Sunday, July 24, 2011

માનવ રંગસૂત્રોનો અભ્યાસ


માનવ રંગસૂત્રોનો અભ્યાસ કરવાની પધ્ધતિઓ મનુષ્યનાં રંગસૂત્રો જોવા માટેની બે પધ્ધતિઓ છે. (૧)રક્તસંવર્ધન પધ્ધતિ અને (૨)પેશીય સંસ્કરણ પધ્ધતિ
(૧)-રક્તસંવર્ધન પધ્ધતિ
(૧)આ પધ્ધતિમાં મનુષ્યના રૂધિરનો ઉપયોગ થાય છે.રૂધિરમાં રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણો આવેલા હોય છે.તેમાંથી માત્ર શ્વેતકણોમાં જ કોષકેન્દ્ર હોય છે. જો આપણે રંગસૂત્રો જોવા હોય તો એવો કોષ પસંદ કરવો પડે કે જેમાં કોષકેન્દ્ર હોય. આ પધ્ધતિ નીચે પ્રમાણે કાર્ય કરે છે.
(1)-સૌ પ્રથમ સ્ટરીલાઇઝ(જંતુમુક્ત)ઇંજેક્શનની મદદથી ટેસ્ટટ્યુબમાં ૫(પાંચ)મી.લી રૂધિર લો.જંતુમુક્ત એટલા માટે કે કોઇ ઇન્ફેક્શન લાગુ ન પડે અને પાંચ મી.લી. એટલા માટે કે તે પૂરતો જથ્થો છે.
(2)-તેમાં એક નાની ચપટી ભરીને એમોનિયમ ઓક્ઝલેટ ઉમેરવામાં આવે છે જેથી રૂધિર પ્રવાહી જ રહે, ગઠ્ઠો ન થઇ જાય

(3)-તેને નીચા તાપમાને(રેફ્રીજરેટરમાં)મૂકો કેમેકે તનાથી ભારે એવા લાલરંગના રક્તકણ નીચે બેસી જશે અને રંગવિહીન શ્વેતકણયુક્ત પ્રવાહી ઉપર રહેશે.
(4)-હવે શ્વેતકણવાળું પ્રાવહી બીજી ટેસ્ટટ્યુબમાં નીતારી લો.અને રક્તવાળો ભાગ ફેંકી દો.
(5)-હવે શ્વેતકણવાળા પ્રવાહીમાં ફાયટોહીમેગ્લુટાનીન(કઠોળ જેવા વર્ગની વનસ્પતિમાંથી મેળવેલ દ્રવ્ય)ઉમેરો.કેમકે ફાયટોહીમેગ્લુટાનીન સંવર્ધન માધ્યમ છે એટલે તે મળતાં કોષો વિભાજન પામશે.
(6)-ટેસ્ટટ્યુબને ૩૭ ડીગ્રી સેલ્સીયસ તાપમાને ૭૨ કલાક સુધી ઇનક્યુબેટરમાં મૂકો કેમકે કોષવિભાજન માટે આટલું તાપમાન જરૂરી છે અને ઈન્ક્યુબેટરમાં ઍટલા માટે કે સતત આ તાપમાન જળવાઇ રહેવું જોઇએ.આમ કરવાથી કોષવિભાજન શરૂ થશે અને તેની વિવિધ અવસ્થાઓ આપણને જોવા મળશે.સૌથી સારા રંગસૂત્રો મધ્યાવથામાં જોવા મળે છે.
(7)–હવે તેમાં કોલ્ચૉસીન નામનું રસાયણ નાંખો જેથી રંગસૂત્રો મધ્યાવસ્થામાં જકડાઇ જશે.
(8)-આટલા બધા રસાયણો ભેગા થવાથી આખી ટેસ્ટટ્યુબ ભરાઈ જશે એટલે હવે તેને સેન્ટ્રીફ્યુઝ કરો જેથી કોષો બધા જ નીચે બેસી જશેઅને પ્રવાહી ઉપર રહેશે.આપણે કોષોની જરૂર છે આથી હવે ઉપરનું પ્રાવાહી નીતારી લઈ ફંકી દો અને તેથી હવે ટેસ્ટટ્યુબમાં માત્ર કોષો જ રહેશે.
(9)હવે તેમાં નીમ્ન આસૃતિદાબવાળું પ્રવાહી-હાઇપોટોનીક (Hypotonic) દ્રાવણ નાંખો જેથી કોષો ફૂલશે.
(10) -હવે તેને માઇક્રોપીપેટમાં લો અને ખૂબ ઉંચેથી સ્લાઇડ પર ટીપું પાડો.માઇક્રોપીપેટ એટલા માટે કે તેથી ખૂબ નાનું ટીપું પડશે અને ઉંચેથી એટલા માટે કે તેથી કોષો ફાટશે અને સ્લાઇડ પ રંગસૂત્રો છૂટાછવાયા પડશે.
(11)-હવે સ્લાઈડપર અભિરંજક નાંખો જેવાંકે એસીટોકાર્મીન, ઍસીટૂર્સીન વિગેરે…આથી રંગસૂત્રો રંગીન બનશે અને માઇક્રોસ્કોપમાં સરળતાથી જોઇ શકાશે.
(12)-હવે સ્લાઇડ પર કવરસ્લીપ મૂક્યા વગર માઇક્રોસ્કોપના હાઇ પવરમાં જુઓ.
(13)-માઇક્રોસ્કોપ પર કેમેરા ગોઠવીને રંગસૂત્રનો ફોટોગ્રાક લો

(14)-હવે આ ફોટામાંથી રંગસૂત્રોને કાપો
(15)-રંગસૂત્રોનાં સમુહોની ગોઠવણી પધ્ધતિ પ્રમાણે રંગસૂત્રો ગોઠવો. જેને કેરીયોટાઇપ કહેવાય છે.
(૨)પેશીય સંસ્કરણ પધ્ધતિ
આ પધ્ધતિમાં શરીરના કોઇ ભાગમાંથી પેશીકોષો લેવાનાં હોય છે.
1- આ માટે તમારા સર્જનને મળી જ્યારે કોઇનું ઓપરેશન કરાય ત્યારે થોડા પેશીકોષો મેળવી લો
2-હવે તેમાં ફાયટોહીમેગ્લુટાની નાંખો બાકીની આખી જ રીત ઉપર લખ્યા પ્રમાણે કરો.
હવે જ્યારે રંગસૂત્રોની ગોઠવણી કરવાની હોય(કેરીયોટાઇપ બનાવવાનો હોય) ત્યારે સૌ પ્રથમ રંગસૂત્રનાં પ્રાકારો અને તેનાં સમૂહોની આપણને માહિતી હોવી જોઇએ.
રંગસૂત્રનાં પ્રકારો ચાર પ્રકારનાં રંગસૂત્રો હોય છે.
(૧)મેટાસેન્ટ્રીક (૨)સબમેટાસેન્ટ્રીક (૩)એક્રોસેન્ટ્રીક (૪)ટીલોસેન્ટ્રીક
(૧)મેટાસેન્ટ્રીક રંગસૂત્રો
આ પ્રકારમાં રંગસૂત્રની બંને ભૂજાઓની બરાબર મધ્યમાં સેન્ટ્રોંમીયર આવેલું હોય છે, તેથી તેની બંને ભૂજાઓ સમાન હોય છે.
(૨)સબમેટાસેન્ટ્રીક રંગસૂત્રો
આ પ્રાકરમાં સેન્ટ્રોમીયર થોડું ઉપરની બાજુ હોય છે. આથી ઉપરની ભૂજા નાની(લઘુભૂજા)અને નીચેની ભૂજા મોટી(દીર્ઘભૂજા)હોય છે
(૩)એક્રોસેન્ટીક રંગસૂત્રો
આ પ્રકારમાં રંગસૂત્ર સબમેટાસેન્ટીક જેવા જ દેખાય છે પણ તેની લઘુભૂજા પર સેટેલાઇટ આવેલું હોય છે.
(૪)ટીલોસેન્ટ્રીક રંગસૂત્ર
આ પ્રકારમાં સેન્ટ્રોમીયર સૌથી ઉપરની તરફ હોય છે.અલબત્ત આ પ્રકારનાં રંગસૂત્રો મનુષ્યમાં જોવા મળતા નથી.


રંગસૂત્રનાં સમુહો
૧,૨,૩ જોડનાં રંગસૂત્રો-મોટા કદના મેટાસેન્ટ્રીક રંગસૂત્ર-ત્રણ જોડ એટલે કે કુલ ૬ રંગસૂત્રો
૪,૫ જૉડનાં રંગસૂત્રો-મોટા કદના સબમેટાસેન્ટ્રીક રંગસૂત્ર-બે જોડ એટલે કે કુલ ૪ રંગસૂત્રો
૬ થી ૧૨ જોડનાં રંગસૂત્રો-મધ્યમ કદના સબમેટાસેન્ટ્રીક રંગસૂત્રો-સાત જોડ એટલે કે કુલ ૧૭ રંગસૂત્રો
૧૩-૧૪-૧૫ જોડનાં રંગસૂત્રો-મધ્યમ કદના એક્રોસેન્ટ્રીક રંગસૂત્રો-ત્રણ જોડ એટલે કે કુલ ૬ રંગસૂત્રો
૧૬-૧૭-૧૮ જોડનાં રંગસૂત્રો-નાના કદના સબમેટાસેન્ટ્રીક રંગસૂત્રો-ત્રણ જોડ એટલેકે કુલ ૬ રંગસૂત્રો
૧૯-૨૦ જોડનાં રંગસૂત્રો-અત્યંત નાના કદના મેટાસેન્ટ્રીક રંગસૂત્રો-બે જોડ એટલેકે કુલ ૪ રંગસૂત્રો
૨૧-૨૨ જોડનાં રંગસૂત્રો-અત્યંત નાના કદના એક્રોસેન્ટ્રીક રંગસૂત્રો-બે જોડ એટલે કે કુલ ૪ રંગસૂત્રો
૨૩ મી જોડનાં રંગસૂત્રો-એક જોડ એટલે કે બે રંગસૂત્રો
જો આ જોડમાં બંને રંગસૂત્રો મધ્યમ કદના સબ મેટાસેન્ટ્રીક હોય તો તે માદાનાં(સ્ત્રીનાં)રંગસૂત્રો હોય છે
જો આ જોડમાં એક રંગસૂત્ર મધ્યમ કદનું સબમેટાસેન્ટ્રીક અને બીજું અત્યંત નાના કદનું એક્રોસેન્ટ્રીક હોય તો તે નરનાં (પુરુષનાં) રંગસૂત્રો હોય છે.
કેરીયોટાઇપનાં ઉપયોગો
1-આ રીતે કેરીયોટાઇપથી કોઇ પણ વ્યક્તિની જાતિ
નક્કી કરી શકાય છે.
2-કોઇપણ અજ્ઞાત વ્યાક્તિ પુરુષ છે કે સ્ત્રી તે જાણી શકાય છે.
૩-ગર્ભાશયમાં રહેલા બાળકની જાતિ નક્કી કરી શકાય છે
4-જો ગર્ભાશયમાં રહેલા બાળકમાં કુલ ૪૬ થી વધુ કે ઓછા રંગસૂત્રો હોય તો તે બાળક વિકૃત જન્મવાની શક્યાતા રહેલી હોય છે. આ પધ્ધતિથી ગર્ભ સામાન્ય છે કે વિકૄત તે જાણી શકાય છે.
5-ખૂન,હત્યા જેવા ગુનામાં ગુનેગાર પુરુષ છે કે સ્રી તે જાણી શકાય છે.

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment