Saturday, August 6, 2011

કુકિન્ગ પ્લેટફોર્મ – એક અવલોકન


જીવનના પ્રભાત સમા, સવારના પહોરમાં કુકિન્ગ પ્લેટફોર્મ આગળ હું મારી સવારીય ફરજો નિભાવવા પહોંચી જાઉં છું. એ સાવ ચોખ્ખું ચંદન જેવું છે – સાવ નવજાત શિશુ સમાન. એ કોરી સ્લેટ જેવું, સાવ ખાલીખમ્મ છે.
ચા બનાવવાની સામગ્રી એક પછી એક, હું કાઢતો જાઉં છું – ચા, ખાંડ, દૂધ, આદુ, ઈલાયચી. એમ જ બધાં સાધનો – તપેલી, સાંડસી, ગળણી, પ્યાલા, રકાબી. દસ વરસના મહાવરાથી પ્રાપ્ત કરેલી, ચા બનાવવાની ક્ળાના જ્ઞાનના આધારે, હું માપથી તપેલીમાં પાણી લઉં છું; અને શક્તિના સ્રોત સમો સ્ટવ ચાલુ કરી, એને ગરમ કરવા મૂકું છું. પછી એ જ જ્ઞાનથી જાણીતા થયેલ માપથી ચા અને આદુ એમાં પધરાવું છું.

સમયાન્તરે એમાં ઊભરો આવે છે. નિયત સમય માટે એને ઊભરવા દઈ, એમાં હવે માપથી દૂધ ઉમેરું છુ. પછી નિયત માપથી ખાંડ અને બીજો ઊભરો આવતા છેલ્લે, ચપટીક મઘમઘતી ઈલાયચી પણ એમાં હોમાય છે.
અને લો! સરસ, સોડમવાળી ચા તૈયાર. માપમાં ક્યાંક સહેજ ફેર થઈ જાય તો ચાનો સ્વાદ અને સોડમ અણગમતા બની જાય.
ચા ગળી, નકામા થઈ ગયેલા કૂચા કચરાપેટીમાં પધરાવું છું. બધી મહેનતના પ્રતાપે બનેલી ચાથી છલોછલ, પ્યાલા ડાઈનિંગ ટેબલ પર ગોઠવાઈ જાય છે. માંજવા માટે તૈયાર તપેલી અને અન્ય વાસણો સિન્ક્માં સ્થાન પામે છે. ગંદું થયેલું કુકિન્ગ પ્લેટફોર્મ પોતાં વડે સાફ થઈ જાય છે.
અને એ ફરી પાછું હતું તેવું, પ્રારંભની સ્થિતિમાં આવી જાય છે.
……..
આ અવલોકન કુકિન્ગ પ્લેટફોર્મનું છે કે, આપણા જીવનનું?

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment