Saturday, August 6, 2011

એક ગજબનું આદર્શ વ્યક્તિત્વ – નારાયણ મૂર્તિ



પત્ની પાસેથી રૂ. ૧૦ હજાર ઉછીના લઈને બીજા છ ભાગીદારો સાથે મળીને ૧૯૮૧માં‘ઈન્ફોસીસ’ કંપનીની સ્થાપના કરનાર નાગવરા રામરાવ નારાયણ મૂર્તિ માત્ર બિઝનેસમેન કે ઉદ્યોગપતિ જ નહીં, સ્કૂલ – કોલેજના આમ વિદ્યાર્થી માટે પણ એક ગજબનું આદર્શ વ્યક્તિત્વ છે. કેમ ? વાંચો.

નારાયણ મૂર્તિ
‘ધ વર્લ્ડ ઇઝ ફ્લેટ’ નામની મશહૂર કિતાબ લખનાર અને ‘ન્યૂ યોર્ક ટાઈમ્સ’ના સૌથી વધુ વંચાતા કોલમિસ્ટ થોમસ ફ્રાઈડમેન કિતાબના પ્રથમ પ્રકરણમાં આ મુજબ શરૂઆત કરે છે. (અહીં માત્ર ભાવાનુવાદ છે) : હું કોલંબસ જેવું સાહસ ખેડીને ભારતની સિલીકોન વેલી બેંગલોર આવ્યો હતો. જલદીથી ભારત પહોંચવા કોલંબસ નિના, પિન્ટા અને સાન્તા મારીયામાં આવ્યો હતો. એણે અંતર માપવામાં ગડબડ કરી અને ‘અમેરિકા’ પહોંચી ગયો. વતન પાછા ફરીને એણે એને રાજા-રાણીને રિપોર્ટ આપતાં એક મહત્ત્વની વાત કરી કે દુનિયા ખરેખર ગોળ છે. હું લુફઘાન્સાના બિઝનેસ ક્લાસમાં હતો અને જીપીએસ મેપ આચ્છાદિત સ્ક્રીનથી ખબર પડતી હતી કે હું કઈ દિશામાં હતો. કોલંબની જેમ મનેય ભારતીયો ભટકાયા. કોલંબસને હાર્ડવેર (મરી મસાલા)ની ખોજ હતી. હું સોફ્ટવેરની શોધમાં હતો. ત્રણ જહાજમાં કોલંબસની સાથે ૧૦૦ માણસો હતા. મારી સાથે બે વાનમાં ડિસ્કવરી ચેનલના માણસો હતા. મનેય એમ હતું કે દુનિયા ગોળ છે પણ હું બેંગલોર આવ્યો ત્યારે મારી માન્યતા ડગુંમગું થવા લાગી. કોલંબસે ‘ભારત’ પહોંચવાનું માની લઈ અકસ્માતે અમેરિકા શોધ્યું હતું. મેં ખરેખર ભારત જોયું હતું અને જેને મળ્યો એમાંના ઘણાં અમેરિકન હતા. એ રાત્રે મેં પાછા જઈને મારી પત્નીના કાનમાં કહ્યું, ‘હની, આઈ થિંક વર્લ્ડ ઈઝ ફ્લેટ’ (મને લાગે છે કે દુનિયા સપાટ છે).
ઈન્ફોસીસ નામની કંપની સાથે થોમસ ફ્રાઇડમેનનો એ પહેલો પરિચય હતો. ઈન્ફોસીસના સીઈઓ નંદન નીલેકની ફ્રાઈડમેનને ઈન્ફોસીસના બોર્ડરૂમમાં લઈ ગયા, જ્યાં દુનિયાભરનાં પાટનગરનાં દીવાલ ઘડિયાળ હતાં અને નીચે આખી દીવાલ જેટલો સ્ક્રીન હતો. નંદને કહ્યું, ‘‘અમે આ વીડિયો સ્ક્રીન દ્વારા વિદેશમાં ઈન્ફોસીસની ઓફિસના ઓફિસર સાથે અહીં બેંગલોરમાં બેઠાં બેઠાં મિટિંગ કરીએ છીએ. નંદને કહ્યું, ‘અમે અહીં બેસીએ, કોઈક ન્યૂ યોર્કમાં હોય, લંડન,બોસ્ટન, સાન ફ્રાન્સીસકો… ઓલ લાઈવ. કદાચ અમલ સિંગાપોરમાં કરવાનો હોય તો સિંગાપોરનો ઓફિસર પણ લાઈવ હોય. આને ગ્લોબલાઈઝેશન કહેવાય.’’
પછી નંદનનો ઈન્ટરવ્યૂ ચાલતો હતો ત્યારે એમણે ફ્રાઈડમેનને કહ્યું, ‘‘ટોમ, ધ લેવલ પ્લેઈંગ ફિલ્ડ ઇઝ બીઈંગ લેવલ્ડ – ટોમ બિઝનેસની દુનિયામાં રમતનું મેદાન જે ઉબડખાબડ અને અવરોધવાળું હતું એ સપાટ થઈ રહ્યું છે અને તમે અમેરિકનો હજુ આ વાત સમજ્યા નથી.’’ફ્રાઈડમેન લખે છે, ‘‘નંદનના શબ્દો મારા મનમાં ગુંજતા હતા. સપાટ મેદાન? અને અચાનક મને થયું માય ગોડ, દુનિયા સપાટ છે. મેં મારી પત્નીને ફોન કરીને કહ્યું, હની હું એક કિતાબ લખું છું અને એનું નામ છે ‘ધ વર્લ્ડ ઈઝ ફ્લેટ’ એને થયું હું ગાંડો થઈ ગયો છું. મેં મારા એડિટરને કહ્યું,મને જલદી રજા આપ, કારણ કે દુનિયા ગોળ છે અને મારે કિતાબ લખવી છે અને મેં દસ મહિનામાં ઝનૂનથી આ કિતાબ લખી નાખી.’’
આ મશહૂર કિતાબના પાયામાં ઈન્ફોસીસ કંપની છે અને તમને ખબર હશે કે દુનિયાની એ મશહૂર ઈન્ફર્મેશન ટેક્નોલોજી કંપની છે, ૨૨ દેશોમાં એની ઓફિસ છે અને એમાં દોઢ લાખથી વધુ કર્મચારી કામ કરે છે. એન.આર. નારાયણ મૂર્તિ નામના એક તરવરિયા આઈ.ટી. વિદ્યાર્થીએ તેના બીજા સાત દોસ્તો સાથે મળીને ૧૯૮૧માં આ કંપની સ્થાપી હતી અને સ્થાપનાનો જે રૂ. ૧૦,૦૦૦ ખર્ચો આવ્યો હતો, તે મૂર્તિની પત્ની સુધા મૂર્તિ પાસેથી ઉધાર લેવાયો હતો. આ મૂર્તિ દંપતીની વાત રસપ્રદ છે. પણ એ ફરી ક્યારેક. અહીં નારાયણ મૂર્તિએ મે, ૨૦૦૭માં ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાં તેમની અને ઈન્ફોસીસની સફર દરમિયાન થયેલા ચાર મહત્ત્વના અનુભવ અને એમાંથી શીખવા મળેલા પાઠની વાત કરી હતી, એને આપણે આજે યાદ કરીએ એમના જ શબ્દોમાં :
“મારા જીવનમાં કેટલીક આકસ્મિક ઘટનાઓ બની હતી અને મને એમાંથી કંઈક શીખવા મળ્યું હતું.મારે તમને એ વાતો કરવી છે. પહેલી ઘટના કાનપુરની છે. ત્યાં આઈઆઈટીમાં હું કંટ્રોલ થિયરીનો સ્નાતક વિદ્યાર્થી હતો. ૧૮૬૮માં ત્યાં અમેરિકાના એક જાણીતા કમ્પ્યૂટર વિજ્ઞાની છુટ્ટી ગાળવા આવ્યા હતા અને રવિવારની એક સવારે નાસ્તો કરતી વખતે એ મને ભટકાઈ ગયા.
કમ્પ્યૂટરના ક્ષેત્રમાં કેવી કેવી પ્રગતિ થઈ રહી છે અને ભવિષ્યમાં શું શું થવાનું છે એની એ બહુ સરસ રીતે વાતો કરી રહ્યા હતા. મારું દિલો-દિમાગ એમની વાતોમાં ચોંટી ગયું અને હું ફિદા થઈ ગયો. નાસ્તો પત્યો કે તરત જ હું સીધો લાઇબ્રેરીમાં પહોંચ્યો અને તેમણે જેનો ઉલ્લેખ કર્યો હતો ચાર-પાંચ રિસર્ચ પેપર્સ મેં વાંચી નાંખ્યાં. હું બહાર નીકળ્યો ત્યારે મેં નક્કી કરી નાંખ્યું હતું કે હવે કમ્પ્યૂટર વિજ્ઞાનનો જ અભ્યાસ કરવો છે.”
“બીજી ઘટના ૧૯૭૪ની છે જે જૂના યુગોસ્લાવિયા અને હાલના ર્સિબયા તથા બલ્ગેરિયાની સરહદે આવેલા નીસ શહેરમાં બની હતી. હું પેરિસથી મૈસુર, ભારત પાછો આવી રહ્યો હતો. રાત્રે ૯ વાગ્યે હું નીસ રેલવે સ્ટેશન પર પહોંચ્યો ત્યારે રેસ્ટોરાં બંધ થઈ ગઈ હતી અને મારે ભૂખ્યા પેટે જ પ્લેટફોર્મ પર રહેવું પડયું. હું જ્યારે સોફિયા એક્સપ્રેસ ટ્રેનમાં બેઠો ત્યારે મારા ડબ્બામાં એક છોકરી અને છોકરો જ હતાં. છોકરી ફ્રેન્ચ ભાષામાં વાતો કરતી હતી કે સામ્યવાદી રાજવ્યવસ્થામાં કેવી યાતના સહન કરવી પડે છે (હું ત્યારે સામ્યવાદી વિચારસરણી તરફી હતો).
અચાનક ડબ્બામાં પોલીસમેન આવી ગયા. પેલા છોકરાએ જ એમને બોલાવ્યા હતા, એવું ધારી લઈને કે અમે બંને બલ્ગેરિયન સરકારની કૂથલી કરી રહ્યાં છીએ. પોલીસમેન છોકરીને ઉપાડીને લઈ ગયા. મારો સામાન અને સુવાની પથારી જપ્ત કરી લેવાઈ. મને પ્લેટફોર્મ ૫૨ આઠ બાય આઠની ગંદી ખોલીમાં પૂરી દેવાયો. ૭૨ કલાક સુધી ખાધા-પીધા વગર હું એ ખોલીમાં રહ્યો. બહારની દુનિયા જોવાની મેં આશા જ મૂકી દીધી હતી પણ પછી મને ઈસ્તંબુલ જતી માલગાડીમાં બેસાડી દેવાયો. એના ગાર્ડે મને રસ્તામાં કહ્યું, ‘તું ભારત જેવા મિત્ર દેશનો વતની છે. એટલે તને છોડી મુકાયો છે.’
ઈસ્તંબુલની એ સફર ૨૦ કલાકની હતી અને ભૂખ-તરસભર્યા કુલ ૧૦૮ કલાક પછી મારી અંદર સામ્યવાદનું મોત થઈ ચૂક્યું હતું. મેં નક્કી કર્યું કે મોટી સંખ્યામાં નોકરીઓ ઊભી કરી એવું આંત્રપ્રેન્યોરશિપ જ ગરીબીનો સાચો વિકલ્પ છે. આજે પણ એ બલ્ગેરિયન ગાર્ડ્ઝનો શુકરગુજાર છું જેમના કારણે હું એક ગૂંચવાયેલા સામ્યવાદીમાંથી કટ્ટર પણ કરુણાસભર મૂડીવાદી બની ગયો.”
“ત્રીજી ઘટના ૧૯૭૦ના શિયાળાની સવારની છે. ઈન્ફોસીસના સાતમાંથી અમે પાંચ સ્થાપકો બેંગલોરના ઉપનગરમાં ઓફિસમાં ભેગા થયા હતા. નક્કી એ કરવાનું હતું કે ઈન્ફોસીસ ખરીદવા માટે ૧૦ લાખ ડોલરની ઓફર સ્વીકારવી કે નહીં! ભારત જેવા ઉદ્યોગ-વિરોધી દેશમાં નવ વર્ષનાં વૈતરાં પછી અમને જે ઓફર મળી હતી એ લલચાવનારી હતી. મારા મિત્રોએ ચાર કલાક સુધી વિવિધ પાસાંની વાતો કરી. હું એક શબ્દ બોલ્યો ન હતો. મારો વારો આવ્યો એટલે મેં ૧૯૮૧માં મુંબઈના એક નાનકડા ફ્લેટમાંથી કેવી રીતે શરૂઆત કરી હતી તેની વાત માંડી. છેલ્લે મેં જબરી હિંમત બતાવી. મેં કહ્યું, તમારે જો કંપની વેચી જ દેવી હોય તો હું એ ખરીદવા તૈયાર છું. (મારી પાસે ત્યારે ફૂટી કોડી પણ ન હતી).
રૂમમાં એકદમ શાંતિ પથરાઈ ગઈ. મારા સાથીદારો મારી મૂર્ખામી પર આશ્ચર્યચકિત હતા. હું ચૂપ રહ્યો. આખરે કલાકની ચર્ચા પછી મારા સાથીદારોએ મન બદલ્યું. મેં કહ્યું એક મહાન કંપની બનાવવી હોય તો નક્કર વિશ્વાસ અને આશાવાદ હોવો જોઈએ. આજે એ જ સાથીદારોએ ધાર્યા કરતાં પણ ઉમદા કામ કરી બતાવ્યું છે.”
“ચોથી ઘટના ૧૯૯૫ની છે. ફોર્ચ્યુન-૧૦ કોર્પોરેશન ભારતીય સોફ્ટવેર કંપનીઓમાંથી કોઈકને કોન્ટ્રેક્ટ આપવાનું હતું. બેંગલોરની હોટેલ તાજમાં તેમણે ઈન્ફોસીસ સહિત દરેકને રૂમમાં પૂરી દીધા હતા, જેથી તેઓ આપસમાં વાત ન કરી શકે. આ એક શિરસ્તો હતો. અમે, ૫ંચ મિલિયન ડોલરની રેવન્યુવાળા નાના બચ્ચા જેવા હતા. અમારો ગ્રાહક-ફોર્ચ્યુન ૧૦ કોર્પોરેશન આકરી શરતોવાળો હતો. છેલ્લા દિવસે સાંજે ૫ંચ વાગ્યે અમારે નક્કી કરવાનું હતું કે શરતો મંજૂર રાખવી કે પછી ચાલતી પકડવી. બધાની નજર મારી પર હતી.મેં એમને સમજાવ્યું કે તમારી શરતો મંજૂર નથી, કારણ કે તમને જ એમ થશે કે અમે વિશ્વાસઘાત કર્યો છે. એના કરતાં હું તમને ખાતરી આપું છું કે તમને ધીમે ધીમે એ બધું જ આપીશ, જે તમે ઇચ્છો છો. ઈન્ફોસીસ માટે આ એક ર્ટિંનગ પોઈન્ટ હતો. પાછળથી અમે રિસ્ક મિટિગેશન કાઉન્સિલની રચના કરી. આજે અમને એનાથી ખૂબ ફાયદો છે.”
“આમાં ચાર વસ્તુ શીખવા મળી.
(૧) મહત્ત્વનું એ નથી કે તમે ક્યાંથી શરૂ કરો છો પણ અગત્યનું એ છે કે તમે કેવી રીતે શું શીખો છો. શીખવાની ગુણવત્તા જો ઊંચી હોય તો તમે જિંદગીમાં નવાં શિખર સર કરી શકો છો. ઈન્ફોસીસ એનું જીવતું ઉદાહરણ છે.
(ર) તમારી આજુબાજુમાં બનતી વૈશ્વિક ઘટનાઓમાંથી તમારું ભવિષ્ય નક્કી થાય છે. આકસ્મિક ઘટનાઓ પ્રત્યે તમે કેવી રીતે પ્રતિભાવ આપો છો એ તમારા ભવિષ્યની નિર્ણાયક ક્ષણ બની રહે છે.
(૩) ઓફકોર્સ, તમારી માનસિકતા પણ નિર્ણાયક હોય છે. પોતાની ક્ષમતામાં વિશ્વાસ જન્મજાત હોય છે કે એ પેદા કરી શકાય છે, એ સમજવું જરૂરી છે. બંધ માનસિકતા નવા પડકાર સ્વીકારતી નથી પણ પ્રગતિશીલ માનસિકતા પડકારો અને ભૂલોમાંથી શીખીને સીડી ચઢતી રહે છે અને
(૪) ચોથી વાત આત્મજ્ઞાનની છે. આત્મજ્ઞાનથી ઉપર બીજી કોઈ જાગૃતિ અથવા અવેરનેસ નથી. એમાંથી જ આત્મ-શ્રદ્ધા, આત્મ નિર્ભરતા અને માનવતા આવે છે.

હું આજે જે છું, એ ચાર વાતોનો સરવાળો છું.

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment