Tuesday, July 5, 2011

આજીબાઈનો તખુડો …


ઘણાં વરસ પહેલાંની વાત છે.કોઈ એક ગામમાં આજીબાઈ નામે સ્ત્રી રહેતી હતી. એના ઘરવાળાનું અવસાન થયું હતું. આજીબાઈને એક દીકરા સિવાય દુનિયામાં કોઈ સગુંવહાલું નહોતું. દીકરાનું નામ એણે તખતસંગ રાખેલું. પણ બધા એને લાડમાં તખુડો કહેતા.આજીબાઈએ તો દીકરાને ખૂબ લાડ લડાવ્યા. ખૂબ મોઢે ચડાવ્યો. ખવડાવી-પિવડાવીને તગડો બનાવ્યો. પણ એને કામ કશું શીખવ્યું નહીં.
આજીબાઈનું ઘર ગામમાં મોટું ગણાતું. આજીબાઈ સ્ત્રીઓમાં ચતુર ગણાતી. એને આંગણે એક કૂવો હતો, અને કૂવાનું પાણી મીઠું ગણાતું. આથી ઘણી બહેનો આજીબાઈને ઘેર આવતી. કોઈ બેસવા આવતી, કોઈ શિખામણ લેવા આવતી,કોઈ પાણી ભરવા આવતી. ટૂંકમાં આજીબાઈનું ઘર આખો વખત સ્ત્રીઓથી ભર્યુંભર્યું રહેતું અને તખુડો સ્ત્રીઓની વચ્ચે ઉછરતો.

સ્ત્રીઓ એને માટે ખાવાનું લાવતી. તખુડો ખાઈ ખાઈને તગડો બનતો. સ્ત્રીઓ એને માટે રમકડાં લાવતી. તખુડો ઘરને ખૂણે રમ્યા કરતો. સ્ત્રીઓ સાથે છોડીઓ પણ પાણી ભરવા આવતી. તખુડો એમની સાથે ઢીંગલી ઢીંગલી રમતો.આજીબાઈ એને છોકરાઓ સાથે રમવા ન દેતી. હાય બાપ ! મારા છોકરાને રમતાં વાગી જાય તો !આજીબાઈ એને વગડે જવા ન દેતી. દીકરાને ક્યાંક કાંટોબાંટો વાગી જાય તો !આજીબાઈ એને નિશાળે પણ ન મોકલતી. મૂઆ મહેતાજી મારા લાલના કાન ખેંચે તો !
એટલે આજીબાઈનો તખુડો તો ઢીલોપોચો રહ્યો. શરીર જુઓ તો ભીમસેનનું હતું, પણ તાકાત જુઓ તો ઉંદર જેટલી. દેખાવ જુઓ તો સિંહ જેવો, પણ હિંમત નાની સસલી જેટલી!આવો આ તખુડો સોળ વરસનો થયો અને એક અચરજ થયું. એવું અચરજ થયું કે તખુડો દેશ આખાનો લાડકો બની ગયો.
વાત એમ હતી કે તખુના દેશનું નામ ઝાલાવાડ હતું. એને ગોહિલવાડ સાથે કાયમનો ઝઘડો હતો. કદીક ઝાલાવાડની સેના ગોહિલવાડ પર ત્રાટકતી અને કદીક ગોહિલવાડ પર ગોહિલવાડવાળા ઝાલાવાડને ધમરોળી નાખતા.આ વેળા પણ એવું જ બન્યું. ગોહિલવાડના ખૂંખાર લડવૈયા ઝાલાવાડ માથે ત્રાટક્યા. એમણે એક પછી એક ગામને લૂંટવા માંડ્યું. જ્યાં જાય ત્યાં ઘરડા-બૂઢાને અને સ્ત્રી-બાળકને છોડી દે, પણ પુરુષ વર્ગને પકડી લે. કેદી બનાવીને પોતાની સાથે લઈ જાય.
ગોહિલવાડીઓ આજીબાઈના ગામ ઉપર પણ ધસી આવ્યા. એમણે દરેક ઘરને લૂંટી લીધું. દરેક ઘરના પુરુષ વર્ગને પકડી લીધો. પકડાપકડી કરતા તેઓ આજીબાજીને ઘેર પણ આવ્યા. ત્યાં સ્ત્રીઓના ઘેરા વચ્ચે બેઠેલા તખુડાને એમણે ઝડપી લીધો. કહ્યું કે તું અમારો કેદી ! ચાલ, આ ઘોડા પર બેસી જા ! જરાય આઘોપાછો ન થતો.આજીબાઈ આડાં ફર્યા. કહે કે વીરા ! મારો ગગો કદી ઘોડે બેઠો નથી ! એને છોડી દો ! મારા લાડલા લાલને પકડો નહિ !
દુશ્મનો કહે કે ના, એને છોડી દઈએ તો માળો ઝાલાવાડી સેનામાં દાખલ થાય. એને તો અમારી સાથે લઈ જઈશું ને જેલમાં દળણાં દળાવીશું.એમ કહીને એમણે તખુડાને ઘોડે ચડાવવા માંડ્યો. પણ તખુડાને ઘોડાની પીઠે બેસવું ફાવે જ નહિ ને ! પેલા લોકો એક બાજુથી એને ઘોડે ચડાવે તો તખુડો બીજી બાજુએ ગબડી પડે અને બીજી બાજુથી ચડાવે તો આ બાજુ ગબડે ! વળી એને ઘોડે ચડાવે ને વળી એ તો સરકી જાય.એટલે મોટા પાઘડાવાળા ગોહિલવાડીઓએ તખુડાને ઘોડાની પીઠે બાંધી દીધો. તંગોતંગ બાંધી દીધો. જરાય ગબડે નહિ ને જરાય ચસકે નહિ એમ બાંધી દીધો. પછી બધા કેદીઓ ભેળો એનેય લઈને ચાલ્યા.
આ બધો વખત ઝાલાવાડીઓ કાંઈ નવરા બેઠા નહોતા. એમણેય પોતાની સેના જમા કરવા માંડી હતી અને ભોગાવાના મેદાનમાં રાહ જોતાં ઊભા હતાં. જેવા ગોહિલવાડીઓ દેખાય, એવું જ ધિંગાણું કરવાની એમની તૈયારી હતી.બીજે-ત્રીજે દિવસે ગોહિલવાડીઓ ભોગાવાના મેદાન પાસે આવી ગયા. એમણે ઝાલાવાડી સેના જોઈ. એની સાથે ખરાખરીના ખેલ ખેલી નાખવાની તૈયારી આદરી. બધા આમ લડાલડીની તૈયારીમાં પડ્યા. એટલે તખુડો નાસી છૂટવાની તૈયારી કરવા લાગ્યો. કેદીઓને દોરડે બાંધી દીધા હતા. એટલે એ આઘાપાછા થાય તોય બહુ વાંધો નહોતો.
આવી ગરબડનો લાભ લઈ તખુડો છટક્યો. એણે ઘોડાને એડી મારી. એને પોતાના ગામ ભણી ભગાવવાનો તખુનો ઈરાદો હતો.પણ આ તો લડાઈનો ઘોડો ! એણે તો લડાઈના મેદાન તરફ ભાગવા માંડ્યું ! વળી ગોહિલવાડી સેનામાં એ ઘોડાનાં સગાં-વહાલા હતાં. એટલે એ તરફ દોડવા લાગ્યો.હવે તખુડાને લાગી બીક. એને થયું કે કાં હું આ તરફના તીરનો શિકાર થઈ જઈશ, કાં બીજી તરફના ભાલે વીંધાઈ જઈશ ! એટલે એણે નજીકના એક ઝાડને બાથ ભરી લીધી. થોડી વારમાં તો જબરી ખેંચતાણ થઈ ગઈ. ઘોડું માળું ગોહિલવાડી સેના ભણી જોર કરે અને તખુ ઝાડને ઝાલી રાખે. ખેંચાખેંચ…ખેંચાખેંચ.. પણ ગોહિલવાડી ઘોડાએ શેત્રુંજીનાં પાણી પીધેલાં. એણે તો એવું બળ કર્યું કે ઝાડવું મૂળમાંથી જ ઉખેડી નાખ્યું ! એણે તો તખુડાને અને ઝડવાને બેયને લઈને ગોહિલવાડી સેના ભણી દોટ મૂકી અને તખુડાએ ઝાડને મડાગાંઠ ભીડેલી. ઝાડવું એનાથી છોડ્યું છૂટે નહિ. અને ભાઈ, આ ઘોડું ને આ તખુડો ને આ ઝાડવું એ બધુંય કમઠાણ ધસમસતું દોડ્યું ગોહિલવાડી સેનાની સામે ! બચાડા ગોહિલવાડીઓએ આવો તાસીરો કદી દીઠેલો નહિ. એમના તો શ્વાસ અધ્ધર થઈ ગયા. ઓહોહોહોહો ! શો ગજબનો આ લડવૈયો ધસ્યો આવે છે! આખું ઝાડવું ઉખેડીને આવે છે ! અગાઉ રામચંદ્રજીના લંકાવિજય ટાણે હનુમાન આવાં ઝાડવાં ઉખાડીને રાક્ષસો સામે ધસતા. રાક્ષસોનો સોથ વાળી નાખતા. આ એવો જ કોઈ મહાબલી લડવૈયો લાગે છે.
ભાગો રે ભાઈ ભાગો ! ગોહિલવાડી સેનામાં રાડ પડી ગઈ. આ ગંજાવર લડવૈયા સામે ઊભવાની કોઈની હિંમત નહોતી. એ તો બધા ભાગ્યા ! દૂમ દબાવીને ભાગ્યા.તખુડાનું ઘોડું એમની પાછળ ભાગ્યું. એને તો પોતાનાં સગાંવહાલાંને મોઢે થાવું હતું. એણેય જોર કરીને ગોહિલવાડીઓની પૂંઠ પકડી.પણ એ ઘોડું બચાડું કેટલુંક દોડે ? એક તો એને માથે ખાઈ-પીને તગડા થયેલા તખુડાનો ભાર. એમાં વળી આખા એક ઝાડવાનો બોજ. દસ-વીસ ખેતરવા દોડીને ઘોડું તો ભફફાંગ કરતું હેઠું પડ્યું. સાથે તખુડો ને ઝાડવુંય પડ્યાં. પણ ગોહિલવાડીઓ તો નાસતા જ રહ્યા. પાછું વળીને જોવાનીય એકેયની હિમંત નહોતી.ગોહિલવાડીઓને આમ પારોઠ પગલાં ભરતાં જોઈને ઝાલાવાડીઓ ગેલમાં આવી ગયા. એમણે હાકલા ને પડકારા કરવા માંડ્યા. એક-બે જણાએ પોતાના મહાવીર સાથીને ઘોડા સમેત ગબડી પડેલો જોયો. એમણે ઘોડા પરથી હેઠે ઊતરીને તખુડાનાં દોરડાં છોડ્યાં. ઝાડવું છોડાવ્યું. એને પાછો ઘોડે બેસાડવા માંડ્યો. પણ તખુડો કહે કે ના, હું તો ચાલીશ !ઘડીક વારમાં તો આખી ઝાલાવાડી સેના તખુડાની આસપાસ જમા થઈ ગઈ. એના એકલાના ધસારા સામે ગોહિલવાડીઓ ભાગ્યા હતા. એટલે બધાએ તેને શાબાશી આપવા માંડી. એક જણાએ એને ઓળખ્યો : અરે, આ તો આપણાં આજીબાઈનો તખુડો !ઝાલાવાડી રાજાએ તરત જ એ બોલનારને ઠપકો આપ્યો. કહ્યું : ?આવા વીરપુરુષને તખુડો ન કહેવાય. બોલો, શૂરવીર તખતસંગની જે !?અને આખી ઝાલાવાડી સેનાએ ગગનભેદી ગર્જના કરી : “તખતસંગની જે !”

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment