Wednesday, August 8, 2012

બિહાર અને ગુજરાત - ભાગ એક



આમ તો સરખામણી કરવી એ કંઈ સાચી રીત નથી. પરંતુ આપણે આપણો કક્કો ખરો કરવા ઘણી વાર સરખામણી કરી નાંખીએ છીએ. તાજેતરમાં આપણા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનાં હરિફ કેશુભાઈને ઉદ્દેશીને  કહ્યું કે બિહાર જાતિવાદનાં રાજકારણને કારણે પાછળ રહ્યું હતું. તો તરજ જ તેની પ્રતિક્રિયા રૂપે બિહારનાં મુખ્ય પ્રધાને કોમવાદનું રાજકારણ ખેલનારને આવું કહેવાનો અધિકાર નથી તેવું નિવેદન આપ્યું હતંુ. આમ મોદી વિરૂદ્ધ નિતિશનાં આ યુદ્ધને કારણે જ મને સાત વર્ષ પહેલા બિહાર વિધાનસભાની ચૂંટણી કવરેજ કરવા માટે મેં વિતાવેલા ત્રણ મહિના કરતા વધુ સમયની યાદ સ્મરણ પટ્ટ પર તાજી થઈ ગઇ.

મુંબઈમાં તો દરરોજ યુપીબિહારનાં લોકો વિરૂદ્ધનાં નિવેદનો સાંભળું છું. ખાસ કોઈ અસર થતી નથી. કારણકે બધુ લોકોને ભરમાવા માટે તેમજ સત્તા મેળવવા માટે જ હોય છે. તેમ છતા લોકોમાં વિવિધ જાતનાં પૂર્વગ્રહો હોય જ છે. હું પણ એમાંથી કંઇ બાકાત નથી. હૈદરાબાદની એક ટીવી ચેનલમાં કામ કરતો ત્યારે પણ બિહારનાં લોકો વિરૂદ્ધ એક અલગ પ્રકારનાં દ્વેષની લાગણી થતી. તેનું કારણ એ પણ હતું કે અમારી એક માત્ર ગુજરાતી ચેનલને બાદ કરતા ત્યાંથી પ્રસારીત થતી લગભગ તમામ યુ,પી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર તથા ઉર્દુ ચેનલમાં તમામ જગ્યાઓ પર બિહારથી આવેલા લોકોનો દબદબો હતો. અમારા ગુજરાતીઓ કરતા આ લોકો ઘણાં જ હોંશિયાર તમામ રીતે. તેઓની સાથે પરિચયમાં આવતો તો ઘણીવાર થતું કે આ લોકો આટલા બધાં હોંશિયાર છે તો પણ પ્રદેશ આટલો પછાત કેમ ?

એવામાં ત્યાં ૨૦૦૫ ની વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ. તેને કવર કરવા માટે તમામ ચેનલોમાંથી એકએક રીપોર્ટરને મોકલવાનું નક્કી કરવામાં આવ્યું મેં પણ મારી ઉમેદવારી સામેથી જાહેર કરી હતી. મને મારા બિહારી મિત્રોએ સમજાવ્યો કે શા માટે મરવા માટે જાય છે. છતાં મારે તો જવું જ હતું. ઘણાં વખતથી ડેસ્ક પર રહી કંટાળ્યો હતો. રીપોટીંગ કરવાનો કીડો સળવળતો હતો. તેથી મારે તો ત્યાં જવું જ હતું. ઇતિહાસ વાંચતો ત્યારે મોર્ય વંશ, પાટલીપુત્ર, નાલંદા વિદ્યાપીઠનાં વર્ણનો વાંચીને ત્યાં ખરેખર કેવી પરિસ્થતી છે તે જોવી હતી. વળી પેલો સવાલનો જવાબ પણ જોઈતો હતો કે શાં માટે આ પ્રદેશ આટલો પછાત ?

ટીવી જર્નાલિઝમાં પ્રવેશ કરવા માંગતા મારા યુવા મિત્રોને એક વણમાંગી સલાહ આપી દઉં કે જો તમને અંગ્રેજીમાં રિપોર્ટ લખતા આવડતું નહિ હોય તો ટીવી ન્યુઝ ચેનલમાં ગુજરાત છોડીને બહાર જવાનું સલાહભર્યુ નથી. કારણકે હિન્દી ચેનલોમાં આ બિહારીઓ તમને ફાવવા નહિ દે અને અંગ્રેજી ચેનલમાં ભાષાની જાણકારીનાં અભાવે ખુણાંમાં સડ્યાં કરવું પડશે.

ફરી પાછા બિહારની વાત પર આવું તો મારી બિહારનાં ચેનલ હેડ સાથે સારી ઓળખાણ હતી. વળી તેમને ત્યાં આવવા મારા જેવા કોઈકે સામેથી પ્રસ્તાવ મુક્યો હતો તેથી તેમણે તરત જ પટનાથી મારી નામની હા પાડી દિધી. મે તો તરત જ વિધાઉટ રીઝર્વેશન બિહાર જવા માટેની ટ્રેન પકડી લીધી. કારણકે જો હું મોડુ કરીશ તો અંગ્રેજીમાં રીપોર્ટ લખતા નથી આવડતો તેવા મુદ્દે મારી બિહારની ટિકિટ કપાઈ જવાનો મને ડર હતો. હિંમતે મર્દા તો મદદે ખુદા. તે જ વખતે એક રાજસ્થાનની ચેનલનો ઍન્કર પણ બિહાર જવા માટે નિકળ્યો હતો. તેનાં કેટલાંક સગાવ્હાલાઓ પણ હતા. તેથી બે દિવસ કરતા વધુ લાંબા પ્રવાસ માટેની મારી એક સીટની વ્યવસ્થા થઈ ગઈ હતી.

પણ અગાઉ કિધું હતું તેમ અંગ્રેજીમાં રીપોર્ટ લખવાનો સવાલ તો ઉભો જ હતો. પરંતુ મારા સદનસિબે તેલગું ચેનલમાંથી ત્યાં એક આધેડ વયનાં પત્રકાર આવ્યા હતા. તેમને બિહાર વિધાનસભાની ચૂંટણી માટે સજાનાં ભાગરૂપે મોકલવામાં આવ્યા હતાં તેવી તેમનાં મનોભાવો હતા. સ્ટુડિયો છોડીને તેઓ ભાગ્યે જ બહાર નીકળતા. મે તેમની સાથે સમજૌતો કર્યો. હું વહેલી સવારથી બહાર નીકળી જતો, બપોરે પાછો આવું ત્યારે મારી પાસે ઘણી બાઇટો (નાનકડો ટીવી ઇન્ટરવ્યુ) હોય. હું તેમને મારી કેસેટ આપતો તેઓ મારી બાઇટ લઇ લેતા બદલામાં મને મારી એક સ્ટોરી અંગ્રેજીમાં લખી આપતા. આમ અંગ્રેજીમાં મારા નામથી પણ સ્ટોરી જવા માંડી હતી. તેથી કોઇને પણ એમ ન લાગતું કે હું અહિં કંઈ કામનો નથી તેથી શરૂઆતમાં માત્ર ૧૫ થી ૨૦ દિવસની મારી બિહાર વિધાનસભાની ચૂંટણી કવરેજ યાત્રા સાડા ત્રણ મહિના કરતા વધુ સમય માટે લંબાઈ ગઈ.

બિહાર વિધાનસભા ચૂંટણી દરમ્યાન મે મોટા ભાગનો સમય પટના ઍરપોર્ટ પર જ વિતાવ્યો હતો. કેટલીક વખત સી.એમ હાઉસ (મુખ્ય પ્રધાનનાં બંગલે) જતો. રાબડી દેવી ભાગ્યે જ કંઇક બોલતાં. અને બોલે તો પણ મને કંઇ ખબર નહોતી પડતી. હા ઉત્તરાણનાં દિવસે તમામ પત્રકારોને દહિંચૂંડા (પૌઆની કોઇક વાનગી) જાણે જાન જમાડતા હોય તે રીતે આગ્રહ કરીને ખવડાવેલા એ દ્રશ્ય યાદ છે.

મારા ગુજરાતી ચેનલનાં મિત્રોનાં મતે મારૂ બિહારની રિપોટીંગ ખૂબ જોરદાર હતું. પણ હું તેનો શ્રેય બિહાર ચેનલનાં ચિફ રીપોર્ટર ઓમ પ્રકાશ  તથા મારા કેમરામેન અશોકને આપું છું. મારા બિહારીમિત્રોએ મારૂ ધ્યાન રાખવા માટે ઓમપ્રકાશને હૈદરાબાદથી જણાવી દિધેલું. તેથી જેવો હું ત્યાં પહોંચ્યો કે તેણે તરત જ મને તેની ટીંમમાં સામેલ કરી દિધો હતો. જો કે સ્ટોરીની ટેપ મારે તેને ચૂપચાપ આપી દેવાની. જો કે મને એમાં કંઈ વાંધો નહોતો. કારણકે કોણ મુખ્ય નેતા છે કોણ નથી. તેની તે વખતે મને ખાસ કંઈ સમજ નહોતી. તેથી જે જગ્યાએ તેનાથી પહોંચી ન શકાય. ત્યાં મને મોકલી આપતો.

મારો બીજો સાથીદાર કેમેરામેન અશોક. ઍરપોર્ટ પર જેવું કોઇ નેતાનું હેલિકૉપ્ટરનું લેન્ડિગ થાય. તમામ ચેનલોનાં રીપોટર્રો કૅમેરામૅન તે દિશામાં દોટ મુકે. દરેકને પોતાની ચેનલનું બુમ (લોગો વાળું માઇક) દેખાવું જ જોઇએ. વળી ઍન્ગલ પણ વ્યવસ્થીત જોઇએ. ભારે અંધાધૂંધીગાળાગાળીનો માહોલ સર્જાય. હું તો માત્ર અશોકની સૂચનાને અનુસરતો. ઑફિસમાં ભાગ્યે જ ગાળ ખાધી હશે. વળી પીટુસી (કૅમેરા સામે જોઇને રીપોર્ટર સમાપન કરે તે દ્રશ્ય)  માટે પણ મને ઍરપોર્ટનાં ખુણેખુણે લઈ જઇ રોજ નવાંનવાં ગતકડા કરાવવામાં તેને બહુ મજા આવતી. જો કે તેની પાછળ રીજનલ ચેનલને બદલે કોઇ નૅશનલ ચેનલમાં કૅમેરામેન તરીકેની નોકરી મળી જાય તેવી મહત્ત્વાકાંક્ષા પણ કામ કરતી. જો કે એવી મહત્ત્વાકાંક્ષા મને પણ હતી. જો કે તેનાથી બહુ મોટી ભૂલ મારાથી થઈ ગઈ હતી. તેની વાત ફરી ક્યારેક.

બિહાર વિધાનસભા ચૂંટણી કવરેજ કરનારો એક મહત્ત્વનો રીપોર્ટર હું બની ચૂક્યો હતો. જો કે અગાઉ કિધું તેમ મારૂ કામ તો માત્ર બાઇટ લાવવા પુરતું જ મર્યાદિત હતું. તેથી મેં એક ગુજરાતી દૈનિક માટે બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભૂતિયા નામે ગુજરાતીમાં અહેવાલ લખવાનું કામ સામેથી માંગીને લીધું. મારો અહેવાલ દરરોજ છપાતો એવું મારા પેપરનો સબએડિટર મને કહેતો. જો કે આ કામ માથે લીધા બાદ મને બિહારની અથવા તો પટનાની સમસ્યાનો ધીમેધીમે પરિચય આવવા માંડયો હતો.

શાંતિથી બેસીને અહેવાલ લખી શકું તેવું કોઇ સાયબર કૅફે પણ ન મળતું. મળે તો લાઇટ ન હોય. ઇન્ટરનેટ કનેકશન ધીમું. તેથી મેે ઓફિસમાં બેસીને ટાઇપ કરીને ન્યુઝપેપરમાં સીધો ફેક્સ કરવાનું શરૂ કર્યુ. તો બહાર ફેક્સ મશીનમાં પણ ભારે ગડબડ. કનેકશન ન મળે જેવી અનેક તકલીફો. તેથી અમુક દિવસો બાદ મે આ કામ માંડી વાળ્યું હતું.

પટનામાં અમને એક પ્રાઇવેટ કંપનીનો મોબાઇલ સીમકાર્ડ આપવામાં આવ્યો હતો. જે પટનાની બહાર નીકળો તો બંધ થઇ જતો. બીએસએનએલનાં કાર્ડ ઓછા હોવાથી જો કોઇ રિપોર્ટર પટનાથી ઘણો દૂર જવાનો હોય તેમને જ આપવામાં આવતાં. તે પણ ઘણી મુશ્કેલી બાદ લાગતો. આ બધી પ્રાઇવેટ કંપનીઓ પટનાની બહાર ટાવર કેમ નથી લગાવતી તેવો સવાલ હું અશોકને પૂછતો તો તે મને કહેતો કે પટનાની બહાર ટાવર મુકવા માટે રંગદારી (ખંડણી કે હપ્તો) આપવી પડે. વળી અહિં એક કરતા વધારે ગુંડાઓની ટોળકી હોવાથી કંપનીઓ કોનેકોને હપ્તાઓ આપતી રહે. તેથી જ મોબાઇલ ટાવરો પટનાની બહાર નથી ચાલતા. મારા માટે આ તમામ વાતો નવાઈભરી હતી.
હું જ્યારે પટના વિધાનસભા ચૂંટણીનું કવરેજ કરવા બિહાર પહોંચ્યો ત્યારે ૨૦૦૪ નો ડિસેમ્બર મહિનો હતો. ટ્રેનમાંથી તો ચારે બાજુ લીલોતરી જ દેખાતી. તેથી ફરી પાછુ પછાત કેમ તે પ્રશ્ન ઉકેલવાનો તો બાકી જ હતો. અમને એક સારી ગણાતી હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો હતો. પરંતુ ઠંડીને કારણે મારુ મગજ જાણે બહેર મારી ગયું હોય તેવો ઘાટ હતો. હૉટેલમાં ગાદી ઓઢીને સૂઈ જતો તો પણ ઠંડી લાગતી. આખો દિવસ જાણે ઠંડી જ હોય તેવું લાગતું. તેથી મેં ઓમપ્રકાશને મારી આ સમસ્યા કહી. તેણે મને બજારમાંથી ‘ઇનર’  લાવવા કહ્યું તે પહેર્યા બાદ જાણે ચમત્કાર થયો હોય તેમ શરીરની તમામ સિસ્ટમ કામ કરતી થઈ ગઈ. પહેલી વખત ટીવી પર આવતી પેલી જાહેરાત ‘ઠંડી મેં ભી ગરમી કા અહેસાસ’ નો અર્થ મને સમજાયો. ઉત્તર ભારતમાં લોકો શા માટે ઇનર પર શર્ટ પહેરતા હોય તે મને સમજાયું.

હૈદરાબાદમાં પણ સાયકલ રિક્ષાઓ હતી. પરંતુ હૈદરાબાદનાં જે વિસ્તારમાં હું રહ્યો હતો. ત્યાં મે કદી આવી રિક્ષાઓ જોઈ નહોતી. તેથી પહેલી વહેલી સાયકલરિક્ષાની સવારી પણ મેં પટનામાં જ કરી. શરૂઆતનાં દિવસોમાં તો સાયકલ રિક્ષામાં બેસવું મને ઘણું વિચિત્ર લાગતું પણ ધીરેધીરે બીજો કોઈ પર્યાય પણ ન હોવાથી મારે પણ તે સ્વીકારવું પડ્યું.

દિવસભર સાયકલ રિક્ષા ચલાવીને તેઓ માત્ર ૧૦૦ રૂપિયા કમાતા. વળી ઘણાની રિક્ષાઓ પણ ભાડાની હતી. તેઓ શા માટે ગુજરાતમાં ગમે તે કામ કરવા તૈયાર થઈ જતા તે મને ઘીમેધીમે સમજાતું હતું.

બિહાર અને ગુજરાતને સાંકળતી કોઈ સ્ટોરી મને મળી જાય તેની ફિરાકમાં હું રહેતો  પણ ભાગ્યે જો કોઈ સ્ટોરી મળી હતી. એક વખત આપણાં શંકરસિંહ વાધેલાએ સ્થાપેલી રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા) ની ટિકીટ પરથી ચૂંટાઈ આવેલા એક વિધાનસભ્યની માહિતી મને મળી. કંઇક ગુજરાત કનેકશન મળશે. પરંતુ એવું કંઇ જ ન્હોતું. વળી તે વિધાનસભ્યની છાપ પણ ભારે માથાભારે હતી. એટલું ઓછું હોય તેમ તે વિધાનસભ્યએ એ જ દિવસોમાં નિતિશ કુમારની પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરતા મે તેના ઇન્ટરવ્યુ લેવાનું માંડી વાળ્યું હતું

(મુસ્લીમ વોટ બેંકને આકર્ષવા લાલું એ ગુજરાતથી બોલાવેલા ધર્મગુરૂઓ, લાલુ એક અભિનેતા, નક્ષલવાદીઓનાં ગામમાં, ૮૦૦ રૂપિયામાં બંદૂક, નલ મે પાની આતા હૈ, લાલુની પાછળપાછળ બાથરૂમમાં, બિહારના રસ્તાઓ, બિહાર તથા ગુજરાતની સરખામણી કરવાની સ્ટોરીમાં મળેલી નિષ્ફળતા.. જેવી અનેક વાતો મારી બિહાર યાત્રાનાં પાર્ટ ૨ માં)

ઉમેશ દેશપાં

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment