Tuesday, July 5, 2011

માગતાં શીખો…


એક વાણિયો હતો, જેનું નામ હતું માણેકલાલ; નહોતાં મા-બાપ, કે નહોતી સ્ત્રી કે ઘરબાર, અને વળી અધૂરામાં પૂરું બિચારો બન્ને આંખે હતો અંધ. એક શહેરમાં આવીને રહેલો અને તેની જ કોમના એક ગૃહસ્થે દયા લાવીને દુકાને મુનીમ રાખેલ. મુનીમનું કામ મોઢેથી ટપોટપ હિસાબ કરી દેવાનું હતું. હિસાબમાં એવો એક્કો હતો કે એની કોઈ જોડ મળે નહિ. દસ રૂપિયા પગાર મળતો, તેમાંથી દોઢ રૂપિયો ઓરડીના ભાડાનો ભરતો; જેશંકર નામના બ્રાહ્મણને ત્રણ રૂપિયા રસોઈના મહેનતાણાના આપી રસોઈ કરાવતો અને જેશંકર અને માણેકલાલ લહેર કરતા. જેશંકર ગામમાં માગવા જતો અને ખાઈ-પી લહેર કરતો. જેશંકર ઘરબારી હતો, તેને એક છોકરો હતો અને ઘરવાળી હતી; ત્રણચાર રૂપિયા ઘેર મોકલતો અને ગાડું ઠીકઠીક ગબડે જતું હતું.

એક વખત પુરુષોત્તમ માસ આવ્યો અને વળી તે શ્રાવણ માસ હતો; એટલે જેશંકરે, ભીડભંજક મહાદેવમાં બેસી આખો દિવસ શંકરની ઉપાસના કરવા નક્કી કર્યું,આની વાદે માણેકલાલે પણ નિશ્ચય કર્યો અને બન્ને જણાએ મહાદેવ-ભોળા ભગવાનને પ્રસન્ન કરવા તપ આદર્યું. બ્રાહ્મણ અંદર બેસે અને વાણિયો બહાર બેસે એટલો જ ફેર. બરાબર મહિના દિવસ સુધી એક ચિત્ત અને ધ્યાનથી ઉપવાસ કરીને ‘ૐ નમ: શિવાય’ ના સવા લક્ષ જપ કર્યાં. ભોળાનાથ પ્રસન્ન થયા અને એકેક વરદાન માગી લેવા કહ્યું. વાણિયો તો ખુશખુશ થઈ ગયો, પણ બ્રાહ્મણ લોભી તે ભગવાન ભોળાનાથને કહે : ‘પ્રભો, આ તો આપનો અન્યાય છે. હું અંદર બેસીને આપને સ્નાન કરાવતો, ચંદન ચોપડતો, ફૂલ ચડાવતો અને વળી જ્ઞાતે બ્રાહ્મણ જ્યારે આ વાણિયો તો બહાર બેસતો અને જ્ઞાતે વૈશ્ય. માટે વરદાનમાં ફરક હોવો જોઈએ. વાણિયાને આપે ભલે એક વરદાન આપ્યું અને તેને એક જ બસ છે; કારણ કે તે તો એકલો જ છે, જ્યારે દીનાનાથ, અમે તો ત્રણ જણાં છીએ, તો અમો ત્રણેને એક એક વરદાન મળવું જોઈએ.’ ભગવાન કહે : ‘ભાઈ, ભલે ત્રણ વરદાન તમારા ત્રણ વચ્ચે, પણ તું જાણે છે કે, અતિલોભ પાપનું મૂળ છે, લોભે લક્ષણ જાય; પણ તું અનુભવથી જ શીખીશ, તથાસ્તુ.’
બ્રાહ્મણ તો દેવળેથી જ પોતાને ગામ ગયો અને ઘેર જઈને જુએ છે તો પોતાની પત્ની કપડાં ધોવાં નદીએ ગયેલી અને છોકરો નિશાળે ગયેલો. જેશંકર તો હરખમાં ને હરખમાં શૌચ આદિ દૈનિક ક્રિયાઓ પતાવવા ઉપડ્યાં. રસ્તામાં નદીએ પત્ની મળી અને તેને વરદાનની વાત કરી અને એક ઈચ્છિત વરદાન માગવાનું તેને ભાગે આવ્યું હતું તે વાત કરી ને પછી એ ઉપડ્યા. બ્રાહ્મણી તો વિચારમાં પડી કે મારે શું માગવું ? વિચાર કરતાં રૂપ માગવાનું નક્કી કર્યું. કારણ કે રૂપ હશે તો બ્રાહ્મણ વશ રહેશે; નહિ તો વરદાનથી ધન મેળવી બીજી રૂપાળી સ્ત્રીને પરણશે એવી બીક લાગી. બ્રાહ્મણીએ તો રૂપ માગ્યું અને રૂપસુંદરી બની ગઈ.
બરાબર આ વખતે એક રાજા શિકારે નીકળેલો.. તે પોતાના ઘોડાને પાણી પાવા નદીએ આવ્યો અને આ રૂપરૂપના અવતારવાળી સ્ત્રીને જોઈને તેની દાનત બગડી. તેને એમ લાગ્યું કે આ સ્ત્રી તો રાજદરબારમાં શોભે, એમ વિચારીને પેલી સ્ત્રીને પકડી ઘોડે બેસાડી દીધી અને પોતે પણ તે જ ઘોડા ઉપર બેસી, ઘોડાને દોડાવી મૂક્યો; જેશંકરનો છોકરો આ જ વખતે નદીએ બોલાવવા આવ્યો પણ પોતાની માતાનું હરણ થતાં જોઈને પોકેપોકે રોવા લાગ્યો. જેશંકર શૌચ આદિ પ્રાત:ક્રિયા પતાવીને આવ્યો અને બધી બનેલી વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. છોકરાને ઘેર મૂકીને, ગામમાંથી કોઈનો ઘોડો માગીને રાજાના ઘોડાની પછવાડે પછવાડે ગયો. રાજાએ તો બ્રાહ્મણીને ખૂબ આશા આપેલી અને પટરાણી બનાવીશ એમ વચન આપ્યું અને દરદાગીના અને કપડાંની લાલચમાં લપટાવી. બ્રાહ્મણ તે ગામમાં ગયો અને પોતાની સ્ત્રીનો માંડમાંડ પત્તો મેળવ્યો. બહુ જ કાકલૂદી અને કાલાવાલાથી એક જ વખત તે સ્ત્રીનું મોઢું જોવાની રજા મળી. મોઢું જુએ તો રૂપરૂપનો ભંડાર. બ્રાહ્મણ સમજી ગયો કે આ સ્ત્રીએ તો વરદાન માગી મને ખાડામાં ઉતારી દીધો. સ્ત્રીને ઘણું સમજાવ્યું કે હું તને માગે તે આપીશ, તું વ્યભિચારીણી કેમ થાય છે ? છોકરાં રોઈ રોઈને મરી જશે અને તને આ શું સૂઝ્યું ? ઘણી રીતે સમજાવી પણ તે તો એક ટળી બીજી થઈ નહિ. એ તો જબદજસ્ત નાગણી થઈ.
બ્રાહ્મણને ગુસ્સો આવ્યો કે તપ કરી માંડમાંડ વરદાન મળ્યાં અને આ સ્ત્રીએ તો એનો દાટવાળી દીધો. મારી કમાણી ઉપર પાણી ફેરવી દીધું, આના કરતાં તો ભગવાને એક વરદાન આપ્યું તે લીધું હોત તો ઠીક હતું. આ લોભનાં ફળ ભોગવવાં રહ્યાં. આ તો હું સુખ લેવા દોડ્યો, ત્યાં નસીબ બે ડગલાં આગળ ને આગળ. પછી બ્રાહ્મણે પણ રાજાને ઘણી વિનંતિ કરી : ‘હે રાજા તમારે તો પ્રજાનું રક્ષણ કરવું જોઈએ તેને બદલે આ તો ભક્ષણ કરો છો, પ્રજાની મા અને દીકરીની લાજ અને મર્યાદા માટે તો ક્ષત્રિયોએ પોતાનાં માથાં આપ્યાં છે તેને બદલે તમે તો આવાં હલકાં અને નીચ કામ કરો છો ?તમે તો ગૌબ્રાહ્મણપ્રતિપાળ કહેવાવ, તેને બદલે બ્રાહ્મણનાં જ ગળાં કાપો છો ? રાજા, તું જરા સમજી જા. રાજા રાવણે પણ સીતાજીનું હરણ કરી શું લાડવો લીધો ? અને દુર્યોધને પાંચાળીનાં પટકુળ ખેંચી શું સુખ માણ્યું ?’ આવી રીતે ઘણાંઘણાં વચનો રાજાને સંભળાવ્યાં; પણ તે તો પોતાના વિચારમાં અડગ રહ્યો. છેવટે બ્રાહ્મણે ભોળાનાથ ભગવાનની સ્તુતિ કરી વરદાન માગ્યું કે : ‘હે ભોળાનાથ, આ સ્ત્રીને ગધેડી બનાવી દ્યો.’ બ્રાહ્મણી તુરત જ ગધેડી બની ગઈ અને આ જોઈને રાજા તો ગભરાયો અને બ્રાહ્મણને પગે પડી કહેવા લાગ્યો કે, ‘મહારાજ, મારો ગુનો માફ કરો. હું તમારી ક્ષમા માગું છું, તમે તો દયાળુ છો. મહારાજ, હવે તમારે જોઈએ તે માગી લો. પણ મને ગધેડો બનાવશો મા.’ રાજા તો ભાગીને સંતાઈ જ ગયો. બ્રાહ્મણ તો ગધેડીને દોરીને પોતાને ગામ આવ્યો. છોકરો તો બિચારો માના વિરહમાં રોતો હતો; કારણ કે તેને મા વિના સંસાર સૂનો હતો.
જેશંકરનો દીકરો બિચારો મા વિના ઝૂરતો હતો, એટલામાં ગધેડીને લઈ તેના પિતા આવી પહોંચ્યા. જેશંકરે કહ્યું :’ બેટા ! રો મા, જો આ તારી માને પકડી લાવ્યો છું. તું નહિ સાચું માને કે આ તારી મા છે, પણ હું સાચું કહું છું કે આ તારી મા છે. હવે હું કહું તેમ કર. હાથ જોડી બોલ કે હે ભોળાનાથ શંકર, આ ગધેડી મારી મા જેવી હતી તેવી થઈ જાઓ.’ પિતાની આજ્ઞા પ્રમાણે પુત્રે કહ્યું એટલે તુરત જ ગધેડી બદલાઈ ગઈ અને તે બ્રાહ્મણી બની ગઈ; છોકરો માને પ્રેમથી ભેટી પડ્યો. ત્રણ વરદાન હતાં, પણ માગતા ન આવડ્યું એટલે હતા ત્યાં ને ત્યાં અને હતા તેવા ને તેવા રહ્યા.
હવે પેલા વાણિયા માણેકલાલે શું માગ્યું તે જુઓ. તેને તો એક જ વરદાન હતું. ધન માગે તો આંખ ન મળે, આંખ માગે તો ધન ન મળે અને પાછી નોકરી તો કરવી જ પડે.એટલે ખૂબ વિચાર કરી માગ્યું :’હે ભોળાનાથ, હું મારા છોકરાના છોકરાની વહુને સાત માળની હવેલીએ સોનાની ગોળીએ છાશ કરતાં જોઉં.’ આમાં વાણિયાએ માગવામાં શું બાકી રાખ્યું ?’ ધન માગ્યું, વહુ માગી, દીકરા માગ્યા અને દીકરાનો પરિવાર માગ્યો, ઘર માગ્યું. ઢોર માંગ્યા અને આંખ પણ માગી લીધી. આવી રીતે જેને માગતાં આવડે છે તેનો બેડો પાર થાય છે. આપણે જેવું માગીએ એવું ઈશ્વર જરૂર આપે છે પણ માગતા પહેલાં આપણે આપણામાં લાયકાત લાવવા જરૂર પ્રયત્ન કરવો જોઈએ. પ્રથમ લાયક બનો પછી માગણી મૂકો.

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment