Friday, July 8, 2011

હિપ હિપ...હુરર્રે….હુરર્રે…. હુરર્રે……


પાત્રો :
ચીકો, મીકો, કેતન, પિન્ટુ, સનત, લાલુ, રાજુ, નયન, સ્વીટુ, જય
(બધા મિત્રો. વય ધો-5 થી 8 મા અભ્યાસ કરતા હોય તેટલી)
બાલુકાકા (કાપડના વેપારી, વડીલ – ઉંમર 55-60 વર્ષ)
રૂપેશભાઈ-રૂપાબહેન (સ્વીટુનાં મમ્મી પપ્પા)
પાનવાળો, બે ગુંડા જેવા માણસો (ઉંમર : 35-40 વર્ષ)
પોલીસ ઈન્સ્પેકટર.
દશ્ય – 1
સ્થળ : શેરીનો-સોસાયટીનો ચોક
સમય : વેકેશનની બપોર
(શેરીના છોકરાંઓ રમવા ભેગાં થઈ રહ્યાં છે. હજી ચીકો ને મીકો જ આવ્યા છે. ચીકાના હાથમાં બેટ છે – મીકા પાસે બૉલ છે. એ બંને મિત્રો એમના બાળદોસ્તોની રાહ જુએ છે…. ટાઈમ પાસ કરવા ચીકો ક્રિકેટ બેટથી, ઊભો ઊભો બેટિંગ કરતો હોય એમ અલગ અલગ સ્ટાઈલ મારે છે, મીકો એને જોઈ રહ્યો છે. એવામાં શેરીના સામે છેડે, ચોક પૂરો થાય ત્યાં પહેલાં જ ઘરમાં રહેતા વડીલ બાલુકાકા, બજારમાં એમની દુકાનેથી જમવા ઘરે જતા હોય છે તે પ્રવેશે છે. ચીકા-મીકાનું ધ્યાન નથી. બંનેને જોઈને બાલુકાકા બગડે છે….)

બાલુકાકા : (કટાક્ષ – ગુસ્સાથી) કેમ, સચિન તેડુંલકર, શું કરો છો ?
ચીકો : (અવાજ સાંભળી ચમકે…. કાકા તરફ ધ્યાન જતાં થોડો ગભરાય) કાકા, સચિન તેડુંલકર તો ક્રિકેટ જ રમે ને ? એ કંઈ થોડો બજારમાં કાપડ વેચે !!
બાલુકાકા : દોઢ ડાહ્યા ! મોટાની સામે બોલે છે ?
મીકો : અંકલ, ચીકો ક્યાં તમારી સામે બોલ્યો છે !
ચીકો : હા, મેં તો તમે પૂછ્યું એટલે જવાબ આપ્યો ને !
મીકો : હા…. ને કાકા, તમે બોલાવો અને અમે ન બોલીએ તોય પાછા તમે જ કહો છો કે….
ચીકો : (બાલુકાકાની સ્ટાઈલથી) વેંત જેવડું છોકરું થઈને મોટા પૂછે છે એનો જવાબ દેતાં ય જોર આવે છે, કેમ ?
બાલુકાકા : (ગુસ્સાથી) બસ, બસ…. ચાંપલાશ રહેવા દો. ખરા બપોરે પાછા તમે અહીં ધીંગામસ્તી કરવા આવી ગયા !
મીકો : ના કાકા, ધીંગામસ્તી કરવા નથી આવ્યા. અમારા બીજા ફ્રેન્ડઝ આવી જાય એટલે અમે તો ક્રિકેટ રમીશું, ખરું ને ચીકા ?
ચીકો : હા, બરાબર.
બાલુકાકા : શું ધૂળ અને ઢેફાં બરાબર ! ખરા બપોરે અહીં ધમાલ કરો તે અમારે આરામ નહીં કરવાનો ? ને ક્રિકેટ રમો છો એમાં કાં તો મારા ઘરની બારીઓ તોડો છો કાં ઓટલે સૂતેલો હોઉં એટલે મારું માથું ફોડો છો ! બૂમાબૂમ ને ઘોંઘાટ કરી નિરાંતે સૂવાય નથી દેતા.
મીકો : એમાં તો એવું છે ને અંકલ કે ચોકના નાકે પહેલું જ મકાન તમારું છે એટલે…
બાલુકાકા : (વચ્ચે જ ગુસ્સાથી) એટલે શું ? મારે મારું ઘર વેચી મારવું ? મારે ખાલી કરી બીજે જતા રહેવું ?
મીકો : એમ નથી કહેતો… પણ પહેલું મકાન હોવાથી અમારા આ સચિન કે અમારા સહેવાગ-યુવરાજના ફટકાનો લાભ તમને મળી જતો હોય છે.
બાલુકાકા : ચૂપ…. વેંત જેવડું થઈને મને સમજાવે છે… ?
પિન્ટુ : (પ્રવેશતાં જ ફિલ્મી સ્ટાઈલથી) અરે ભાઈ, યે સબ ક્યા હો રહા હૈ ?
બાલુકાકા : તારું માથું…..
પિન્ટુ : હેં ? (ચીકો-મીકો પિન્ટુને ચૂપ રહેવા ને બાલુકાકા છે એમ ઈશારાથી સમજાવે છે.)
બાલુકાકા : તમે લોકો કાન ખોલીને સાંભળી લો…. જો અહીં ખરા બપોરે ક્રિકેટ રમ્યા છો અને બૉલ મારા ઘર તરફ આવ્યો છે તો બૉલ પાછો નહીં આપું ને તમારી ધોલાઈ કરી નાખીશ.
ચીકો : સૉરી અંકલ…. અમે ધ્યાન રાખીને રમીશું…. જોરદાર ફટકા નહીં મારીએ… પણ….
પિન્ટુ : પણ બૉલને ખબર ના પડે ને ! એટલે એ કદાચ એની જાતે તમારા ઘર તરફ આવી જાય તો….
બાલુકાકા : દોઢ ડાહ્યા…. મોટાની મજાક કરે છે ? (મારવા હાથ ઉગામે….)
ચીકો : (વચ્ચે આવી જઈને, બે હાથ જોડી માફી માગતાં) સૉરી કાકા… માફ કરી દો…. આ પિન્ટુ નાનો છે. એને ખબર નથી પડતી કે વડીલોની મજાક ના કરાય. વડીલોને તો માન આપવાનું હોય.
બાલુકાકા : (ગુસ્સાથી) બસ, બસ હવે… તમે બધા સરખા જ અનાડી છો ! (પગ પછાડી, મોં મચકોડી જતાં જતાં) આજે જો બૉલ મારા ઘર બાજુ આવ્યો છે તો તમારી ખેર નથી, હા.
(બાલુકાકા જાય…. બધા છોકરાઓ ચિંતાતુર. ત્યાં બીજા મિત્રો કેતન, સનત, લાલુ, રાજુ, જય, નયન એક પછી એક બે બબ્બેની ટુકડીમાં હાથમાં બેટ-સ્ટમ્પ-બૉલ સાથે આવી પહોંચે છે…)
કેતન : અલ્યા, પેલા બાલુકાકા શું કહેતા હતા ?
પિન્ટુ : કાકા કહેતા હતા કે છોકરાઓ, ક્રિકેટ રમતાં રમતાં ભૂખ કે તરસ લાગે તો મારા ઘેર આવી જજો…
મીકો : હું તમને પેટ ભરીને ખવડાવીશ-પિવડાવીશ….
ચીકો : મેથીપાક…. (સાંભળી બધાં હસે….)
સનત : એટલે ખરા બપોરે ક્રિકેટ રમીએ છીએ તે માટે કાકા ધમકાવતા હતા, ખરું ને ?
મીકો : હં… હું ને ચીકો પહેલા આવેલા એટલે અમને એનો લાભ મળ્યો….
ચીકો : પણ દોસ્તો, બાલુકાકાની વાત ખોટી નથી. ખરા બપોરે આપણે હિચકારો કરીએ તો વડીલોને આરામ તો ના જ મળે ને ?
નયન : પણ…..
ચીકો : ને આપણા બૉલ એમના મકાનના કાચ ફોડે કે એમનું માથું ફોડે છે એય સાચું જ ને !
નયન : પણ તો પછી આપણે કરવું શું ?
પિન્ટુ : ને બાલુકાકા તો ધમકી આપતા ગયા છે કે જો બૉલ એમના ઘર તરફ ગયો તો આપણી ખેર નથી !
કેતન : આ તો દેશ ના ભાવિ તેડુંલકર, યુવરાજ, પાર્થિવ પટેલ સામે ખતરો !!
લાલુ : (એની જીભ થોડી ચોંટે છે) તો….આ… આપણે… અ… અહીં… ન…ન…. નથી રમવું !!
કેતન : ચૂપ…. બીજે ક્યાં રમીશું ? જુઓ દોસ્તો, જરા ધ્યાન રાખીને રમવાનું. ચીકા તું આપણી ટીમનો સચિન ખરો પણ અહીં વર્લ્ડકપ નથી જીતવાનો એટલે…
ચીકો : એટલે નો ફટકાબાજી, રાઈટ ?
કેતન : રાઈટ…. બધા ફિલ્ડર્સે પણ ધ્યાન રાખવાનું કે ભૂલેચૂકે બૉલ બાલુકાકાના ઘર તરફ ના જાય….
સનત : ઓ.કે.
લાલુ : છ… છતાંય… બ…બ… બૉલ …. એ બા… બાજુ… જ…..જ.. જતો રહે તો ?
પિન્ટુ : ત….ત… તો મા…માર ખાઈ લેવાનો…. ડરપોક… છાનોમાનો રમવા માંડ…. ચાલો શરૂ કરો….
રાજુ : હા….નંબર પાડો ( એ પીઠ ફેરવી ઊભો રહે છે… કેતન એની પીઠ ઉપર આંગળી મૂકે…. નંબર નામ બોલાય… પછી રમવાનું શરૂ થાય…. માઈમ – મૂક અભિનયથી પણ રમત થઈ શકે… નયન પહેલો બેટિંગમાં આવે… રાજુ બોલિંગ કરે…. ચાર-પાંચ બૉલ પછી બોલ્ડ થાય… લાલુ દાવ લે…. પહેલા જ બોલે કેચ આઉટ… ઓવર બદલાય… દાવ બદલાય… હો… હા… બૂમાબૂમ…. ચીકો દાવમાં આવે… ધીમેથી રમે…. સ્ટોપ કરે…. ત્યાં એક બૉલને જોરદાર ફટકો મારે…. બૉલ સીધો વીંગમાં… બાલુકાકાના ઘર ઉપર… બારીનો કાચ ફૂટવાનો અવાજ… બધા છોકરા ગભરાઈ ટોળે વળી વીંગ તરફ જોઈ ઊભા રહી જાય…)
બાલુકાકા : (અંદરથી જ….) સાલા વાંદરાઓ… બબૂચકો… કહી કહીને થાક્યો પણ તમે નહીં સુધરો… આ કાચ ફોડ્યો…. કોણ નવો નંખાવી આપશે , હેં ? આવો બૉલ લેવા…. તમારી ખેર નથી..
કેતન : મીકા, તને કહ્યું હતું કે ફટકાબાજી ના કરીશ… હવે જા લઈ આવ બૉલ…..
પિન્ટુ : અલ્યા ડરવાનું નહીં, ચાલો જઈને બૉલ લઈ આવીએ !
મીકો : ના, યાર… આજે તો બાલુકાકા બરાબરના ચિડાયેલા છે….
ચીકો : ચીડાય જ ને ! ગયા રવિવારેય આ સનતે ચોક્કો ફટકારી એમની ગેલેરીમાં ત્રણ-ચાર વાર બૉલ મોકલી આપેલા…. ત્યારેય કેવી બૂમો પાડતા હતા બાલુકાકા…
પિન્ટુ : પણ બૉલ તો લાવવો જ પડશે ને !
લાલુ : ન…ન…ના…હ…બે બ…..બ… બૉલ ગ… ગયો.. તો ભ…ભ… ભલે ગ.. ગયો.. મ… માર… નથી ખાવો.
જય : પણ બૉલ જવા દઈશું તો રમીશું શું ? ચલો ટ્રાય કરીએ.
(અંદરથી બાલુકાકાની બૂમો સંભળાય… છોકરા આગળ વધે… કાકાની બૂમ સાંભળી, ગભરાઈને, દોડીને પાછા આવી જાય….)
પિન્ટુ : મીકા, તું આગળ રહેજે… અમે તારી પાછળ જ છીએ.
મીકો : પણ હું ઝડપાઈ ગયો તો…
નયન : તારી ધોલાઈ થઈ જશે, બીજું શું ?
સનત : તું હટ્ટો-કટ્ટો છે એટલે તારી ધોલાઈ થઈ જાય તોય વાંધો નહીં !!
મીકો : એમ ?
પિન્ટુ : ના, ના…. અમે પાછળ જ હોઈશું… તારી ધોલાઈ નહીં થવા દઈએ, ખરું ને કેતન – પિન્ટુ ?
કેતન : હા….હા….
મીકો : ઓ. કે… ચલો….. (મીકો આગળ. બીજા પાછળ… ગભરાતા ગભરાતા જાય…. મીકો વીંગની બહાર… બીજાં વીંગ પાસે… મીકો જાય… અંદરથી બાલુકાકા બરાડે…)
બાલુકાકા : (અંદરથી જ) આવ, નજીક આવ…. તને બરાબરનો બોલ આપું, આજે !!
મીકો : (અંદરથી જ) કાકા, અમારી ભૂલ થઈ ગઈ… આટલી વાર બૉલ આપી દો… હવે અમે અહીં નહિ રમીએ…. ખરું ને દોસ્તો ?
બધા છોકરા : (સાથે… વીંગ તરફ જોઈ….) હા… હા….
બાલુકાકા : એમ ? બૉલ આપી દઉં. જુઠ્ઠાઓ… કેટલી વાર આવું તો કહો છો….
મીકો : સૉરી…. પણ આ વખતે સાચ્ચે જ કહીએ છીએ કે હવે તમારા ઘર તરફ બોલ નહીં આવે…. અમે અહીં રમીશું જ નહીં… ખરું ને ?
બધા છોકરા : હા…પ્રોમિસ, અંકલ !
બાલુકાકા : (અંદરથી જ) હં… એમ ? વચન આપો છો ? ભલે લે અહં પાસે આવીને લઈ જા તારો બોલ….
મીકો : (અંદર જ) થેંક્યુ કાકા…. (થોડીવાર પછી) ઓ બાપા રે….
કેતન : અલ્યા, બાલુકાકાએ તો દગો કર્યો…. બોલ લેવા પાસે બોલાવી મીકાને ફટકાર્યો.
બાલુકાકા : (અંદરથી જ) હજી હમણાં હું ચેતવણી આપીને ગયો હતો કે આજે ના રમશો… બૉલ આ બાજુ ના આવવા દેશો…
મીકો : (અંદરથી) સોરી….
બાલુકાકા : (અંદરથી) તો ય અલ્યા ને પાછો બૉલ લેવા આવે છે… લે… બૉલ.
મીકો : (અંદરથી) ઓ….કાકા… ના મારશો… છોડી દો… મને… લાકડી ના મારશો…. ઓહ… (ચીસો પાડે)
(બૂમો પાડતો મીકો સ્ટેજ ઉપર પ્રવેશે…. પાછળ બાલુકાકા આવે…. સ્ટેજ ઉપર આવી મીકો બેભાન થઈ પડી જાય… એને પડેલો જોઈ કાકા ગભરાઈ વીંગ પાસે ઊભા રહી જાય….)
ચીકો : (મીકા પાસે બેસી જતાં…) મીકા, મીકા… અલ્યા આ તો બેહોશ થઈ ગયો લાગે છે. કોઈ પાણી લાવો….
કેતન : આ બાલુકાકાએ એના માથામાં લાકડી મારી એથી મીકો બેભાન થઈ ગયો લાગે છે !
બાલુકાકા : મેં કઈ નથી કર્યું…. મેં તો સહેજ લાકડી અડાડેલી….
પિન્ટુ : તમે એને બૉલ લેવા પાસે બોલાવી મીકાના નાના મગજ પર લાકડી ફટકારી લાગે છે.
ચીકો : આ તો હાલતો-ચાલતોય નથી ! કોઈ જલ્દી જઈ મીકાનાં મમ્મી-પપ્પાને બોલાવી લાવો… એને દવાખાને લઈ જવો પડશે…
સનત : કાકા, નાની અમથી વાતમાં કોઈ મોટા ચોરને મારતા હો એ રીતે આને માર્યો તમે ? આને કંઈક થઈ ગયું તો ?
પિન્ટુ : તો પોલીસ કેસ… અને…. ખૂન બદલ ફાંસી…..
બાલુકાકા : હેં ? પણ મેં એટલું બધું નથી માર્યું.
ચીકો : એ બધું એના મમ્મી-પપ્પાને સમજાવજો.. જલ્દી દોડ નયન….. આને જલ્દી દવાખાને નહીં પહોંચાડીએ તો કદાચ… ઓ દોસ્ત… મીકા (ખોટું ખોટું રડે…)
બાલુકાકા : એક કામ કરો… બસો-પાંચસો રૂપિયા હું આપું છું. તમે એને ડૉકટર પાસે લઈ જાવ….
કેતન : પણ…
ચીકો : કેતન, બાલુકાકા આપણા દુશ્મન નથી…. ને આપણોય વાંક તો ખરો જ કે બૉલ ત્યાં ગયો… હવે કાકા કહે છે તો આની સારવારના પૈસા લઈ કાકાને જવા દઈએ. (કેતન તરફ આંખ મીચકારે…)
કેતન : ભલે, તું કહે છે તો…. લાવો કાકા, પૈસા !
(ગભરાયેલા બાલુકાકા ગજવામાંથી પાંચસોની નોટ કાઢી પકડાવે…)
બાલુકાકા : તમે એને જલ્દી ડૉકટર પાસે લઈ જાય… ને જો જો મારું નામ ના આવે હોં…..
ચીકો : નો પ્રોબલેમ, અંકલ… તમે ચિંતા ના કરો. અમે કહીશું કે માથામાં બેટ વાગ્યું એમાં આવું થયું !
બાલુકાકા : હા…હા… એવું જ કહેજો
(કહેતાં પાછા પગે વીંગમાં. ઘર તરફ જાય. બધા ભેગા થઈ મીકાને ટીંગાટોળી કરી ઊંચકી બીજી તરફ થોડે દૂર લઈ જાય….. ત્યાં મીકો પોતાની જાતે જ હસતો હસતો ઊભો થઈ જાય…. બધા કાકાને બનાવવાના નાટક બદલ મીકાને શાબાશી આપે… હસે… એટલામાં સ્વીટુ ત્યાં આવે છે…)
રાજુ : અલ્યા જુઓ તો કોણ આવ્યું ? સ્વીટુ તું ક્યાં હતો ? આજે તો અહીં કેવી મજા આવી !
ચીકો : ચલો ફરી ક્રિકેટ શરૂ કરીએ…. હવે તો સ્વીટુ આવ્યો છે તે એય રમશે…
સ્વીટુ : ના, મારે રમવું નથી પણ ચલો ફ્રેન્ડઝ….. આજે મારા તરફથી તમને બધાને આઈસ્ક્રીમ ખવડાવું !
રાજુ : કેમ સ્વેટુ, આજે તારી હેપ્પી બર્થ ડે છે ?
સ્વીટુ : ના…
ચીકો : તો પછી બધાને આઈસ્ક્રીમ કેમ ?
સ્વીટુ : બસ, એમ જ…. ખાવો છે.
નયન, રાજુ સનત : હા….હા…. ખાઈએ… સ્વીટુ સરસ ફ્રેન્ડ છે આપણો.
સ્વીટુ : તો ચાલો, આઈસ્ક્રીમ પાર્લર પર….
મીકો : સ્વીટુ, યાર… મારી ડબલ સાઈઝ મુજબ મને બે કપ જોઈશે, હોં !
સ્વીટુ : નો પ્રોબલેમ, મીકા, તુ તારે બે કપ કે બે કેન્ડી ખાજે, ઓ.કે ?
(બધા ખુશ થતા સ્વીટુ સાથે જાય છે….. ફેડ આઉટ…..)
દશ્ય – 2
સ્થળ : એ જ ચોક…..
સમય : બીજા દિવસની સાંજ… સ્વીટુ સિવાયના બીજા મિત્રો રમતા હોય છે ત્યાં સ્વીટુ આવે….
સ્વીટુ : હાય, કેમ છો બધા ?
સનત : મજામાં ! પણ સ્વીટુ, તું ક્યાં હોય છે ? અમારી સાથે રમવા નથી આવતો…..
સ્વીટુ : મારે બીજું કામ હતું…. અરે, ચૉકલેટ ખાવ દોસ્તો ! (ખિસ્સામાંથી ઢગલો ચૉકલેટ કાઢે)
ચીકો : થેંક્યૂ ફોર ચૉકલેટ અને થેંક્યૂ ફોર ગઈકાલની આઈસ્ક્રીમ… પણ સ્વીટુડા, તને કંઈ ખજાનો મળી ગયો છે કે શું ?
મીકો : હા, એવું જ લાગે છે, અલ્યા…. એટલે તો રોજરોજ આપણને જલસા કરાવે છે આ સ્વીટુ !!
કેતન : એનાં મમ્મી-પપ્પા એને રોજ સો-બસો રૂપિયા વાપરવા આપતાં લાગે છે ખરું ને, સ્વીટુ ?
(સ્વીટુ કંઈ જવાબ આપતો નથી.)
ચીકો : સ્વીટુ, તું કહે તો ખરો કે આટલા બધા પૈસા તને વાપરવા કોણ આપે છે ?
સ્વીટુ : મારે કંઈ કહેવું નથી. તમારે ચૉકલેટ ખાવી હોય તો લો…. નહીં તો કંઈ નહીં.
બધાં છોકરાં : (ચીકા સિવાય) હા….. હા….. આપણે તો ચૉકલેટ ખાવાથી કામ બીજી શી પંચાત….
(સ્વીટુ પાસેથી ચૉકલેટ લે છે. મીકો બે ચૉકલેટ લે છે… ચીકો કંઈક વિચારતો ત્યાંથી દૂર સરકી જાય છે… ફેડ આઉટ.)
દશ્ય – 3
સ્થળ : એ જ ચોક…..
સમય : ત્રણ-ચાર દિવસ પછીનો…. ચીકો એકલો વિચારમાં ડૂબેલો બેઠો છે…. સ્વગત બોલે છે…..
ચીકો : (સ્વગત) સ્વીટુ રોજ રોજ અમારા બધા ફ્રેન્ડઝને આઈસ્ક્રીમ, ચૉકલેટ, પોપકોર્ન ખવડાવે છે કે ક્યારેક પાર્લર ઉપર લઈ જઈ પફ-પીઝા ખવડાવે છે ને ઠંડા પીણા પિવડાવે છે… કેટલાકને પિક્ચર પણ પોતાને પૈસે બતાવે છે…. આટલા બધા પૈસા સ્વીટુ પાસે કયાંથી આવતા હશે ?
(ત્યાં કેતન, મીકો ને પિન્ટુ આવે છે….)
કેતન : અલ્યા ચીકા, તું અમારી સાથે ના આવ્યો ને ? આજે તો સ્વીટુએ અમને મેન્ગો ડોલી ખવડાવી…
મીકો : ના આવ્યો તો કંઈ નહીં પણ આમ દિવેલિયું ડાચું કરીને અહીં કેમ બેઠો છે ?
ચીકો : દોસ્તો, મને એ સમજાતું નથી કે રોજ રોજ સ્વીટુ પૈસા ક્યાંથી લાવે છે…..
પિન્ટુ : આપણે શી પંચાત ? આપણે તો જલસા કરવાના.
ચીકો : ના પિન્ટુ, સ્વીટુ આપણો દોસ્ત છે એના ઘરેથી રોજ આટલા પૈસા ના જ મળતા હોય તો પછી એ આવે છે ક્યાંથી એ જાણવું જરૂરી છે.
(બધાને કંઈક કહે…. બધા ‘હા’ કહે… બધાના મોં પર ચિંતા…)
કેતન : વાત સાચી…. તો પછી શું કરવું ?
પિન્ટુ : એનાં મમ્મી-પપ્પાને પૂછવું છે ?
ચીકો : ના, હમણાં નહીં ! પહેલાં આપણે આજથી સ્વીટુની દરેક હિલચાલ ઉપર નજર રાખીશું. જોઈએ એમાંથી કંઈક જાણવા મળે.
મીકો : હા….
ચીકો : પણ બહુ હો હા કર્યા વિના આ કામ કરવાનું છે. એક કામ કરીએ, તમે તમારે સ્વીટુ સાથે રમો ને ખાવ-પીવો… હું મારી રીતે બધું જાણી લઉં….
કેતન : ઓ.કે…. (ફેડ આઉટ)
દશ્ય – 4
(ફેડ ઈન થાય ત્યારે સ્ટેજના પાછળના ભાગમાં લેવલ ઉપર એક બાજુએ પાનના ગલ્લાનું દશ્ય… બીજા ખૂણામાં લેવલ ઉપર બંગલાનો ઝાંપો દશ્યમાન છે. ગલ્લા ઉપર પાનવાળો બેઠો છે. સ્વીટુ ખભે દફતર લટકાવી બીજી તરફથી પ્રવેશે…. એ સ્કૂલથી છૂટીને ત્યાં આવ્યો હોય છે. તેની પાછળ છુપાઈને ચીકો પ્રવેશે છે… સ્વીટુ આગળ વધી પાનના ગલ્લા પાસે ઊભો રહે. થોડી વારમાં ગુંડા જેવા બે માણસો આવે. ગલ્લેથી સિગારેટ લે ને દરમિયાનમાં ખિસ્સામાંથી એક પડીકું કાઢી ગલ્લા ઉપર ધીરેથી મૂકી દે… પછી સિગારેટ-મસાલો લઈ જતા રહે. એમના ગયા પછી સ્વીટુ હળવેથી ગલ્લા પાસે જાય… પેલું પડીકું ચૂપચાપ ઉઠાવી લઈ ચાલવા માંડે… ચીકો એની પાછળ પાછળ જાય… સ્વીટુ વીંગમાં જતો રહે… ચીકો પણ…. પછી બીજી બાજુથી સ્ટેજ ઉપર દાખલ થાય…. પેલા બંગલાના ઝાંપા પાસે જાય. ખોંખારો ખાય અંદરથી એક માણસ ઝાંપા પાસે આવે… સ્વીટુ પેલું પડીકું એને આપી દે… બદલામાં પેલો માણસ સો-સોની બે નોટ સ્વીટુના હાથમાં મૂકે ને જતો રહે…. સ્વીટુ બે નોટ ઊંચી કરે….. ખુશ થાય.. દૂર છુપાઈને ચીકો આ જોઈ રહે છે… સ્વીટુ જાય છે. ચીકો ચિંતા કરતો આગળ આવે…)
ચીકો : આ માણસો સારા નથી લાગતા…. બધું ખૂબ શંકાજનક ને ભેદી લાગે છે…. સ્વીટુ આમાં ક્યાંથી ફસાઈ ગયો હશે ? કંઈક તો કરવું જ પડશે… (ફેડ આઉટ)
દશ્ય – 5
સ્થળ : એ જ ચોક…..
સમય : રાતનો…. ચીકો ને બીજા બધા મિત્રો બેસીને અંદર અંદર વાત કરે છે…..
મીકો : ચીકા, તેં આ બધું નજરોનજર જોયું ?
ચીકો : હા…. એક વાર નહીં…. સતત ત્રણ દિવસ. સ્કૂલ છૂટ્યા પછી સ્વીટુ લેશન કરવાના બહાને કલાસમાં જ થોડીવાર બેસી રહે…
પિન્ટુ : ને આપણે બધા નીકળી ગયા પછી એ તું કહે છે એમ પેલા પાનના ગલ્લા તરફ જાય છે ?
ચીકો : બસ એમ જ…. સ્વીટુ કોઈ ગુંડા ટોળકીનો હાથો બની ગયો છે….
નયન : પણ કેમ ?
કેતન : કદાચ પૈસાની લાલચમાં !
ચીકો : સાવ સાચી વાત…. ને પૈસાની લાલચ એને કેમ લાગી છે ખબર છે ?
નયન : ના, કેમ ?
ચીકો : એને પૈસા જોઈએ છે આપણને બધાને મોજમજા કરાવવા.
સનત : આપણે એવું એને ક્યાં કહ્યું છે ?
ચીકો : કહ્યું નથી પણ સ્વીટુ એકલો પડી ગયો હતો !
નયન : એકલો પડી ગયો હતો ? કંઈ સમજાયું નહીં…
ચીકો : મેં તપાસ કરી તો ખબર પડી કે સ્વીટુના પપ્પા મોટા ઑફિસર છે એટલે એમને એમના કામમાંથી નવરાશ મળે નહીં.
લાલુ : એ…. એની…મ….મમ્મી તો….હ… હોય ને ?
ચીકો : એની મમ્મી સામાજિક કાર્યકર છે એટલે એ એમની પ્રવૃત્તિમાંથી નવરાં નથી પડતાં.
નયન : એટલે સ્વીટુ એકલો પડી જાય એ સાચું પણ એમાં આવું શું કામ કરવું પડે ?
ચીકો : સ્વીટુને મમ્મી-પપ્પાનાં પ્રેમ-હૂંફ ના મળે એટલે એને થયું કે બીજા એના તરફ પ્રેમ રાખે, એને બોલાવે, એની કંપની ઝંખે…..પણ આ કઈ રીતે થાય ?
કેતન : અચ્છા, એટલે એણે આપણી પાછળ પૈસા વાપરવા માંડ્યા કે જેથી આપણને સ્વીટુ વહાલો લાગે… આપણે એ આવે એની રાહ જોઈએ…..
ચીકો : બસ એમ જ… ને એ માટે તમને ખવડાવવા-પિવડાવવા પૈસા જોઈએ.
મીકો : એમાં આ ગેંગ મળી ગઈ હશે….. તું અમારું આટલું કામ કરે તો તને પૈસા મળશે એમ કહ્યું હશે ને….
નયન : બિચારો સ્વીટુ ફસાઈ ગયો ! પણ હવે ?
લાલુ : હં….હ….. હવે શ….શું…થ….થશે ?
ચીકો : મેં પ્લાન કર્યો છે સ્વીટુને પેલી ગુંડાટોળકીમાંથી છોડાવવાનો !
સનત : કઈ રીતે ?
ચીકો : મેં રાજુને મોકલ્યો છે પેલા એની પાડોશમાં રહેતા પોલીસ ઈન્સપેકટર દેસાઈકાકાને બોલાવવા…
પિન્ટુ : આ રાજુ તો આવ્યો…..
(રાજુ પ્રવેશે….)
ચીકો : રાજુ કેમ વાર થઈ ? ઈન્સ્પેક્ટરકાકા મળ્યા ?
રાજુ : હા… મેં એમને તેં કહેલું તે વાત કરી…
પિન્ટુ : તે ના આવ્યા અહીં ?
રાજુ : દેસાઈકાકા હમણાં જ ડ્યૂટી ઉપરથી આવ્યા…હું રાહ જોઈને બેઠો એટલે વાર થઈ…. દેસાઈકાકાએ કહ્યું કે તું જા….હું ફ્રેશ થઈને આવું છું…
ચીકો : ઓ. કે.
(બધા અંદરઅંદર વાતો કરે… સમયસૂચક સંગીત… પો. ઈન્સ્પેકટર દેસાઈ આવે….)
દેસાઈ : કેમ છો તોફાની ટચુકડાઓ ! શું ગુસપુસ કરો છો ?
ચીકો : આવો કાકા… અમારે તમારી મદદની જરૂર છે….
દેસાઈ : પોલીસ તો હંમેશા પ્રજાની મદદ માટે ખડે પગે તૈયાર જ હોય છે… એમાંય તમે તો પ્રજા ઉપરાંત સોસાયટીના પાડોશી પણ ખરા. એટલે પોલીસ તમારી મદદ માટે વધારે તૈયાર.
(બધાં હસી પડે….)
ચીકો : ઈન્સપેકટર સાહેબ !
દેસાઈ : (જોરથી) શું કહ્યું ?
ચીકો : (ગભરાઈને પોતાનાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય એમ) શું થયું સાહેબ ?
દેસાઈ : એ ગધેડા, હું તારો કે કોઈનોય ઈન્સ્પેકટર સાહેબ નથી, તમારો કાકો છું !
ચીકો : સૉરી ઈન્સપેકટર સા.. સૉરી સૉરી અંકલ….
દેસાઈ : હં… હવે બરાબર… કદી ભૂલ કરી છે તો સીધો નાખી દઈશ જેલમાં.
(બધા હસે…)
ચીકો : અંકલ, આ રાજુએ તમને વાત કરીને ?
દેસાઈ : હા…. તમારો એક મિત્ર ગુંડા ગેંગની ચાલમાં ફસાઈ ગયો છે, રાઈટ ?
ચીકો : રાઈટ ઈન્સપેકટર…..સા… સૉરી અંકલ.. તમારે એને એમાંથી છોડાવવાનો છે….
દેસાઈ : એ કામ થઈ ગયું સમજો… જો ચીકા…. કાલે તું છે ને સાંજે… (પો. ઈન્સપેકટર દેસાઈ કંઈક કહે. બધા સાંભળે…. હા…ના.. એમ માથાં ધુણાવે….) સમજી ગયા ? હોંશિયાર…. ડન ?
બધા : હા…ડન… (અંગૂઠા બતાવે… ફેડ આઉટ)
દશ્ય – 6
(ફેડ ઈન થાય ત્યારે સ્ટેજ ઉપરનો મીડલ કર્ટન – વચ્ચેનો પડદો ખસી જતાં પાછળ ગોઠવાયેલું પોલીસસ્ટેશન નું દશ્ય નજરે પડે છે…. પો. ઈન્સ્પેકટરનાં ખુરશી-ટેબલ, સાઈડમાં બાંકડો, ટેબલ પાસે બીજી બે-ત્રણ ખુરશીઓ. પાછળની દીવાલે પૂ. ગાંધી બાપુની તસ્વીર, સત્યમેવ જયતેનું બોર્ડ, હાથકડી-દોરડું તથા આજની તારીખના ગુનાઓની નોંધ ચોકથી લખેલું બોર્ડ દેખાય છે. સાઈડમાં વીંગ પાસે એક સ્ટૂલ ઉપર એક પોલીસમેન બેઠો છે. સ્ટેજ ઉપર ફૂલ લાઈટ થાય ત્યાં રાજુ, નયન, જય, પિન્ટુ, સનત પોલીસસ્ટેશનમાં દાખલ થાય છે….)
પોલીસ : (સ્ટુલ ઉપરથી ઊભા થઈ રોકતાં) અરે…અરે, છોકરાઓ, આ પોલીસસ્ટેશન છે…… પ્રાણીબાગ નથી કે ઘૂસી જાવ છો !
પિન્ટુ : (ધીરેથી) તમને જોઈને પ્રાણીબાગ જેવું જ લાગે છે….
પોલીસ : (જોરથી) શું કહ્યું ?
પિન્ટુ : એ તો એમ કહેતો હતો ઈન્સ્પેકટર સાહેબ કે અમને ખબર છે કે આ પ્રાણીબાગ નથી….
પોલીસ : (પોતાને ઈન્સ્પેકટર કહ્યો તેથી સહેજ ખુશ થતાં…) હં… તો પછી અહીં કેમ આવ્યા છો બધા ?
સનત : ઈન્સ્પેકટર સાહેબ, અમને અહીં પોલીસ ઈન્સ્પેકટર દેસાઈ કાકા સાહેબે બોલાવ્યા છે !
પોલીસ : (ચમકી જતાં) હેં ? દેસાઈ સાહેબે બોલાવ્યા છે ? કેમ, કેમ ?
જય : એમ એમ !
(ત્યાં જ પો. ઈન્સ્પેકટર દેસાઈ પ્રવેશે છે. એમની સાથે ચીકો ને સ્વીટુ છે…. બધાને જોઈ.)
દેસાઈ : અરે વાહ ! તમે બધા હાજર થઈ ગયા છો ને કાંઈ !
પિન્ટુ : સાહેબ…. સૉરી અંકલ, તમે સૂચના આપેલી એટલે આવી જ જવું પડે ને….
દેસાઈ : રાઈટ, બેસો બધા…. (પોતે બેસે…. છોકરાઓ ખુરશીઓ – બાંકડા પર બેસી જાય. એટલામાં બે પોલીસવાળા પાનના ગલ્લાવાળા બે ગુંડાઓ તથા સ્વીટુને પડીકાના બદલામાં પૈસા આપનાર માણસને બાંધીને લઈ આવે છે..) જુઓ, સ્વીટુને ફસાવનાર અને ટોળકીને પકડી લીધી છે……. (છોકરાઓ બધા તાળીઓ પાડે…) પણ હજી સ્વીટુનાં મમ્મી-પપ્પા નથી આવ્યાં ?
સનત : સાહેબ….
દેસાઈ : શું કહ્યું ?
સનત : સૉરી અંકલ… સ્વીટુનાં મમ્મી-પપ્પાને લઈને મીકો ને કેતન આવતાં જ હશે….
કેતન : (પ્રવેશતાં) અમે હાજર છીએ….
દેસાઈ : વેરી ગુડ…. યસ આવો રૂપેશભાઈ, રૂપાબહેન… બેસો….
રૂપેશભાઈ : સૉરી ઈન્સ્પેકટર સાહેબ… પણ આ બધું બન્યું કઈ રીતે ? અમારો નાનકડો સ્વીટુ આમાં કઈ રીતે ફસાઈ ગયો ?
દેસાઈ : સ્વીટુ, જે કંઈ સાચી વાત હોય તે ડર્યા વિના તારાં મમ્મી-પપ્પાને કહે….
સ્વીટુ : (ડરનો માર્યો પહેલાં રડી પડે…) મમ્મી… મેં કંઈ નથી કર્યું….
દેસાઈ : સ્વીટુ, શાંત થઈ જા. તારે જરાય ગભરાવાની જરૂર નથી. તારાં મમ્મી-પપ્પા પણ તને નહીં વઢે….. તું આમાં કઈ રીતે ફસાયો તે કહે….
સ્વીટુ : પપ્પા-મમ્મી, તમે તમારા કામમાંથી નવરા ના પડો એટલે ઘરે હોવ જ નહીં…. હું ઘરમાં એકલો પડી જવા લાગ્યો….(રૂપેશભાઈ-રૂપાબહેન એકબીજા તરફ જુએ….) મારે પ્રેમ, હૂંફ, કંપની જોઈએ….. મિત્રો મને ચાહે, મારી સાથે રહે, મને પ્રેમથી બોલાવે તે માટે તેમને ખુશ કરવા નાસ્તા કરાવું… એ માટે તમે મને આપો એ પૈસા ઓછા પડતા હતા….. માટે વધુ રૂપિયાની જરૂર પડતી….
દેસાઈ : એવામાં એક દિવસ સ્કૂલના ઝાંપે સાંજે આ બે મહાશય તમારા સ્વીટુને ભેટી ગયા… એમણે વાતવાતમાં જાણી લીધું કે સ્વીટુને પૈસા જોઈએ છે એટલે કહ્યું કે તું અમારું સાવ નાનકડું કામ કર… તને ખૂબ રૂપિયા મળશે….
ચીકો : એટલે સ્વીટુએ આ બે જણ પાનના ગલ્લે મૂકી જાય તે હેરોઈન કે કોકેનનાં પડીકાં ત્યાંથી લઈ બીજે આપી આવવાનું કામ શરૂ કર્યું ને ત્યાંથી બદલામાં રૂપિયા મળવા લાગ્યા…..
મીકો : એ પૈસામાંથી રોજ રોજ સ્વીટુ અમને આઈસ્ક્રીમ, ચૉકલેટ, પફ-પીઝા ખવડાવતો….
પિન્ટુ : ઠંડા પીણા પીવડાવતો…
સનત : પિકચર બતાવતો….
રૂપેશભાઈ : ઓહ માય ગોડ…. આ તો કેટલું ભયંકર કહેવાય… મારા સ્વીટુને કેફી દ્રવ્યોના વેપારની જાળમાં હાથો બનાવાયો…
રૂપા : પણ એ માટે આપણે જ જવાબદાર છીએ….. આપણે આપણી પ્રવૃત્તિમાં જ રહ્યાં….. દીકરો ભણે છે ને રમે છે એમ માનતા રહ્યાં….. પણ એને પૈસા ઉપરાંત આપણી કંપનીની, આપણા પ્રેમ-હૂંફની પણ જરૂર છે એનું ધ્યાન ન રાખ્યું.
દેસાઈ : એ તો સારું થયું કે સ્વીટુના રોજ રોજના આ ખર્ચાના લીધે એના મિત્રો એવા આ તોફાની ટપુડાઓને શંકા ગઈ….
મીકો : જો કે અંકલ, અમે તો પંચાત ન કરત… પણ આ ચીકાને ખૂબ ચિંતા થઈ…. એને લાગ્યું કે દાળમાં કાળું છે….
પિન્ટુ : એટલે એણે સ્વીટુનો પીછો કર્યો… ચાર-છ દિવસ પાછળ પડી જાણી લીધું કે દાળમાં કાળું શું છે….
દેસાઈ : પછી મને વાત કહી….. અમે પોલીસ ડિપાર્ટમેન્ટે એના આધારે સ્થળ ઉપર જઈ, પુરાવા સાથે આ ગેંગને ઝડપી લીધી છે…
સ્વીટુ : મમ્મી, પપ્પા… આઈ એમ સૉરી….
દેસાઈ : સ્વીટુ ને બીજા દોસ્તો… હંમેશા ધ્યાન રાખવાનું કે આપણી મજબૂરી, લાલચનો લાભ લઈ આપણી પાસે સમાજ કે દેશ વિરોધી, ગુનાહિત પ્રવૃત્તિ ન કરવે….
બધા છોકરા : હા સાહેબ….
દેસાઈ : શું બોલ્યા ?
બધા છોકરા : સૉરી અંકલ, અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે ક્યારેય કોઈ ખરાબ તત્વોના હાથા નહીં બનીએ ને દેશદ્રોહી પ્રવૃત્તિની ખબર પડશે તો પોલીસને જાણ કરીશું.
દેસાઈ : વેરી ગુડ… પણ આપણે બધાંએ ચીકાને અભિનંદન આપવા પડશે… બોલો થ્રી ચિયર્સ ફોર ચીકા…..
બધા : હીપ હીપ હુરર્રે…. હીપ હીપ હુરર્રે….. હીપ હીપ હુરર્રે….
રૂપાબહેન : ને કાલે મારે ત્યાં ચીકાના આ સુંદર કામ બદલ એના માનમાં ને ….
રૂપેશભાઈ : અમારો સ્વીટુ બચી ગયો તેની ખુશીમાં પાર્ટી રાખીશું… કાલે સાંજે…. બધાએ આવવાનું છે…. ઈન્સ્પે. સાહેબ તમારે પણ….
બધા છોકરા : ઓહ…. પાર્ટી…. વેરી ગુડ…. હીપ હીપ હુરર્રે… હીપ હીપ હુરર્રે… હીપ હીપ હુરર્રે……
દેસાઈ : એ હીપ હીપ હુરર્રે… બીજી વાત… મને ફરિયાદ મળી છે કે તમે લોકો ખરા બપોરે ક્રિકેટ રમીને વડીલોને જંપવા નથી દેતા… આ નહીં ચાલે… સમજ્યા ?
ચીકો : તો અમારે ક્યાં રમવું ?
દેસાઈ : રમવાનું ત્યાં જ પણ ખરા બપોરે નહીં, સાંજે….
મીકો : (નિરાશ થતાં) સમજી ગયા… પણ…..
દેસાઈ : પણ બણ કંઈ નહીં… આપણે આપણા આનંદ માટે બીજાને ત્રાસ ના આપી શકીએ….. આપણી મજાક-મસ્તી બીજા માટે હેરાનગતિ ના બનવી જોઈએ…. સૌ એકબીજાનો ખ્યાલ રાખે તો જ દુનિયાનો વ્યવહાર સરળતાથી, વિવાદ-વિખવાદ વગર ચાલે…. સમજ્યા ?
બધા છોકરાઓ : સમજી ગયા સાહેબ, સૉરી અંકલ……
દેસાઈ : તો બોલો બાલુકાકા માટે હીપ હીપ…..
બધા : હુરર્રે….હુરર્રે…. હુરર્રે……
[ પડદો પડે છે. ]

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment