Tuesday, July 5, 2011

શ્રેષ્ઠ કોણ ? …(જાતક કથા)…


કૌશલનરેશ મલ્લિક એક ન્યાયપ્રિય અને શક્તિશાળી રાજા હતો, પરંતુ એને પોતાની યોગ્યતા ઉપર જરાય વિશ્વાસ નહોતો. એ હંમેશા વિચાર્યા કરતો કે લોકો મારા માટે જે કહે છે તે સાચું છે? લોકો મને સજ્જન, વીર, બહાદુર અને પરાક્રમી કહે છે તેવો હું ખરેખર છું?
એક દિવસ રાજા દરબાર ભરીને બેઠો હતો. એણે ભર્યા દરબારમાં પોતાના મંત્રીઓને પૂછ્યું : ‘મને સાચે-સાચું બતાવો કે શું મારામાં ખરેખર કોઈ દોષ નથી?


બધા મંત્રીઓ એક સાથે બોલી ઊઠ્યા. ‘ના, મહારાજ ! આપ સજ્જન અને દયાળુ છો.’
રાજાએ પોતાના પ્રજાજનોને પણ આજ વાત પૂછી. બધાએ એક જ વાત કરી, ‘આપ ન્યાયપ્રિય રાજા છો. અમને ખૂબ વ્હાલા છો, આપના રાજમાં અમે ઘણા સુખી છીએ.’
આમ છતાં રાજાને સંતોષ ન થયો. એ વિચારવા લાગ્યો, મારા મંત્રી અને પ્રજાજનો મને સારું લગાડવા માટે ખોટું બોલી રહ્યા છે.
આ વાતનો જવાબ મેળવવા એ છૂપા વેશે ગામે-ગામ ફરવા લાગ્યો. ઘણાં લોકોને તેણે એ જ સવાલ પૂછ્યો. પણ બધાએ કહ્યું : ‘અમારા રાજાના રાજમાં અમે ઘણાં ખુશી છીએ. રાજા ખૂબ જ નિષ્ઠાવાન સજ્જન અને પરોપકારી છે.’
એક દિવસ રાજાનો રથ એક સાંકડા રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો. રસ્તો ફક્ત એટલો જ પહોળો હતો કે ફક્ત એક જ રથ પસાર થઇ શકે. સામેથી કોઈ બીજું વહાન આવે તો રસ્તો રોકાઈ જાય તેમ હતો. હવે બન્યું એવું કે એ જ વખતે સામેથી રાજા બ્રહ્મદત્ત પણ પોતાના શાહી રથમાં બેસીને આવી રહ્યા હતા. સામ-સામે બંને રથ આવીને ઊભા રહી ગયા.
મલ્લિક રાજાના સારથિએ કહ્યું : ‘તારો રથ પાછો લે. મારા રથમાં રાજા મલ્લિક બેઠા છે.
બીજી તરફ બ્રહ્મદત્ત રાજાના સારથિએ કહ્યું : ‘જે રાજા બંનેમાંથી શ્રેષ્ઠ હશે તે પહેલા આ રસ્તો પાર કરશે.’
રાજા મલ્લીક્ના સારથિએ પૂછ્યું : ‘તારા રાજાની ઉંમર કેટલી છે? અને એમનું રાજ્ય કેટલું છે?
આમ બંને વચ્ચે તકરાર થવાં લાગી.
બંને રાજાનું રાજ્ય સરખું જ હતું. બંને રાજાની ઉંમર પણ સરખી જ હતી. જ્યારે કોઈ ફરક ન દેખાયો ત્યારે બ્રહ્મદત્ત રાજાના સારથિએ કહ્યું : ‘તારા સ્વામીમાં શું વિશેષતા છે?’
રાજા મલ્લિકના સારથિએ કહ્યું : ‘મારા માલીક ભલાઈનો બદલો ભલાઈથી અને બુરાઈનો બદલો બુરાઈથી આપે છે.’
રાજા બ્રહ્મદત્તના સારથિએ કહ્યું : ‘જો તારા સ્વામીની આ વિશેષતા હોય તો દોષોની કલ્પના કરતાં જ હું ધ્રુજી ઊઠું છું.’
રથમાં બેઠેલા રાજાએ આ સાંભળ્યું, એટલે એ મનોમન બોલ્યો : ‘ચાલો છેવટે કોઈ તો એવો સાચો માણસ મળ્યો કે જેણે સાફ-સાફ વાત કરી. મારામાં દોષ જોયો.’ રાજા મલ્લિક હવે વિચારમાં પડી ગયો.
‘હવે ખોટી બકવાસ બંધ કર અને તારા સ્વામીમાં કઈ ખૂબી છે, એ મને જલ્દી કહે.’
રાજા મલ્લિક અને એનો સારથિ બંને રાજા બ્રહ્મદત્તના સારથિ તરફ જોવા લાગ્યા કે એ શું કહે છે.
તરત જ રાજા બ્રહ્મદત્તના સારથિએ પોતાનો રથ એક તરફ લઇ લેતાં કહ્યું : ‘મારા સ્વામી તો બુરાઈનો બદલો પણ ભલાઈથી આપે છે. ‘અને ચોક્કસ એટલે જ એ એક માત્ર વિશ્વના એક શ્રેષ્ઠ શાસક છે.’
આટલું સાંભળતાં જ રાજા મલ્લિક ઊભો થઈને રથની નીચે ઊતરી ગયો અને રાજા બ્રહ્મદત્તને પ્રણામ કર્યાં અને કહ્યું : ‘ખરેખર આપ મારા કરતાં પણ શ્રેષ્ઠ રાજા છો.’
પછી મલ્લિક રાજા પોતાના સારથિ પાસે આવ્યો અને કહ્યું : આજે મને ખબર પડી કે મારામાં શું દોષ છે ? હું આદર્શથી હજી કેટલો દૂર છું. ચાલો રથ પાછો વાળી લો અને રાજા બ્રહ્મદત્તને રસ્તો આપો.
ઉપસંહાર : આપણા ગુણ – દોષની પરખ પોતાના લોકો નહીં, પરંતુ પારકા લોકો જ કરી શકે છે.

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment