2. ભાગ્ય કે ભૂલ
ઘણાં વખતે આજે ડી.વાય.એસ.પી. સાહેબ ઘરે હતા. બંગલાના પહેલા માળે આવેલ બાલ્કનીમાં મૂકેલ ઝુલા ઉપર તેઓ બેઠાં બેઠાં કંઈક ભારે ઉદાસીનતા અનુભવતાં હતાં. સાંજનો સમય હતો. ઋતુ હજુ નક્કી નહોતી કરી શકાતી. બપોરના આકરા તાપ પછી, સાંજની ગુલાબી ઠંડી કંઈક વિસ્મય તો કંઈક રાહત આપી જતી હતી. ગગન કેટલું પણ વિશાળ હોય પણ તેણે તો કાં તો સૂરજની રંગે રંગાવવાનું કે ઝળહળવાનું કાં તો ચંદ્રના રંગે આછા અજવાળે તારા મંડળની મદદે દળદળવાનું. બંગલાના કંમ્પાઉન્ડમાં રાધા વાસીદું વાળી રહી હતી. રાધા લગ્ન પછી આજે પહેલી વખતે ઘરે આવી હતી. વાસીદું વાળતાં વાળતાં તે મનમાં વિચારતી હતી કે ઉપરવાળો શું વિચારતો હશે ? એના માટે તો ઉપરવાળો એટલે પહેલા માળે ઝૂલા પર બેઠેલા ગોહિલ સાહેબ. એનાથી વધારે ઉપર તે કશું વિચારી શકે તેમ નહોતી. ગોહિલ સાહેબ એના માટે ઈશ્વરથી પણ વધારે હતા.
ગોહિલ સાહેબ નીચે રાધાને જોઈને વિચારે ચડી ગયાં. આજથી લગભગ દશ વર્ષ પહેલાંની ધોધમાર વરસતી રાત હતી. વીજળીના કડાકા વાતાવરણને ભયાનક બનાવે એના કરતાં પણ વધારે ભયાનક મન:સ્થિતિ ગોહિલસાહેબની હતી. એક સાવ ગરીબ બાઈ પોલીસચોકીમાં તેમની પાસે આવી પોતાનો અસંખ્ય કાંણાવાળો પાલવ પાથરી વિનંતી કરી રહી હતી.
‘સાહેબ એને મારશો નહીં, એને ક્ષય થયો છે.’
‘શું નામ છે તારું ?’
‘લક્ષ્મી.’
ગોહિલસાહેબ મનમાં ને મનમાં વિચારતા રહ્યા. નામ તો બિચારીનું લક્ષ્મી છે પણ કેટલું બધું દારુણ્ય છે એની જિંદગીમાં.
‘બોલો શું કામ છે ?’
‘સાહેબ આ ધનસુખને ના મારશો. મારો ધણી છે. સાહેબ, બીજું કંઈ નહીં તો મારી આ રાધાની તો દયા કરો.’ સાહેબે જોયું તો રાધા વરસતા વરસાદમાં એક ઝાડની નીચે ઊભી ઊભી રડી રહી હતી. જેટલા અમાસની રાતે આકાશમાં તારા હોય તેટલાં એની ઓઢણીમાં કાંણાં હતાં, છતાં એને ઓઢીને વરસતા વરસાદથી બચવાનો તે વ્યર્થ પ્રયાસ કરી રહી હતી.
‘લક્ષ્મી, તું રાધાને અહીં અંદર રૂમમાં લઈ આવ.’ સાહેબે લક્ષ્મીની આખી વાત શાંતિથી સાંભળી અને ધનસુખને નહીં મારવાની હૈયા ધારણ આપી.
ગોહિલસાહેબ આખી રાત સૂઈ ના શક્યા. મનોમન વિચારતા રહ્યા કે આમાં રાધાએ શું ગુન્હો કર્યો ? શા માટે એની જિંદગી આ રીતે જવી જોઈએ ? આટલા વરસોમાં કેટકેટલા ગુનેગારોને ગોહિલ સાહેબે જોયા હતા અને એમને રીમાન્ડ ઉપર પણ લીધા હતા; પરંતુ આજે કોણ જાણે કેમ તેઓ ખૂબ અસ્વસ્થ થઈ ગયા હતાં. આખી રાત તેઓ જાગતાં રહ્યા. સવારે પૂજામાં પણ એમનું ધ્યાન ન રહ્યું. ગોહિલ સાહેબનો નિત્યક્રમ ભલે ગમે તેવો ભરચક કાર્યક્રમથી ભરેલો હોય પણ સવારે પૂજા કર્યા વગર તેઓ ઘરની બહાર પગ મૂકતાં નહીં. એમણે એમની પત્નીને બોલાવીને કહ્યું, ‘ખમાબા, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. જરા અંદરના ખંડમાં આવો ને.’ એમનાં પત્ની તેમની પાછળ અંદરના ખંડમાં ગયા અને પૂછ્યું :
‘બોલો શું કહેતા હતા ?’
‘ખમાબા, તમે કલ્પના કરી શકો છો એવી કે આપણો પપ્પુ ક્યાંક ખોવાય ગયો હોય અને વરસતા વરસાદમાં કોઈ ઝાડ નીચે પલળતો ઊભો હોય…..’
આટલું સાંભળતા તો ખમાબા એ ગોહિલ સાહેબના હોઠ ઉપર પોતાનો હાથ મૂકી રડી પડ્યા.
‘તમે કેમ આવું અમંગળ બોલો છો ? આજે તમને શું થયું છે ?’ ગોહિલસાહેબે ખમાબાને બધી વાત વિસ્તારથી કહી. ગોહિલસાહેબે તેમને કહ્યું : ‘ખમાબા, તમારી સંમતિ હોય તો આપણે આ રાધાને આપણે ત્યાં રાખી લઈએ તો ?’ તેઓ ગોહિલ સાહેબની વાતથી ખુશ થયા અને મનોમન એમણે પતિને વંદન કર્યા. તેમના મનમાં એ દિવસથી સાહેબ માટેનું માન ખૂબ જ વધી ગયું.
આજે રાધાની ઉંમર સત્તર વર્ષની થઈ. છેલ્લા બાર વર્ષથી એ ગોહિલસાહેબના ઘરે જ રહેતી હતી. હવે તે આ ઘરની સભ્ય બની ચૂકી હતી. ખમાબા પણ એટલાં જ પ્રેમાળ હતાં. એમણે રાધાને ઘરની દીકરીની જેમ ઉછેરીને મોટી કરી હતી અને આ ઘરના સંસ્કાર આપ્યાં હતાં. રાધાની રીતભાત અને તેનું બૌદ્ધિક સ્તર જોઈને કોઈને એમ ન લાગે કે રાધા સાવ ગરીબ ઘરમાંથી આવતી એક દારૂડિયા માણસની છોકરી છે. બાળકના ઉછેર અને માવજત ઉપર એના સંસ્કારનો બધો આધાર હોય છે તેનું રાધા એક ઉત્તમ ઉદાહરણ છે. ગોહિલ સાહેબનું ધ્યાન ગયું કે રાધા નીચે વાસીદું વાળી રહી છે એટલે એમણે રાધાને ઉપર બોલાવી. તે આવીને બેઠી એટલે તેમણે પૂછ્યું :
‘કહે… કેમ છે તારો માધવ ?’
રાધાનું મનોજ સાથે વેવિશાળ થયું ત્યારથી હંમેશા ગોહિલ સાહેબ મનોજને જુદા જુદા કૃષ્ણના નામ લઈ બોલાવતા અને રાધાને એ બહાને જરા ચીડવતા. કોઈક વખત માધવ, તો કોઈક વખત ઘનશ્યામ તો કોઈ વખત કાનભાઈ કહી રાધાને હસાવતાં. રાધા થોડી ચીડાતી અને મનમાં ખુશ થઈ શરમાઈ જતી. ખમાબા એ બંને વચ્ચેની ધમાચકડી જોઈ ખુશ થઈ જતાં. આજે ગોહિલ સાહેબે રાધાના માથા ઉપર હાથ ફેરવીને પૂછ્યું કે કેમ રાધા તું કંઈ બોલતી નથી. બધું હેમખેમ તો છે ને ? અને રાધા એકદમ રડી પડી. ખમાબાએ આવી રાધાને પાણી પીવડાવી હૈયા સોંસરી ચાંપીને સાંત્વના આપી. રાધા ધીરે ધીરે સ્વસ્થ થઈને બોલવા લાગી.
‘સાહેબ, તમારી રાધાને તો તમે જતનથી સાચવીને રતન બનાવી દીધી. તમને યાદ છે જ્યારે તમે વળાવતા હતા ત્યારે તમે મને કહ્યું હતું કે ‘દીકરી, જેમ છોડને એક ક્યારામાંથી બીજા ક્યારામાં રોપવામાં આવે છે ત્યારે મૂળ ક્યારાની થોડી માટી છોડની સાથે રાખવામાં આવે છે. જેથી કરીને છોડ નવા ક્યારામાં ગોઠવાઈ ના જાય ત્યાં સુધી મૂળ એનું સિંચન કરે. એમ તું પણ આ ઘરના સંસ્કારને સાથે લઈને જઈ રહી છે.’ પરંતુ સાહેબ, બીજા ક્યારાની માટી જ સાવ પોકળ હોય તો શું ? એ છોડની લીલપ ક્યાં સુધી રહી શકે ? બા સાહેબ, તમને ખબર છે ? એ ઘરમાં તો કોઈ બહારથી ઘરમાં આવે તો હાથપગ ધોયા વગર ઘરમાં બધે ફર્યા કરે અને ખાવા પણ બેસી જાય ! અને સાહેબ, એ તમારા કાન, માધવ અને ઘનશ્યામ – એ તો સવારે ઊઠીને બ્રશ પણ કરતાં નથી. એમને હું ભગવાનની પ્રાર્થના કેવી રીતે શીખવાડું ?
બા સાહેબ, તમને યાદ છે એક દિવસ હું મોડી ઊઠી હતી. આગલી રાતે આપણે એક ફિલ્મની સીડી લાવેલા અને એ જોતાં જોતાં ખૂબ મોડું થઈ ગયેલું અને પછી બીજે દિવસે સવારે મારી આંખ મોડી ખૂલેલી. હું ઉતાવળે પ્રાર્થના કરવાનું ભૂલી ગઈ તો તમે બંને મારા ઉપર કેટલાં ગુસ્સે થઈ ગયેલા ? અને સાહેબ, તમે કહ્યું હતું કે ઈશ્વરની સંમતિ વગર આંખનું એક મટકું પણ આપણે ન મારવું જોઈએ. પ્રાર્થના એક એવું સંગીત છે જે ખળખળ વહેતી નદીની જેમ નિર્મળ હોય છે. એ આપણાં મન નિર્મળ રાખે છે – પણ ત્યાં એવું કશું જ નથી. ત્યાં તો બધું એકદમ જુદું છે. તમારો માધવ સાવ દારૂડિયો છે. ક્યાં તમારા સંસ્કારોનો વૈભવ અને ક્યાં એ લોકોનું નિમ્ન જીવન. સાહેબ, હું નાની હતી ત્યારે એક દારૂડિયાના ઘરે મારો રૂંધાતો વિકાસ તમે જોઈ નહોતા શકયા પરંતુ હવે શું ?’ કહી રાધા એકદમ રડી પડી. ગોહિલસાહેબથી પણ ડૂસકું મૂકાઈ ગયું.
ખમાબા બંનેના માથા ઉપર હાથ મૂકી વિચારી રહ્યા કે રાધાને આપણે ઘેર લાવ્યા એ શું ફક્ત અલ્પ સુખને ખાતર જ ? આ છોકરીને આપણે કેવી સરસ રીતે ઉછેરી અને તેને આ ઘરનો સંસ્કાર વૈભવ આપ્યો. પણ આ શું થઈ ગયું ? રાધાને પરણાવીને મોટી ભૂલ કરી કે રાધાને આપણે ત્યાં લાવી ઉછેરી મોટી કરી એ આપણી ભૂલ ?
0 comments:
Post a Comment