Wednesday, August 8, 2012

શ્રદ્ધા અને માન્યતા



શ્રદ્ધા એટલે શું ? માન્યતા એટલે શું? આ બેઉનો એક બીજા સાથે શું સંબંધ છે? આ સવાલોનો શું ઉત્તર છે તે સમજવા પ્રકાશ અને પડછાયાનું ઉદાહરણ લઇએ. કારણ પડછાયા અને પ્રકાશ વચ્ચે જેવો સંબંધ છે તેવો જ સંબંધ શ્રદ્ધા અને માન્યતા વચ્ચે છે. પ્રકાશ એ શકિત છે, અને જયારે તેના માર્ગમાં કોઇ દીવાલ આવે ત્યારે તે દીવાલનો પડછાયો પડે છે અને તે સ્થળે પ્રકાશ ઝાંખો લાગે છે. વળી પડછાયો જોઇને એ દીવાલ શેની બનેલી છે એ જાણી શકાતું નથી.
દીવાલની રચના જાણવા માટેતો દીવાલનું જ નિરીક્ષણ કરવું પડે. તો જ તેને યોગ્ય ઉપાયથી હઠાવાય. આ જ પ્રમાણે,મારી દ્રષ્ટિએ, શ્રદ્ધા તો અંતરની શકિત છે, પ્રકાશ છે. અને જયારે તેના માર્ગમાં મનના સંશયોની દીવાલ ખડી થઇ જાય છે ત્યારે તેનો પડછાયો પડે છે. સંશયોનો આ પડછાયો એટલે જ માન્યતા.બીજા શબ્દોમાં કહી તો માન્યતા એટલે મનમાં જે છે તેનાથી ‘મા અન્ય અપરઈ અસ્તિ કશ્ચિદ્’ અન્ય કશું છે જ નહીં અગર અન્ય કશું હોઇ શકે જ નહીં એવો મનોભાવ. આ પડછાયો દૂર કરવો હોય તો સંશયોની દીવાલનું નિરીક્ષણ કરી તેને વિવેક બુદ્ધિના હથોડે તોડી ત્યાંથી હઠાવીએ તો અંતરનો એ પ્રકાશ પૂર્ણ પ્રકાશીત દેખાય. પ્રકાશ ઝાંખો થવાનું બીજું પણ એક કારણ છે.અને તે એ કે આપણે જેમ જેમ પ્રકાશના ઉદ્ભવ સ્થાનથી દૂર જતાં જઇએ તેમ તેમ પ્રકાશ ઝાંખો થતો જાય છે.એ જ પ્રમાણે આપણું મન જેમ જેમ અંતરથી દૂર જતું જાય છે અર્થાત જેમ જેમ બહિર્મુખ થતું જાય છે તેમ તેમ અંતરનો આ પ્રકાશ, "શ્રદ્ધા" ઝાંખી થતી જાય છે. તો શ્રદ્ધાને ઝાંખપ આપતું આ કારણ દૂર કરવું હોય તો ભટકતા મનને અંતરમુખ કરવું જોઇએ અને તે માટે પણ વિવેક બુદ્ધિ જ કામ લાગે છે. શ્રદ્ધાનો આ પડછાયો, માન્યતા, અંધશ્રદ્ધાના નામે પણ જાણીતો છે.પણ મને એમ કહેવું યોગ્ય નથી લાગતું. કારણ કે અંધ તો આપણુ મન છે શ્રદ્ધા નહીં. બીજું નામ આપવું જ હોય તો આ માન્યતાને અર્ધશ્રદ્ધા કહેવું વધુ ઉચીત ગણાય. જેને કારણે આપણે ધર્મનું પાલન કરીએ છીએ તેને માન્યતા કહેવાય પરંતુ જેને કારણે બધા જ ધર્મ આપણું પાલન કરે છે તેને શ્રદ્ધા કહેવાય

 All men with belief follow a religion
But
All religions follow a man with Faith.

 મનમાંથી જન્મે છે માન્યતા માન્યતામાંથી જન્મે છે મત મતમાંથી જન્મે છે મમત મમતમાંથી જન્મે છે મમતા અને મમતામાંથી જન્મે છે રાગ અને દ્વેષ

 ઇતિ.

આના લેખક છે ગિરીશ દેસાઇ   
મંગળવાર, 19 જુન 2012 09:10

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment