૧. ઈન્ફ્રાસ્ટ્રકચર -
ઈલેક્ટ્રીસીટી વિરુધ્ધ ઈન્ટરનેટ: બન્ને વસ્તુઓ મહત્વની. પરંતુ, થોડા વર્ષો પહેલાં આપણે માર ખાધી - ઈન્ટરનેટમાં. બાકી અત્યારે જો જોવા જઈએ તો બેંગ્લુરુમાં ઈલેક્ટ્રીસીટીની હાલત જોતા ત્યાંની ઈન્ટરનેટની સુવિધા અર્થ વગરની લાગે છે. ગુજરાતમાં ઈલેક્ટ્રીસીટીની હાલત અન્ય રાજ્યો કરતાં ઘણી સારી છે.
૨. સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક:
સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીમાં તેજી વખતે કર્ણાટક (અને આંધ્રપ્રદેશ)ની સરકારો એ ઘણાં-બધાં સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક બનાવ્યા અને રાહત-દરે (!) કંપનીઓને નિમંત્રી. હવે, લાંબા ગાળે આ કંપનીઓએ તૈયાર માલ-સામાન જોતાં બેંગ્લુરુ અને દક્ષિણ ભારતને પોતાનો બેઝ બનાવ્યો અને ત્યાં જ સ્થાયી થઈ ગઈ. ઘણી કંપનીઓનું મુખ્ય-કેન્દ્ર ત્યાં જ રહ્યું કારણ કે, તેમની શરુઆત ત્યાં જ થઈ હતી.
૩. આઈ.ટી. બસ:
કહેવાય છે કે સોફ્ટવેરની ધૂમ તેજી વખતની બસ ગુજરાત ચૂકી ગયું. ૧૦૦% સાચું. ગુજરાતની તે વખતની સરકાર ખજૂરીયા અને હજુરીયા કાંડમાં પડી હતી - એટલે આઈ.ટી. બસમાં ચડવાનું ધ્યાન ન રહે તે સ્વાભાવિક છે ;) પછી, પણ મોડું ન થયું અને ગાંધીનગર ખાતે ઈન્ફોસીટી બનાવવામાં આવ્યું. પરિણામ? શૂન્ય. કારણ? કીટાણું. આ કીટાણું હતાં - ઈન્ફોસીટીમાં સુવિધાનો અભાવ. યાદ રાખવું જરુરી કે સોફ્ટવેર કંપનીઓ બને ત્યાં સુધી એવી જગ્યા પસંદ કરે જ્યાં જરુરી સુવિધાઓ હાજર જ હોય. વધુમાં, આઉટસોર્સિંગ વડે બેંગ્લુરુ, હૈદરાબાદની બસોએ વધુ તેજી પકડી.
૪. શિક્ષણ:
૨૦૦૦ની સાલ પછી આપણે ત્યાં ખરેખર ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં વધારો થયો. એ પહેલાં ગુજરાતમાં ગણી-ગાંઠી કોલેજ એન્જિનિયરીંગ કે કોમ્પ્યુટર શિક્ષણ આપતી હતી. આઈ.ટી. કંપનીઓ કેમ્પસ ઈન્ટરવ્યુમાંથી ફ્રેશ મગજ ઉઠાવવાનો પ્રયત્ન વધુ કરે છે - એનું કારણ એ છે કે મોટાભાગની કંપનીઓ પોતાની રીતે તાલીમ આપીને પોતાનાં કાર્યક્ષેત્રને સંબંધિત કાર્ય કરાવવાનું પસંદ કરે છે. બેંગ્લુરુ અને આજુ-બાજુ શિક્ષણ સંસ્થાઓનો રાફડો તો ક્યારનોય ફાટેલો તે આપણે જાણીએ જ છીએ. હવે, ફાલ ઉતરે એમાં થોડું-ઘણું સારું હોય - એ ન્યાયે આઈ.ટી. કંપનીઓને વાંધો ન આવ્યો.
૫. સ્ટાર્ટ-અપ:
ગુજરાત બેંગ્લુરુ કેમ નથી - તે અંગેનાં ખાંખા-ખોળાંમાં હું આ પાંચમાં કારણને સૌથી વધુ મહત્વ આપું છું. તો આ સ્ટાર્ટ-અપ છે શું? સ્ટાર્ટ-અપ એટલે નાનકડી કંપની. દા.ત. ટ્વીટર. હવે આમાં મહત્વનું છે - તમારો વિચાર. અચાનક તમને વિચાર આવે કે ભાઈ આ વિચાર તો આગળ જતાં મોટી પ્રોડક્ટ કે માર્કેટ બની શકે છે - અને તમે તેનાં આધારે બે-પાંચ કોમ્પ્યુટર અને માણસો લઈ નાનકડા પાયે કંપની શરુ કરો તે કહેવાય - સ્ટાર્ટ-અપ. આવી કંપનીઓ પછી વેન્ચર કેપિટાલિસ્ટ કહેવાતા લોકોના ધ્યાનમાં આવે અને તેઓ તેમને વધુ પૈસા આપે. હવે, આ ગણિત લાગે તેટલું સરળ નથી - કારણ કે તમારો વિચાર, તમારી પ્રોડક્ટ એ કંઈક અંશે તે પહેલાં સફળ થવી જરુરી છે. બેંગ્લુરુમાં મેં આવી ઘણી બધી કંપનીઓ જોઈ. અમદાવાદ કે ગુજરાતમાં આવી કંપનીઓ છે - પણ ગણી-ગાંઠી છે. સ્ટાર્ટ-અપ શરુ કરવા માટે જે હિંમત, મહેનત અને કોઠાસુઝ જરુરી છે - જે ગુજરાતની પ્રજા પાસે છે - છતાં વધુ સંખ્યામાં સ્ટાર્ટ-અપ કેમ નથી એ આશ્ચર્યનો વિષય છે.
આ પાંચ મુદ્દા સિવાય જો તમને લાગતું હોય કે ગુજરાત બેંગ્લુરુ કેમ નથી તો ઉઠાવો કલમ અને મોકલો પત્ર. સોરી, કરો ક્લિક અને મોકલો મને ઈમેલ. ફરી ક્યારેક ગુજરાતને બેંગ્લુરુ (જેવું) કેવી રીતે બનાવી શકાય તેની વાત કરીશું.
Core Dump "આઈ.ટી. એન્જિનિયરની મુખ્ય ચિંતા આઈ.ટી. હોય છે!"
0 comments:
Post a Comment