Tuesday, July 5, 2011
લાડુની જાત્રા..
અમારા ગામમાં એક ભોપુદાદા હતા.
એ ગોકુલમથુરાની જાત્રા કરી આવ્યા. જાત્રાની ખુશાલીમાં ભોપુદાદાનાં વહુએ લાડવા કર્યા.
ખાસ્સી કથરોટ ભરાઈ.
બધાં કહે : વાહ, ભોપુદાદા, વાહ ! તમે ખરી જાત્રા કરી આવ્યા !
કથરોટમાં પડેલા લાડવાઓએ આ સાંભળ્યું.
એક લાડવો કહે : હુંયે જાત્રા કરવા જાઉં અને વાહવાહ લઉં ! એ તો કથરોટમાંથી કૂદીને બહાર પડ્યો અને દડબડ દડબડ દોડવા લાગ્યો. ઘર મેલ્યું, ઊમરો મેલ્યો, આંગણું મેલ્યું, ફળિયું મેલ્યું ને ફળિયાનો ચોક મેલ્યો.
ચોકમાં લાલિયા કૂતરાની ચોકી હતી. એણે લાડવાને પકડ્યો : એ ઈ.. ક્યાં જાય છે ?
લાડુએ કહ્યું : જાઉં છું જાત્રા કરવા !
ઘીમાં રસબસ લાડુને જોઈને લાલિયાની જીભ લબલબ થતી હતી. તેણે કહ્યું : તને જોઈને મને ભૂખ લાગી છે, હું તને ખાઉં !? આ સાંભળીને લાડુનો મિજાજ ગયો. તેણે કહ્યું : જાણે છે હું કોણ છું તે ?હું લાડું છું.
મારું નામ લાડુ
તારા મોં પર ઝાડુ !
આમ કહી તેણે જોરથી એક લાફો લાલિયાના મોં પર લગાવી દીધો. લાલિયો ધૂળભેગો થઈ ગયો લાલુ હસતો હસતો આગળ ચાલ્યો.
ગામની સીમ આવી. સીમમાં ગલબા શિયાળની ચોકી હતી.
ગલબો કહે : એ..ઈ ક્યાં જાય છે ?
લાડુ કહે : ક્યાં તે જાત્રા કરવા !
લાડુને જોઈને ગલબાની જીભ લબલબ થતી હતી. તેણે કહ્યું : તને જોઈ મને ભૂખ લાગી છે. હું તને ખાઉં !? આ સાંભળીને લાડુનો મિજાજ ગયો. તેણે કહ્યું : જાણે છે હું કોણ છું તે ?હું લાડું છું.
મારું નામ લાડુ
તારા મોં પર ઝાડુ !
આમ કહી તેણે ગલબા શિયાળના ડાચા પર જોરથી એક લાફો લગાવી દીધો. ગલબો ચાર ગલોટિયાં ખાઈ ગયો. લાડુ હસતો હસતો આગળ ચાલ્યો.
સીમ પૂરી થઈ અને હવે વન આવ્યું.
વનમાં મળ્યો એક વરુ.
વરુએ લાડુને પડકાર્યો, એ..ઈ ક્યાં જાય છે ?
લાડુએ કહ્યું : ક્યાં તે જાત્રા કરવા !
લાડુને જોઈ વરુની જીભે પાણી આવ્યું. તેણે કહ્યું : હું આ વનનો દાણી છું. દાણ લીધા વગર કોઈને અહીંથી જવા દેતો નથી. દાણ લાવ !
લાડુએ કહ્યું : દાણ વળી શું ?
વરુએ કહ્યું : દાણ એટલે હું તને ખાઉં તે !
આ સાંભળી લાડુનો મિજાજ ગયો. તેણે કહ્યું : જાણે છે હું કોણ છું તે ? હું લાડુ છું.
મારું નામ લાડુ
તારા મોં પર ઝાડુ !
આમ કહી એણે વરુના માથા પર જોરથી એક ગુંબો લગાવી દીધો. વરુ ટેં થઈ ગયો. લાડુ હસતો હસતો આગળ વધ્યો.
હવે મોટું વન આવ્યું. વનમાં એક વાઘ રહેતો હતો.
લાડુને જોઈને એનીયે જીભ લબકી. એણે કહ્યું : એ..ઈ, ક્યાં જાય છે ?
લાડુએ કહ્યું : ક્યાં તે જાત્રા કરવા !
વાઘે કહ્યું : રાજા પાસેથી તેં જાત્રાનો પરવાનો લીધો છે ?
લાડુએ કહ્યું : રાજા વળી કોણ ?
વાઘે કહ્યું : કોણ તે હું ! હું આ વનનો રાજા છું. હું પરવાના વગર કોઈને જાત્રાએ જવા દેતો નથી !
લાડુએ કહ્યું : પરવાનો એટલે ?
વાઘે કહ્યું : પરવાનો એટલે હું તને ખાઉં તે !
આ સાંભળી લાડુનો મિજાજ ગયો. તેણે કહ્યું : જાણે છે હું કોણ છું તે ?
મારું નામ લાડુ
તારા મોં પર ઝાડુ !
આમ કહી એણે વાઘના મોં પર એવી એક લાત લગાવી દીધી કે વાઘનું મોં ફરી ગયું. લાડુ હસતો હસતો આગળ ચાલ્યો.
વન પૂરું થયું. હવે બીજા ગામની સીમ આવી. સીમમાં નદી વહેતી હતી. નદી પર સુંદર ઘાટ બાંધેલો હતો. ઘાટ પર એક બ્રાહ્મણ નાહી-ધોઈને ઉઘાડા શરીરે પૂજા કરવા બેઠો હતો. ઘીમાં રસબસ લાડુને જોઈ એ ખુશ થઈ ગયો. એણે કહ્યું :
પધારો ! લાડુ મહારાજ, પધારો ! આ આસન પર બિરાજો !
બ્રાહ્મણે પોતાને બહુ માનથી બોલાવ્યો અને બિરાજવાનું કહ્યું તેથી લાડુને ખૂબ આનંદ થયો. તેને થયું કે માણસ કદરદાન છે. લાડુ બ્રાહ્મણની સામે આવીને રુઆબથી બેઠો.
બ્રાહ્મણે કહ્યું : લાડુ મહારાજ, આપ ક્યાં પધારો છો ?
લાડુએ કહ્યું : જાત્રાએ જાઉં છું.
બ્રાહ્મણે કહ્યું : વાહ, ખૂબ સરસ ! આપના જેવા જાત્રાળુનાં દર્શનથી મને ખૂબ આનંદ થાય છે !
લાડુએ કહ્યું : મને પણ આપનાં દર્શનથી આનંદ થાય છે !
બોલતી વખતે બલૂનની પેઠે ફૂલેલી બ્રાહ્મણની ફાંદ ઊંચીનીચી થતી હતી. લાડુ નવાઈ પામી જોઈ રહ્યો હતો. તેણે પૂછ્યું : મહારાજ, તમારી પાસે આ કોઠી શાની છે ?
બ્રાહ્મણે હસીને કહ્યું : એ તિજોરી છે.
લાડુને નવાઈ લાગી. તેણે કહ્યું : તિજોરી છે ? શું રાખો છો એ તિજોરીમાં ?
બ્રાહ્મણે કહ્યું : ઘી, ગોળ, મિષ્ટાન્ન એવું બધું !
લાડુએ કહ્યું : ત્યારે તો એ જોવા જેવી હશે !
બ્રાહ્મણે કહ્યું : જોવા જેવી જ છે તો !
થોડી વાર રહી લાડુએ કહ્યું : મહારાજ, એ તિજોરીનું બારણું કેમ દેખાતું નથી ? બારણું નથી શું ?
બ્રાહ્મણે કહ્યું : બારણું છે,પણ જેની તેની આગળ હું એ ખોલતો નથી.કોઈ લાયક મળે તો તેની આગળ આખી તિજોરી ખુલ્લી મૂકી દઉં છું.આ સાંભળીને લાડુનું મોં પડી ગયું. તેણે બીતાં બીતાં કહ્યું :
તો શું હું લાયક નથી ?
બ્રાહ્મણે કહ્યું : અરર ! એ શું બોલ્યા ? તમે લાયક નથી એવું કહેનારની હું જીભ કાપી નાખું ! મારી તિજોરી માટે તમારાથી વધારે લાયક બીજું છે કોણ ? હમણાં અહીંથી એક ખાખરો ગયો, બે રોટલા ગયા, ચાર ભાખરા ગયા, ચૌદ પૂરીઓ ગઈ, પણ કોઈની યે સામે મેં જોયું નહિ. બધાએ પગે લાગી લાગીને મને કહ્યું, પણ મેં કોઈને આસન દીધું નહિ. પણ તમને જોતાં જ હું સમજી ગયો કે આનું નામ…
લાડુએ વાક્ય પૂરું કર્યું : લાડુ..
બ્રાહ્મણે કહ્યું : લાડુ ! કેવું સરસ નામ છે ! ચાલો આવી જાઓ મારા હાથ પર ! હું તમને મારા જ હાથે, માનભેર મારી તિજોરીના બારણા સુધી લઈ જઈશ ! તમને જોતાં જ બારણું ઊઘડી જશે ! લાડુ ખુશ થઈ કૂદીને બ્રાહ્મણના હાથમાં જઈને બેઠો. બ્રાહ્મણે હાથ ઊંચો કર્યો ને ગુફા જેવું પોતાનું મોં ઉઘાડ્યું.
એ જ તિજોરીનું બારણું.
લાડુ હરખાતો હરખાતો કૂદીને બ્રાહ્મણના મોંમાં એની જીભ પર જઈને બેઠો અને બેઠો એવો જ લીસા લપસણિયા પરથી સરકે એમ સરકીને સડસડાટ બ્રાહ્મણના પેટમાં ઊતરી પડ્યો ! હવે બ્રાહ્મણે લોટો ભરીને પાણી પી લીધું અને હોઈયાં હોઈયાં કરી હળવેથી ફાંદ પર હાથ ફેરવ્યો.
લાડુની જાત્રા પૂરી થઈ ગઈ.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment