Showing posts with label રમતો. Show all posts
Showing posts with label રમતો. Show all posts

Sunday, July 24, 2011

બાલ રમત-1નદી કિનારે ટામેટુ


આપણી ભૂલાતી જતી બાલ રમતોને ફરી યાદ કરીએ.બાળકો જાતે આ રમતો રમી શકે છે અને જો તેમેને સમજણ ના પડે તો વડીલો તેમેને સમજાવે તો આ રમતો ફરી જીવંત બની શકે.
આ રમત 3 વર્ષની ઉંમરના અને તેનાથી મોટા બાળકો ખૂબ સારી રીતે માણી શકે છે. અલબત્ત પિકનિક પર ગયા હોઈએ કે બધા મિત્રો કુટુંબીજનો ભેગા થયા હોઈએ ત્યારે મોટાંઓ પણ આ રમત માણી શકે છે.
આ રમતમાં ઓછામાં ઓછા 4-5 બાળકો હોય તો મઝા આવે. તેનાથી જેટલા વધારે બાળકો હોય તેટલી વધુ મઝા…
તેમાં બે બાળકો સામસામે ઉભા રહી હાથ ઉંચા કરી એકબીજાના હાથ મેળવી કમાન જેવું બનાવે બાકીના બાળકો વારાફરતી આ કમાનમાંથી પસાર થાય.
આ વખતે બધા એક સાથે ગાય
નદી કિનારે ટામેટુ ટામેટુ
ઘી ગોળ ખાતુ તુ ખાતુ તુ
માને મળવા જાતુ તુ જાતુ તુ
અસ મસ ને ઢસ…
આ ગીત અહીં પુરું થાય આ વખતે બંને બાળકો નીચી કરી દે અને જે બાળક કમાનમાં રહી ગયું હોય તે આઉટ ગણાય
ફરી કમાન બને અને ફરી ગીત ગવાય
ફરી બીજું બાળક આઉટ થાય
હવે આઉટ થયેલા બે બાળકો કમાન બનાવે અને ફરી રમત શરૂ થાય.
બસ તો દોસ્તો રમી જો જો આ રમત અને કેવી મઝા પડે છે તે જણાવજો.

વરૂનો જમવાનો ટાઇમ



આ રમતમાં પહેલાં પાકવાની ક્રિયા આવે છે.
તેની અનેક રીતો છે. જેમકે
(૧)બધા બાળકો એકબીજાનો હાથ પકડી ગોળાકારે ઉભા રહે
એક બાળક બહાર રહે.
તેણે માત્ર ઉંધી કે ચત્તી, બેમાંથી એક જ શબ્દ બોલવાનો રહે.
હવે વર્તુળાકરે ઉભેલા બાળકો હાથ ઝુલાવી, પોતાની મરજી મુજબ એક હથેળી પર બીજી હથેળી ચત્તી કે ઉંધી મૂકે
આ વખતે જો બહાર ઉભેલ બાળક ચત્તી એમ બોલે તો જેની હથેળી ચત્તી હોય તે પાકી જાય.
કોઇ એક પાકેલું બાળક બહાર ઉભું રહે અને બહાર ઉભેલ બાળક પાકવા આવે.
ફરી આ જ પ્રક્રિયા થાય .
આમ કરતાં કરતાં છેલ્લે જે એક બાળક રહે તેણે દાવ આપવાનો રહે. (૨)બધા જ બાળકો વર્તુળાકારે ઉભા રહે અને કોઇ એક નીચેનું ગીત ગાય.
અંડેરી ગંડેરી ટીકડી ટેન
આઇસન માઇસન વેરી ગુડ મેન
ઓ મીસ્ટર કેટલા વાગ્યા?
વ, ટુ એન્ડ થ્રી…
અંડેરી બોલતી વખતે પોતાની તરફ આંગળી ચીંધવાની
ગંડૅરી વખતે બીજા નંબરની તરફ
ટીકડી વખતે ત્રીજા તરફ
ટેન વખતે ચોથા તરફ…
આમ છેલ્લે જ્યારે વન,ટુ એન્ડ થ્રી…
થ્રી જેના તરફ આવે તે પાકી જાય અને વર્તુળની બહાર નીકળે.
આમ વારંવાર કરી છેલ્લે જે એક બાળક બચે તેણે દાવ આપવાનો રહે
. આ સિવાય કોઇ પણ રીત પાકવાની ક્રિયા કરી રમતની શરૂઆત થઇ શકે…
હવે આજે આપણે “વરૂનો જમવાનો ટાઇમ” રમત રમીશું..
આ રમતમાં પાક્યા બાદ જેને માથે દાવ આપવાનો આવ્યોહોય તે બાળક પીઠ બતાવી ઉભો રહ. તે વરૂભાઇ કહેવાશે.
બાકીનાં બાળકો આ વરૂભાઇથી ૨૦ કદમ પાછળ એક આડી લાઇનમાં ઉભા રહે. હવે બધા બાળકો સાથે વરૂભાઈને પૂઃએ “વરૂભાઇ,વરૂભાઇ કેટલો ટાઇમ થયો??? “”વરૂભાઇ,વરૂભાઇ કેટલો ટાઇમ થયો???” વરૂભાઇ બોલે-” ૨ (બે) વાગ્યા” એટલે બાળકોએ બે કદમ વરૂની દિશામાં આગળ વધવાનું ફરી પૂ્છાય’”વરૂભાઇ,વરૂભાઇ કેટલો ટાઇમ થયો???” વરૂભાઇ બોલે-” ૪ (ચાર)વાગ્યા એટલે બાળકોએ ૪(ચાર) કદમ વરૂની દિશામાં આગળ વધવાનું વળી પૂછાય વરૂભાઇ,વરૂભાઇ કેટલો ટાઇમ થયો???” વરૂભાઇ બોલે-” ૩(ત્રણ) વાગ્યા” એટલે બાળકોએ ૩(ત્રણ) કદમ વરૂની દિશામાં આગળ વધવાનું આમ ક્યારેક બાળકો પૂછે”વરૂભાઈ,વરૂભાઈ કેટલો ટાઇમ થયો???” અને વરૂભાઇ લાગ જોઇને બોલે-”જમવાનો ટાઇમ” એટલે બધા બાળકોએ ભાગવાનું અને વરૂભાઇ તેમની પાછળ દોડે અને કોઇ એકને પકડી લે. હવે પકડાયેલ બાળક વરૂભાઇ બને અને નવેસરથી રમત શરૂ થાય. સમય પૂછતાં પૂછતા, જો કોઇજો બાળક વરૂભાઈની સાવ નજીક પહોંચી તેની પીઠ પર ધબ્બો મારી દે તો પહેલાના વરૂભાઈએ જ ફરી વરૂભાઇ બનવું પડે…..અને રમત ફરી શરૂ થાય….. બાળકો રમી જો જો ખૂબ મઝા પડશે

રમતા રમતાં શીખીએ



બાળકો અંગ્રેજીભાષાના સ્પેલિંગો રમતાં રમતાં શીખે અને તેની સાથે સાથે શારિરીક કસરત પણ મળી રહે તે હેતુથી આ રમત રમવાની છે.
તેમાં એક લીડર નક્કી કરે છે કે ફૂલોનાં નામ-
રમનાર ધારોકે પાંચ જણ હોય તો લીડર ગુજરાતીમાં ફુલોનાં નામ આપી દે છે જેમકે ગુલાબ,ચંપો,મોગરો,સૂરજમુખી વિગેરે..
હવે દરેકે ફુલનાં અંગ્રેજી નામ બોલવાનાં-જેમકે
ગુલાબ-ROSE—રોઝ
ચંપો-CHAMPA—-ચમ્પા
મોગરો-MOGRA—-મોગરા
સૂરજમુખી-SUNFLOWER—–સનફ્લાવર
હવે પાંચેય જણ એક લીટી પર ઉભા રહે અને સામે એક ધ્યેય બિંદુ નક્કી કરેલું હોય ત્યાં દોડીને જવાનું ,તેને અડીને બોલવાનું આર પાછા વાવી ફરી ધ્યેયબિંદુ પર જઈ અડીને બોલવાનું ઓ ,પછી બોલવાનું એસ, પછી બોલવાનું ઇ….આમ કોણ પહેલાં દોડીને બધા જ સ્પેલીંગ પૂરાં કરે છે????તે વિજેતા….
આ જ રીતે વાહનોનાં નામ, શાકભાજીનાં નામ,જંગલી પ્રાણીઓનાં નામ,પાંલતુ પ્રાણીઓનાં નામ, ઘરેલુ પ્રાણીઓનાં નામ, પક્ષીઓનાં નામ વિગેરે વિગેરે રમત સાથે પાકા કરી શકાય.
આ ઉપરાંત આ જ રીતે અઠવાડિયાનાં દિવસોનાં નામ, મહિનાનાં નામ, આંક વિગેરે પણ પાકા થઈ શકે….

ટામેટું



ટામેટૂં
બાળકો, આજે એક મઝાની રમત બતાવું. કદાચ તમે તે રમતા પણ હશો.
આ રમતને ટામેટું કહેવાય છે. તેમાં બધા બાળકો કુંડાળામાં બેસે અથવા ઉભા રહે. એક બાળક વચ્ચે બેસે કે ઉભું રહે. હવે વચ્ચે ઉભેલું બાળક વારા ફરતી, એક એક પછી એક બાળકને સવાલ પૂછે. જેને સવાલ પૂછાય તેણે જવાબમાં માત્ર”ટામેટું” એમ બોલવાનું. આ જવાબ સાંભળી વચ્ચે ઉભેલા બાળકે હસવાનું નહીં. જો ટામેટું ને બદલે બીજો કોઇ જવાબ આપે તો તે આઉટ ગણાય. તેણે કુંડાળામાંથી ઉભા થઇ બહાર નીકળી જવાનું. જેના જવાબથી વચ્ચે ઉભેલું બાળક હસી પડે તો તેણે કુંડાળામાં બીજા બાળકો સાથે ગોઠવાઇ જવાનું અને જેના જવાબથી આ બાળક હસ્યું હોય તે બાળકે વચ્ચે આવી જઇ સવાલો પૂછવાના. આ રમત ખૂબ મઝાની છે. મોટાઓ પણ આ રમત ખૂબ આનંદથી માણે છે.
ઉદાહરણરૂપ થોડા સવાલો
સવાલ-તારા પપ્પાનું નામ શું છે???
જવાબ-ટામેટું
સવાલ-વરસાદમાં આપણે માથા પર શું પહેરીએ છીએ???
જવાબ-ટામેટું
જો જવાબમાં કોઇ ટોપી એમ બોલી દે તો તે આઉટ ગણાય.

ચાલો વાર્તા બનાવીએ…


ખૂબ જ મનોરંજન આપતી રમત– “ચાલો વાર્તા બનાવીએ”…
આ રમત મેદાની રમત નથી. તે ઘરમાં રમી શકાય તેવી છે અને કોઇપણ ઉંમરની વ્યક્તિ રમી શકે છે.જેટલી વધુ વ્યક્તિઓ હોય તેમ આ રમત રમવાની વધુ મઝા પડે.
રીત-
એક લાંબો કાગળ લો. પ્રથમ વ્યક્તિ તેની પર એક વાક્ય લખે. અને બીજી વ્યક્તિને આપે.
બીજી વ્યક્તિ તે વાક્ય સાથે બંધ બેસે તેવું એક વાક્ય ઉમેરે. અને પ્રથમ વાક્ય ન દેખાય તે રીતે કાગળને વાળીને ત્રીજી વ્યક્તિને આપે.
આ ત્રીજી વ્યક્તિને એક જ વાક્ય દેખાશે. તે તેને અનુરૂપ એક વાક્ય લખે અને કાગળને વાળી દે. જેથી માત્ર પોતે લખેલું વાક્ય જ દેખાય અને ચોથી વ્યક્તિને આપે…..
આમ કાગળ આગળ વધે. બધાનો વારો આવી જાય પછી સૌ પ્રથમ જેણે પહેલું વાક્ય લખ્યું હોય તેની પાસે કાગળ પહોંચવો જોઇએ.
હવે આ પ્રથમ વ્યક્તિ આખો કાગળ ખોલી વાર્તા વાંચશે અને બધાને સંભળાવશે……
તમે આ રમત રમી જો જો….હસવાની ખૂબ મઝા આવશે.
શાળાના એક વર્ગમાં ચોમાસાને લીધે માત્ર ૧૦ બાળકો જ હાજર હતા.
તે વખતે અમે આ રમત રમ્યા હતા તે ઉદાહરણ માટે અહીં મૂકું છું.
૧-એક જંગલમાં એક ઘરડો સિંહ રહેતો હતો.
૨-તે બહુ ચાલી શકતો ન હતો.
હવે કાગળ ફોલ્ડ થયો, જેથી ૩ નંબરેને માત્ર બીજું વાક્ય જ વંચાયું. અને ત્રીજા બાળકે લખ્યું.
૨-તે બહુ ચાલી શકતો ન હતો.
૩-એક દયાળુ માણસે તેને ચાલવામાં મદદ થાય એટલે એક લાકડી લાવી આપી. હવે કાગળ ફોલ્ડ થયો અને ચોથા બાળકે ઉમેર્યું
૩-એક દયાળુ માણસે તેને ચાલવામાં મદદ થાય એટલે એક લાકડી લાવી આપી. ૪-હવે તે લાકડીની મદદથી ચાલતો અને બજાર જતો, શાકભાજી ખરીદતો.
હવે કાગળ ફોલ્ડ થયો અને પાંચમા બાળકે ઉમેર્યું
૪-હવે તે લાકડીની મદદથી ચાલતો અને બજાર જતો, શાકભાજી ખરીદતો.
૫-રસ્તામાં ગાય શીંગડું મારવા આવે તો તેને લાકડી મારી હટાવતો.
હવે કાગળ ફોલ્ડ થયો અને છઠ્ઠા બાળકે ઉમેર્યું
૫-રસ્તામાં ગાય શીંગડું મારવા આવે તો તેને લાકડી મારી હટાવતો.
૬-તોફાન કરતા બાળકોને લાકડી બતાવી તે ડરાવતો અને શાંત કરતો.
હવે કાગળ ફોલ્ડ થયો અને સાતમા બાળકે ઉમેર્યું
૬-તોફાન કરતા બાળકોને લાકડી બતાવી તે ડરાવતો અને શાંત કરતો.
૭-એક છોકરો બહુ જ જબરો હતો. તે લાકડી લઇ નાસી ગયો. હવે કાગળ ફોલ્ડ થયો અને આઠમા બાળકે ઉમેર્યું
૭-એક છોકરો બહુ જ જબરો હતો. તે લાકડી લઇ નાસી ગયો
૮-હવે દાદા લાકડી વગર ચાલવા ગયા અને પડી ગયા.
હવે કાગળ ફોલ્ડ થયો અને નવમા બાળકે ઉમેર્યું
૮-હવે દાદા લાકડી વગર ચાલવા ગયા અને પડી ગયા.
૯-તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા અને ડોક્ટરે ઓપરેશન કર્યું.
હવે કાગળ ફોલ્ડ થયો અને દસમા બાળકે ઉમેર્યું
૯-તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા અને ડોક્ટરે ઓપરેશન કર્યું.
૧૦-દૉક્ટરે કહ્યું, “હવે તે હાર્ટએટેકથી બચી ગયા છે.”
માત્ર દસ જ બાળકોએ કેવી સરસ વાર્તા લખી ….
ચાલો હવે આખી વાર્તા વાંચીએ..
એક જંગલમાં એક ઘરડો સિંહ રહેતો હતો.તે બહુ ચાલી શકતો ન હતો.એક દયાળુ માણસે તેને ચાલવામાં મદદ થાય એટલે એક લાકડી લાવી આપી. હવે તે લાકડીની મદદથી ચાલતો અને બજાર જતો, શાકભાજી ખરીદતો.રસ્તામાં ગાય શીંગડું મારવા આવે તો તેને લાકડી મારી હટાવતો. તોફાન કરતા બાળકોને લાકડી બતાવી તે ડરાવતો અને શાંત કરતો. એક છોકરો બહુ જ જબરો હતો. તે લાકડી લઇ નાસી ગયો. હવે દાદા લાકડી વગર ચાલવા ગયા અને પડી ગયા. તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા અને ડોક્ટરે ઓપરેશન કર્યું. ડોક્ટરે કહ્યું, “હવે તે હાર્ટએટેકથી બચી ગયા છે.”
બનીને મઝાની વાર્તા…..

ટેડપોલ બોલ રમત


ટેડપોલ બોલ રમત
આ ર્રમતમાં એક વર્તુળ દોરો અને તેને એક બાજુથી કાપી ત્યાં લાંબી બે લીટીઓ દોરો. આમ તેનો દેખાવ ટેડપોલ જેવો થાય છે અને બે ,ખૂબ નરમ ફૂટબોલ કે અન્ય મોટા બોલનો ઉપયોગ કરો જેથી નાના બાળકોને વાગે નહીં.
જેટલા બાળકો હોય તેને બે ટીમમાં ગોઠવી દો જે ને આપણે A ટીમ અને B ટીમ એમ નામ આપીશું.
હવે A ટીમનાં બાળકો વર્તુળની અંદર છૂટાછવાયા ગોઠવાશે.તેઓ એક બોલનો ઉપયોગ કરશે અને B ટીમ બહાર, બે લીટીની વચ્ચે ગોઠવાશે અને તે બીજા બોલનો ઉપયોગ કરશે. A ટીમનાં બાળકો બોલ એકબીજા તરફ નાંખશે અને કેચ કરશે. જેનાથી કેચ છૂટી જાય તે આઉટ ગણાશે. આ બાળકો કેટલા કેચ કરે છે તે નોંધો.
B ટીમનાં બાળકો એકપછી એક હાથમાં બોલ લઇને આખા વર્તુળ ફરતે દોડ લગાવશે.એક બાળક દોડ લગાવીને આવીને બોલ બીજા બાળક્ને આપશે. આમ બધાજ બાળકો વર્તુળને ફરતે દોડી રહે (રીલે રેસ)ત્યાં સુધીમાં એ ટીમનાં બાળકો કેટલા કેચ કરે છે તે નોંધો.
પછી બી ટીમ અંદર જશે અને એ ટીમ બહાર આવશે.
આખી જ રમતનું પુનરાવર્તન થશે.
જે ટીમ સૌથી વધુ કેચ કરી શકે તે વિજેતા ટીમ જાહેર થશે…

Thursday, January 20, 2011

zip-zap game


૧. સૌ પ્રથમ બધા વિદ્યાર્થીઓને ગોળ વર્તુળાકાર સ્વરૂપે ઉભા રાખો.
૨. સમજૂતી ઝિપ-ઝેપ ગેમની...


     ૩. હવે...જો વિદ્યાર્થીને ડાબી બાજુ ગેમ ચલાવવી હોય તો ઝિપ બોલશે અને જો પાછી એટલે કે પોતાની જમણી બાજુ ચલાવવી હોય તો ઝેપ બોલી ને ગેમ પાછી વાળશે.

૪. જે વિદ્યાર્થી જમણો હાથ ડાબી બાજુ કરીને " ઝેપ "{ ફોટોગ્રાફ ૨ પ્રમાણે} અને ડાબો હાથ જમણી બાજુ કરીને " ઝીપ "{ ફોટોગ્રાફ ૩ પ્રમાણે} બોલે તો આઉટ થાય...મિત્રો આ ગેમ રમવાની અને ભુલ થાય ત્યારે હસવાની પણ ખુબ મજા આવશે.