Tuesday, August 2, 2011

જાણો ચોમાસામાં ઉપવાસ કેટલા જરૂરી?



ઉપવાસ કરવાથી ક્યારેક માથું દુખવું, શરદી કે કફ જેવા લક્ષણો પણ જણાય છે.

ઉપવાસ કરવાથી શરીરમાં રહેલા દૂષિત તત્વો દૂર થાય છે અને શરીર શુદ્ધ થાય છે. ધાર્મિક દ્રષ્ટિએ પણ ઉપવાસનું મહત્વ તો છે જ, પરંતુ તે સાથે ઉપવાસમાં આરોગવામાં આવતી ફરાળી વાનગીઓનો ખ્યાલ ન રાખવામાં આવે તો અનેક પ્રકારની શારીરિક તકલીફો ઊભી થઇ શકે છે. ખાસ કરીને ડાયાબીટિસ અને હાઇ બ્લડપ્રેશરવાળાએ તો ફરાળી વાનગીઓ ખાવામાં ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે.


ઉપવાસ કરીએ એટલે બટાકા, સાબુદાણાની ખીચડી, મોરૈયો, દૂધીનો હલવો, શ્રીખંડ, વિવિધ પ્રકારના ફળ ખાવાના હોય છે. ફરાળી વાનગીઓ જો ઓછા તેલ કે ઘીમાં બનાવેલી હોય તો વધારે સારું અન્યથા વજન વધવાની સંભાવના રહે છે.

ચોમાસા દરમિયાન માંદગીનું પ્રમાણ વધી જાય ત્યારે સ્વાસ્થ્ય સાચવવા માટે જ કદાચ ઉપવાસનું મહત્વ હોવું જોઇએ. ઉપવાસથી શરીર ડીટોક્સિફાય થઇને શુદ્ધ બને છે. તેમ છતાં એકદમ સળંગ ઉપવાસ કરવા હિતાવહ નથી. તેના લીધે શરીરને નુકસાન થાય છે. ઉપવાસ દરમિયાન રોજિંદા ખોરાકમાંથી છુટકારો અને જે ભાવતું ફરાળી ખવાય તે ખાવાનું એટલે કે ફરાળી ચેવડો, વેફર્સ, બફવડા.

હવે તો ઉપવાસ ચાલુ થાય તે પહેલાં તો એટલી બધી જગ્યાએ પોસ્ટર લાગી જાય છે કે કેટલા પ્રકારના ફરાળી નાસ્તા મળશે. એટલે થાય છે કે ઉપવાસ કરવામાં શું ખોટું? વળી, હવે તો બિસ્કિટ પણ ફરાળી મળે છે. લોકો ઉપવાસમાં ગળ્યું પણ વધારે ખાય છે. શ્રીખંડ, મઠો, મિલ્કશેક વધારે પ્રમાણમાં લે છે. જોકે આમાં ખૂબ ખાંડ અને મીઠાશ હોવાથી શરીરને નુકસાન થાય છે.

ઉપવાસમાં મોરૈયો, સાબુદાણા, રાજગરો, ફળ, દૂધ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. વધુ પડતી ફરાળી વાનગીઓ આરોગવાથી વજન વધી શકે છે. જો ફરાળી વાનગીઓ ઓછા તેલ, ઘીવાળી વાપરવામાં આવે તો તે નુકસાન કરતી નથી. વધારે પડતો ફરાળી ખોરાક ડાયાબીટિસ અને હાઇ બ્લડપ્રેશરના દર્દીઓને માફક આવતો નથી. સાબુદાણા, બટાકા વગેરેમાં કાર્બોહાઇડ્રેટ્સની માત્રા વધુ હોવાથી તે તકલીફ સર્જી શકે છે.

તળેલા ખોરાક અને મીઠાઇને બદલે સફરજન, પપૈયું, દૂધી તથા સ્કિમ્ડ મિલ્કનો ઉપયોગ કરવો જોઇએ. જો એસિડિટીની સમસ્યા હોય તો લાંબો ટાઇમ ભૂખ્યા રહેવાથી તે વધી શકે છે. ઉપવાસ દરમિયાન લિક્વિડનો ઉપયોગ વધારે કરવો જોઇએ. ચા, કોફીનું સેવન ઓછું કરી દેવું જોઇએ. લિક્વિડમાં દૂધ સંપૂર્ણ છે. તેમાંથી કેલ્શિયમ, વિટામિન, પ્રોટીન બધું જ મળી રહે છે. અઠવાડિયામાં એકાદ વખત ફળ, દૂધ અને ફ્રુટ લેવાથી આંતરડાને આરામ મળે છે.

વધુ પડતા ઉપવાસ કરવાથી આખો દિવસ ભૂખ લાગતી હોય તેવું લાગે છે. આ ઉપરાંત શરીર દુખવું, માથાનો દુખાવો, વારંવાર ઊલટી થવી, મોંમાંથી વાસ આવવી, શરદી અને કફ જેવા લક્ષણો પણ જણાય છે. ઉપવાસ દરમિયાન શરીર ચાલતું નથી તેવું લાગવું સામાન્ય છે, પરંતુ જેવો સામાન્ય ખોરાક ચાલુ થાય ત્યારે બધું જ નોર્મલ લાગવા માંડે છે.

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment