Sunday, July 24, 2011

બાળકોની સમજણ….


પાત્રો: દાદીમા, મમ્મી, પપ્પા, અનંત(તેમનો દીકરો લગભગ 10 વરસ
નો) ,હિનલ:(અનંત ની નાની બહેન 8 વરસ ની)
સ્થળ: મધ્યમ વર્ગ નું હોય તેવું સામાન્ય ઘર. (બંને બાળકો યુનીફોર્મ
માં તૈયાર થઇ ને અંદરથી આવે છે.દાદીમા માળા
ફેરવતા બેઠા છે.)

અનંત: ગુડ મોર્નિંગ દાદીમા,
દાદીમા: જેશ્રીક્રુષ્ણ કે’વાય બેટા..
હિનલ: દાદીમા,અમને તો સમજાતુ જ નથી કે અમારે તમારું માનવું કે
સ્કૂલ માં ટીચર નું?
દાદીમા: એટલે? અનંત: એટલે એમ જ કે તમે કહ્યા કરો કે ગુજરાતી
માં બોલો…આપણી માતૃભાષા
માં વાત કરો..
હિનલ: ને સ્કૂલ માં ભૂલથી પણ ગુજરાતી માં બોલાઇ જવાય ને તો
ટીચર ગુસ્સે થાય છે.


અનંત: એટલે અમારે તો બંને વચ્ચે સેંડ્વીચ જ થવાનું
હિનલ: અરે ક્યારેક તો ક્યારેક તો કઇ સમજાય પણ નહીં!!તમે કહો છો
“લે બેટા આ ફલાવર નું શાક……અને સ્કૂલ માં ટીચર કહેશે
પાંચ ફલાવર ના નામ આપો.
અનંત: અને પપ્પા કહેશે, Hi ! My son…અને સ્કૂલ માં કહે…”where
is rising Sun?”
હિનલ: આ બધા શબ્દો ના ગોટાળા…ને અમારી મૂંઝવણ નો તો પાર
નહી…….
દાદીમા: મને તો કઇ ખબર નથી પડતી.
અનંત: અરે દાદીમા,જવા દો..એ બધી વાતો તમને નહી સમજાય.
દાદીમા: કેમ અમને નહી સમજાય?ને એવું હોય તો તમે સમજાવો…
હિનલ: સમજાવું?ઓકે.જુઓ એક નાનકડું ગીત કહું છું.સાંભળો..(બંને
ગાય છે)
મીના શીખતી અંગ્રેજી ને લીના શીખે ગુજરાતી.
મીના કહે ડેડી..ને લીના ને ગમે પપ્પા…
મીના સૂંઘે રૌઝ ને લીના નો ગુલાબ ગોટો..

મીના ફેંકે થેંક્યુ ને લીના માને આભાર.
મીના પાસે છે મની ને લીના ને ગમે પૈસા…”

(અચાનક અનંત ઘડિયાળ સામે જુએ છે અને કહે છે)
અનંત: અરે એય..8 વાગી ગયા.સ્કૂલ નો સમય થઇ ગયો ભાગ જલ્દી.
(બંને જલ્દી જાય છે) દાદીમા,બાય..બાકીનું આવી ને મોડું થઇ
ગયું
દાદીમા: અરે બેટા,સંભાળી ને જાજો.
દ્રશ્ય બીજું.
સ્થળ: એ જ ઘર.(અનંત અને હિનલ સ્કૂલેથી આવે છે.બૂટ મોજા
ઉતારી ને એક બાજુ ફેંકે છે,બંને થોડા ગુસ્સા માં ને થોડા ઉદાસ
છે)
હિનલ: બધા પ્રવાસ માં જાય… બસ આપણે જ નહીં અનંતં આવા મોટા
પ્રવાસ માં જવાની કેવી મજા આવે?પણ મને નથી લાગતું કે
આપણ ને પપ્પા હા પાડે.
હિનલ: ના ના,જોને પહેલા આપણે
ગયા જ હતા ને?ક્યાં ના પાડી હતી?મમ્મી એ સરસ નાસ્તો
પણ બનાવી જ આપ્યો હતો ને?
અનંત: એ તો સવાર થી સાંજ
જ જવાનું હતું ને?આમા તો કેમ્પ ના 3000 રૂપિયા ભરવાના છે
ને પપ્પા છે કંજૂસ.હમણા ના જ પાડી દેશે(રડમસ અવાજે)
જોજે ને આપણે જવાશે જ નહીં ને!
હિનલ: તો શું કરશું?
અનંત: (ગુસ્સાથી)શું કરશું શું?આ વખતે તો હું માનવાનો જ નથી
ને..જીદ કરશું, ભૂખ હડતાલ કરશું પણ પ્રવાસે જવાના પૈસા તો
લેશું જ.આવા સમર કેમ્પ માં છેક કુલ્લુ મનાલી જવાનું આપણ
ને મન ન થાય?
હિનલ: મારી યે બધી બેનપણીઓ જવાની છે
અનંત: આ વખતે આપણે માનવું જ નથી ને!!!
(મમ્મી આવે છે)
મમ્મી: ઓહ! બેટા ,આવી ગયા?
બંને: (ગુસ્સાથી)હા,આવી તો જઇએ જ ને?
મમ્મી: કેમ આજે આમ બોલો છો?ભૂખ લાગી છે?તમારા માટે ગરમ
નાસ્તો તૈયાર જ છે હોં!
અનત: અમારે નાસ્તો નથી કરવો.
મમ્મી: પણ થયું શું?
હિનલ: મમ્મી,આજે અમારી એક વાત માનીશ?
મમ્મી: ચોક્કસ માનીશ.મારી લાડકી દીકરી ની વાત ન માનું એમ
બને?
અનંત: અને હું?
મમ્મી: અને તું મારો લાડકો દીકરો .બોલો શું વાત છે?
અનંત: મમ્મી,વાત એમ છે ને કે અમારી સ્કૂલ માં થી આ વેકેશન માં
સમર કેમ્પ જવાનો છે.
મમ્મી; (મોઢુ પડી જાય છે.ધીમે થી) સમર કેમ્પ?
અનંત: હા.કુલુ મનાલી…ને એમાં અમારા બધા ય મિત્રો જવાના છે
હિનલ: મમ્મી,,પ્લીઝ…અમારે યે જવું છે
મમ્મી: કેટલા પૈસા ભરવા ના છે?
અનંત: ફકત 3000 રૂપિયા.
મમ્મી: ત્રણ હજાર? અનંત: મમ્મી,ત્યાં છેક લઇ જાય તો એટલા તો
હોય જ ને?મારા બધા મિત્રો
તો કહે છે કે સસ્તા માં આટલા બધા દિવસો લઇ જાય છે.આ તો
સ્ટુડંટ કંશેશન છે ને?એટલે …
મમ્મી: પણ બેટા..
હિનલ: પ્લીઝ…મમ્મી…
અનંત: ને મમ્મી,પપ્પા ને પણ તારે જ સમજાવવાના છે.હમેશા અમને
ના જ પાડે છે એ ન ચાલે હોં!!
મમ્મી: (એકબાજુ જઇ ને) પપ્પા ને શુંસમજાવું?ને તમને શું સમજાવું?
મા- બાપ ની લાચારી ની વાત અત્યારે તમને નહીં સમજાય.
અનંત: મમ્મી,પ્લીઝ….ના ન કહેતા હોં.
મમ્મી; સારું.પપ્પા હમણા આવવા જ જોઇએ.ચાલો,ત્યાં સુધી માં તમે
નાસ્તો કરી લો.
અનંત: નહીં અમને ભૂખ નથી…(હિનલ સામે જોઇ ઇશારો કરે છે)
હિનલ: મને પણ ભૂખ નથી લાગી.
(મમ્મી સમજી જાય છે .પણ શું બોલવું તે ખબર ન પડવાથી
ઉદાસ થઇ ને બેસી જાય છે.)
(ત્યાં પપ્પા આવે છે.આવી ને ખુરશી પર બેસે છે.છોકરાઓ
સામે જોઇ સ્મિત કરે છે.પણ આજે તેઓ હસવાના મૂડ માં
નથી.)
પપ્પા: અનંત,લે આ તારા બેટ અને બોલ.(આપે છે)તેં મંગાવ્યા હતા
ને?અને હિનલ.આ તારી કેડબરી.ખુશ?
(છોકરા લેતા નથી,ચૂપચાપ બેસી રહે છે)
પપ્પા: કેમ આજે શું થયુ છે મારા દીકરાઓ ને?
અનંત: મમ્મી,તું જ કહે ને…
પપ્પા: અરે,મમ્મી ને કહેવું પડે એવું વળી શું છે?
અનંત: હિનલ,તું જ કહે ને..આમેય તું પપ્પા ની ચમચી છો.
પપ્પા: અરે એટલું બધું સસ્પેંસ શું છે?
હિનલ: પપ્પા.સસ્પેંસ કઇ નહીં..આ તો અમારી સ્કૂલ માંથી આ વેકેશન
માં સમર કેમ્પ જવાનો છે.
અનંત: કુલુ-મનાલી…
પપ્પા : કેટલા પૈસા ભરવા ના છે?
હિનલ: રૂપિયા 3000 હજાર એક ના.
અનંત: પપ્પા.પ્લીઝ…અમે જઇએ ને?બે દિવસ માં નામ લખાવી
દેવાના છે.
પપ્પા:એટલે કુલ 6000 રૂપિયા.
મમ્મી: હા.6000.(પપ્પા ની સામે જોઇ રહે છે)
પપ્પા: તમને ખબર છે ને કે તમારા પપ્પા ની આવક એટલી નથી કે
તમને આટલા બધા પૈસા આપી શકે?
મમ્મી: હા,બેટા,બાકી પોતાના છોકરા પ્રવાસ માં જાય એ કોને ને ગમે?
પપ્પા: હા,મને યે તમને મોકલવાની હોંશ ઘણી છે.પણ હવે તમે એટલા
નાના નથી કે તમે સમજી ન શકો,ને મને આમેય ચોખ્ખી વાત
કરવાની ટેવ છે.એટલે આડી-અવળી વાત કરવા ને બદલે હું
સ્પષ્ટ જ કહીશ.મને આશા છે કે તમે મારી મજબૂરી સમજી
શકશો.
અનંત: (રડમસ અવાજે)પપ્પા,પ્લીઝ….કંઇક કરો ને?
પપ્પા: શું કરું બેટા?પૈસા હોત તો હું ના થોડો પાડત?
હિનલ: ના,પપ્પા,તમે ધારો તો બધુ કરી શકો.બહાના ન કાઢો હોં.
પપ્પા: બહાના નથી…હકીકત કહું છું.
અનંત: તમે તો આખો દિવસ બહારગામ જાવ જ છો ને?
પપ્પા: એ થોડો ફરવા જાઉં છું? એ તો ઓફિસ ના કામે જવું પડે છે.ને
એનો ખર્ચો તો કંપની આપે.
હિનલ: ના.પપ્પા..એ અમે કંઇ ન જાણીએ.આ વખતે તો તમારે જવા
દેવા જ પડશે.
પપ્પા: (ગુસ્સે થાય છે)એક્વાર સાચી વાત કહીને સમજાવ્યા.પછી જીદ
કરવાની જરૂર નથી.એકવાર ના કહી કે આપણ ને પોષાય તેમ
નથી એટલે વાત પૂરી..
અનંત: પણ પપ્પા…..
પપ્પા: (એકદમ ગુસ્સાથી)બસ…બહુ થયુ.હવે દલીલો નહી.ચાલો વાત
પૂરી.
મમ્મી: ચાલો પહેલા બધા જમી લઇએ.ચાલ બેટા,
અનંત અને હિનલ(સાથે) :અમારે નથી જમવું.
પપ્પા: એ વળી શું?
અનંત: એટલે એમ કે અમારે નથી જમવું.
હિનલ: અમને ભૂખ નથી લાગી.
મમ્મી: બેટા,એવી જીદ ન કરાય.અનાજ તો દેવતા છે.એનું અપમાન
ન કરાય.
(બંને કંઇ બોલતા નથી.ચૂપચાપ અદબ વાળી ને બેસી રહે છે.મમ્મી
પપ્પા સામે જુએ છે)
પપ્પા: (ગુસ્સાથી)એને ને જમવું હોય તો કઇ નહીં..મનાવવાની જરૂર
નથી.આમ જ જીદ્દી થઇ ગયા છે.ભૂખ લાગશે ત્યારે જાતે
જમશે.ચાલ,હું તો થાકી ગયો છું,આવતા વેંત……
મમ્મી: (રડમસ અવાજે)પણ,,,,,,..
પપ્પા: પણ ને બણ કંઇ નહી..હવે એ લોકો નાના નથી.તેમણે હવે
સમજતા શીખવું જ પડશે.સાચી વાત જે છે એ કહી દીધી.
(ગુસ્સાથી)હવે શું મારેચોરી કરવી કે ઉધાર માગવા?
(મમ્મી ને હાથ ખેંચી અંદર લઇ જાય છે)
અનંત: (ગુસ્સાથી) જોયુ ને?મને ખબર જ હતી કે ના જ પાડશે.બહાના
તૈયાર જ હોય છે.
હિનલ: પણ હવે?હવે શું કરશું?
અનંત: હવે ભૂખ હડતાલ..ગાંધીચીંધ્યામાર્ગે…સત્યાગ્રહ..અનશન..આપણે
ભણ્યા છીએ ને?
હિનલ: (રોતલ અવાજે)પણ ભાઇ,મને તો ભૂખ લાગી છે…..
અનંત: બહાદુર થા બહાદુર..એક દિવસ ભૂખી નથી રહી શકતી?
હિનલ: પણ એક દિવસ માં પૈસા નહી આપે તો?
|
અનંત: જરૂર આપશે.આપણે ભૂખ્યા રહીએ એ કોઇ ને ગમે છે?એની તો
આપણને યે ખબર છે.આ વખતે તો પપ્પા ને પૈસા આપવા
જપડશે….
(બંને ચૂપચાપ બેસી રહે છે)
દ્રશ્ય:3
(દાદીમા,મમ્મી પપ્પા ત્રણે ઉદાસ ચહેરે બેઠા છે.બંને છોકરાઓ
બારણા માંથી ડોકિયુ કરે છે.)
અનંત; હિનલ.મને લાગે છે ત્રણે ભેગા મળી ને આપણી જ વાત કરે
છે.મને લાગે છે દાદીમા હમેશ ની જેમ આપણો પક્ષ લઇ ને
પપ્પા ને સમજાવશે જ.ચાલ.એક કામ કરીએ.આપણે
છાનામામા અહીં સંતાઇને તેમની વાતો સાંભળીએ.આપણ
ને પણ ખબર તો પડે કે આપણી શું વાતો કરે છે.
હિનલ: મને તો ભૂખ પણ બહુ લાગી છે હોં.
અનંત: અરે ચિંતા ન કર.દાદીમા છે એટલે આપણ ને ન્યાય મળશે જ.
(બંને બારણા પાછળ સંતાઇ ને ઉભે છે.ને સાંભળે છે.)
પપ્પા: બા.તમે આજે કેમ જમ્યા નહીં?
દાદીમા: બેટા,આજે છોકરાઓએ ખાધું નથી..મારા ગળે કોળિયો કેમ
ઉતરે?
પપ્પા: ખાવું તો કોઇ ને યે ક્યાં ભાવ્યું છે?પણ છોકરાઓ ની ખોટી જીદ
કેમ ચાલે?
મમ્મી: બધા જતા હોય એટલે છોકરાઓ ને પણ મન તો થાય ને?
પપ્પા: હા,પણ મન થાય એ બધું જિંદગી માં થોડુ મળી શકે છે?મન
તો મને યે ઘણું થાય છે ..પણ થઇ શકે છે એકેય ઇચ્છા પૂરી?
મમ્મી: છોકરાઓ નાના છે એટલે અત્યારે સમજી ન શકે.
પપ્પા: મને યે છોકરાઓને પ્રવાસે મોકલવાનું મન શું નહીં થતુ હોય?ના
પાડવી મને કેટલી આકરી લાગે છે તે તેમને શું ખબર પડે?
મમ્મી: હા,પણ આપણી લાચારી તેમને કેમ સમજાવવી?
દાદીમા: એક કામ કરીએ.
પપ્પા: શું?
દાદીમા: મારી આંખ ના ઓપરેશન માટે તું પૈસા ભેગા કરે
છે ને?
પપ્પા; હા,તો એનું શું છે?
દાદીમા: તો એ પૈસા છોકરાઓને પ્રવાસ માં જવા આપી દે.
પપ્પા: (ગળગળા અવાજે)બા,પછી ઓપરેશન ના પૈસા ક્યાથી કાઢવા?
હજુ તો એ યે પૂરા જમા નથી થયા.આવતા મહિને તો ગમે
તેમ કરીને કરાવવું જ પડશે,એમ ડોક્ટરે કહ્યું છે.
દાદીમા: ના,વાંધો નહી.ઓપરેશન થોડુ મોડુ કરાવશું.છોકરાઓ આમ
નિરાશ થાય એ મને ગમે નહીં.
પપ્પા: ને બા,તમને આટલી તકલીફ છે એનું શું?
દાદીમા: મોટાઓ તો તકલીફ સહન કરી શકે.નાના છોકરાઓનું મન
તૂટી જાય.
પપ્પા: ના.બા,હું એવું ન કરી શકું.જેમ છોકરાઓ મને વહાલા છે ,એમ
તું યે મારી મા છો.હું જ કંઇક બીજો રસ્તો શોધીશ.તું ચિંતા ન
કર.
દાદીમા: બીજો રસ્તો એટલે શું?ઉધાર જ માગવાનો ને કોઇ પાસે?
પપ્પા; બીજુ શું કરું?
મમ્મી: આપણે કયારેય કોઇ પાસે હાથ નથી લંબાવ્યો .હમેશા સ્વમાન
થી જીવ્યા છીએ.ખાલી છોકરાઓની જીદ માટે થઇ ને……….
પપ્પા: કઇ વાંધો નહી.એ પણ છોકરા ઓ માટે કરશું.
મમ્મી: ના,ના,મને વિશ્વાસ છે.આપણા બાળકો એવા અસંસ્કારી કે જીદી
નથીજ.તેમને સાચી વાત સમજાવશું તો જરૂર સમજશે.મને
તેમના માં પૂરો વિશ્વાસ છે.
પપ્પા: કહી તો જોયુ બધુ કે પૈસા નથી…
મમ્મી: ના,એમ નહીં.આપણે એમને પ્રેમ થી પાસે બેસાડી
ને ..વિગતવાર ક્યાં સમજાવ્યા છે?એમ જ એક વાકય માં કહી
દઇએ એટલે એમને તો એમ જ થાય ને આપણે બહાના કાઢીએ
છીએ.
પપ્પા; ના,ના,એ બધા કરતા હું જ કંઇક રસ્તો કાઢી લઇશ.હવે પહેલા
તું બંને ને સમજાવી ને જમાડ.બીજી બધી વાત પછી.
મમ્મી: હા,આપણે કોઇ ક્યાં જમી શકયા છીએ?બાળકો ભૂખ્યા હોય ને
મા-બાપ ને ગળે કોળિયો કેમ ઉતરે? ચાલો અંદર
(બધા અંદર જાય છે.)
(અનંત અને હિનલ આવે છે.બંને ની આંખ માં આંસુ છે.)
અનંત; હિનુ,આપણે આવા અસંસ્કારી છીએ?
હિનલ: ને દાદીમા તો આપણ ને કેટલા વહાલા છે!!!તેના ઓપરેશન
ના પૈસા થી આપણે શું પ્રવાસ માં જઇ ને મજા કરીએ?
અનંત: ના,ના,મને લાગે છે આપણી જ ભૂલ હતી.મમ્મી- પપ્પા બહાના
નથી કાઢતા.દુનિયા માં બધા થોડા પૈસાદાર હોય છે?
હિનલ: જેને પ્રવાસ માં જવું હોય એ ભલે જાય ,આપણને એનાથી ફરક
નથી’ પડતો.
અનંત: આપણા મમ્મી.પપ્પા,દાદીમા બધા ખુશ રહે તો જ આપણે ખુશ
રહી શકીએ ને?
(ત્યાં મમ્મી- પપ્પા આવે છે)
મમ્મી; ચાલો બેટા,હવે જમી લો.
પપ્પા: ને ચિંતા ન કરો..તમારા પ્રવાસ માં જવાની વ્યવસ્થા થઇ જશે.,
ઓ.કે?હવે ખુશ?
(બંને બાળકો કઇ બોલતા નથી.)
મમ્મી: હવે શું છે?પપ્પા માં વિશ્વાસ નથી?કેમ બોલતા નથી?
અનંત: પપ્પા,શું બોલીએ?
હિનલ: અમે કઇ એવા જીદી છોકરા નથી.
મમ્મી: એટલે?
અનંત: એટલે એમ જ કે અમને અમારી ભૂલ સમજાઇ ગઇ છે.
હિનલ: અમારે પ્રવાસ માં જવુ જ નથી.
અનંત: ને અમે કયારેય કોઇ પણ ખોટી વસ્તુ ની જીદ પણ નહી કરીએ..
પપ્પા; પણ….
અનંત: પણ ..કાંઇ નહી.અમે તમારી બધી વાત સાંભળી છે.પ્લીઝ
પપ્પા. અમને માફ કરો.
(બંને સાથે):અમને માફ કરો.
મમ્મી: (ગર્વ થી) હું કહેતી જ હતી ને કે મારા છોકરાઓ અસંસ્કારી નથી
જ.(બંને ને વહાલ કરે છે) પપ્પા: મારા નહીં..આપણા કહે.બેટા,”we are proud of you”
હિનલ,અનંત: (સાથે)પપ્પા.અમે પણ…
(દાદીમા અંદરથી આવે છે)
દાદીમા: ને બેટા.મને તો તમારા બધા નું ગૌરવ છે.(છોકરાઓ દાદીમા ને
ભેટી પડે છે…પડદો પડે છે)

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment