Saturday, August 6, 2011

પરબીડિયું – એક અવલોકન


આજે કોન્ટ્રાક્ટથી ચાલતી એક પોસ્ટ ઓફિસમાં ટપાલ નાંખવા ગયો હતો. એક ખોખામાં ઘણા બધા પરબીડિયાં પડેલાં હતાં. મારું પરબીડિયું પણ મેં એમાં નાંખી દીધું. એક મિત્રનું સરનામું એની ઉપર કર્યું હતું. એ મિત્ર, એનું કુટુમ્બ, એનું ઘર, એની સાથે ગાળેલ સુખદ સમય અને ઘણી બધી યાદો – બધું જ સ્મરણપટ પર છવાઈ ગયું.

પણ એ ખોખામાં બીજાં પરબીડિયાં પણ હતાં.
જાતજાતનાં સરનામાં લખેલાં પરબીડિયાં. એમાં કોઈનો પ્રેમપત્ર હશે. કોઈના સુખદ કે દુખદ સમાચાર હશે. કોઈના ભરાયેલા બીલો હશે. કોઈના સારા પ્રસંગ માટે મોકલેલું ગિફ્ટ કાર્ડ હશે. કોઈકની નોકરી માટેની અરજી હશે. કોઈકનું રાજીનામું હશે.

એમની ઉપર લખેલાં સરનામાં એમનાં લખનાર માટે વિશિષ્ઠ મહત્વ ધરાવતાં હશે. એ સરનામાં સાથે, મને યાદ આવી ગઈ તેવી, અન્યની જાત જાતની અને ભાતભાતની યાદો સંકળાયેલી હશે.
પણ મારે માટે તો એ માત્ર પરબીડિયાં જ હતાં. કશાય મહત્વ વગરનો એક જડ ઢગલો માત્ર જ. પોસ્ટ ઓફિસ માટે એ એક સામાન માત્ર હતો – જેને કોઈક સરનામે પહોંચાડવાનો હતો. અને એમ પણ નહીં. એ તો આખો ને આખો ફોર્ટવર્થમાં આવેલ બલ્ક મેઈલ પ્રોસેસિંગ ફેસિલિટી સુધી જ પહોંચાડવાનો હતો. એમાં કોઈ લાગણી કે ભાવ ન હતો. માત્ર એક જોબ.
પણ મારું પરબીડિયું? એ તો ભાવ અને પ્રેમથી છલકાતું હતું.
તમે કહેશો,’ એ તો એમ જ હોય ને?’
હા! આમ તો એમ જ છે. આપણું એ આપણું. ‘આંગળીથી નખ વેગળા એટલે વેગળા.’ એમ જ હોય ને? અને છતાં બે સાવ અડોઅડ. દેખાવમાંય સાવ સરખાં. એક જ ઢગલાનાં ઘટકો. એક જ માળાનાં બે પંખી. એમનાં કામ પણ એક જ સરખાં. એ ઊડીને જ્યાં જશે, ત્યાં સંવેદનાઓ જગાડશે. ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ શરૂ કરશે.
આપણું જીવન પણ આ પરબીડિયા જેવું જ છે ને? એનો ઢાંચો? ધડ, મસ્તક અને બે હાથ-પગ. એનો રાહ પણ નિશ્ચિત છે – ફ્રોમ અને ટુ! પણ દરેકની અંદર કશુંક વિશિષ્ઠ પેક કરેલું છે! એનો આપણા સિવાય બીજાને કશો અર્થ નથી.
અને આપણે માટે? એ તો આપણું સર્વસ્વ છે. આપણું સાવ આગવું પરબિડીયું !

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment