Saturday, August 6, 2011

હીરો



આ કોઈ ફિલ્મી હીરોની વાત નથી. આ સત્ય નામના હીરાની વાત છે.

સત્ય અનેક પાસાં વાળો હીરો છે. સત્યશોધક જે રસ્તે આગળ ધપે છે; તે હીરાનું એક પાસું હોય છે. સત્ય તો એ રસ્તાના છેડે પણ નથી હોતું. રસ્તાના છેડે સત્યની સાવ નજીક તો પહોંચાય; પણ તેની સાથે આત્મસાત ન થવાય; સત્યની અનુભૂતિ ન થાય. હજુ તેના એ પાસાં સાથે મમતા રહે; જેના થકી સત્યની નજીક પહોંચાયું હોય. તે તો હીરાના ભૌતિક રૂપનું એક પાસું જ હોય છે. સત્ય તો એ બધાંએ પાસાંની પાછળ રહેલું હીરાનું હીરાપણું હોય છે; જે તેને તેના ભૌતિક રૂપથી અલગ હોવાપણું આપે છે. ખરેખર તો તે હોવાપણું જ હીરાને અનેક પાસાં આપે છે.

સત્યને પામ્યા કે વધારે સારી રીતે કહીએ તો, સત્યને અનુભવ્યા બાદ; સત્યશોધકની અથવા સામાન્ય રીતે બનતું હોય છે તેમ, તેના અનુયાયીઓની મૂળભૂત ભૂલ એ થતી રહી છે કે, તેઓ એ માર્ગને, હીરાના એ પાસાને હીરો જ માની લે છે . અને પછી …

नान्यः पन्थाःsत्र विद्यते

- જેવા ઝનૂની પ્રચારમાં મચી પડે છે.
કોઈ ભક્તિમાર્ગી એમ કહે કે, વર્તમાનમાં જીવવું એ નકરી ભૌતિકતા છે; તે પ્રેક્ષાધ્યાનના સિદ્ધાંત અને રીતને સમજ્યા વિના જ આમ માની બેસે છે. એ જ રીતે ધ્યાનમાં મગ્ન સાધક પ્રેમલક્ષણા ભક્તિના રસને વેવલાવેડા કે છીછરાપણું માને છે. અહિંસાના પ્રખર ઉપાસકને અરેરાટી પહોંચે તેવું ભૌતિક જગતનું કડવું ઝેર જેવું સત્ય છે જ કે, પૃથ્વી પરનું જીવન હિંસા વિના શક્ય નથી – શાકાહારી પ્રાણીઓ સમેત. આમ જ ઘણાં સત્યો, માન્યતાઓ વિશે કહી શકાય. તે એમનાં પરિપ્રેક્ષ્યમાં જ સાચાં હોય છે. બીજાં એમનાથી સાવ વિરૂદ્ધ દિશામાં હોય; એમ બને.
આમ કશા એકને જ સનાતન કે એક્માત્ર સત્ય અથવા કેવળજ્ઞાન માની લેવું એ, અજ્ઞાન છે. હીરાના હીરાપણાને જેણે અનુભવ્યું છે; તેને માટે આ બધાં પાસાં હીરાના એક ભાગ જેવા જ બની રહે છે. દરેકે દરેક પાસું – કડવા કે કઠોર સમેત- હીરાનો એક અંશ જ છે. જેણે હીરાના હીરાપણા સાથે તાદાત્મ્ય અનુભવ્યું હોય , તે આ પાસાં પણાંથી પર બની જાય છે – ઉન્નત આકાશમાં ઊડતો, યાયાવર જોનાથન સીગલ.
સામાન્ય માણસ આવો સત્યશોધક બનવા મન ન કરે; તે પણ સાવ કુદરતી છે. ભૌતિકતામાં સ્થિત રહેવું એ તેનો ધર્મ છે; અને સત્યશોધનના કોઈ માર્ગ પર ચાલવાનું શરૂ કરવું, એ માણસ તરીકે તેનું જીવન ધ્યેય છે.
માત્ર તેણે એ સમજવું રહ્યું કે, માર્ગ એ માર્ગ છે; હીરો નથી. એને હીરો માની લેવાની ભૂલને કારણે સામાન્યોએ માનવ સમાજને ઘણી મોટી હાનિ કરી છે; સદીઓથી કરતા રહ્યા છે; અને હજુ કરતા જ રહે છે. મુઠ્ઠી ઊંચેરો માનવી તો ભરપૂર પ્રેમથી છલકાતો હોય છે. સામાન્ય માણસે આ સ્થિતિ પ્રાપ્ત ન કરી હોય તો પણ પ્રેમ અને આનંદ જીવનનો પાયો છે; એ ન ભૂલવું જોઈએ.
ઉત્ક્રાન્તિની આગેકૂચમાં જો માનવજાતિએ મહામાનવ બનવાની હોડ બકવી હોય; તો માનવ ઈતિહાસને પીડી રહેલી આ પાયાની નબળાઈને ત્યાગવી જ રહી.
સત્યના માર્ગોના વિવાદોથી દૂર રહી; જે માર્ગ અપનાવ્યો હોય તેમાં સતત પ્રગતિ કરતા રહીએ. બીજા માર્ગો પર આવો પ્રવાસ કરનારા સત્યશોધકોનો દ્વેષ ન કરીએ. એમના પ્રકાશે આપણે ઉજળા થતા રહીએ – સત્યના હીરાની જેમ ચમકતા અને દમકતા બનીએ- સહુ નકારાત્મકતાઓથી દૂર સુદૂર……
——————–
આ વિષયમાં રસ ધરાવનાર વાચકના વિશેષ વાંચન માટે….

સમ્મોહન – એક વિચાર




0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment