Wednesday, August 8, 2012

પરદેશમાં વસતાં ગુજરાતીઓ માટે ગુજરાતી પબ્લીકેશન હોવું જોઇએ કે નહિ?



દેશ હોય કે પરદેશ, જયાં ગુજરાતી છે ત્યાં ગુજરાતી ભાષાનું સ્થાનિક પબ્લીકેશન હોવું જ જોઇએ. આ મારો વ્યક્તિગત મત છે અને જરુરિયાત પણ. કારણ હું ગુજરાતી છું. મારી પહેલી ઓળખ મારું ગુજરાતીપણું છે. સમાજ કે દેશ કોઇ પણ હોય, નાગરિક ક્યાંયનો પણ હોય, એક માણસની ઓળખ તેનાં કપડાં કે ખોરાક નહિ પણ ભાષા છે. પરદેશમાં આવીને આપણી ઓળખ વૈશ્ર્વિક બની જાય છે, પણ તેથી આપણી મૂળ ઓળખ મટી નથી જતી. વળી ગ્લોબલ વલ્ડમાં હોવાનાં કારણે આપણને આખી દુનિયામાં શું થાય છે તે ખબર છે પણ આપણે જ્યાં છીએ તે સીડની કે ઓસ્ટ્રેલિયાનાં ગુજરાતી સમાજમાં શું થાય છે તે નથી ખબર. ઇન્ટરનેટ પર ભારતનાં છાપાં કે સામયિકો નાં વાંચીએ તો આપણને આપણાં ગામમાં કે શહેરમાં શું થાય છે તે પણ ખબર નથી પડતી. એટલે ના તો આપણે જ્યાં છીએ ત્યાંની આપણને ખબર છે કે ના તો આપણને જ્યાંથી આવ્યાં છીએ ત્યાંની ખબર છે. આ સ્થિતીમાં મને મારું વૈશ્ર્વિક હોવું ખટકે છે જેણે મારું વિશ્ર્વ નાનું કરી નાંખ્યુ છે. અહીં બધું જ મળે છે, સિવાય કે લખાયેલું અને છપાયેલું ગુજરાતી, જે વાંચીને જ આપણી સવાર પડતી હતી.
ભલે મહિને, બે મહિને કે ચાર મહિને પ્રકાશિત થાય પણ આપણી માતૃભાષામાં પ્રકાશિત થતું કોઇ પબ્લીકેશન હોવું જ જોઇએ. જે દેશ-પરદેશ અને સ્થાનિક ગુજરાતી સમાજમાં થતી ચહલપહલ અને ઘટનાઓની માહિતી આપતું એક એવું માધ્યમ હોય જે આપણી પોતાની ભાષામાં હોય. આ જરુરિયાતને પહોંચી વળવા માટે ગુજરાતી સમાજ દ્વારા પ્રકાશિત થતું ન્યુઝ લેટર ગુર્જર છે પણ તેની માહિતીનું પ્રમાણ મર્યાદિત છે અને માધ્યમ અંગ્રજી છે એટલે ગુજરાતી પ્રકાશનની જરુરિયાત ઠેરની ઠેર છે. અહીં એ સમજવું અઘરું છે કે જ્યાં ગુજરાતીઓ છે, ગુજરાતી સમાજ છે, ગુજરાતી ઉત્સવો અને ઉજવણીઓ થાય છે, ઘરમાં ગુજરાતી બોલાય છે પણ ગુજરાતી પબ્લીકેશન નથી. અને નથી તો કેમ નથી........ કદાચ પરદેશમાં આવીને આપણે બોલાયેલી ભાષા અને લખાયેલી ભાષા વચ્ચેનો ફરક અને મહત્તવ ભૂલી ગયા છીએ. અથવા તો આપણને હવે તે વાત જ મહત્તવની નથી લાગતી. મને લાગે છે કે માત્ર ગુજરાતી બોલવું કે ખાવું તે ગુજરાતીપણાં સાથેનો બહુ સગવડિયો વ્યવહાર છે. જો ગુજરાતી ભાષાનાં લખાણ કે વાંચનની જરુર ના લાગતી હોય તો ગુજરાતી સંસ્કૃતિ વીશેની આપણી સમજ બહુ છીછરી કહેવાય. કારણ સંસ્કૃતિનો વારસો બોલાયેલી ભાષા નહિ પણ લખાયેલી ભાષા જીવંત રાખે છે. ભાષાનાં માધ્યમથી જ આપણાં સંસ્કાર અને સંસ્કૃતિ સદીઓથી જીવંત રહીને સદીઓ સુધી જવાનાં છે. ગુજરાતી સમાજ વિશેની કોઇ પણ વાત ભારતની 24 પ્રાતિય ભાષા કે આંતરરાષ્ટ્રિય ભાષામાં છપાઇ હશે તેની ગંભીરતા એટલી નહિ હોય જેટલી ગુજરાતીમાં લખાયેલી વાતની હશે. કારણ માતૃભાષા સમાજનું અને માણસનું મન વાંચી પણ શકે છે અને લખી પણ શકે છે.

 થોડા સમય પહેલાં એક મિત્ર પાસેથી સાંભળ્યું હતું કે ગુજરાતી પબ્લીકેશન શરું થયું હતું પણ તે મફત નહોતું મળતું, એટલે લાંબુ ચાલ્યું નહિ ને બંધ થઇ ગયું. હાલમાં પણ કેટલાક ગુજરાતીઓની ફરિયાદ છે કે તેમની નવી પેઢી ગુજરાતી વાંચતી જ નથી. પરદેશમાં વસીને ગુજરાતી ભાષા સાથેનો આપણો સંબંઘ કાચોપાકો થઇ જાય તે સમજાય એમ છે પણ તેને સ્વીકારીને બેસી જવાની શું જરુર છે........આપણે જ્યાં છીએ ત્યાં અંગ્રેજી વાંચતા-લખતાં ના આવડે તો આપણને શરમ આવે છે. પણ આપણે જે છીએ તે ભાષા લખતા-વાંચતાં ના આવડે તો આપણને સંકોચ નથી થતો. કારણ આપણે પોતે જ ભાષાને ભાર નથી આપતાં. ઓસ્ટ્રેલિયામાં સેન્સસની માહિતી પ્રમાણે એકાદ લાખ ભારતિયો છે. જેમાંથી 78ટકાથી વઘારે ભારતિયો ભારતમાં જન્મીને છેલ્લા ચાળીસેક વર્ષમાં અહીં આવ્યા છે. વળી ગુજરાતીઓનું આગમન છેલ્લાં પાંત્રીસેક વર્ષથી થયું. જે પ્રમાણે અહીં આવેલા મોટાભાગનાં ગુજરાતીઓ ગુજરાતી વાંચી કે લખી શકવા પુરતા સક્ષમ છે. શું તેમને ગુજરાતી ભાષા વાંચવાની ઇચ્છા નહિ થતી હોય..........નવાઇની વાત તો એ છે કે ઓસ્ટ્રેલીયાની સરકાર જે તે દેશ અને સમાજનાં લોકોની માતૃભાષાનું મહત્તવ સમજે છે અને એટલે જ સેન્ટરલીંક અને ઇમીગ્રેશન વિભાગમાં ગુજરાતીમાં માહિતી ઉપલબ્ધ કરવાનાં પ્રયત્નો કરાયા છે. અને લાયબ્રેરીમાં ગુજરાતી કે ભારતની પ્રાંતિય ભાષાનાં પુસ્તકો ઉપલબ્ધ છે. ભારતમાંથી આવેલી મોટાભાગની હીન્દીભાષી અને દક્ષિણ ભારતીય વસતી પાસે પોતાની ભાષાનું પ્રકાશન છે સિવાય કે ગુજરાતીઓ. આપણી રહેણીકરણી, રીતભાત, પહેરવેશ, આપણાં લોકો અને આપણાં તહેવારો આપણને આપણાં મૂળથી જોડી રાખે છે અને એટલે જ વર્ષોથી વિશ્વમાં વસેલાં ગુજરાતીઓ આજે પણ પોતાની ઓળખ જાળવી શક્યા છે. પણ જો તે માત્ર મેળાવડા અને ઉજવણીઓ પુરતું જ હશે તો તે આપણી ઓળખનો એકમાત્ર ચહેરો છે. કારણ તેનાં સિવાય આપણી પાસે આપવા માટે ઘણું બધું છે. જેમ કે આપણો ઇતિહાસ, સાહિત્ય, સંગીત, કલા, આપણાં લોકો અને તેમણે જોયેલા ઉતાર-ચઢાવનો અનુભવ, સફળતા, સંઘર્ષ અને સમય સાથે કરેલો વિકાસ જે આપણાં માટે ગૌરવની વાત છે. આ બધું જ જો માત્ર કહેવા, સાંભળવા પુરતું હશે તો તેનો આવરદા બહુ લાંબો નહિ હોય. નવી પેઢી સુધી પહોંચાડવા માટે કહેલી કે સાંભળેલી વાત નહિ ચાલે, લખેલી વાત જોઇશે.આવનારી પેઢી પુરાવા માંગશે, ક્યાંથી લાવીશું.......મને થાય છે કે માત્ર ગુજરાતીપણું જ શું કામ..........આવતીકાલની પેઢીને પણ ખબર પડવી જોઇએ કે અહીં આવનારા આપણે પારકી ધરતી પર આવીને પગભર થયાં તે ખરેખર સહેલું નહોતું. ઓસ્ટ્રેલિયામાં આવેલો શરુઆતનો ગુજરાતી કાફલો, કેવી રીતે મળ્યો, કઇ રીતે સંગઠન થયું, અહીંનાં સંજોગો સાથે લડતાં લડતાં તેમણે કેવી રીતે અહીંની દુનિયામાં પોતાની એક દુનિયા વસાવી.....દરેક પરદેશીની એક સંઘર્ષ યાત્રા હોય છે જે અહીંના દરેક ગુજરાતીની પણ હશે. જેની ક્યાંય નોંધ નથી લેવાઇ. કારણ આપણી પાસે યોગ્ય માધ્યમ જ નથી. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનાં યુગમાં જીવનારા આપણે આપણાં જ ભાઇબંધુંઓથી અજાણ છીએ. ભૂતકાળની નોંધ લેવાય ત્યારે તે ભવિષ્યનો ઇતિહાસ બને છે જ્યારે આપણી પાસે તો વર્તમાન જાણવાનું પણ માધ્યમ નથી. આ સંજોગોમાં મને લાગે છે કે ગુજરાતી પબ્લીકેશન હોવું જ જોઇએ. આ કોઇ ફરિયાદ કે માંગણી નથી પણ જરુરિયાત છે. કદાચ માત્ર મારી જ નહિ પણ ગુજરાતી હોવાનું ખરું ગૌરવ છે તે દરેકને આ જરુરિયાત લાગતી હશે. શરત એટલી જ કે જરુર પુરી કરવા માટે જે જવાબદારી લેવી પડે તેની પણ તૈયારી રાખવી પડે. આ શક્ય છે જો એવા ગુજરાતીઓના સાથથી જેમને ગુજરાતી ભોજન કરતાં પણ વધારે ભૂખ ગુજરાતી ભાષાની લાગતી હોય. નમસ્તે.

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment