Tuesday, July 5, 2011

બોધકથા


દરિયાથી દૂર એક કૂવામાં એક કાળો દેડકો રહેતો હતો. ત્યાં જ જન્મ્યો. મોટો થયો,પણ કૂવાની બહાર એક પણ દિવસ ક્યાંય નીકળ્યો ન હતો. બહારની દુનિયાનાં એને સાન-ભાન ન હતાં, પણ પોતાને ખૂબજ બુદ્ધિશાળી માનતો. કૂવામાં રહેતાં ને અચાનક કૂવામાં પડતાં જીવ-જંતુ ખાઈને તે શરીરે તગડો બની ગયો.


એક દિવસ આ દેડકાભાઈ ઝોકે ચડ્યા, ત્યાં ઓચિંતાનો દરિયાનો દેડકો ધડામ દઈને કૂવામાં પડ્યો. કોઈ મોટું જીવડું આવી ચડ્યું હશે એમ માનીને કૂવાના દેડકાભાઈ તો જાગી ગયા. અને જીવડાંને હડપી લેવા તૈયાર થયા.



કૂવાના દેડકાએ ફરીથી ધ્યાનથી જોયું ત્યારે તેને બહુ નવાઈ લાગી. મનમાં વિચારવા લાગ્યો : ‘ અરે ! આ તો લાગે છે આપણો જાતભાઈ, પણ મારા જેવો કાળિયો કેમ નથી?’ આ દંભી દેડકાએ પોતે ડરી ગયો છે એવું દેખાઈ ન જાય એવી રીતે જરા ધીરગંભીર અવાજે દરિયાના દેડકાને પૂછ્યું : ‘ભાઈ, તું કોણ છો?’

દરિયાનો દેડકો બોલી ઊઠ્યો : ‘ભાઈ, હું તો અજાણ્યો મુસાફર છું.’

કૂવાના દેડકાએ કહ્યું : ‘એ તો મને ખબર છે ! પણ ભાઈ, પણ તું અહીં શું કામ આવ્યો છે?’

દરિયાના દેડકાએ વિનયથી કહ્યું : ‘ભાઈ, અહીં આવવાનો મારો કોઈ ઈરાદો ન હતો. હું તો અકસ્માતે અહીં પડી ગયો છું. પણ સાચે જ આપણે મળીને મને ઘણો આનંદ થયો છે.’ આ સાંભળીને દંભી દેદાકાભાઈ તો ખુશ ખુશ.

છતાંય મહેમાન વિશે વધુ જાણવા પૂછ્યું : ‘ પણ તમે ક્યાંથી આવો છો ?’

દરિયાના દેડકાએ કહ્યું : ‘ભાઈ ! હું તો દરિયામાંથી આવું છું.’

‘દરિયો ? એ વળી શું ? તે કેવડો છે ? મારા કૂવા જેવડો ખરો ?’ આ પૂછતાં – પૂછતાં દંભી દેડકાએ કૂવાના એક છેડાથી બીજા છેડા સુધી છલાંગ મારી.

દરિયાના દેડકાએ એક છલાંગ મારીને કહ્યું : ‘ભાઈ, તારો દરિયો આવડો હશે કે ?’

દરિયાનો દેડકો બોલી ઊઠિયો : ‘ભાઈ, કેવી મૂર્ખ જેવી વાત કરો છો ? તારા નાના કૂવા સાથે દરિયાની તુલના હોય ! તારા આ કૂવા કરતાં તો હજાર ગણો વિશાળ છે દરિયો.’

દંભી દેદાકાભાઈ ખીજાઈ ગયા ને બોલ્યા : ‘ હાલ્ય, હાલ્ય, મારા કૂવાથી કંઈ મોટું નથી. જા,જા, ખોટા બોલા, તારી વાત ખોટી છે. હું માનવા તૈયાર નથી.’

દરિયાના દેડકાના લાગ્યું કે આવા મૂરખ સાથે ચર્ચા કરવી નકામી. એટલે ત્યાંથી ચાલી નીકળ્યો.

હવે આપણા દંભી દેદાકાભાઈ ખડખડાટ હસતાં બોલી ઊઠિયા : ‘પેલા ગાંડિયાને એમ કે મને મુરખ બનાવી જશે. પણ હું જાણું જ છું કે મારા કૂવાથી મોટું કંઈ નથી.’ આમ બોલતાં બોલતાં કૂવાના એક છેડાથી બીજાં છેડા સુધી વળી પાછી એક બીજી છલાંગ મારી.

બોધ / સાર : સંસારમાં કોઈના પ્રત્યે કૂવાના દેડકા જેવું સંકુચિત મન ન રાખો. બીજાના વિચારને સમજતાં – સ્વીકારતાં શીખો. આ છે સંસ્કારિતાની નિશાની.

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment