
સ્વપ્ન તે નથી કે જે આપણે ઉંઘમાં જોઈએ છીએ – પણ સ્વપ્ન તે છે કે જે આપણને સુવા નથી દેતુ – શ્રી એ.પી.જે. અબ્દુલ કલામ
વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદના પ્રવચનોને સુજ્ઞ શ્રોતાજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ અને હવે જ્યારે ચારે તરફ તેમની વાહ વાહ બોલાઈ રહી છે તેવે સમયે સ્વામી વિવેકાનંદ રાત્રે સુંવાળી પથારીમાં સુઈ નથી શકતા. જમીન પર વેદનાથી આળોટે છે અને વિચારે છે કે મારા કરોડો ગરીબ, કચડાયેલા, દુ:ખી, પીડીત દેશ બાંધવો માટે હું શું કરી શકું કે તેમનું અજ્ઞાન દૂર થાય, તેઓ સમૃદ્ધ બને, ગુલામીની ઝંઝીરમાંથી મુક્ત થાય. અને તેમણે એક વિરાટ કાર્યનો આરંભ કર્યો અને શ્રી રામકૃષ્ણ મીશનની સ્થાપના કરી. આજે કેટકેટલી જીંદગીઓ પર આ કેન્દ્રોની પ્રવૃત્તિઓ રુપી આશિર્વાદના કળશથી અભિષેક થયો છે તે કોણ કહીં શકશે?
સ્વતંત્રતાનું સ્વપ્ન જો ગાંધીજીએ તેમના સહયોગીઓએ અને અનેક ક્રાંતિકારીઓએ ન જોયું હોત તો કદાચ ભારત આજે પણ ગુલામીની ઝંજીરોમાં જકડાયેલું હોત. દરેક મહાન કાર્ય કરનારાઓએ મહાન સ્વપ્ના સેવ્યા છે અને તેને પૂર્ણ કરવા માટે તનતોડ મહેનત કરી છે. કોઈ પણ સફળ વિદ્યાર્થી, સફળ ઉદ્યોગપતિ, સફળ શિક્ષક કે સફળ રાજનેતા કે કોઈ પણ ક્ષેત્રની સફળ વ્યક્તિને જોઈશું તો તેના મુળમાં તેમણે સેવેલાં મહાન સ્વપ્નાઓ હશે. ઉત્તમ કાર્યો ઉત્તમ વિચારોમાંથી જન્મે છે અને ઉત્તમ વિચારો ઉત્તમ સ્વપ્નાઓ જોવાથી આવે છે. જો બીલ ગેટ્સે માઈક્રોસોફ્ટને નંબર વન સોફ્ટવેર કંપની બનાવવાનું સ્વપ્ન ન જોયું હોત તો આજે સોફ્ટવેરની દુનિયામાં આટલી ક્રાંતી આવી હોત કે કેમ તે કહેવું મુશ્કેલ છે.
આપણાં એક બ્લોગર શ્રી મુસ્તુફાચાર્યને તેમના શિક્ષક પાસેથી સાંપડેલ સફળતાનું સૂત્ર
(D + P + T ) * A = Success માં પણ D ફોર ડ્રીમ એટલે સ્વપ્ન માટે મુકવામાં આવેલ છે.
(D + P + T ) * A = Success માં પણ D ફોર ડ્રીમ એટલે સ્વપ્ન માટે મુકવામાં આવેલ છે.
આજે જ્યારે આપણે ભારતમાં ચારે બાજુ ભ્રષ્ટાચાર અને નીતીમત્તાનો હ્રાસ જોઈ રહ્યાં છીએ ત્યારે પ્રજાએ સામુહિક રીતે એકજૂટ બનીને ભ્રષ્ટાચાર મુક્ત અને નીતીમાન મનુષ્યો ઘડવાનું સ્વપ્ન જોવાનો સમય પાકી ગયો છે. જો પ્રજા સામુહિક રીતે ભ્રષ્ટ લોકોનો વિરોધ કરે – તેમના કરતૂતો ઉઘાડા પાડે અને તેમને કડકમાં કડક શિક્ષા થાય તેવી માંગણી બુલંદ બનાવે તો વિરાટ પ્રજાનો સામનો કરવાની તાકાત આ મગતરા સમાન ભ્રષ્ટાચારીઓમાં ક્યાંથી રહેશે?
તો મીત્રો, ખુલ્લી આંખે સ્વપ્ન જોવાનું અને તેને પુરા કરવા આયોજન બદ્ધ પરીશ્રમ કરવાનું આજથી જ શરું કરી દેશુંને?
0 comments:
Post a Comment