Friday, August 12, 2011

ઝફરનો ખજાનો – રશ્મિકાન્ત દેસાઈ


ગુજરાતના એક મોટા શહેરમાં કેંદ્ર સરકારની કર્મચારી વસાહતમાં રમેશભાઈ રહેતા હતા. તેમના પડોશી રહીમભાઈ સાથે તેમને ઘણો સારો સંબંધ થઈ ગયો હતો. રમેશભાઈને પિંકી નામની એક પુત્રી અને ચિરાગ નામે એક પુત્ર હતા. પિંકી આશરે પંદર વર્ષની હતી જ્યારે ચિરાગ ત્રણેક વર્ષનો હતો. રહીમભાઈને એક જ પુત્રી સલમા લગભગ ચૌદ વર્ષની હતી. પિંકી અને સલમા ગાઢ મિત્રો બની ગયા હતા.

રજાના એક દિવસની સાંજે બંને કુટુંબો તેમના આંગણામાં ખુરશીઓ નાંખી વાતો કરતા બેઠા હતા. થોડું થોડું અંધારૂં થવા આવ્યુ હતું. ચિરાગને બાથરૂમ જવાનું થયું. પણ એકલા ઘરમાં જવાની તેની હિંમત ચાલતી નહોતી. તેણે પિંકીને સાથે જવા કહ્યું. પણ રમેશભાઈએ ના પાડી. પૂછ્યું, ‘કેમ ચિરાગ તને શાની બીક લાગે છે?’. ચિરાગ કહે ‘ભૂતની’. રમેશભાઈ કહે, ‘જો, ભૂતબૂત કશું હોતું નથી. તું તારે ભગવાનનું નામ લઈ જઈ આવ.’ ચિરાગ તો ગયો.


ચિરાગના ગયા બાદ રહીમભાઈ કહે, ‘રમેશભાઈ, ભૂત હોય છે. અમારા દિલ્હીના ઘરમાં ભૂત આવે છે એટલું જ નહીં પણ તે ગુજરાતી રામાયણ વાંચે છે અને ન્હાય પણ છે.’ આ સાંભળીને પિંકીનું કૂતુહલ જાગી ગયું. આમેય તેને રહસ્યકથાઓ વાંચવાનો શોખ હતો. તેથી તેને આ રહસ્ય ઉકેલવાનું ખૂબ મન થયું. રહીમભાઈ કહે, ‘અમે દીવાળીની રજાઓમાં દિલ્હી જવાના છીએ તો તું પણ સાથે આવજે.’

થોડી રકઝક અને આનાકાની બાદ પિંકીને પરવાનગી મળી. ને દીવાળીની રજાઓમાં રહીમચાચાના પરિવાર સાથે તે પહોંચી ગઈ દિલ્હી. પહેલે દિવસે તો આરામ કર્યો. બીજે દિવસે સવારના રહીમચાચાએ દિલ્હી જોવા જવા તૈયાર થવા કહ્યું પણ પિંકી કહે, ‘ના ચાચા, મારે તો તમારા ભૂત વિશે જ જાણવું છે. મને પૂરેપૂરી માહિતી આપો.’ રહીમચાચાએ તે આપવી જ પડી. તેમના ઘરમાં નીચે ભોંયરામાં લાયબ્રેરી હતી. તેમાં ગુજરાતી રામાયણની હસ્તપ્રત પણ હતી. આમ તો તેને આલમારીમાં રાખતા હતા તો યે કોઈ કોઈ વાર તે વચ્ચેના ટેબલ પર ખુલ્લી પડેલી જોવા મળતી હતી. નજીકમાં તાજો ઓલવાયેલો દીવો પણ મળતો. તે રાતે વહેતા પાણીનો ખળખળ અવાજ જાણે કોઈ ન્હાતું હોય તેવો સંભળાતો હતો. આના પરથી મનાતું હતું કે રાતના ભૂત આવીને આ બધી હરકતો કરતું હતું. રાતના નીચે જઈને તપાસ કરવાની કોઈની હિંમત ચાલતી નહોતી.

ચાચાની પરવાનગી લઈને પિંકી તે રામાયણની હસ્તપ્રત પોતાના ઓરડામાં લઈ આવી. આખી બપોર તેનો અભ્યાસ કરવામાં ગાળી. સાંજે બહાર નીકળી ઘરની આજુબાજુના વિસ્તારનું અવલોકન કર્યું. ઘર તો ખાસ્સી મોટી હવેલી હતી. જુના જમાનાની જાહોજલાલી જણાઈ આવતી હતી. હવેલીનો આકાર અંગ્રેજી એલ જેવો હતો. તેની બે પાંખો જ્યાં મળે ત્યાં વચ્ચે મોટો હૉલ હતો. તેની નીચે લાયબ્રેરી હતી. નીચેના ઓરડાઓમાં એક બાજુ રસોડું, ભોજનખંડ, ભંડાર વગેરે હતા, બીજી બાજુ નોકરોના ઓરડાઓ હતા. કુટુંબના સભ્યો તથા મહેમાનોના બેડરૂમ બધા બીજા માળ પર બંને પાંખમાં હતા. હવેલીની ચારેય બાજુઓ પર વિશાળ ખુલ્લી જગ્યામાં બાગ બનાવેલા હતા.

તે રાતે પણ પિંકી મોડી રાત સુધી રામાયણ વાંચતી રહી. બીજે દિવસે તેને ઊઠતાં મોડું થઈ ગયું. તે ઊઠી ત્યારે ચાચાના સૌ કુટુંબીજનો વચ્ચેના હૉલમાં ભેગા થયા હતા. બધા બારી બારણા બંધ હતા. નોકર આવીને તેને ભોજનખંડમાં ચ્હાનાસ્તો આપી ગયો. તે પતાવે ત્યાં સુધીમાં બધા બહાર નીકળી ડાઈનીંગ ટેબલ પર આવી ગયા. ચાચાના કાકાઓ, ભાઈઓ, ભત્રીજાઓ પણ આવેલા હતા.

મોડા ઊઠવા બદલ પિંકીએ ચાચાની માફી માંગી. તો ચાચા કહે, ‘પિંકી બેટા, સારૂં જ થયું કે તું મોડી ઊઠી. વહેલી ઊઠી હોત તો પણ તારાથી હૉલમાં આવી ન શકાત. અમારા કુટુંબમાં એક રિવાજ છે કે દરેક દીવાળી ને દિવસે સવારના પોરમાં અમે સૌ ભેગા થઈને એક ખાનગી વિધિ કરીએ છીએ. આમ તો અમને કોઈને તેમાં સમજણ પડતી નથી પણ વડીલોની આજ્ઞા હોવાથી તેનું પાલન કરીએ છીએ. તે દરમ્યાન બહારની કોઈ વ્યક્તિને હાજર રાખી શકતા નથી. બધા જ કુટુંબીઓ જ્યાં હોય ત્યાંથી અહીં આવીને ભેગા થઈએ છીએ. એ બહાને અમારો સંપ ટકી રહે છે..’

પિંકી કહે,’ તો ચાચા મને એ કહો કે આપણે ત્યાં ખજૂરીનું ઝાડ ક્યાં હતું?’ ચાચાને નવાઈ લાગી, પૂછ્યું, ‘તને ક્યાંથી ખબર કે આપણે ત્યાં એવું ઝાડ હતું? મેં તો કોઈ દિવસ જોયું નથી.’ પણ નજીક ઊભેલા એક વયોવૃધ્ધ કાકાએ આ સંવાદ સાંભળ્યો અને બોલ્યા, ‘રહીમ બેટા, તારા જનમ પહેલાં એક ખજૂરી હતી ખરી.’ તેમણે પછી તે ક્યાં હતી તે સ્થળ પણ બતાવ્યું. બપોરે બધાના ગયા પછી રહીમચાચા બધાને ફરવા લઈ ગયા. ફરતાં ફરતાં પણ પિંકીને તો રામાયણવાળા ભૂતના જ વિચારો આવ્યા કરતા હતા.

ત્રીજે દિવસે સવારે ચાચાનો વિચાર બધાને કુતુબમિનાર જોવા લઈ જવાનો હતો. પણ પિંકીએ ના પાડી, કહે, ‘ચાચા મને મદદ કરો.’ પિંકીના આગ્રહને વશ થઈ ચાચા તેના કહેવાથી ખજૂરી હતી તે સ્થળથી પૂર્વમાં ૨૫ પગલા અને ત્યાંથી ઉત્તરમાં ૨૦ પગલા ચાલ્યા. છેલ્લા બે પગલા તેઓ ચાલી ન શક્યા કારણ કે તેમનું ઘર નડે તેમ હતું. હવેલીની એક પાંખના છેવાડાના રૂમમાં જવું પડે તેમ હતું. તે રૂમ ઘણા સમયથી બંધ રહેતો હતો અને તેને તાળું મારેલું હતું. ચાવી પણ હાથવગી નહોતી. રહીમભાઈને આ રમત નિરર્થક લાગી અને તે પડતી મૂકી ફરવા જવા કહ્યું. પણ પિંકીએ આગ્રહ કરતાં થોડી શોધાશોધ બાદ ચાવી જડતાં તાળું ખોલી રૂમમાં ગયા. રૂમ લગભગ ખાલી જેવો જ હતો, બહુ જ થોડી વસ્તુઓ તેમાં હતી. પિંકીએ આખા રૂમની ઝીણવટથી તપાસ કરી. બધી દિવાલો તેમ જ ફરસમાં કશેથી પણ ખુલી શકે તેવું કશું જ મળ્યું નહીં. ચાચા કહે ‘છોડ માથાકૂટ, આપણે લાલ કિલ્લો જોવા જઈએ.’ ત્યાં પણ પિંકીનું મન તો ભૂતની વાતમાં જ હતું.

તે રાતે પણ પિંકીએ મોડે સુધી રામાયણનો અભ્યાસ કર્યો. સવારે ફરી એક વાર ચાચાએ કુતુબમિનાર જવા કહ્યું પણ પિંકીએ ના પાડી. ‘મારે તો આ ખજાનો શોધી કાઢવો છે’ એમ કહીને ચાચાના હાથમાં એક કાગળ આપ્યો. તેમાં પિંકીના હસ્તાક્ષરમાં પ્રશ્નોત્તર હતા.

“પતંગ ક્યાંથી ચગાવશો?” “ખજૂરી પરથી.”

“કઈ બાજુ ઉડાડશો?’ “પૂર્વમાં ૨૫ ઉત્તરમાં ૨૦”

“ગોથ કેટલી મારશો? “૧૫”.

ચાચાના મોં પર આશ્ચર્યનો ભાવ અડધી સેકંડ માટે આવી ગયો પણ પોતાની જાતને સંભાળી લીધી. “અરે આ તો ” એટલું બોલી ને અટકી ગયા. પછી કહે, “આવી રમત શું કામની?”.

પિંકી કહે, “ચાચા, આ રમત નથી. શેરલોક હોમ્સની (Sherlok Holmes) ધ મસ્ગ્રેવ રીચ્યુઅલ (The Musgrave Ritual) નામની એક વાર્તામાં પણ આવી એક પ્રશ્નોત્તરી આવે છે. તે પણ ઉપલક નજરે નકામી લાગતી હતી પણ તેનો હેતુ છુપાવેલા ખજાનાનું સ્થળ બતાવવાનો હતો.”. “અરે બેટા, આપણા ઘરમાં ખજાનો હોત તો નોકરી કરવા મારે ગુજરાત સુધી શીદ આવવું પડે?” રહીમભાઈ કહે. “ચાચા, ખજાનો જડે તો પણ તમારે મારે ખાતર પણ ગુજરાત તો આવવું પડશે, પણ પહેલાં પ્રયત્ન તો કરીએ!”

પિંકી તેમને હૉલની નીચેની લાયબ્રેરીમાં લઈ ગઈ. એક પાવરફૂલ બેટરી (ફ્લેશલાઈટ) વડે ખૂબ જ બારીકીથી તળિયાની અને ભીંતોની તપાસ કરી. કશું ન મળ્યું. તો યે તપાસ ચાલુ રાખી. ચોપડીઓના એક કબાટની બાજુમાં તેને એક ફાટ દેખાઈ. ચાચાની મદદથી કબાટ ખસેડ્યું તો પાછળ એક સાંકડું બારણું જડયું. તેની પાછળ એક સાંકડી ગલી જેવું બોગદું (ટનલ) હતું. હવે તેમાં જવું થોડું જોખમી હતું. બેટરી ના પ્રકાશથી જોયું તો તેના તળિયાની ધૂળમાં કોઈના પગલા પડેલા હતા. પગલા બંને દિશામાં હતા. કોઈ ત્રણ ચાર વાર આગળ જઈને પાછું આવ્યું હતું. વળી નાની સરખી હવાની લહેરખી આવી ગઈ જેમાં ફૂલની આછેરી સુગંધ પણ હતી. તેથી થોડી હિંમત આવી.

ચાચીને લાયબ્રેરીમાં જ રોકાવા કહી ને ચાચા, પિંકી અને સલમા સાવધાનીપૂર્વક આગળ વધ્યા. પંદરેક ડગલા ગયા હશે ત્યાં તો એક રૂમ હતો. બે દિવાલમાં બે નાના નાના જાળિયા (હવાબારી) હતા જેમાંથી ખૂબ ધીમી હવા આવતી હતી. બહાર ફૂલછોડ હશે તેથી ખાસ અજવાળું આવતું નહોતું. બેટરીના પ્રકાશમાં જોયું તો દૂરના ખૂણામાં એક કૂવો હતો જેનો વ્યાસ લગભગ સાડા ત્રણ ફૂટ (એક મીટર જેટલો) હશે. નજીકમાં પ્લાસ્ટિકની એક ડોલ તથા દોરડું પડેલા હતા. એક કાગળમાં કશુંક લખાણ ઉર્દુ લિપિમાં હતું. તે વાંચી ચાચા કહે, “પિંકી, તારી વાત સાચી લાગે છે. તેં જે પ્રશ્નો ગુજરાતીમાં લખ્યા છે તે જ પ્રશ્નો અહીં ઉર્દુમાં લખ્યા છે.”

પિંકી કશું કહે તે પહેલાં તો ચાચીએ ચાચાને બોલાવ્યા કારણ કે તેમનો ફોન આવ્યો હતો. બધા ઉપર હૉલમાં ગયા. ફોન નજીકની પોલિસ ચોકી પરથી હતો. તેમણે જણાવ્યું કે કોઈ શકમંદ માણસ પાસેથી એક ગુજરાતી રામાયણ મળ્યું હતુ. તેના પર રહીમભાઈનું નામ તથા સરનામું હોવાથી પોલિસે તેમને જાણ કરી. પિંકીએ કહ્યું, “ચાચા, એ માણસને રોકી રાખવા કહેશો. તેણે હજુ સુધી કોઇ મોટો ગુનો કર્યો હોય તેમ લાગતું તો નથી પણ કર્યો હોય તો છટકી ન જવો જોઈએ.” રહીમભાઈની સામાજિક અને ઉચ્ચ સરકારી અધિકારી તરીકે ઘણી આબરૂ હોવાથી પોલિસે તેમની વિનંતિ સ્વીકારી.

હવે તો રહીમભાઈની પણ ઇંતેજારી વધી ગઈ હતી તેથી તેમને પાછા નીચે કૂવા પાસે જવું હતું. પિંકીના કહેવાથી એક મોટું જાડું પ્લાયવુડ સાથે લઈને બધા નીચે ગયા. ચાચી ને લાયબ્રેરીમાં રોકાવા કહીને ત્રણે જણા કૂવા પાસે ગયા. કૂવા પર પ્લાયવુડ મૂકી બંધ કરી દીધો. પ્લાયવુડ પર ભારે વજન મૂકી ને ખાતરી કરી લીધી કે તેના પર ઊભા રહેવામાં કશું જોખમ નહોતું.

છતાં પિંકીની કેડે દોરડું બાંધી તેના છેડા ચાચા તથા સલમાએ પકડી રાખ્યા. હળવે હળવે પિંકી પ્લાયવુડ પર ચાલીને તે ખૂણામાં ગઈ ત્યાંની ભીંતોનું બારીકાઈથી અવલોકન કરવા લાગી. થોડી મથામણ બાદ તેને એક છૂપું બારણું જડ્યું. તે ખોલી ને અંદર ગઈ. બેટરીના પ્રકાશમાં જોયું તો સ્તબ્ધ થઈ ગઈ. તે તો એક ખાસ્સો મોટો રૂમ હતો અને કિંમતી જરઝવેરાતથી ભરપૂર હતો. તેણે બહાર આવી ચાચાને વાત કરી, “ચાચા, હવે તમારે નોકરી નહીં કરવી પડે એટલું ધન અંદર છે.”

ચાચાએ પણ અંદર જઈને જોયું તો તેઓ પણ અવાચક્ થઈ ગયા. પણ કહે, “ના બેટા, આ કંઇ મારૂં ધન નથી, દેશનું છે.” તરત ઉપર આવી સત્તવાળાઓને જાણ કરી. સંબંધિત ખાતાઓના અધિકારીઓ અને કર્મચારીઓ આવી પહોંચ્યા અને બધી દોલતની યાદી બનાવી લઈ ગયા. આ બધી ધમાલ દરમ્યાન પણ પિંકી પેલા ‘રામાયણચોર’ને ભૂલી નહોતી. તેના કહેવાથી રહીમભાઈએ તેને છોડાવી ઘેર બોલાવી લીધો.

બપોર બાદ ઉચ્ચ અધિકારીઓ રહીમભાઈને ત્યાં ભેગા થયા. સૌએ તેમને અભિનંદન આપ્યા તો તેમણે બધાને પિંકીની ઓળખાણ કરાવી કહ્યું કે બધો જશ તેને મળવો જોઈએ. બધાએ તેને અભિનંદન આપ્યા, પૂછ્યું કે તેણે કેવી રીતે આ કોયડો ઉકેલ્યો.

પિંકી કહે, “ગુજરાતમાં જ્યારે રહીમચાચાએ કહ્યું કે તેમને ત્યાં ભૂત આવતું હતું, રામાયણ વાંચતું હતું અને ન્હાતું પણ હતું ત્યારે જ મને થયું હતું કે કશો ભેદ હતો કારણ કે ભૂત હોતા જ નથી. પણ ધારો કે હોય તો પણ તે ન તો ચોપડી ઉંચકી શકે, કે ન તો દીવો પેટાવી શકે. અહીં આવીને રામાયણ જોયું તો તેના પર હાથની આંગળીઓના ડાઘા હતા જે ભૂતના ન હોઈ શકે. ચાચા પાસેથી પરવાનગી લઈને તેને મારા ઓરડામાં લઈ જઈ ધ્યાનપૂર્વક તપાસ્યું તો શરૂઆતના પાના પર જ એક અક્ષર પર ખાસ નિશાની જોઈ. તેવી નિશાનીવાળા બધા અક્ષરો એક કાગળ પર લખ્યા તો તેમાંથી સવાલજવાબ નીકળ્યા. તેવા સવાલજવાબ શેરલોક (Sherlok Holmes) હોમ્સની મસ્ગ્રેવ રિચ્યુઅલ (Musgrave Ritual) નામની વાર્તામાં આવે છે જેને હેતુ કિંગ ચાર્લ્સ ધ ફર્સ્ટ (King Chrlaes the First) ના છૂપાવેલા ખજાનાનું સ્થળ બતાવવાનો હતો. મને થયું કે અહીં પણ કદાચ તેવો હેતુ હોય તો શું?

“પહેલા પ્રશ્નના જવાબમાં ખજૂરીનો ઉલ્લેખ હતો. પણ અહીં તો કોઈ ખજૂરી જ નથી તેથી મને થયું કે હું વધારે પડતી કલ્પના કરતી હતી. તો પણ ચાચાને પૂછ્યું અને તેમના વયોવૃધ્ધ કાકાએ ખજૂરીની જગ્યા બતાવી ત્યારે મારો ઉત્સાહ વધ્યો. પણ જ્યારે ઉપરના ખાલી રૂમમાથી કશું જ ન મળ્યું ત્યારે ફરી ઢીલી પડી ગઈ.

“તે રાતે મને ખૂબ વિચાર આવ્યા. આખરે મારૂં ધ્યાન ત્રીજા સવાલ પર ગયું. ગોથ મારવાની શા માટે? કદાચ તેનો હેતુ એમ દર્શાવવાનો હશે કે શોધવાની વસ્તુ ખજૂરીની ઉપર નહીં પણ નીચે છે? નીચે હોય તો ક્યાં હોય? અને ત્યાં પહોંચવું કેવી રીતે? ‘ભૂત’ લાયબ્રેરીમાં આવતું તે પરથી મને લાગ્યું કે ત્યાંથી જવાતું હશે. તેથી બીજે દિવસે લાયબ્રેરીમાંથી શરૂઆત કરી.

“કૂવો જડ્યો તે જ વખતે ચાચા માટે ફોન આવી ગયો તે પણ સારૂં થયું. તેઓ વાત કરતા હતા ત્યારે મારી નજર બહાર પડી અને મેં જોયું કે અગાઉ જે ખાલી રૂમ જોયો હતો તેનું હૉલથી અંતર કૂવા કરતાં વધારે હતું. કૂવો કદાચ એક અંતરાય તરીકે અને અજાણી વ્યક્તિને ગૂંચવવા માટે મૂક્યો હશે કે જેથી ફક્ત તે જ વ્યક્તિ જઈ શકે કે જેને માટે આ વસ્તુ છૂપાવી હતી. હવે આપણે જાણીએ છીએ કે તે હેતુ બર આવ્યો હતો કારણ કે ‘ભૂતે’ કૂવામાંથી ખજાનો શોધવાનો પ્રયત્ન કર્યો હતો. જો તેણે ચોરી કરી હોત તો રામાયણ સાથે રાખ્યું ન હોત. પણ તે સમયે બનવાજોગ હતું કે ખજાનો ચોરાઈ ગયો હોય. તેથી ‘રામાયણચોર’ને કસ્ટડીમાં રાખવો જરૂરી હતું.

“હવે એક બીજો મુદ્દો ધ્યાનમાં આવ્યો. ગોથ ૧૫ માપ જેટલી જ મારવાની હતી. એક માપ આશરે એક પગલા જેટલું એટલે લગભગ અઢી ફૂટ જેટલું થાય એવું અનુમાન કરીએ તો કુલ ૩૭ ફીટ થાય. માપ ખજૂરી પાસેથી નહીં પણ તેના ‘પરથી’ લેવાનું હતું. ખજૂરી જો ૨૫ ફીટ ઊંચી હોય તો આપણે જમીનથી ૧૨ જ ફીટ નીચે જવાનું રહે. તો પછી કૂવાની અંદર તપાસ કરવા કરતાં તેની પાસે શોધખોળ કરવી યોગ્ય લાગી. આમે ય કૂવાથી આગળ જવાની જરૂર જણાતી જ હતી. તેથી પ્લાયવુડ મૂકી ને ભીંતમાં તપાસ કરી. પરિણામ આપ સૌની સમક્ષ છે.”

પિંકીનો ખુલાસો પૂરો થયો એટલે રહીમભાઈએ તેમની વાત કહી.

“અમારા કુટુંબમાં એક રિવાજ પેઢીઓથી ચાલ્યો આવે છે કે દર દીવાળીને દિવસે અમે સૌ ભેગા થઈને એક પ્રશ્નોત્તરી વાંચીએ છીએ. પિંકીએ વાંચ્યા તેના પછી પણ બીજા થોડા સવાલજવાબ છે. અમને તો આ રિવાજ નકામો લાગતો હતો પણ હવે તેનું રહસ્ય સમજાયું પણ હજુ અધુરૂં છે. બાકી રહેલા સવાલજવાબ હવે જણાવું છું.

આ બધું કોનું હતું? જેને લઈ ગયા છે તેનું.

કોને આપવાનું છે. જેને પાછો લાવીશું તેને.

આનો શો અર્થ થાય તે વિચારવા જેવું છે.”

પિંકી કહે, “કદાચ ‘રામાયણચોર’ને ખબર હોય. તેને પૂછી શકાય?.”

અધિકારીઓએ હા પાડી. તેને અભયવચન આપી ખુલાસો કરવા કહ્યું. તેણે વિગતે વાત કરી.

“મારૂં નામ ફરીદ છે. મારા બાપ તમારા દાદાના વખતમાં આ ઘરમાં નોકરી કરતા હતા. એક વાર તે આ બધા સવાલજવાબ સાંભળી ગયા. તેથી તમારા દાદાએ તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા. કશેકથી તેમને જાણવા મળ્યું કે તે સવાલજવાબનું રહસ્ય ગુજરાતી રામાયણમાં હતું. મારા બાપ તો બહુ જીવ્યા નહીં પણ મરતા પહેલા મને કહી ગયા કે તને રામાયણમાંથી ખજાનાનો ભેદ જડશે. મેં ગુજરાતી શીખી લીધું. તક મળે ત્યારે લાયબ્રેરીમાં જઈને વાંચતો. તમને બધાને ભૂતની બીક લાગતી એટલે હું પકડાઈ ન ગયો. કૂવો જડ્યો પછી તેના પાણીમાંથી ખજાનો કાઢવા કોશિશ કરતો. પાણી પાછું ઢોળી દેતો તે સાંભળી તમે માનતા કે ‘ભૂત’ ન્હાય છે.

મેં બીજી પણ થોડી તપાસ કરી હતી. ૧૮૫૭ ના બળવા વખતે તમારા વડવા હિંદુ હતા અને શહેનશાહ બહાદૂરશાહ ઝફરના વિશ્વાસુ ખજાનચી હતા. અંગ્રેજો જીતી જશે એવું લાગ્યું ત્યારે તેમણે શાહી ખજાનો તમારા ઘરમાં સંતાડી દીધો. અંગ્રેજોએ તેને શોધવા બહુ પ્રયત્નો કર્યા હતા પણ તે હિંદુઓના ઘરોની જ ઝડતી લેતા હતા કારણ કે તેમની માહિતી પ્રમાણે ખજાનો હિંદુ ખજાનચીના ઘરમાં હતો. તેથી અંગ્રેજોથી બચવા માટે તમારા કુટુંબે ઇસ્લામ અપનાવી લીધો. પણ ખજાનાનું રહસ્ય તો રામાયણમાં જ રહ્યુ.

કૂવામાંથી તો ખજાનો ન મળ્યો તેથી રામાયણની બીજી નકલ લઈ તેમાંથી ભેદ જાણવા કોશિશ કરતો હતો. પણ તમને માપ લેતા જોયા એટલે પરગામ જતો હતો ત્યારે પોલિસે મને પકડી લીધો. લો આ તમારું રામાયણ પાછું.

‘જેને લઈ ગયા છે’ તે ઝફર માટે હતું. શરૂમાં તો બધાને એવી આશા હતી કે ઝફરને છોડાવી લવાશે અને ખજાનો તેને સોંપી શકાશે. પછી તેના વારસદારને સત્તા પર લાવવાની આશા હતી. તેથી ‘જેને પાછો લાવીશું તેને’ એવો જવાબ રાખ્યો. તમારા વડીલોની ઈચ્છા હતી કે આ બધો ખજાનો ઝફરને અથવા તેના વારસદારને સોંપવામાં આવે. આ જવાબદારી યાદ કરાવવા ખાતર દર દીવાળી પર આ સવાલજવાબ વાંચવાને રિવાજ પાડ્યો.”

ફરીદનું બયાન પૂરૂં થતાં ફરી એક વાર બધાએ પિંકીને શાબાશી આપવા માડી. પણ પિંકી કહે, “આનું શ્રેય ફરીદને પણ આપવું જોઈએ. તેમણે જો ખજાનો શોધવાનો પ્રયત્ન ન કર્યો હોત તો ભૂતની ભ્રમણા ઊભી ન થઈ હોત અને હું ગુજરાતથી અહીં આવી ન હોત. મેં તો ફક્ત પિંકી (આંગળી) જ ચીંધી ને?”

સાંભળી સલમા કહે, “પણ ચિરાગ જો ભૂતથી બીતો ન હોત તો મારા પપ્પા તમને કહેત પણ નહીં કે અમારા ઘરમાં ભૂત થતું હતું. તેથી ખરો જશ તો ચિરાગને મળવો જોઈએ,”

બધા ખૂબ હસ્યા. પણ રહીમભાઈએ ફરીદને છોડી મૂકવા પોલિસને ભલામણ કરી એટલું જ નહીં પણ સારી એવી રકમ આપી ખુશ કર્યો.

પિંકી કહે, “ચાચા, હવે તો રજાના બહુ થોડા દિવસ રહ્યા છે, ચાલો દિલ્હી બતાવો.”

સરકારી કાયદા પ્રમાણે રહીમભાઈને યોગ્ય પુરસ્કાર મળ્યો. તે તેમણે પિંકીને આપવા પ્રયત્ન કર્યો પણ તેણે કે રમેશભાઈએ ન લીધો.

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment