ કે અફઝલ ગુરુ જેવા અન્ય દિશાહીન યુવાનોની જેમ બીજી ખોટી દિશા તરફ વળવાને બદલે – પોતાના એ ઝનૂનને; પોતાના પ્રાંત-પ્રદેશ માટે કશુંક કરી છૂટવા માટે હકારાત્મક દિશામાં વાળ્યું હતું. સામી છાતીએ પડકાર ઝીલી લેવાનો પોતાના આશય સ્પષ્ટ કરતા જ્યારે તે કહી રહ્યો હતો કે… “કાશ્મીરી યુવાવર્ગ –અંધકાર યુગમાં પોતાની જાતને વેડફી રહ્યો છે. તેનામાં આત્મવિશ્વાસનો અભાવ છે. મારે તેમને દિશા આપવી છે અને જણાવવું છે કે તમારા માટે કશું જ અશક્ય નથી!” _ ત્યારે તેનો થનગનાટ કોઈની પણ નજરે ચઢે એવો હતો. તે સરકારની નીતિઓ – યોજનાઓથી સારી રીતે વાકેફગાર હતો. વળી તેને એ પણ ખબર હતી કે ગરીબ કાશ્મીરી પ્રજા માટે સરકાર યોજનાઓ તો અસંખ્ય બનાવે છે પણ કમનસીબે એક સામાન્ય નાગરિક સુધી પહોંચતા પહેલા જ ભષ્ટાચારીઓ અને વચેટિયાઓ તે આરોગી જાય છે! અન્ય રાજ્યોની જેમ જ! તેણે એક ભષ્ટાચાર મુક્ત શાસન પ્રણાલી તરફ પ્રશાસનને લઈ જવાનો પોતાનો ઈરાદો બાબતે પણ સ્પષ્ટીકરણ કર્યું. એ વાત સાંભળી ત્યારે જ મને લાગ્યું કે ફૈસલને કદાચ હવે કોઈ રોકી શકે તેમ નથી…
અને મારો માંહ્યલો બોલી ઊઠ્યો કે ભવિષ્યમાં જમ્મુ કાશ્મીરમાં કદાચ કેટલીક નિર્ણાયક ક્ષણોમાં – કે કોઈ અવાંછનીય ઘટના દરમિયાન તેણે કોઈક અસરકારક ભૂમિકા અવશ્ય ભજવવાની આવશે! સરકાર અને સામાન્ય નાગરિક વચ્ચે પારદર્શી વ્યવહાર દ્વારા એક માધ્યમ –સેતુ બનવાની તેની દિલી તમન્ના હોવાથી નિયતિ સિવાય કોઈપણ તાકાત તેને રોકી શકે એમ નથી! તેની નિખાલસ વાતો અને લાગણીસભર ચહેરાની રેખાઓ આપણા દેશ અને જમ્મુ-કાશ્મીર માટે આશાનું મોટું કિરણ છે. તેને આપણા દેશના પ્રબુદ્ધ લોકોના સમર્થનની અને પ્રોત્સાહનની જરૂર છે; જેથી એ તેના જેવા બીજા અસંખ્ય ફૈસલ શાહને, કાશ્મીર અને દેશની ઉન્નતિ માટે તૈયાર કરી આપે. મિત્રો! મારા માટે આ સમાચાર ભારત- પાકિસ્તાન વચ્ચે ચાલતી – શાંતિ વાર્તાથીય – સવિશેષ છે. તમારા માટે પણ હશે જ… હું તો પૂરો આશાવંત છું કે ફૈસલ મને જ નહીં આપણને કોઈને પણ જરાય નિરાશ નહીં જ કરે! એ તો વાદળ પાછળની રૂપેરી એક કોર સમાન છે. દોસ્ત ફૈસલ! યુપીએસસીમાં કાશ્મીરના પ્રથમ ટૉપર તરીકે તને ખૂબ ખૂબ અભિનંદન! તારી પ્રગતિ માટે સાચા દિલથી ખૂબ ખૂબ શુભેચ્છા! અને હવે પછીના આવનારા કઠિન સમયમાં દરેક પડકાર, દરેક વિટંબણા સામે લડવા, ખુદાતાલાની ખુદાઇ સદા તારી પડખે રહે એવી સૌના વતી ઈશ્વરને પ્રાર્થના.
0 comments:
Post a Comment