Tuesday, July 5, 2011

પક્કડ કાન…




એક હતો બ્રાહ્મણ. બહુ ભોળો, બહુ ગરીબ.

શ્રાવણ મહિનો આવ્યો, એટલે એ નીલકંઠ મહાદેવના મંદિરમાં જઈને બેઠો. હાથમાં માળા અને જીભે ભગવાનનું નામ. મહિનો પૂરો થયો એટલે એની તપસ્યાથી પ્રસન્ન થઈ લોકોએ એને એક ગાય આપી. બ્રાહ્મણ ગાય લઈને ઘેર જતો હતો, ત્યાં રસ્તામાં એક ઠગ મળ્યો. ગાય જોઈને ઠગ કહે: અરેરે, આપણા લોકો દાનધરમ કરતાં ક્યારે શીખશે ? આવી ગાય બ્રાહ્મણને દાનમાં અપાતી હશે કદી ? આ ગાય તો માત્ર સાડા ત્રણ અઠવાડિયાં દૂધ દેનારી છે !


આ સાંભળી બ્રાહ્મણને થયું કે આવી ગાય ઘેર લઈ જવા કરતાં વેચી દેવી સારી ! એણે ઠગને કહ્યું : તમે જ આ ગાય વેચાતી લઈ લો !

ઠગે કહ્યું :આપણે કોઈ પાસે એની કિંમત કરાવીએ.

નજીકમાં જ એક ઝૂંપડું હતું. ઝૂંપડામાં એક ખાટલા પર એક વૃદ્ધ બેઠેલો હતો. ઠગે અને બ્રાહ્મણે બેઉએ એ વૃદ્ધને ગાયની કિંમત કરવા કહ્યું. વૃદ્ધે પૂછપરછ કરી બધી વાત જાણી લીધી. પછી કહ્યું : આ ગાય અપલખણી છે, માત્ર સાડા ત્રણ અઠવાડિયાં દૂધ દેનારી છે, એટલે એની કિંમત સાડા ત્રણ રૂપિયા !

બ્રાહ્મણે કહ્યું : માત્ર સાડા ત્રણ રૂપિયા ?

વૃદ્ધે કહ્યું : મારે તો ન્યાયથી બોલવાનું. ગાય ચાલીસ અઠવાડિયાં દૂધ દેનારી હોત તો હું એની કિંમત ચાલીસ રૂપિયા કહેત !

સાડા ત્રણ રૂપિયા લઈને બ્રાહ્મણ ઘેર આવ્યો. બધી વાત સાંભળી બ્રાહ્મણી સમજી ગઈ કે કોઈ ઠગ મારા ભોળા બ્રાહ્મણને ઠગી ગયો છે. એણે નક્કી કર્યું કે ઠગ સામે ઠગાઈ કરવી. તેણે બ્રાહ્મણને કહ્યું : આજ લગી તમે તમારી અક્કલે ચાલ્યા, હવે હું કહું તેમ કરવાનું છે. બોલો, કબૂલ ?તો પકડો કાન !

આ પકડ્યો ! કહી બ્રાહ્મણે બે હાથે પોતાના બે કાન પકડ્યા.

બ્રાહ્મણીએ કહ્યું : તો જાઓ, આ સાડા ત્રણ રૂપિયાનું લાલ ગવન લઈ આવો !

બ્રાહ્મણ ગવન લઈ આવ્યો એટલે બ્રાહ્મણીએ એને શું કરવાનું છે તે કહ્યું. બ્રાહ્મણીની સલાહ પ્રમાણે બ્રાહ્મણે ગવન પહેરી સ્ત્રીનો વેશ લીધો અને પેલા ઠગના ઝૂંપડા નજીક એક ઝાડ હેઠળ બેસી ઝીણે સાદે રડવા માંડ્યું. કોઈ બાઈને રડતી સાંભળી ઠગે ઘરમાંથી બહાર આવી એને રડવાનું કારણ પૂછ્યું. બાઈએ કહ્યું : હું શ્રીમંતની ધણિયાણી છું ને મારા નસીબને રોઉં છું. મારો ધણી મહા કંજૂસ છે. મેં હીરાનો હાર માંગ્યો તે આપતો નથી, અને કહે છે કે સોનાનો લે ! તેથી હું રિસાઈને ઘર છોડી આવી છું..

ઠગે કહ્યું : બસ,આ વાત છે ?મને રજા આપો તો હું એને એવો દમ દઉં કે એકને બદલે બે હાર કાઢી દે ! મને એનાં નામઠામ આપો !

તો એક હાર તમારો ! કહી બાઈએ નામઠામ આપ્યાં : લખમલ કરોડમલ, ઠેકાણું આડી શેરીમાં બાડી ગલી !

ઠગને થયું કે આ મધ ભરેલો મધપૂડો છે અને પાછો માખી વિનાનો છે ! બાઈને પોતાના ઝૂંપડામાં બેસાડી એ લખમલ કરોડમલને દમ દેવા ઊપડ્યો. એ ગયો એટલે બાઈનો વેશ કાઢી નાખી બ્રાહ્મણ અસલ રૂપમાં પ્રગટ થયો. ઠગનો વૃદ્ધ બાપ ખાટલામાં બેઠેલો હતો, તેની સામે જોઈ તેણે કહ્યું : ઓળખ્યો મને ? હું પેલો ગાયવાળો બ્રાહ્મણ ! મને ઠગીને તમે ગાય પડાવી છે તેનો હિસાબ લેવા આવ્યો છું. આમ કહી ખૂણામાં પડેલો ધોકો ઉપાડી તેણે ડોસાને ધીબવા માંડ્યો. ડોસો કહે : પેલી રહી તારી ગાય, લઈ જા ! અને પણે પેલા ખૂણામાં ચોરીનું ધન દાટ્યું છે તેય લઈ જા, પણ મને છોડ !

ગાય અને મળ્યું તે ધન લઈને બ્રાહ્મણ ઘેર પાછો આવ્યો. બીજી બાજુ પેલા ઠગે ગામમાં જઈને લખમલ કરોડમલનું ઘર શોધવા અડધી રાત કાઢી, પણ ન જડી શેરી કે ન જડ્યું ઘર. છેવટે થાકીને એ ઘેર પાછો આવ્યો, તો બાપને મારની પીડાથી કણસતો જોયો. બાપના મોઢે બ્રાહ્મણની વાત સાંભળી એ આભો બની ગયો. ડોસાએ રાત જેમતેમ કાઢી, સવારે એણે દીકરાને કહ્યું :

હવે નથી ખમાતું, તું કોઈ વૈદને લઈ આવ !

ઠગ વૈદને શોધવા નીકળ્યો. એના સારા નસીબે વૈદ રસ્તામાં જ મળી ગયો. એને એ ઘેર લઈ આવ્યો. વૈદે ડોસાને તપાસીને કહ્યું : મૂઢ માર છે. આને માટે ખાસ મલમ બનાવવો પડશે. તે માટે ત્રણ ચીજ જોઈશે. અકલી તકલીનાં મૂળિયાંનું તેલ, અટુંઘંટુનાં પાંદડાંનો રસ અને સસાસિંગ ને ડોસાડિંગની રાખ. શહેરમાં જેલા મોદી સિવાય બીજા કોઈની દુકાને એ નહિ મળે !

દવા લાવવા માટે ઠગ તરત જ રવાના થઈ ગયો. એના ગયા પછી વૈદ ઊભો થયો; ખૂણામાં પડેલો ધોકો ઉપાડી એણે કહ્યું : ડોસા, ઓળખ્યો મને ?હું પેલો ગાયવાળો બ્રાહ્મણ ! હજી મારો હિસાબ ચૂકતે થયો નથી ! આમ કહી એણે ડોસાને ધીબવા માંડ્યો. ડોસાએ કહ્યું : જોઈએ તો પેલા ખૂણામાં દાટ્યા છે તે રૂપિયા લઈ જા, પણ મને છોડ, બાપલા !

ડોસાને ઠમઠોળી રૂપિયા લઈ બ્રાહ્મણ ઘેર આવ્યો. બીજી બાજુ ઠગ ગામમાં જેલા મોદીની દુકાને પહોંચ્યો ને હુકમ કરતો હોય તેમ બોલ્યો : એ ઈ, અકલી તકલીનાં મૂળિયાનું તેલ આપ, અંટુઘંટુનાં પાંદડાંનો રસ આપ અને રસાશિંગ ને ડોસાડિંગની રાખ આપ ! આ સાંભળતાં જ જેલો મોદી લાકડી લઈને ઠગને મારવા દોડ્યો. વાત એમ હતી કે છોકરાં એક જોડકણું બોલી જેલા મોદીને ચીડવતાં હતાં; આવું હતું એ જોડકણું :

અકલીતકલી ! જેલો મોદી ચકલી !

અંટુ ને ફંટુ, જેલો મોદી ઘંટુ !

ઘંટુંનું ઘિંઘ ને સસાનું શિંગ

એલા જેલા મોદી, તારું નામ ડોસાડિંગ !

જેલા મોદીની પકડમાંથી બચી ઠગ ઘેર આવ્યો ત્યારે બાપે એને વાત કરી કે આ વૈદ તો પેલો ગાયવાળો બામણ હતો ! તે જ દિવસે ઠગને રસ્તામાં એક જોષી મળી ગયો. જોષીને એ ઘેર લઈ આવ્યો. કહે : મારા બાપની ગરોદશા કેમ છે તે જરી જુઓને, મહારાજ !

જોષીએ પાઘડીમાંથી ટીપણું કાઢી વેઢા ગણી આંકડા માંડી કહ્યું : તમારા માથેથી હમણાં જ મોટી ઘાત ગઈ છે. પછી કહે : ઓહ, આ હું શું દેખું છું ! વાવ છે, વાવની પાસે મહાદેવનું દેરું છે; બાજુમાં વાંઘું છે, વાંઘાના કાંઠે શીમળાનું ઝાડ છે એ ઝાડ નીચે કોઈ બેઠું છે ? ખભે ખડિયો છે, ખડિયામાં દવાની ડબીઓ કે શી ખબર શું છે !

એ જ ! એ જ ઘાત ! હમણાં જ હું એને પકડી લાવું છું. એ જગા મારી જોયેલી છે. આમ કહી ઠગ તે જ ઘડીએ ઊપડ્યો. એના ગયા પછી જોષીએ ખૂણે પડેલો ધોકો ઉપાડી ઠગના બાપને કહ્યું : ઓળખ્યો મને ?હું પેલો ગાયવાળો બ્રાહ્મણ ! ડોસો ફફડી ગયો. હાથ જોડી કહે : પેલા ત્રીજા ખૂણામાં થોડા પૈસા દાટ્યા છે એ લઈ જા, પણ મને છોડ, બાપલા ! બ્રાહ્મણ રૂપિયા લઈને ઘેર આવ્યો.

હવે એક વિચિત્ર વાત બની. મુસામિયાંની બકરી ખોવાઈ ગઈ. મિયાં બ્રાહ્મણને વળગ્યા કે તમારી ગાય તમે શોધી કાઢી તેમ મારી બકરી શોધી આપો ! બ્રાહ્મણે કહ્યું કે અમુક જગાએ એક ડોસો ને એનો દીકરો રહે છે, ત્યાંથી મને ગાય મળી હતી. તમે ત્યાં તપાસ કરો. મુસામિયાં પહોંચ્યા ઠગને ઘેર. બાપ અને દીકરો બેય ત્યાં હાજર હતા. મુસામિયાંએ લલકાર કર્યો : એ ઈ, લાવ મારી બકરી ! પછી બ્રાહ્મણે કહેલું તેવું જ બોલી નાખ્યું : જાણે છે હું કોણ છું તે ?હું પેલો ગાયવાળો બ્રાહ્મણ છું. ડોસાને અને ઠગને થયું કે બ્રાહ્મણ મુસલમાનનો વેશ લઈને આવ્યો છે. એટલે એમણે એને મારવા લીધો. મુસામિયાં ભાગ્યા, ઠગ એની પાછળ પડ્યો. દરમિયાન ઝાડ પાછળ છુપાઈને આ ખેલ જોઈ રહેલો બ્રાહ્મણ બહાર આવ્યો ને ડોસાની સામે આવી ઊભો.ડોસો ભયથી ફફડી ગયો, હાથ જોડી કહે : હવે તો મને છોડો, બાપા !

બ્રાહ્મણ કહે : કોઈને નહિ ઠગું એમ કહે તો છોડું.

ડોસો કહે : હું યે નહિ ઠગું ને મારો દીકરોયે નહિ ઠગે !

બ્રાહ્મણ હવે ઘેર પાછો આવ્યો. તેણે બ્રાહ્મણીને કહ્યું : બ્રાહ્મણી, આજ લગી તારી અક્કલે ચાલી મેં ઠગની સામે ઠગવિદ્યા કરી; એણે બીજાને લૂંટ્યા, મેં એને લૂંટ્યો ! એ તો જન્મે ઠગ હતો, પણ હું જન્મે બ્રાહ્મણ છતાં એના કરતાં મોટો ઠગ સાબિત થયો એ વાત ખરી કે ખોટી ?

બ્રાહ્મણીએ કહ્યું : ખરી ! તો હવે તમારી અક્કલે ચાલો ! મારી અક્કલ બળી !

તો પકડ કાન ! બ્રાહ્મણે કહ્યું.

આ પકડ્યા ! બ્રાહ્મણીએ કહ્યું.

હું યે કાન પકડું છું ! મારી અક્કલ બળી ! આજે મને સમજાયું કે કોઈને ઠગવામાં સુખ નથી. ઠગને ઠગવામાં પણ નહિ ! પણ ઠગને ઠગીને આણેલા આ ધનનું હવે શું કરવું ? બ્રાહ્મણે કહ્યું.

દઈ દો જેનું છે તેને પાછું ! બ્રાહ્મણીએ કહ્યું.

બ્રાહ્મણ બધું ધન લઈને ઠગને ઘેર ગયો ને બોલ્યો : સાંભળો આ તમારું ધન !

ડોસો કહે : અમારા ઘરમાંથી જે ગયું તે હવે અમારું નહિ ! અમે ભીખ માગતા નથી અને ભીખ લેતા નથી.

બ્રાહ્મણે કહ્યું : તો હવે ધનનું કરવું શું ? ઠગાઈનું ધન બ્રાહ્મણને કેમ પચે ?

ડોસો કહે : હં ! હવે તમે બ્રાહ્મણને શોભે એવું બોલ્યા ! પછી દીકરાને કહે : અલ્યા, જોઈ શું રહ્યો છે ? બ્રાહ્મણ મહારાજને પગે લાગ ! તારો મનખો સુધરી જશે ! ડોસાનો દીકરો બ્રાહ્મણને પગે લાગ્યો. બ્રાહ્મણ એને ભેટી પડ્યો.

પણ આ ધનનું શું ? બ્રાહ્મણે ચિંતાતુર સ્વરે કહ્યું.

ડોસાએ કહ્યું : શું તે દઈ દો રાજ્યને ! સૌની અલાબલા બધી રાજ્યને માથે ! બધું રાજ્યને પચે !

બ્રાહ્મણે કહ્યું : ખરું કહ્યું !

બ્રાહ્મણે બધું ધન રાજ્યને દઈ દીધું. કહે : હાશ, હવે હું હળવો ફૂલ થયો !

બ્રાહ્મણી કહે : હુંયે હળવી ફૂલ થઈ !

બ્રાહ્મણ કહે : પકડ કાન !

બ્રાહ્મણી કહે : આ પકડ્યા ! ભગવાન સૌને સદા સદબુદ્ધિ આપો !

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment