Sunday, July 24, 2011

હાસ્યલેખ!! અંધશ્રદ્ધા


મિત્રો, આજે એક ચેપી રોગ લાગુ પડ્યો ! જાણકારોનું કહેવું એમ છે કે કોઇક કોઇક ઓટલાઓ પર આંટા મારવાથી આવા ચેપની અસર થાય છે ! મારા એક મિત્ર ભુપેન્દ્રસિંહજીને પણ ક્યારેક કુરૂક્ષેત્રના મેદાનમાં લડતા લડતા અચાનક આવી ચેપી અસર થાય છે, અતુલભાઇને પણ હમણાં જ્ઞાનની શાથે શાથે આવો હુમલો આવેલો ! અન્ય ઘણા મિત્રો છે જેમને પણ ક્યારેક આવા હુમલાઓ આવતા રહે છે. આને જાણકારો ’હાસ્યરસ’ના હુમલા કહે છે ! (જો કે અમારે જુનાગઢમાં હમણાં કેરીના રસ પર વધુ ધ્યાન અપાય છે !)
મારે તો શાથે શાથે, લક્ષણોના આધારે દાક્તરોના જણાવ્યાનુસાર, અંધશ્રદ્ધાના વિચારોનો ચેપ પણ લાગ્યો હોય તેવું જણાયું છે. કહે છે કે ગોવીંદભાઇ અને અરવિંદભાઇ જેવા મિત્રોની શાથે બેસવાથી આવું થયાની સંભાવના છે. વાત એમ છે કે વર્તમાનપત્રોમાં વાંચવા જેવું બધું વંચાઇ ગયા પછી ક્યારેક નવરાશ વધતી હોય તો (પૈસા વસુલ કરવા જ સ્તો !) ટચુકડી જા.ખ. પર પણ નજર ફેરવાઇ જાય છે. તેમાં જ્યોતિષીઓને લગતી જા.ખ. જોતાં અમુક મુદ્દાઓ ધ્યાને આવ્યા. તેમાં અમુક તો
ભયાનક પ્રકારના નામ વાળા નિષ્ણાતો જણાયા, લગભગ તમામ નિષ્ણાતોએ ૧૦૦ % કામની ગેરંટી આપેલ છે. અમુક વિરલાઓ ૧૦૧ % કે ૧૫૧ % કામ થવાની ખાત્રી પણ આપે છે, અને એકાદ મહાપુરૂષતો એવા પણ મળ્યા જેમણે ૧૦૦૧ % ગેરંટી આપી દીધી ! હવે વિચારો જરા, આપ સંતાનસુખ માટે આવા નિષ્ણાત પાસે પહોંચી ગયા અને કદાચ એમના દાવાઓ સાચા ઠર્યા તો !! તમે તો ગયા ને કામથી ! તમે એક સંતાન માટે સંપર્ક કરો અને ૧૦૦૧ %નાં ધોરણે તમને ૧૦ સંતાનની પ્રાપ્તિ થઇ જાય ! આવુંજ પત્નિ કે પતિ ઇચ્છુક શાથે પણ બની શકે ! આ મોંઘવારીનાં જમાનામાં દશ દશનાં પેટ કેમ કરીને ભરશો બાપલા ??
આ લોકોના કાર્યપ્રાવિણ્યની રેન્જ પણ ખરેજ વિચારવા લાયક હોય છે. વ્યાપાર, લગ્ન-છુટાછેડા, પ્રેમલગ્ન-સૌતનદુ:ખ, કોર્ટકેસ, લક્ષ્મિપ્રાપ્તિ, મુઠચોટ, વશિકરણ, વ્યસનમુક્તિ, શત્રુમુક્તિ, સાસુ-વહુ અને ગૃહકંકાસ, વિદેશયાત્રા, લોટરી-શેરસટ્ટો અને કોઇ કોઇ નિષ્ણાતોએતો સટ્ટાનાં નંબર શુધ્ધા, ખાત્રીબંધ મેળવવા માટે ચોખ્ખું લખ્યું છે !! (આ સટ્ટાના નંબર એ એક જાતનો જુગાર-અબુધ લોકોની જાણ માટે !)હવે વિચારો, કામ થવાની તો આપણને ખાત્રી જ છે (અમસ્તી કંઇ અંધશ્રદ્ધા કહેવાય !) એકજ નિષ્ણાત પાસે સાસુ અને વહુ બન્ને પહોંચી જાય તો મહારાજશ્રી બન્નેનું કામ કઇ રીતે કરી આપશે? પ્રેમમાં સફળતા અને સૌતનદુ:ખ માં પણ આવોજ લોચો થાય તેમ છે. પતિ મહાશય પોતાની પ્રેમીકાને વશ કરવા માટે અને પત્નિ પોતાના પતિને પ્રેમીકાથી છોડાવવા માટે, એક જ મહારાજ પાસે પહોંચી જાય તો મહારાજે શું કરવું?

અને આ લોકોની કાર્ય સફળતાની સમયમર્યાદા પર ધ્યાન આપો તો એમ જ થાય કે ખરેખર તો સરકારે આમાંથી કંઇક ધડો લેવો જોઇએ !! ગમે તેવું કામ ફક્ત ૭૨ કલાકમાં, ક્યાંક તો ફક્ત ૨૪ કલાકમાં, હજુ વધારે લાગે છે? તો લો અમુક કર્મઠ મહાનુભાવો તો આપને ફક્ત ૧૫ મીનીટમાંજ કોઇપણ પ્રશ્નનો નિકાલ લાવી દેવાની ગેરંટી આપશે !(અને તે પણ પાછી ૧૦૦૧ %) ભઇલાઓ, આ તો તમે અમને બ્લોગરોને માટે ઘણા ઉપયોગી ગણાઓ ! પંદર પંદર મીનીટમાં એક એક નવી પોસ્ટ તૈયાર કરી દો એટલે ભયો ભયો !! અમારે આ જ્યાંત્યાં ડાફોળીયા મારવા મટે ! અને વળી આ કોપી-પેસ્ટનાં આરોપો માથે ચઢતાં બંધ થાય તો વિનયભાઇ જેવા મિત્રોને જવાબો દેવાની ચિંતા પણ ટળે !! :-)
અમુક વળી લખે છે ’મહીલાઓ નિસંકોચ મળી શકે છે’! લ્યો ! જે જગતજનનીઓ છે, જે સ્વયં શક્તિ છે, તેનાં દુ:ખ આ “જાતે જન્મી પણ ન શકનારાઓ” દુર કરશે ! (આ “-” માં આપેલ શબ્દ સમુહ માટે આપણે ગુજરાતીમાં એક શબ્દ વપરાય છે, યાદ કરો અને મનમાં ઉચ્ચારી લો !!) માતાઓ, જરા વિચારો, તમારા પડછાયાને પણ સ્પર્શવાની જેનામાં લાયકાત નથી તેવાઓ, તમારી અંધશ્રદ્ધાને કારણે, તમને સંતાપી જાય છે.
આ ક્ષેત્રનાં જાણકાર એવા સજ્જનોનું કહેવું છે કે, જ્યોતિષ એ એક પ્રાચિનશાસ્ત્ર છે. જેમાં ખગોળવિદ્યા, સંભાવનાનું ગણિત અને મનોવિજ્ઞાનનો સુમેળ કરાયેલો છે. આ એક પ્રાચિનકલા પણ છે. અને તેના હકારાત્મક ઉપયોગ દ્વારા કદાચ ઘણા લોકોને લાભ થતો પણ હશે. જો કે આમાં વધુ ફાળો તો સમયનો જ હોય છે. કહે છે ને કે, પરિશ્થિતિઓ હંમેશાં એક સમાન નથી રહેતી, બદલાય છે (અને વધુ ખરાબ થાય છે !)
મને પાકું યાદ હોય તો સિકંદરની એક કથા છે, જેમાં કિશોર વયનાં સિકંદરને એક જ્યોતિષે જણાવ્યું કે તારી હથેળીમાં જે આ ચોક્કસ રેખા છે તે થોડી વધુ લાંબી હોત તો તારો વિશ્વવિજેતા બનવાનો યોગ હતો. આ સાંભળી અને સિકંદરે તુરંત છુરા વડે હથેળી પર દર્શાવાયેલી રેખાને છેક સુધી ખેંચી કાઢી, અને તે રક્તરંજીત હથેળી જ્યોતિષ મહોદયને બતાવી પુછ્યું કે ’હવે આપનું શું કહેવું છે ?’ – જો કે (અંધ)શ્રદ્ધાળુજનો તો દલીલ કરશે કે એતો પેલી રેખા લાંબી કરી નાખી તેથીજ સિકંદર વિશ્વવિજેતા પદને પ્રાપ્ત થયો !! હશે ! જો કે ભજમનભાઇની આ એક પોસ્ટ ચોક્કસ જુઓ અને પછી આગળ વિચારવા વિનંતી.
એક બાબતતો આ જા.ખ.માં લગભગ બધાજ સ્વિકારે છે કે ’ઇશ્વર ઇચ્છા બળવાન છે’- તો ભાઇ, જેની પાસે કોઇ ફાઇનલ ઓથોરીટી નથી તેની આગળ પાછળ ભમવામાં વ્યર્થ સમય બગાડવો એ કોઇ બુદ્ધિનું કામ છે ? આથી તો ઉત્તમ એ છે કે સીધું તે સર્વશક્તિમાનને જ જાણવા,સમજવાની કોશિશ કરવી. અને સુખ,સમૃદ્ધિની પ્રાપ્તિ, દુ:ખના નિરાકરણ અને ભાગ્ય ચમકાવવા માટે, હથેળીઓ બતાવવા કરતાં તો, જાત મહેનત દ્વારા, હથેળીઓ ઘસીને ઉજળી કરવી.

આ લગભગ તો હાસ્યલેખ છે પણ મને લાગે છે કે લાપસીને બદલે ભૈળકું થઇ ગયું !!
તો અંતે મુમુક્ષુઓના લાભાર્થે વર્તમાનપત્રનાં સમજદાર વ્યવસ્થાપકશ્રી દ્વારા મુકાયેલી ચેતવણી પણ જુઓ. બધા પોતપોતાનો ધર્મ તો બજાવે જ છે, છતાં કોઇ ધરાર ફસાઇ તો તેને શું કહેશું ?? આપ સૌને વિનંતી કે આસપાસ કોઇ આમ ધરાર ફસાતું હોય તો, સંબંધ બગડવાનું જોખમ લઇને પણ, તેને ફસાતા રોકવાનું પુણ્યકાર્ય જરૂર કરશો. આભાર.

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment