
આજ્ઞાંકિત વિદ્યાર્થિ / કાર્યકર / શિષ્ય ભવિષ્યનો સારો નાગરીક / આગેવાન / આચાર્ય છે. કોઈ વ્યક્તિ રાતોરાત આગેવાન / સરદાર કે નેતા ન બની જાય. નેતા બનવા માટે પહેલાં તો જે બાબતમાં નેતૃત્વ કરવું હોય તે બાબતનું કૌશલ્ય વિકસાવવું જોઈએ. ઉત્તમ વિદ્યાર્થીની ઉત્તમ શિક્ષક બનવાની, ઉત્તમ સૌનિકની ઉત્તમ સેનાપતિ બનવાની, ઉત્તમ કાર્યકરની ઉત્તમ નેતા બનવાની પુરે પુરી શક્યતા છે. જેઓ પોતાના તાલીમ કાળમાં ધ્યાન નથી આપતાં તેઓ તેમના કાર્યકાળમાં ખાસ કશું વિશેષ ઉકાળી શકશે તે માન્યતા ભૂલભરેલી છે.
પહેલાના જમાનામાં રાજાઓ પોતાના કુંવરોને ગુરુકુળોમાં તાલીમ લેવા મોકલતાં. કઠોર અને સઘન તાલીમ મેળવ્યાં પછી તેમની પરિક્ષા કરવામાં આવતી અને તેમાંથી જે ઉત્તમ હોય તેને રાજગાદી સોંપવામાં આવતી. મોગલ કાળમાં આ પરંપરા નાશ પામી અને દિકરાઓ બાપને મારી ને અને ભાઈઓ સાથે લડાઈ ઝગડા કરીને રાજા બનવા લાગ્યાં. હાલની પરિસ્થિતિ તો વળી તેનાથીયે ગંભીર છે. રાજનેતાઓના પુત્ર પુત્રીઓ કશીયે રાજકીય લાયકાત અને નેતૃત્વના કે સેવાના ગુણો વગર જ સીધા મંત્રી, મુખ્યમંત્રી કે વડાપ્રધાન બની જાય છે. જેમને ખબર નથી કે રાજ્ય કેમ ચલાવવું? નેતૃત્વ શું છે? પ્રજાની સમસ્યાઓ શું છે? દેશવાસીઓની અપેક્ષા અને આકાંક્ષાઓ શું છે? તે કેવી રીતે સુરાજ્ય કરી શકશે?
સારો નેતા તેના અનુયાયીઓની અંદર પહેલેથી જ રહેલી સુપ્ત શક્તિઓને જાગૃત કરે છે. તેમના અનુયાયીઓ અને કાર્યકરોને સઘન તાલીમ આપે છે, તેમની કાર્ય પધ્ધતિમાં રહેલી ખામીઓ દૂર કરવાનો પ્રયાસ કરે છે, તેમની ખૂબીઓને ઓળખીને તેને વિકસાવવા માટે પ્રોત્સાહન પુરુ પાડે છે. ઉત્તમ નેતાને તેમના અનુયાઈઓ અને કાર્યકરો નિ:સંકોચ મળી શકે છે, તેની સાથે ચર્ચા વિચારણા કરી શકે છે અને ભવિષ્યની તથા હાથ ઉપરની કામગીરી સારામાં સારી રીતે કેમ પુરી પાડવી તે બાબતે માહિતિની આપ-લે કરી શકે છે. ઉત્તમ નેતા મુશ્કેલીના સમયે આગળ રહે છે અને તેમના સાથીદારોને માર્ગદર્શન આપે છે અને જ્યારે સિદ્ધિ હાંસલ થાય છે ત્યારે તેનો યશ સહુને આપે છે.
નેતૃત્વનો ગુણ દરેક ક્ષેત્રમાં જરુરી છે. શિક્ષણ હોય , બાલ ઉછેર હોય, સંગીત કે રમત ગમતની તાલીમ હોય, ઉધ્યોગ ધંધા હોય કે પછી શાસન હોય. સારો નેતા જે તે બાબતને સારી રીતે સમજે છે અને તેને લગતી કામગીરીને સારામાં સારી રીતે કેમ પુરી કરાવવી તે માટેની કુશળતા ધરાવે છે. સારો નેતા છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિ અને મહિતિથી વાકેફ હોય છે અને જરૂર પડ્યે કામગીરીમાં ત્વરીત ફેરફાર કરવાની આવડત વાળો હોય છે. તે હંમેશા વધુમાં વધુ સફળતા કેમ પ્રાપ્ત થાય અને ઓછામાં ઓછું નુકશાન કેમ થાય તે બાબતે સતત ચિંતિત હોય છે. પોતાના કાર્યકરો અને સાથીદારો પ્રત્યે પ્રેમાળ હોવા છતાં તેનો એક આગવો રુઆબ હોય છે કે જેને લીધે સહુ કોઈ તેનો પડ્યો બોલ ઉઠાવવા તૈયાર રહે છે અને સાથોસાથ જો તેમના નિર્ણયમાં કશી ભૂલ જણાય તો તેમને નિંસંકોચ જણાવી પણ શકે છે. આપખૂદ અને પોતાના કાર્યકરોની વાત ન સાંભળનાર નેતા સફળ હોય તો પણ પ્રિય નથી બની શકતો. તેની હાજરીમાં તેમના કાર્યકરો તેમને હા જી હા કરે છે પણ ગેરહાજરીમાં તેને ધિક્કારે છે.
પ્રત્યેક વ્યક્તિએ સહુ પ્રથમ સારા કાર્યકર બની અને પછી ઉત્તમ આગેવાન બનવાની ખેવના રાખવી જોઈએ.
શું તમે આગેવાન બનવા તૈયાર છો?
0 comments:
Post a Comment