Tuesday, July 5, 2011

કોઈના ચડાવે ચઢવું નહિ


પરભો પોપટ વિચારમાં પડયો. આ ખ્યાતિ ખિસકોલીને ‘ચિંકી’ ચકલીનું કાંઈક કરવું પડશે. બે જણીઓ ઝગડયા જ કરે છે. અવાજ અવાજ કરીને આખીય સોસાયટી ગજવી મૂકે છે. એમના કકળાટનો અંત જ નથી આવતો. રોજ સવાર પડી નથી ને સ્વાતીબેનના ચબુતરામાં લોકો દાણા નાંખી જાય. મસ્ત મજાની જાર ને બાજરી ને ઝીણા ઘઉં ને એવું ભાતભાતનું ખાવાનું સામે જ પડયું હોય ને લડવાનું કોને સુઝે ? પણ આ બે જણીઓને તો જાણે ‘બાપે માર્યા વેર’ છે. જ્યાં ચિંકી ચકલી બેસે અને દાણા ખાવાનું શરૂ કરે ત્યાંજ જઈને પેલી ખ્યાતિ ખિસકોલી બેસે ને પેલીના મોં આગળથી દાણા ઝૂંટવી લે. પછી તો ચિંકી ઝપે ? તરત જ ચીં ચીં ચીં ચીં કરીને કગરોળ શરૂ. બીજી બાજુ પેલી ખિસકોલી’ય તે, ખાવાનું ભૂલી ને લડવાનું શરૂ કરી દે. બધાં પક્ષીઓ બીચારાં દાણા તો ચણે પણ પેલી બેના કાગારોળમાં ખાવાની કે પીવાની કાંઈ મજા જ ન આવે.
આજે તો જ્યારે ખ્યાતિ ખિસકોલી ને ચિંકી ચકલી બપોરનો આરામ કરતી હતી ત્યારે પરભા પોપટે બધાં પક્ષીઓને ભેગાં કર્યા. અભયભાઈની અગાશીમાં ‘શેડ’ નીચે બેસીને એક યોજના બનાવી. પેલી બેને ખબર જ ન પડે એવી રીતે બધું નક્કી કરીને બધાં છૂટાં પડ્યાં.

બીજા દિવસે સવારે સત્યમ સોસાયટીનાં લોકો જ્યારે સ્વાતિબેનનાં ચબૂતરામાં દાણા નાંખી ગયા ને જેવી પેલી ચિંકી ચકલી દાણા ખાવા આવી ને બીજી બાજુથી પેલી ખ્યાતિ ખિસકોલીય આવી કે તરત જ ‘બકો બુલબુલ’ ચિંકી ચકલી પાસે બેસી ગયો, ને કાનમાં ધીમેથી બોલ્યો, ચિંકી ચાલ તને ‘ખ્યાતિ ખિસકોલી’ની એક વાત કહેવી છે. સાંભળતાં જ ચિંકી ચકલી તો પાસેના લીમડાની ડાળ પર જઈને બેઠી, ‘બકો બુલબુલ’ એની પાસે બેસીને કહેવા લગ્યો. ‘ખ્યાતિ ખિસકોલી તો તારી બહુ વાતો કરતી હતી. તને બહુ જ જબરી કહેતી હતી. તારી સાથે આમ કરીશ અને તેમ કરીશ, એવું બધું કહેતી હતી.’ ને એમ જ વાતો કર્યે રાખી. બીજી બાજુ ખ્યાતિ ખિસકોલીને ‘કાનજી કબૂતરે’ ફોસલાવીને બાજુમાં લઈ જઈ’ચિકી ચકલી’ની વાતો કરી. વાતો તો ભઈ ચાલ્યા જ કરી, ચાલ્યા જ કરી ને આ બાજુ ચબૂતરાના બધાં જ દાણા ખલાસ. આજે તો પેલા બંને ને ભૂખ્યાં રહેવાનો વારો આવ્યો.
બીજો દિવસ થયો ને જ્યાં ચબૂતરામાં દાણા નંખાયા કે તરત જ ચિંકી પાસે ‘હાર્દીક હોલો’ આવી ગયો અને ખ્યાતિ ખિસકોલી પાસે ‘કાળુ કાગડો’ બેયને ઉડાડીને દૂર લઈ ગયો ને પછી બંન્નેને ખૂબ વાતોમાં રોકી લીધાં. બીજા દિવસે ય બંન્નેને ભૂખ્યા રહેવું પડયું. આમ ને આમ બીજા બે-ત્રણ દિવસ ચાલ્યું. ખાવાનું ન મળવાથી ચિંકી ચકલી ને ખ્યાતિ ખિસકોલી બંન્ને ઢીલી ઢસ થઈ ગઈ. લડવાનું તો દૂર હવે તો બંન્નેમાં બોલવાના’ય હોશકોશ ન રહ્યાં.
ચિંકી ચકલીએ માળામાંથી માંડ માંડ ડોકી બહાર કાઢી અને જાયું બધાં પક્ષીઓ પેલા ચબૂતરા પર મજાથી દાણા ચણતાં હતાં. થોડી ઊંચી થઈને એણે ખ્યાતિ ખિસકોલી ક્યાં છે એ જોવાનો પ્રયત્ન કર્યો પણ એ તો ત્યાં હતી જ નહીં. એ તો ફરરર કરતી ઊડી બાજુના ઝાડ પર જ્યાં ખ્યાતિ ખિસકોલીનો ઝાડની બખોલમાં માળો હતો. એણે જોયું ખિસકોલીબેન તો બિચારાં માંદાં હોય એવાં ઢીલાં ઢસ….. થઈને પડયાં રહ્યાં’તાં. ચિંકી ચકલી બુદ્ધિશાળી તો હતી જ. હવે એને થોડોક થોડોક ખ્યાલ આવવા લાગ્યો કે પોતાની સાથે શું થઈ રહ્યું છે.
એ તો ધીરેથી ઊડીને ખિસકોલીબેનના માળા પાસે ગઈ. ત્યાં તો ખ્યાતિ ખિસકોલી બોલી ઊઠી, ‘તું કેમ આવી છે કજીયાળી, તારે લીધે તો મારે ચારપાંચ દિવસથી ફાકા થયા છે. હવે તો દોડાતું’ય નથી’. ચિંકીને નવાઈ લાગી. મારી જેમ ખ્યાતિ ખિસકોલીને’ય ખાવાનું નથી મળ્યું ? ને પેલા બધાં તો લીલાલહેર કરે છે ને ખાય છે, પીએ છે ને મસ્તી કરે છે. એ તો બધું’ય સમજી ગઈ.
ચિંકી ચકલી હવે સાચી વાત જાણી ગઈ હતી. તે તો ખ્યાતિ ખિસકોલી પાસે છેક નજીક જઈને બોલી, “સોરી, ખિસકોલીબેન મને માફ કરી દો. મારા લીધે તમારે ભૂખ્યાં રહેવું પડયું. પણ મારી’ય હાલત તમારાં જેવી જ છે.” એણે શાંતિથી બધી વાત ખ્યાતિ ખિસકોલીને કરી હાય લા ! એમ છે ! આ બધા આપણા જ દોસ્તોએ મળીને આપણી આવી હાલત કરી છે ? હવે એમની ખેર નથી. પણ દૂરથી બધા પક્ષીઓ એમની સામે જ જોઈ રહ્યાં હતાં. બંનેને શાંતિથી વાતો કરતાં જોઈને બધાં ખુશ હતાં.
‘પરભાપોપટ’ની આગેવાનીમાં બધાં પક્ષીઓ ઊડીને ખિસકોલીબેનવાળા ઝાડની ડાળીએ ડાળીએ ગોઠવાઈ ગયાં ને જોર જોરથી ગાવા લાગ્યાં, ‘થ્રી ચિયર્સ ફોર ખ્યાતિ ખિસકોલી’ હીપ હીપ હુરરે… ‘થ્રી ચિયર્સ ફોર ખ્યાતિ ખિસકોલી’ હીપ હીપ હુરરે…ને બધાં ખડખડાટ હસી પડયાં ને કહે, આજે અમે બધાએ તમારા માટે ખૂબ વધારે દાણા રાખ્યા છે. જાઓ પહેલા સંપીને ખાઈ લો પછી ધરાઈને વાતો કરીશું. ખ્યાતિ ખિસકોલી ને ચિંકી ચકલી બંનેને સાચી વાત સમજાઈ ગઈ કે આપણા દોસ્તોએ જ આપણને આપસમાં ઝગડતા બંધ કરવા આવું કર્યં હતું ને ખ્યાતિ ખિસકોલી ગાવા લાગી……………..
ઝગડા ઝગડી ના કરવી, સંપીને તો રહેવું ભાઈ, કોઈના ચઢાવે ચડવું નહિ, એમાં જ છે ભલાઈ ભાઈ…..

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment