Saturday, August 6, 2011

ફુદીનાનો ક્યારો – એક અવલોકન


ગઈ સાલ એક મિત્રના ઘેરથી ફુદીનાના ચાર પાંચ છોડ લાવીને વાવ્યા હતા. બે એક મહિનામાં તો આખો ક્યારો એમના વંશવેલાથી ઊભરાઈ ગયો હતો. છેક ઊનાળાનો પણ અંત આવવામાં હતો ; ત્યાં મને સૂઝ્યું કે, શિયાળા માટે તેના પાન સૂકવીને સાચવી રાખ્યા હોય તો સારૂં. પણ દરેક છોડ પર ફૂલ મ્હાલતા હતા. મેં તો એ ફૂલ સમેત જ ફુદીનાની ડાળીઓ વાઢી લીધી હતી. પણ પછી તો મને કહેવામાં આવ્યું કે, સૂકવણી માટે ફૂલ તો નકામાં. મેં તે ચાખી જોયાં. ખરેખર તેમનામાં કડવાશ હતી. ફુદીનાનું સત્વ તેમાં બહુ જ ઘનિષ્ઠ થઈને ( concentrated) આવી ગયું હતું .

ખેર બીજે વરસે આવી ભૂલ નહીં કરું ; એમ મન મનાવ્યું.

આ સાલ તો વસંત ઋતુ બેઠી કે, તરત જ આ અંગે સભાન થઈ ગયો હતો. બધું નિંદણ કાઢી નાંખ્યું. થોડુંક ખાતર પણ ઊમેર્યું. પાણી પણ નિયમિત આપવા માંડ્યું. ફુદીના મહાશય તો આ માવજતથી બરાબર ખીલી ઊઠ્યા. સરસ મઝાના , મોટા પાન બેઠા. આખો ક્યારો મહોરી ઊઠ્યો. આ વખતે મેં સમય ગૂમાવ્યા વિના પાક ઊતારી લીધો. પાંદડાં સૂકવીને પાવડર બનાવી શીશીમાં ભરી લીધો.
બે મહિના વીત્યા અને ફરી ક્યારો વધારે ગીચ ભરાઈ ગયો. મોટાં પાંદડાં પ્રમાણમાં ઓછાં હતાં; પણ ઘણાં પાંદડાં મળ્યાં. ચૂંટેલાં પાંદડાથી બે તબડકાં ભરાયાં. પાવડરની બીજી મોટી શીશી ભરાઈ ગઈ.
બીજા બે મહિના વીત્યા અને મોસમનો ત્રીજો ફાલ તૈયાર થઈ ગયો. આજે એ ઊતારી લીધો. મોટાં પાંદડાં તો આ વખતે બહુ ઓછાં હતાં. ચૂંટેલાં બધાં પાંદડાંથી પણ એક જ તબડકું ભરાયું.
ફુદીનાનાં પાંદડાંથી ભરેલું તબડકું
મને લાગ્યું કે, ક્યારાનો કસ ઓછો થઈ ગયો લાગે છે. આથી બધા છોડ મૂળ સમેત ઊખાડી લીધા. અને આ શું? આખા ક્યારાની અંદર મૂળ પથરાઈ ગયેલાં હતાં, જાડાં, કદરૂપાં મૂળના જથ્થે જથ્થા. એ દૂર દૂર સુધી વિસ્તરી, પાણી અને રસ ખેંચી લાવતાં હતાં. મોટા ભાગનો પ્રયત્ન તો લાંબા અંતરના પરિવહન માટે જ ખર્ચાઈ જતો હતો. પાણી ખેંચનાર, પ્રાથમિક મૂળ માટે તો ખાસ જગ્યા જ ન હતી. એ જ્યાં નજીકમાં હતાં; ત્યાંના છોડ પર મોટાં પાંદડાં થતાં હતાં.
ગંદાં, ગોબરાં, ઘરડાં મૂળ
આખો ક્યારો સાફ કરી નાંખ્યો. જૂનાં મૂળનો એક પણ અવશેષ બાકી ન રહે; તેની કાળજી લીધી. અને કૂમળાં મૂળ સાથેની, નાનકડી, કૂમળી ડાળીઓ વીણી વીણીને ફરીથી રોપી દીધી.
નવો ક્યારો
લહલહાતા, લીલાછમ્મ ક્યારાની જગ્યાએ સાવ સૂકો અને ગંદી, ગોબરી માટીથી છવાયેલો ક્યારો જ બાકી રહ્યો. બધી લીલોતરી ગાયબ થઈ ગઈ. હવે તો ઊનાળો ઊતરવામાં છે. આ નવા છોડ બરાબર પ્રસ્થાપિત થશે ત્યારે તો શિયાળો આવી જશે. વિકાસ થંભી જશે.
પણ આવતી વસંતે ક્યારો કદી નહોતો ખીલ્યો તેવો ખીલી ઊઠશે. વધારે મોટાં પાંદડાં, વધારે ફાલ, એક નહીં પણ કદાચ બે શીશી પાવડર. કદાચ અમે નજીકના મિત્રોને પણ એની લ્હાણી કરી શકીશું!
બગાયતીકામમાં મારી આવડત ખીલતી જાય છે!
પણ અહીં આશય બગાયતીકામના પ્રયોગોના વર્ણનનો નથી.
———————————————
અંગત, કૌટુંબિક અને સામાજિક જીવનમાં પણ આમ જ બને છે. નાનકડી શરૂઆત, વિકાસ, વ્યવસ્થાનું વિસ્તરણ. વધારે જરૂરિયાતો, વધારે સમૃદ્ધિ.
અને છેવટે એ વ્યવસ્થા એટલી તો જટિલ બની જાય કે, પ્રગતિ અને વિકાસની ટોચ આવી ન આવી અને અધોગતિ શરૂ. ગંદા, ગોબરાં, ઘરડાં, બિન ઉત્પાદક. મૂળ વધારે – લીલોતરી કમ.
સમય આવી જાય – એ વ્યવસ્થાને આમૂલ, નવેસરથી સ્થાપવાનો. જૂનાં, જડ ઘાલી ગયેલાં મૂળ ઊશેટી નવરચના કરવાનો
- નવી પેઢીને કારોબાર સોંપવાનો- ક્રાન્તિનો – યુગપલટાનો.
નવી ખેતી, નવું કુટુમ્બ, નવો સમાજ.

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment