૧૫મી સદીમાં ન્યુરેનબેર્ગ પાસેના એક ગામમાં એક ડ્યુરર કુટુંબમાં ૧૮ બાળકો હતા. આ ૧૮ બાળકોને માત્ર બે ટાઈમનું ભોજન પૂરું પાડવા માટે તેમના પિતા કે જે એક સોની હતા તેમને દિવસના ૧૮ કલાક કામ કરવું પડતું. તેમના સૌથી મોટા બે દીકરાઓ અલ્બ્રેક અને આલ્બર્ટનું સ્વપ્ન હતું કે ખૂબ ભણીને, કળામાં પોતાની તેજસ્વીતા પ્રગટ કરવી. પણ ઘરની કંગાળ હાલત જોતાં આ સ્વપ્ન ક્યારેય સાર્થક થાય તેવું લાગતું ન હતું. તેઓ ખૂબ સારી રીતે જાણતા હતા કે તેમના પિતા એવા આર્થિક રીતે સધ્ધર ન હતા કે તેમને ન્યુરેનબર્ગની કલાની એકેડેમીમાં (સંસ્થામાં) આગળ અભ્યાસ માટે મોકલી શકે.
રાત્રે બધા જ ભાઈબહેનો સૂતા હોય ત્યારે અનેક વાર ચર્ચાઓ થતી અને ઘણા વિચાર પછી આ બંને ભાઈઓએ નક્કી કર્યું કે તેમણે સિક્કો ઉછાળવો. જે જીતે તેણે એકેડેમીમાં અભ્યાસ કરવા જવું અને હારે તેણે ખાણમાં કામ કરી પિતાને અને ભણવા જતા ભાઈને મદદ કરવી.ચાર વર્ષ અભ્યાસ કરીને પાછા આવ્યા બાદ બીજા ભાઈએ એકેડેમીમાં ભણવા જવું. આ વખતે ભણીને આવેલા ભાઈએ પોતાની કળા દ્વારા અને જરૂર પડે તો ખાણમાં કામ કરીને જવાબદારી ઉઠાવવી. એક રવિવારે ચર્ચમાંથી પાછા આવ્યા બાદ સિક્કો ઉછાળ્યો અને અલ્બ્રેક જીતી ગયો.તે ન્યુરેનબર્ગ અભ્યાસ કરવા ગયો અને આલ્બર્ટ ખાણમાં મજૂરી કરવા ગયો.આલ્બર્ટે ચાર વર્ષ સતત કાળી મજૂરી કરીને પિતાને ઘર ચલાવવામાં અને ભાઈને ભણાવવામાં મદદ કરી. અલબ્રેકે પણ પૂર્ણ નિષ્ઠાથી અભ્યાસ કર્યો. તેનું કાર્ય તેના પ્રોફેસરો કરતાં પણ ચઢિયાતું હતું. તે ગ્રેજ્યુએટ થયો અને પોતાના જ ક્ષેત્રમાં સારું એવું કમાવા લાગ્યો.
જ્યારે આ યુવાન કલાકાર પોતાને ગામ આવ્યો ત્યારે તેના ગ્રેજ્યુએશનનાં માનમાં એક સમારંભ યોજાયો. સુંદર ભોજન, મનોહર સંગીત, માદક પીણા બાદ અલબ્રેક પોતાની સફળતા માટે આભાર વ્યક્ત કરવા ઉભો થયો અને બોલ્યો.” મારા અભ્યાસ અને તેની સફળતાનો બધો જ યશ મારા ભાઈ આલ્બર્ટને મળે છે.જો તે ન હોત તો આ કશું જ શક્ય ન બની શકત..હવે હું આવી ગયોછું અને બધી જ જવાબદારી હું ઉઠાવીશ. હવે મારો ભાઈ પોતાનું સ્વપ્ન સાર્થક કરવા ન્યુરેનબર્ગ જશે. હું આશા રાખું કે આલ્બર્ટ મારા આ પ્રસ્તાવને સ્વીકારી લે.
” બધાએ તાળીઓના ગડગડાટથી તેને વધાવી લીધો ને આશાભરી નજરે આલ્બર્ટના જવાબની રાહ જોવા લાગ્યા. તેના ફિક્કા ચહેરા પર આંસુની ધાર વહેતી હતી.તે ધ્રુસકા લેતો લેતો બોલવા લાગ્યો”ના…ના…ના…” બધાને ખૂબ નવાઈ લાગી. છેવટે આલ્બર્ટ ઉભો થયો અને બોલ્યો,” મારા વહાલા ભાઈ, ના…ના…ના… હું ન્યુરેનબર્ગ અભ્યાસ માટે જઈ શકું તેમ નથી. હવે હૂબ જ મોડું થઈ ગયું છે. મારા ચાર વર્ષના ખાણમાં કરેલા કામે મારા હાથની શી દશા કરી છે તે જો. મારા હાથની આંગળીઓ છુંદાઈ ગઈ છે. તમામ હાડકાઓના સાંધાઓ આર્થ્રાઇટીસને કારણે એવા તો જકડાઈ ગયા છે કે તેં આપેલો આ પીણાનો ગ્લાસ પકડવા જેટલું પણ ચેતન તેમાં નથી તો પછી હું કેનવાસ પર કે પાર્ચમેન્ટ પેપર પર પેનથી કે બ્રશથી રંગોની નાજૂક રેખાઓ કેવી રીતે દોરી શકુ?? ભાઈ હવે તો ખૂબ જ મોડું થઈ ગયું છે.
આ ઘટનાને આજે ૪૫૦ વર્ષ થઈ ગયા.વિશ્વના કેટલાયે મહાન સંગ્રહાલયોમાં અલ્બ્રેક ડ્યુરરનાં અનેક મશહૂર પોર્ટ્રેટ,પેન તથા સીલ્વર પોઈન્ટ ચિત્રો, વોટર કલર્સ-ચિત્રો-ચાર્કોલ-કાષ્ઠપ્રતિમાઓ જોવા મળે છે. પરંતુ આ બધાયમાં એક લોગો બેમિસાલ છે અને તે છે વંદન કરતા હાથ. અલબ્રેકે પોતાના ભાઈના પ્રેમ અને સમર્પણને અમર બાનાવતું ચિત્ર બનાવ્યું-ભાઈના બે હાથ કે જેણે તેને વિશ્વવિખ્યાત બનાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો
. સમગ્ર જગતે આ ચિત્રને વધાવી લીધું. આજે પણ આપણે ઘરમાં, ઓફિસમાં,સમારંભોમાં,શુભકાર્યોમાં તેનો ઉપયોગ કરીએ છીએ.
હવે તમે જ્યારે પણ વંદન કરતાં બે હાથનું ચિત્ર જુઓ ત્યારે બે-ચાર ક્ષણો ધ્યાનથી તેને નિહાળજો અને બે ભાઈઓનાં પ્રેમ અને અલબ્રેકનાં સમર્પણને જરૂર યાદ કરજો. આજ તેમને અપણે આપેલી સાચી શ્રધ્ધાંજલિ બનશે.
——————————————————-
0 comments:
Post a Comment