Friday, July 1, 2011

આપણી અપેક્ષા અને બાળકની ક્ષમતા


આજનો યુગ સ્પર્ધાત્મક યુગ છે. નાના મોટા સહુ નંબર ગેઇમનો શિકાર છે. બધાંએ પોતાની જાતને બીજાની નજરોમાં સાબિત કરવી છે.




"પોતે શું છીએ?" એના કરતાં બીજા આપણે માટે શું માને છે, એનું આપણે વધારે મહત્વ આંકીએ છીએ. આપણે આપણી શકિત, ક્ષમતા, પરિસ્થિતિ કે જરુરીઆતનો વિચાર કર્યા વગર બીજાઓ આપણી પાસે શી અપેક્ષા રાખે છે, તેનો વિચાર કરીએ છીએ, આપણે ઘણી વાર આપણું ધ્યેય નકકી કરવા માટે અથવા આયોજન નકકી કરવા માટે બીજાઓની અપેક્ષા શી છે તે વિચારીએ છીએ. સમાજના માપદંડો શા છે તે વિચારીએ છીએ. આપણી ક્ષમતા કે આપણી ઇચ્છા શી છે તે વિચારતાં નથી. કેટલીક વાર તો માત્ર દેખાદેખી અને ઇર્ષાથી મારે પણ આમ કરવું જોઇએ એને આટલી પ્રસિદ્ધિ મળી તા મને પણ મળવી જોઇએ જેવા વિચારોથી આપણે પીડાતા હોઇએ છીએ. આવા વિચારો આપણાં દુખનું એક મહત્વનું કારણ છે. આપણાં આયોજન, ધ્યેય અને મહત્વાકાંક્ષાઓ ઉંચાં અને આપણી ક્ષમતાઓ અને સવલતો ઓછી હોવાને કારણે જે નિષ્ફળતા મળે છે, એની તાણ આપણે જીવનભર ભોગવીએ છીએ.







તમને થશે કે આમાં બાળકોને લગતું શું છે, પરંતુ આટલી પૂર્વભુમિકા પછી, બાળકોના વિષયમાં આપણે જે આનાથી પણ વધુ ગંભીર કૃત્ય આચરીએ છીએ એની વાત કરવી છે. આગળ રજુ કરેલી વાતના માત્ર બે જ છેડા છે આપણી ઊંચી અપેક્ષા એક તરફ અને બીજી તરફ ઓછી ક્ષમતા. અને એની વચ્ચે તાણ અનુભવતો માણસ જયારે બાળકોના વિષયમાં આ સમસ્યા એક ત્રિકોણ સર્જે છે. એક ખુણે મા બાપ પોતાની અપુર્ણ મહેચ્છાઓ સંતોષવા અથવા બીજાનાં બાળકોની દેખાદેખી અથવા ઇર્ષાથી પોતાના બાળક માટે ઊંચી અપેક્ષા બાંધી બેસે છે. અને એ માટેનું અયોજન કરી બાળકને માથે ઠોકી બેસાડે છે. બીજા ખુણે વાસ્તવિકતાછે, જેમાં બાળકની મર્યાદીત ક્ષમતા, પોતાનું અયોજન જાતે કરવાનો એનો હકક વગેરે પરિબળો છે. અને ત્રીજે ખુણે, મા બાપના આયોજનમાં ધ્યેય સિદ્ધિમાં સહકાર આપવા માટે ક્ષમતા બહાર મહેનત કરીને ત્રાસ અને તાણ ભોગવતું બાળક, અથવાક્ષમતા બહાર મહેનત ન કરી શકવાને કારણે સતત ઠપકો સાંભળી. ર્રીઢું નફફટ, નઠોર અને આળસુ બની ગયેલું બાળક.



આ ત્રિકોણ ખુબ પેચીદો છે. એક અંદાજ મુજબ સમાજના ઓછાંમા ઓછાં સિત્તેર ટકા બાળકોનું બાળપણ આ ત્રિકોણમાં ભેરવાય જાય છે. એક પુખ્ત વ્યકિત તરીકેનો એનો વિકાસ ખોરંભે પડે છે. આજનાં બાળકો આવતી કાલનાં નાગરિકો હોવાથી સમાજને સ્વસ્થ, સ્વતંત્રબુદ્ધિ, દ્રઢ નિર્ણયશકિત ધરાવનાર નાગરિક ને બદલે તાણયુકત અથવા આળસુ નાગરિકો સાંપડે છે.



તેથી જ ખોટી અપેક્ષા વગરનો સ્વસ્થ બાળઉછેર એ સ્વસ્થ સમાજરચનાની દિશામાં પહેલું પગથિયુંછે.











0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment