Saturday, August 6, 2011
મંદિરનો જન્મ
મનુને દફનાવીને બધા ગુફામાં પાછા આવ્યા. બધાંના મન શોકની કાલિમાથી ઘેરાયેલાં હતાં. સ્ત્રીઓ રડી રડીને થાકી ગઈ હતી. બાળકો ભૂખ્યાં અને તરસ્યાં જ સૂઈ ગયાં હતાં. કોઈને કશું જ બોલવાના હોશકોશ ન હતા.
મનુ સૌનો લાડીલો વૃદ્ધ વડીલ હતો.સૌ એને માન આપતાં હતાં. એની સૂઝ, આવડત ડહાપણ, દૂરંદેશિતા, પ્રેમ અને નેતાગીરી અજોડ હતાં. પણ સૌથી વધારે લાડીલો તો તે એની પવિત્રતા માટે હતો. દરરોજ રાત્રે જમણ બાદ, તાપણાંની આજુબાજુ બધાં ભેગા થઈ બેસતા; ત્યારે સૂરીલા અવાજે તે સૌની પ્રાણપ્યારી જોગમાયાની સ્તુતિ ગાતો. તે ભજનની ટૂક ઊપાડતો અને બધાં સમૂહમાં તે ઝીલી પુનરાવર્તિત કરતાં. દિવ્ય આનંદની આભા સૌનાં મન પર છવાઈ જતી. કલાકેક આ ભાવ સમાધિ દરરોજ ચાલતી અને સૌને મીઠી નિંદર ભેળી કરી દેતી. આખા દિવસનાં કષ્ટો, યાતનાઓ, નીરાશાઓ એ ભાવસમાધિમાં ગાયબ થઈ જતાં.
પણ તે દિવસે સવારે મનુનું અવસાન થયું હતું.
હવે એમાંનું કશું પાછું આવવાનું ન હતું. મનુ ગયો તે ગયો જ. એના જેવું બીજું કોઈ, કદાપિ થવાનું ન હતું. એની છત્રચાયા ગઈ; એનું વડપણ ગયું; એનો ભાવ ગયો; એની ભક્તિ ગઈ. મનુ ગયો અને ધોળે દહાડે ધબોનારાયણ થઈ ગયું. બધું એની કબરની સાથે દફનાવાઈ ગયું. કબીલાનું ભવિષ્ય સદાને માટે ઊંડી ગુફામાં દટાઈ ગયું. ઘેરી નીરાશા, અસહ્ય દુઃખના ઓથાર; બળબળતા તાપણાંના કદી ન હોલવાય એવા ભડકા અને અજાણ્યા, ભયાનક ભાવિના સંકેતો – આ જ તેમની નિયતિ બાકી રહી.
સૌ ગુફામાં ટોળે વળીને, રડમસ અને શોગિયલ ચહેરે બીરાજ્યાં. સામે ઊંચી બેઠક જેવો પથ્થર આજે ખાલી હતો. મનુ જે સ્થાન પર રોજ બીરાજતો, અને સ્તુતિ ગાતો – ગવડાવતો. તે બેઠક આજે સૂની પડી હતી. તે ખોટ હવે કદી પૂરાવાની ન હતી. આકાશમાં ઘેરાયેલા ઘનઘોર વાદળની કની આટલાં ટોળાંની એકલતા ઝળુબી રહી.
ત્યાં જ વીરાને કશુંક સૂઝ્યું. તે ઊભો થઈને ગુફાની બહાર ગયો; અને થોડીવારે હાથમાં એક ચળકતો અને લંબગોળ પથ્થર લઈને આવ્યો. તે પથ્થર ઉપરથી અણીવાળો અને નીચે પહોળી બેસણીવાળો હતો. તેણે એને પેલી બેઠક પર મૂક્યો અને કહ્યું,” આજથી આ પથ્થર આપણને મનુદાદાની યાદ અપાવશે. ભલે એમનું શરીર આપણી વચ્ચે હવે નથી; પણ આ પથ્થર જ એમની યાદ. ચાલો આપણે એમને યાદ કરીને રોજની સ્તુતિ ગાઈએ.”
મનુ ગવડાવતો હતો; એ પંક્તિઓ તો બધાંને યાદ જ હતી. વીરાએ બોલી ચાલુ કરી અને બધાંએ એ બોલ ઊપાડી લીધા. ધીમે ધીમે શોકનાં વાદળ વિખેરાવા માંડ્યા. દુઃખના ઓથારથી ભડભડતાં હૈયાં પર અમીછાંટણાં થવા માંડ્યા. ફરીથી ભક્તિરસની હેલી વરસવા માંડી. અને એ શાતામાં બધાં અજંપો અળગો કરીને મીઠી નિંદરમાં પોઢી ગયા. બધાંને સપનામાં મનુદાદાનું મલકતું મુખડું દેખાણું. મનુદાદા ખુશ હતા. બધાંનો શોક હળવો થયો; એ તેમને ગમ્યું હતું.
બીજા દિવસે બીજા એક જણ – જેને સારું ચીતરતાં આવડતું હતું – તેણે એ પથ્થર પર સરસ મજાનાં આંખ, કાન, નાક અને હોઠ ચીતરી દીધા. હવે પથ્થર માણસ જેવો દેખાવા માંડ્યો. બધાંને એ આકૃતિમાં મનુદાદા દેખાણા. બીજા દિવસે તો વધારે ભાવથી ભક્તિરસ છલકાણો. હવે એ અજાણી, અણદીઠી જોગમાયાને મનુદાદાની આકૃતિનું સ્વરૂપ મળ્યું હતું. જોગમાયા હાજરાહજૂર આ પથ્થરમાં અવતર્યાં હતાં. મનુદાદા ગયા ન હતા; જોગમાયા સાથે એકાકાર થઈ ગયા હતા. જોગમાયાની હાજરી કદી આટલી આબેહૂબ વરતાણી ન હતી. હવે એ દૂર ન હતાં. મનુદાદા ગયા પણ જોગમાયાને મૂકતા ગયા. હવે બન્ને સદા એમની સાથે જ આ મૂર્તિના રૂપમાં વસવાનાં હતાં.
વીરાએ સ્તુતિ પૂરી કરી ન કરી ; ત્યાં જ મનુદાદાની પત્ની બોલી ઊઠ્યાં,,
” આજથી આ ગુફામાં આપણે કોઈ નહીં રહીએ. એ જોગમાયા અને મનુદાદાનું કાયમી ઘર. માત્ર વીરો જ એમાં રહેશે અને એને સ્વચ્છ રાખશે. રોજ આપણે અહીં ભેગા થાશું અને આમ જોગમાયાને અને એમને યાદ કરીશું.”
બધાંએ આ જાહેરાતને એકમતે, હરખભેર, તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.
જગતના પહેલા મંદિરનો જન્મ થઈ ચૂક્યો હતો.
Labels:
પ્રેરક પ્રસંગ,
પ્રેરણા,
લેખ
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment