Sunday, July 24, 2011

ચાલો વાર્તા બનાવીએ…


ખૂબ જ મનોરંજન આપતી રમત– “ચાલો વાર્તા બનાવીએ”…
આ રમત મેદાની રમત નથી. તે ઘરમાં રમી શકાય તેવી છે અને કોઇપણ ઉંમરની વ્યક્તિ રમી શકે છે.જેટલી વધુ વ્યક્તિઓ હોય તેમ આ રમત રમવાની વધુ મઝા પડે.
રીત-
એક લાંબો કાગળ લો. પ્રથમ વ્યક્તિ તેની પર એક વાક્ય લખે. અને બીજી વ્યક્તિને આપે.
બીજી વ્યક્તિ તે વાક્ય સાથે બંધ બેસે તેવું એક વાક્ય ઉમેરે. અને પ્રથમ વાક્ય ન દેખાય તે રીતે કાગળને વાળીને ત્રીજી વ્યક્તિને આપે.
આ ત્રીજી વ્યક્તિને એક જ વાક્ય દેખાશે. તે તેને અનુરૂપ એક વાક્ય લખે અને કાગળને વાળી દે. જેથી માત્ર પોતે લખેલું વાક્ય જ દેખાય અને ચોથી વ્યક્તિને આપે…..
આમ કાગળ આગળ વધે. બધાનો વારો આવી જાય પછી સૌ પ્રથમ જેણે પહેલું વાક્ય લખ્યું હોય તેની પાસે કાગળ પહોંચવો જોઇએ.
હવે આ પ્રથમ વ્યક્તિ આખો કાગળ ખોલી વાર્તા વાંચશે અને બધાને સંભળાવશે……
તમે આ રમત રમી જો જો….હસવાની ખૂબ મઝા આવશે.
શાળાના એક વર્ગમાં ચોમાસાને લીધે માત્ર ૧૦ બાળકો જ હાજર હતા.
તે વખતે અમે આ રમત રમ્યા હતા તે ઉદાહરણ માટે અહીં મૂકું છું.
૧-એક જંગલમાં એક ઘરડો સિંહ રહેતો હતો.
૨-તે બહુ ચાલી શકતો ન હતો.
હવે કાગળ ફોલ્ડ થયો, જેથી ૩ નંબરેને માત્ર બીજું વાક્ય જ વંચાયું. અને ત્રીજા બાળકે લખ્યું.
૨-તે બહુ ચાલી શકતો ન હતો.
૩-એક દયાળુ માણસે તેને ચાલવામાં મદદ થાય એટલે એક લાકડી લાવી આપી. હવે કાગળ ફોલ્ડ થયો અને ચોથા બાળકે ઉમેર્યું
૩-એક દયાળુ માણસે તેને ચાલવામાં મદદ થાય એટલે એક લાકડી લાવી આપી. ૪-હવે તે લાકડીની મદદથી ચાલતો અને બજાર જતો, શાકભાજી ખરીદતો.
હવે કાગળ ફોલ્ડ થયો અને પાંચમા બાળકે ઉમેર્યું
૪-હવે તે લાકડીની મદદથી ચાલતો અને બજાર જતો, શાકભાજી ખરીદતો.
૫-રસ્તામાં ગાય શીંગડું મારવા આવે તો તેને લાકડી મારી હટાવતો.
હવે કાગળ ફોલ્ડ થયો અને છઠ્ઠા બાળકે ઉમેર્યું
૫-રસ્તામાં ગાય શીંગડું મારવા આવે તો તેને લાકડી મારી હટાવતો.
૬-તોફાન કરતા બાળકોને લાકડી બતાવી તે ડરાવતો અને શાંત કરતો.
હવે કાગળ ફોલ્ડ થયો અને સાતમા બાળકે ઉમેર્યું
૬-તોફાન કરતા બાળકોને લાકડી બતાવી તે ડરાવતો અને શાંત કરતો.
૭-એક છોકરો બહુ જ જબરો હતો. તે લાકડી લઇ નાસી ગયો. હવે કાગળ ફોલ્ડ થયો અને આઠમા બાળકે ઉમેર્યું
૭-એક છોકરો બહુ જ જબરો હતો. તે લાકડી લઇ નાસી ગયો
૮-હવે દાદા લાકડી વગર ચાલવા ગયા અને પડી ગયા.
હવે કાગળ ફોલ્ડ થયો અને નવમા બાળકે ઉમેર્યું
૮-હવે દાદા લાકડી વગર ચાલવા ગયા અને પડી ગયા.
૯-તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા અને ડોક્ટરે ઓપરેશન કર્યું.
હવે કાગળ ફોલ્ડ થયો અને દસમા બાળકે ઉમેર્યું
૯-તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા અને ડોક્ટરે ઓપરેશન કર્યું.
૧૦-દૉક્ટરે કહ્યું, “હવે તે હાર્ટએટેકથી બચી ગયા છે.”
માત્ર દસ જ બાળકોએ કેવી સરસ વાર્તા લખી ….
ચાલો હવે આખી વાર્તા વાંચીએ..
એક જંગલમાં એક ઘરડો સિંહ રહેતો હતો.તે બહુ ચાલી શકતો ન હતો.એક દયાળુ માણસે તેને ચાલવામાં મદદ થાય એટલે એક લાકડી લાવી આપી. હવે તે લાકડીની મદદથી ચાલતો અને બજાર જતો, શાકભાજી ખરીદતો.રસ્તામાં ગાય શીંગડું મારવા આવે તો તેને લાકડી મારી હટાવતો. તોફાન કરતા બાળકોને લાકડી બતાવી તે ડરાવતો અને શાંત કરતો. એક છોકરો બહુ જ જબરો હતો. તે લાકડી લઇ નાસી ગયો. હવે દાદા લાકડી વગર ચાલવા ગયા અને પડી ગયા. તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા અને ડોક્ટરે ઓપરેશન કર્યું. ડોક્ટરે કહ્યું, “હવે તે હાર્ટએટેકથી બચી ગયા છે.”
બનીને મઝાની વાર્તા…..

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment