Monday, August 8, 2011

“O.K. We’ll go.”



“O.K. We’ll go.”

આ શબ્દો સાથે જગતના ઈતિહાસમાં સૌથી મોટા લડાઈના હુમલાની શરૂઆત થઈ ગઈ. આ વાક્ય ૬-જૂન ૧૯૪૪ની વહેલી સવારે અમેરિકી જનરલ ડ્વાઈટ આઈઝનહોવર બોલ્યા હતા. બીજા વિશ્વ યુદ્ધ વખતે, ઈતિહાસમાં પ્રસિદ્ધ, મિત્ર દેશોના લશ્કરી દળો દ્વારા નાઝી જર્મનીએ કબજે કરેલ ફ્રાન્સમાં આવેલ નોર્મંડી પરના,અપ્રતીમ હુમલાની આ વાત છે.
આ દિવસ ‘ડી –ડે’ તરીકે બહુ જ જાણીતો છે; અને આવા કોઈ પણ શકવર્તી કાર્યના આરમ્ભ માટે હજુય વપરાય છે. આ દિવસે, અમેરિકા, કેનેડા અને બ્રિટીશ દળો જર્મનીના દુઃસહ્ય તોપમારા સામે ફ્રાન્સના દરિયાકિનારા પર વાવાઝોડાની જેમ ધસી ગયા હતા. આ પ્રારમ્ભિક દળોએ જર્મનીના પશ્ચિમ મોરચાનો વિનાશ કરવા માટે અત્યંત જરૂરી એવા દરિયા કિનારા પરનું આક્રમણ મથક (લોન્ચિંગ પોઈન્ટ) ઊભું કર્યું હતું.
ઉપર જણાવેલ હુકમ ઉચ્ચારવાની સાથે જ જનરલ આઈઝનહોવરે ૨૩,૦૦૦ એર બોર્ન લશ્કરી જવાનોને જર્મનીએ કબજે કરેલ પ્રદેશ પર ધસારો કરવા ઉતારી દીધા હતા. ખાસ બનાવેલ ગ્લાઈડરો અને પેરેશ્યુટ વડે આ બધા કાળી ડિબાંગ રાતે દુશ્મનના પ્રદેશ પર ત્રાટક્યા હતા. તેમણે પૂલો, રસ્તાઓ પરના વ્યુહાત્મક મથકો કબજે કરી લીધા અને જર્મન દળોમાં અંધાધુંધી ફેલાવી દીધી. આ વ્યૂહરચનાના કારણે, ઈન્ગ્લીશ ચેનલના ફ્રાન્સ તરફના, નોર્મંડીના રેતાળ કિનારા (બીચ) પર મિત્ર દળોના મુખ્ય હુમલાને બહુ જરૂરી ટેકો મળ્યો હતો.
અને આ મુખ્ય હુમલો કેવો હતો?


મિત્ર દળોના એક લાખ અને ત્રીસ હજાર સૈનિકો! આ જાતના યુદ્ધ માટે ખાસ તાલીમ મેળવેલ આ સૈનિકોએ બીજા વિશ્વ યુદ્ધ વખતના કદાચ સૌથી વધારે ભયાવહ, જર્મન તોપમારાનો પ્રતિકાર કરવાનો હતો.મિત્ર દેશોના હૂમલાને ખાળવા જર્મનીએ ઊભી કરેલી, ‘એટલેન્ટિક દિવાલ’ તરીકે જાણીતી સજ્જડ શસ્ત્રોથી સજાવેલી, અભેદ્ય, સંરક્ષણાત્મક આડશ પર તેઓ બહાદૂરી પૂર્વક ધસી રહ્યા હતા. અને નોર્મંડી ખાતે જર્મન દળોનો કમાન્ડર કોણ હતો? બીજો કોઈ નહીં પણ, ‘રણના શિયાળ’ ( ડેઝર્ટ ફોક્સ) તરીકે પ્રખ્યાત, અને જેનાં લડાયક વ્યૂહરચના અને મિજાજનો આદર મિત્ર દેશોના સેનાપતિઓ પણ કરતા હતા તેવો….. અરવિન રોમેલ! તેની લડાયક કાબેલિયતે ઉત્તર આફ્રિકાના મોરચે મિત્ર દેશોના દાંત ખાટા કરી દીધા હતા.
ડી-ડેના યુદ્ધના કારણે જનરલ આઈઝનહોવર જગપ્રસિદ્ધ બની ગયા. તેઓ મિત્ર દેશોના સર્વોચ્ચ સેનાપતિ હતા અને બીજા વિશ્વ યુદ્ધના આખરી તબક્કામાં, બ્રીટનની તળ ભૂમિમાથી કામ કરતા ત્રીસ લાખ પુરુષો અને સ્ત્રીઓના કાફલાને વ્ય્વસ્થિત રીતે કામ કરતા રાખવાની અંતિમ જવાબદારી તેમની હતી. આધુનિક લશ્કરી ઈતિહાસમાં આઈક તરીકે જાણીતા જનરલ આઈઝનહોવરને શિરે બહુ જ મુશ્કેલ અને જટિલ નિર્ણયો લેવાની જવાબદારી હતી; અને તે સાચા નિર્ણયો લઈ શક્યા હતા. ભયાનક રીતે ગાજી રહેલા દરિયાઈ તોફાનોની પાર્શ્વભૂમિકામાં, ઈતિહાસમાં સૌથી મોટો, જળ તેમ જ સ્થળ પરનો (એમ્ફિબિયન) હુમલો કરવામાં આગળ વધવું કે નહીં; તેનો નિર્ણય તેમણે લેવાનો હતો.
હવામાન સારું અને અનુકૂળ હોય તો પણ આ હુમલો બહુ જ જોખમકારક હતો. આ હુમલામાં એમ્ફિબિયસ ઉતરાણ કરવાનું હતું. આમાં દુશ્મનના સતત અને અસહ્ય તોપમારા અને મશીનગનના ફાયર સામે, લશ્કરી ટૂકડીઓને હોડીઓ મારફત ઈન્ગ્લીશ ખાડી (ચેનલ) ઓળંગાવવાની હતી. બીચ પરના ઊતરાણ માટેનાં લક્ષ્યસ્થાનો ( ટાર્ગેટ)ને કોડ નામ આપવામાં આવ્યાં હતાં. અમેરિકન ટૂકડીઓ ઓમાહા અને ઉટા બીચો પર ઊતરવાની હતી. બ્રિટીશ અને કેનેડિયન ટૂકડીઓ સ્વોર્ડ, જુનો અને ગોલ્ડ નામના બીચો પર ઊતરવાની હતી. આમાં અમેરિકન લક્ષ્યો – ખાસ તો ઓમાહા – સૌથી ભારે સુરક્ષિત નીવડ્યા હતા. ત્યાં આખીને આખી દરિયાઈ લશ્કરી સ્ટીમરોને ડુબાડી શકે તેવી ભયાનક તાકાતવાળી, જર્મન તોપો બન્કરોમાં ગોઠવાયેલી હતી. ભુગર્ભ બન્કરો અને બીજા વ્યૂહાત્મક ફાયદાવાળા સ્થાનોએ જર્મન લશ્કરી જવાનો ખડે પગે ગોઠવાયેલા હતા. આ કિનારાઓ આગળના દરિયામાં પાણી નીચેની માઈનો અને ટેન્કોને આગળ વધતી અટકાવવા અવરોધકો રાખેલા હતા. અને ઓમાહા બીચ પર તો નાની નાની ટેકરીઓ અને ખાડાખૈયાવાળી ઘણી જગ્યાઓ હતી.
ટૂકડીઓ બીચ પર પહોંચે, તે પહેલાં તેમણે ઊતરાણ માટે બનાવેલાં ખાસ, એમ્ફિબિયન વાહનોમાં મુસાફરી કરવાની હતી. લડાઈ દરમિયાન જર્મન તોપોએ આવાં ઘણાં વાહનો ઉડાડી મૂક્યાં હતાં; પણ અનેક સંખ્યામાં એ તો આવતાં જ રહ્યાં. જ્યારે આ વાહનો કિનારે પહોંચે ત્યારે તેમણે દુશ્મનના ભારે, મશીનગન ફાયરને વીંધીને, ખુલ્લી જમીન પરથી દોડી જવાનું હતું. આઈક અને તેમના સાથીઓને ભય હતો કે, લશ્કરને ભારે જાન હાનિ ભોગવવી પડશે. હવાઈ દળો વાપરવા સામે પણ શંકા કુશંકાઓ હતી. આઈકના એક સાથીને તો શંકા હતી કે, આ લડાઈમાં ૭૦% જવાનો ખપી જશે અથવા ઘવાશે. એક બ્રિટીશ સેનાપતિએ તો એના રિપોર્ટમાં લખ્યું હતું કે,
“આખા યુદ્ધમાં આ સૌથી ભયાનક તારાજી બની રહેશે.”
આઈકને આ જવાબદારી અદા કરવામાં મદદ કરવા માટે અનેક સેનાપતિઓ ( જનરલો) અને બીજા સલાહકારો હોવા છતાં; છેવટના નિર્ણયો તો તેમણે જ લેવાના હતા. તેઓ પોતે પણ આ લડાઈ વિશે અંગત આશંકાઓ ધરાવતા હતા; પણ તેમણે તેમની ટીમને આશાવાદી બનવા અને ઘડાયેલી વ્યૂહરચનામાં વિશ્વાસ રાખવા હૂકમ કર્યો હતો. આમ છતાં, લડાઈમાં પીછેહઠ કરવી પડે તો, હુમલાની આગલી સાંજે, તેમણે પ્રેસને આપવા માટેની એક નોંધ લખી રાખી હતી
“ આપણાં ઊતરાણો નિષ્ફળ ગયાં છે… આ માટેના પ્રયત્નોમાં કોઈ ખામી રહી ગઈ હોય કે, કોઈને દોષિત ઠરાવવાનું હોય તો, તે માટે એકલો હું જ જવાબદાર છું. ”


મિત્ર દેશોના લશ્કરના જનરલ - ડ્વાઈટ આઈઝનહોવર
ડી-ડે ની લડાઈ બહુ ચિવટથી યોજવામાં આવી હતી. પણ તેમાં આ છેવટનો નિર્ણય લેવા માટે સૌથી અગત્યનું ( ક્રિટિકલ) ઘટક હતું – હવામાન. લડાઈ શરૂ કરવાના દિવસની થોડેક જ પહેલાં ૩ –જુને ઈન્ગ્લીશ ખાડીમાં એક દરિયાઈ વાવાઝોડું ત્રાટક્યું હતું. સારામાં સારું હવામાન હોય તો પણ, દરિયો ઓળંગવો અને હવાઈદળોને જમીન પર ઊતરાણ કરાવવું એ બહુ જ જોખમકારક કામ હતું. જ્યારે હવામાન ખાટી કઢી જેવું (!) થઈ ગયું, ત્યારે ‘ઓપરેશન ઓવરલોર્ડ’ તરીકે નામાભિધાન થયેલી આ લડાઈ પોતે જ જોખમમાં મૂકાઈ ગઈ હતી.
આમેય યુદ્ધ માટે હવામાન હમ્મેશ ખાસ વિચારણા માંગી લેતો અવયવ હોય છે. હવામાન બરાબર એકદમ અનુકૂળ હોવું જ જોઈએ. ગ્લાઈડર પાઈલોટોને બરાબર દેખાવું જોઈએ. રાત્રે હવાઈ ઊતરાણ કરનાર પેરાટ્રૂપરોને માટે પુનમનો દિવસ હોવો જોઈએ. દરિયો ઓળંગનાર દળોને ઓછી ભરતી હોય તેવો દિવસ હોવો જોઈએ. આ અગાઉ, સાધન સામગ્રીની અછતને કારણે આઈકને લડાઈ એકવખત રોકી રાખવી પડી હતી. ૫થી ૭ જૂન સુધીના ગાળામાં ચન્દ્ર અને ભરતીની પરિસ્થિતિ ફરીથી અનુકૂળ હતાં. હવે જો ફરી વાર લડાઈ મૂલતવી રાખવામાં આવે તો, હુમલાની યોજનાની ગુપ્તતા બહુ ગંભીર રીતે જોખમાય તેમ હતું.
જો આમ કરવું હોય તો, હુમલા માટે ચન્દ્ર અને ભરતીની સાનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત કરવા, આઈકે છેક ૧૯મી જૂન સુધી યોજના મૂલતવી રાખવી પડે. અને એ દરમિયાન જર્મન જાસૂસો અવશ્ય આ ગુપ્ત યોજના ફોડી નાંખે; અને નોર્મન્ડી ખાતે તેમની સંરક્ષાણત્મક હરોળને એકદમ સખત રીતે અભેદ્ય બનાવી દે. આમ ઢીલ કરવાથી આક્રમણ કરવા ટાંપીને તૈયાર બેઠેલા દળોનું ધૈર્ય પણ ઓસરવા માંડે. વળી આ હૂમલાની સમયસારણી પૂર્વ મોરચા પર જર્મની સામે સોવિયેટ આક્રમણની સાથે જ તાલબદ્ધ કરવામાં આવી હતી ( synchronized?). આવી ઢીલ સોવિયેટ શાસનમાં અવળા લશ્કરી અને રાજકીય પ્રત્યાઘાતો પાડી શકે તેમ હતું. આની સામે જો આઈક ગરજતા વાવાઝોડાની વચ્ચે દળોને લડાઈમાં ઝંપલાવવા હૂકમ આપે તો, તે નિર્ણય દળો માટે અપરંપાર દુર્ઘટના સાબિત થઈ શકે તેમ તો હતું જ.અને સર્વોચ્ચ સેનાધ્યક્ષ તરીકે આ નિર્ણય તેમણે એકલાએ જ લેવાનો હતો.
હવામાન અંગે સલાહ માટે આઈક બ્રિટીશ કેપ્ટન જોહ્ન સ્ટેગ પર આધાર રાખતો હતો. હૂમલાના નિર્ણય માટે અત્યંત કટોકટીવાળી હવામાન આગાહી પૂરી પાડવી એ સ્ટેગ અને તેના સ્ટાફની જવાબદારી હતી. સ્ટેગે સચોટ આગાહી કરી હતી કે, ૩જી જૂને ઈન્ગ્લીશ ખાડીમાં વાવાઝોડું ત્રાટકશે. તે વખતે આઈકે કામચલાઉ રીતે હૂમલો મોકૂફ રાખ્યો હતો. કેપ્ટન સ્ટેગે આગાહી કરી હતી કે, ૫ અને ૬ જૂને તે થોડુંક હળવું પડશે; પણ તેના સ્ટાફના બધા જ સભ્યો તેની સાથે સહમત ન હતા. પોતાના બધા હવામાન નિષ્ણાતો એકવાક્ય ન હોય તેવા હવામાનના વર્તારાના આધાર પર આઈકે હવે એક મહાન અને અત્યંત જોખમી નિર્ણય લેવાનો હતો. આઈકે તેની ડાયરીમાં લખ્યું પણ હતું,
” આ દેશની આબોહવા એકદમ અવિશ્વસનીય છે.”
આઈકે તેમના મૂખ્ય મથક પર તેમના કમાન્ડરોની બેઠક ગોઠવી. તેમણે તેમની સલાહ માંગી. બ્રિટીશ એર માર્શલ ટ્રેફર્ડ લે-મેલરીએ હૂમલો ફરી એક વાર મૂલતવી રાખવા મંતવ્ય આપ્યું. તેમને ભય હતો કે લશ્કરી વિમાનો માટે આ હવામાન બહુ જ નબળું હતું.તેમના પોતાના સ્ટાફના અમૂક સભ્યોએ પણ ઢીલ કરવી વધારે હિતાવહ છે; તેમ જણાવ્યું. બ્રિટીશ કમાન્ડર બર્નાર્ડ મોન્ટગોમરી સહિત બીજા કમાન્દરોએ જો કે, આગળ ધપવાનો અનુરોધ કર્યો.
આઈક હોલની ફર્શ પર દેખીતી વ્યગ્રતાથી આંટા મારતા હતા; અને પોતાની લાક્ષણિક ઢબે હડપચી પર આંગળી રાખી, સૌનો અભિપ્રાય પૂછતા રહેતા હતા. આ છેવટનો અને ખતરનાક નિર્ણય કેવળ તેમના પર જ નિર્ભર હતો. તેમણે પોતાની ડાયરીમાં થોડાક વખત પહેલાં લખ્યું હતું,
” શું કરવું તેનો આખરી અને ઈતિહાસમાં શકવર્તી નીવડનાર નિર્ણય લેવાની આવી ખાસ અને સીધી જવાબદારી જેને અદા ન કરવાની હોય, તેવી કોઈ વ્યક્તિ આવા માનસિક ભારની તિવ્રતા ન સમજી શકે.
અને થોડીક વારે તેમણે એ જગવિખ્યાત હૂકમ લઈ લીધો …

ઓકે! આપણે જઈશું.
O.K. We’ll go.

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment