Friday, July 1, 2011

બાળકની આવડતનું બીજા આગળ પ્રદર્શન


જન્મે ત્યારે બાળક અબુધ અને નાસમજ હોય છે. બાળક છ મહિના, વરસ, બે વરસનું થાય તેમ તેમ નવી નવી આવડતો, નવી નવી અભિવ્યકિતઓ શીખે છે. માબાપને એનો ખૂબ આનંદ હોય એ સ્વાભાવિક છે. બાળકનો વિકાસક્રમ માબાપને મન બાળકની સિદ્ધિ જેવો હોય છે. માબાપને આનંદિત થયેલાં જોઈ બાળક પણ આનંદિત થાય છે.




પરંતુ અમુક માબાપને પોતાના બાળકની આવડતનો બીજાની આગળ પ્રદર્શન કરાવવાનો ખૂબ શોખ હોય છે. આમાં બાળકને મોટાભાગે મજા આવતી નથી હોતી, પરંતુ માબાપનો ઉત્સાહ અપાર હોય છે. બે કિસ્સાઓ દ્વારા આ વાત રજૂ કરું છું ઃ



મારા કન્સલ્ટિંગ રૂમમાં માબાપ બાળકોને બતાવવા લાવે છે. એકાદ વર્ષનું બાળક હોય તો માબાપ નીકળતી વેળા બાળકને કહે છે, "ચાલો, ડોકટર અંકલને આવજો કરો!" બાળક મૂડમાં હોય તો આવજો કહે, મૂડમાં ન હોય તો બાળક આવજો ન કરે. સમજદાર માબાપ આટલેથી અટકી જાય. અમુક માબાપને થાય, "અલ્યા તને આવજો કરતાં આવડે છે, તોય કરતો કેમ નથી?" એટલે પાંચસાત વાર બાળકને કહે "ચાલો, આવજો કરો. ચાલો, આવજો કરો" વળી કોઈ માબાપ તો લાલચ પણ આપી દે, "ચોકલેટ અપાવીશ, "ચાલો આવજો કરો" એક વર્ષના બાળક પાસે મરજી વિરુદ્ધ કશું કરાવી ન શકાય. માબાપ કંટાળે.... એમનું મોં પડી જાય, એમને થાય કે અમારા બાળકની આવડતનું પ્રદર્શન ડોકટર સામે ન કરાવી શકયાં.







બાળકને ખભે ઊંચકીને કન્સલ્ટિંગ રૂમનો દરવાજો ખોલીને બહાર નીકળે, માબાપનું મોં મારી વિરુદ્ધ દિશામાં હોય, બારણું બંધ થવાની અણી પર હોય ત્યારે બાળક હાથ હલાવી "ટા-ટા" કરે. માબાપને ખબર પણ ન પડે.



બાળકને શિષ્ટાચાર શીખવવો જરૂરી છે, પરંતુ એનો ઉપયોગ બાળકની મરજીથી અને બાળકની ખુશીથી, બાળક સ્વયંભૂ રીતે કરે એ જ યોગ્ય છે. નહીં તો, માબાપને ભાગે નિરાશા અને બાળકને ભાગે ચીડ જ આવે.



ઘરમાં મહેમાનો કે ઓળખીતા આવ્યા હોય ત્યારે પપ્પા પિન્ટુને બોલાવે છે, "ચાલ, પિન્ટુ પેલી કવિતા બોલી જા જોઉં!" ચિન્ટુ બિચારો ડાહ્યો ડમરો ગભરુ હોય તો કેસેટ વગાડયા કરે. ચિન્ટુને મજા આવતી હોય ત્યાં સુધી આ બધું સહ્ય છે, પરંતુ તમે એવાં માબાપ પણ જોયાં હશે, જે મહેમાન આગળ આવું પ્રદર્શન કરવાની ના પાડનાર બાળકને તમાચો ઠોકી દે!



હવે આ જ ચિન્ટુ જો કોઈ વાર પપ્પા એકલા બેઠા હોય, ત્યારે જઈને કહે, "પપ્પા, પપ્પા! પેલી કવિતા સંભળાવું?" પપ્પા કહેશે, "બેસ છાનોમાનો! જોતો નથી? હું કામમાં છું તે?"



પપ્પાને સાંભળવામાં રસ નથી, સંભળાવવામાં જ રસ છે. ક્રિયામાં રસ નથી, કીર્તિમાં જ રસ છે.



આમ, બાળકની આવડતનું બીજા આગળ પ્રદર્શન કરવાનો મોહ આવકાર્ય નથી. એ મા બાપ તરીકે આપણી નબળાઈ છે. સમય, સંજોગો અનુસાર, બાળકને પસંદ હોય તો બાળક મહેમાનો-પરિચિતો આગળ પોતાની આવડતનું પ્રદર્શન કરે તો કંઈ ખોટું નથી, પરંતુ એમાં દાબ-દબાણને અવકાશ ન હોવો જોઈએ.



જેમની ઉપર દાબ-દબાણ કરાવી એમની આવડત કે કલાનું પ્રદર્શન કરાવવામાં આવે છે, એવાં બાળકોનો માબાપ સાથેનો સેતુ વહેલો જ તૂટી જાય છે. એટલું જ નહીં, આગળ જતાં બાળક પોતાની આવડતો, અભિવ્યકિતઓ, કળાવિકાસ વગેરેની માબાપને જાણ ન થાય એની તકેદારી રાખવા માંડે છે.

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment