Sunday, July 24, 2011

ભણે નરસૈયો – જળકમળ (રસાસ્વાદ)


મિત્રો, નમસ્કાર.
આ શ્રેણીમાં આગળ આપણે નરસિંહ મહેતા અને તેની રચનાઓની થોડી વાતો તથા નરસિંહના સમયના ઈતિહાસ કાળનું થોડું દર્શન કરેલું. આજે આપણે નરસિંહની એક બહુ પ્રખ્યાત રચના ’જળકમળ છાંડી જાને’ નો એક અલગ જ દ્ગષ્ટિકોણથી રસાસ્વાદ માણીશું. આ પ્રયાસ કરવાની હિંમત આવવાના પણ બે-ચાર કારણો છે. સૌ પ્રથમ તો, આગળના લેખમાં ઉલ્લેખેલ તે નરસિંહ મહેતાના જીવન કવનના પ્રખર અભ્યાસુ શ્રી જવાહર બક્ષીજીના જુનાગઢ ખાતેના એક કાર્યક્રમમાં, તેઓના શ્રીમુખેથી માણેલો આ કૃતિનો રસાસ્વાદ અને તે ઉપરાંત મિત્ર જેઠાભાઇ અને એક બે જ્ઞાની મિત્રો સાથે થયેલી આ કૃતિ બાબતની ચર્ચામાંથી મળેલી નવી દ્ગષ્ટિ પણ ખરી.
તો અહીં આપણે આ બધા જ દૃષ્ટિકોણને એકત્ર કરી અને આ સુંદર મજાની કૃતિને માણવાનો એક નાનકડો પ્રયાસ કરીશું, ખાસ તો આપણને એ જાણવા મળશે કે નરસિંહ જેવા જ્ઞાની ભક્ત કવિએ તેની એક એક રચનામાં કેટકેટલું જ્ઞાન ઠાંસીઠાંસીને ભર્યું છે. કારણ કોઇ નાનો એવો કવિ પણ અકારણ તો કશું લખવાનો નથી તો આવા સમર્થ કવિએ સાવ અમસ્તું તો આ રચનાઓ નહીં જ કરી હોય !
પ્રથમ કડીથી જ શરૂઆત કરીએ તો; ’જળકમળ છાંડી જાને બાળા’, સામાન્ય અર્થ કે હાલમાં બહુપ્રચલીત એવી વાર્તારૂપી અર્થ તો સૌને જાણમાં જ છે. કૃષ્ણ બાળસખાઓ સાથે દડે રમતા હતા અને દડો યમુનાના ઊંડા ધરામાં પડી ગયો જ્યાં એક ભયંકર કાળીનાગ રહેતો હતો. આ નાગની પત્નીઓ એવી નાગણો કૃષ્ણને પાછો વળવા સમજાવે છે અને અંતે કૃષ્ણ કાળીનાગનું દમન કરી દડો લઇ બહાર આવે છે. બસ આટલી અમથી વાત ?! માફ કરજો પણ આ કથા મને બહુ સરળ લાગે છે ! કારણ આ ઘટના ખરે જ બની, ના બની કરતાંએ મોટી વાત એ છે કે એનો સમયગાળો અને નરસિંહના સમયગાળા વચ્ચે હજારો વર્ષનું અંતર છે, અને અગાઉ કહેલું તેમ નરસિંહ કોઇ ઇતિહાસકાર તો છે નહીં ! પછી ઘણા લોકો પ્રશ્નો કરે કે આ બધી માત્ર વાર્તાઓ હોય ! કદાચ !! પણ નરસિંહ એક કવિ છે, ચિંતક છે, જ્ઞાની છે, સમાજ સુધારક છે, ભક્ત છે, આ ધ્યાને રાખીને બે ઘડી વિચારીએ તો સમજાય કે તેની કૃતિઓમાં માત્ર વાર્તા તો નહીં જ હોય, કશોક ગહન અર્થ પણ જરૂર હશે જ. આ પ્રથમ કડીએથી જ વિચારવાનું શરૂ કરીએ તો; જો કૃષ્ણ ઊંડા ધરામાં દડો લેવા પ્રવેશ્યા તે ઘટના જ દર્શાવવી હોય તો કવિએ શબ્દ વાપરવો જોઇએ “જળગહન” જ્યારે અહીં વાત છે “જળકમળ”ની ! બસ અહીંથી મગજમાં વિચારોની સ્વિચ દબાય છે જે અંત સુધી વિચારયાત્રાને થંભવા દેતી નથી !

“જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે”
From Wiki
આ ’જળકમળ’ કયું છે ? અહીં શરૂઆત થાય છે આપણી બહુજાણીતી યૌગીકપ્રક્રિયાની, શરીરના નાભિપ્રદેશને ’નાભિકમળ’ કહે છે. કુંડલિની યોગની ભાષામાં શરીરમાં રહેલાં સાત ચક્રોને કમળ સાથે સરખાવ્યા છે. અને કુંડલીની શક્તિને સાડાત્રણ આંટા વાળીને બેઠેલા સર્પના રૂપે સમજાવાય છે. અહીં જાગૃત કરાતી કુંડલિનીના સંદર્ભમાં નાગણો દ્વારા આ કહેવાય છે કે ’જાગશે તને મારશે’, ટુંકમાં “ભય”નો ભય દેખાડાય છે. સામાન્ય માણસ તો અહીંથી જ અટકી જશે ! જાગરણના સંદર્ભે પ્રથમ અડચણ છે આ ભય. ભય પર કાબુ મેળવ્યા પછી જ આગળનું પગલું ભરી શકાશે તે વાત અહીં સમજાવવાનો પ્રયાસ છે. (યાદ કરો ઉપનિષદોમાંનુ ’અભી’ – અભય !)
જેઠાભાઇએ ચર્ચા દરમિયાન એક બહુ સરસ વિચાર આપ્યો કે, આ નાગણીઓ કેટલી છે તે દર્શાવ્યું નથી પણ તે ખરેખર આઠ હોવી જોઇએ ! આ આઠ નાગણીઓ તે ’અષ્ટ સિદ્ધિ’નું પ્રતિક હોઇ શકે. (’નાગણ સૌ વિલાપ કરે’ લખ્યું છે તેથી એક કરતા તો વધુ જ હશે !) સાધનાના માર્ગમાં સૌ પ્રથમ આ સિદ્ધિઓ અડચણ કરવા આવે છે. સાદી ભાષામાં પણ જોઇએ તો આ નાગણીઓ એટલે મનની વિવિધ વૃત્તિઓ, જેવી કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ભય વગેરે. માણસને સત્યની નજીક જતા, માનવમાંથી મહામાનવ બનતા, વચ્ચે આ અડચણો રોકી પાડે છે. અને આ અડચણોને એક પછી એક વટાવી અને પોતાના માર્ગે આગળ વધવાની વાત અહીં નરસિંહ સમજાવે છે. અહીં પ્રથમ છે મુલાધાર ચક્ર’ અને પછી ’સ્વાધિષ્ઠાન ચક્ર’, જે નાભિપ્રદેશ પાછળ સ્થિત છે. યોગમાં એમ કહેવાય છે કે કુંડલિની શક્તિ ત્યાં કુંડલી મારી અને સુષુપ્તાવસ્થામાં પડેલી છે. આ પ્રથમ ચક્ર પર થતો પ્રહાર મૃત્યુનો ભય ઉત્પન્ન કરે છે, સામાન્ય અનુભવ પણ છે કે અચાનક કોઇ ભારે ભય ઉત્પન્ન થાય છે ત્યારે નાભીની નીચેના ભાગમાં સ્પંદન ઉત્પન્ન થાય છે જેને ’પેટમાં ફૈડકો પડવો’થી ઓળખવામાં આવે છે. આ શક્તિ જાગૃત થયા પછી તેનો મુળ સ્વભાવ નીચેની તરફ વહેવાનો છે જે કામઉર્જારૂપે વર્ણવાય છે. તેના નિમ્નગમનના સંદર્ભમાં જ પ્રથમ તો નાગણો કહે છે, ’કહે રે બાળક તું મારગ ભૂલ્યો’ એટલે કે નિમ્નગમન એ સ્વાભાવિક છે તેને બદલે તું આ ઊધર્વગમનને મારગે ક્યાં ચઢીયો !! (આમે નીચે પડવામાં કશી મહેનત નથી પડતી, ઊંચે ચઢવા માટે જ મહેનત કરવી પડે છે !)
“કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો”
અને કૃષ્ણ આ “ભય”ને પાર કરતા કહે છે;
“નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો
મથુરા નગરીમાં જુગટુ રમતાં, નાગનું શીશ હું હારિયો”
કૃષ્ણ અહીં દેખીતું બ્લફ કરે છે ! એ તો માસ્ટર છે, પછી બ્લફમાસ્ટર કેમ ના હોઇ શકે ?! આખરે ભયને જીતવાનો છે, ભયાનક લડાઇની તૈયારી કરવાની છે, અને શઠં પ્રતિ શાઠ્યંનું જ્ઞાન તે કંઇ કૃષ્ણને થોડું સમજાવવું પડે ! (આ લખનાર તો નરસિંહ છે, અને છતાં લોકો માને છે કે નરસિંહ ભોળો ભગત હતો !) યોગમાર્ગમાં ભયનું અતિક્રમણ કરી જનારો આપો આપ ત્યાર પછીના ચક્રના દ્વારે પહોંચે છે. અને તે છે ’મણીપૂર ચક્ર’ આ પણ કામનો પ્રદેશ છે. ભયના સકંજામાંથી છટકનારો માણસ મોટેભાગે અહીં ભરાઇ પડે છે ! જુઓ નાગણીઓ અહીં લાલચ પણ કેવી આપે છે !
“રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો,” આજની ભાષામાં કહીએ તો ’કૃષ્ણ, યુ આર વેરી સેક્સી !’ પણ કૃષ્ણ ત્યાં ફસાતો નથી ! કહો કે સાધક પણ ત્યાં ફસાતો નથી, અને સત્યને માર્ગે ચઢેલો આપણો સામાન્ય માણસ પણ ત્યાં ફસાતો નથી ! (જો કે બહુ અઘરૂં છે, કંઇક કહેવાતા સાધુ-સ્વામીઓ પણ અહીં ફસાયા છે !) તો પછી તે પહોંચે છે ’ અનાહત ચક્ર ’ માં, આ હૃદય પાસે આવેલું ચક્ર તે મોહનો પ્રદેશ છે. અહીંથી આગળ વધતા અટકાવવા માટે નાગણો મોહનો આશરો લે છે. સગાવ્હાલાંની યાદ અપાવે છે. કહે છે;
“તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો” માતા અને ભાઇભાંડુઓને યાદ કરાવે છે. કહે છે શું તું તેમને અળખામણો છે કે તેમને ભુલી અને આ માર્ગે ચઢ્યો છે ? જા ને ભ‘ઇ, જીવતો નર ભદ્રા પામે ! સુંદર, દેખાવડો છે, રંગરાગ કર, સગા સ્નેહીઓ સાથે બેસીને મોજ કર ! આ જ્ઞાનના માર્ગે, ભક્તિના માર્ગે, સત્યના માર્ગે, યોગના માર્ગે, વળી ક્યાં ચઢ્યો ? પણ કૃષ્ણ માનતો નથી ! (એટલે જ તો યોગેશ્વર કહેવાયો) મોહનાં બંધનમાં બંધાતો નથી અને પોતાના અડગ નિશ્ચયની જાહેરાત કરતા કહે છે;
“મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો”
સાધક મોહના બંધનમાંથી મુક્ત બને છે. આગળ વધે છે અને પહોંચે છે કંઠની પાસે આવેલા ’વિશુદ્ધ ચક્ર’ના દ્વારે. આ પ્રદેશ લોભનો, લાલચનો, પ્રદેશ છે. કાવ્યમાં નરસિંહ વિશુદ્ધ ચક્ર દર્શાવવા માટે નાગણો દ્વારા અપાતી લાલચમાં અન્ય કોઇ નહીં માત્ર કંઠનાં આભુષણોનું વર્ણન જ કરે છે. જુઓ:
“લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરીઓ
એટલું મારા નાગથી છાનું આપું, કરીને તુજને ચોરીઓ”
અહીં કંગન કે વિંટીઓ કે ઝાંઝર કે કાનના કુંડળ એવો કશો ઉલ્લેખ નથી માત્ર હાર અને દોરીઓ (સૌરાષ્ટ્રમાં આજે પણ સ્ત્રી-પુરુષ ગળામાં જે ઘરેણું પહેરે છે તેને “દોરો” કહેવાય છે. સામાન્ય રીતે સૌ ચેઇન કહે છે) સાધનાપથનું સૌથી મોટું અને ભયાનક વિઘ્ન આ લોભ, લાલચ છે. લગભગ તમામ લોકો જે ભય, કામ અને મોહના આગલા પ્રદેશો પાર કરી ચૂક્યા તે પણ અહીં ફસાઇ ગયા છે ! (આ વાત બહુ સમજાવવી પડે તેમ લાગે છે ? સત્ય સાંઇબાબા કે અન્ય બાબાઓ અને કંઇ કેટલાયે સાધુ સંતોના, મહાનુભાવોના, ભવ્ય ભંડારો હવે કંઇ છાના નથી રહ્યા !!) કુંડલિની યોગની દૃષ્ટિએ પણ આ બહુ કઠીન પડાવ છે. અધ્યાત્મમાં પણ આ સૌથી બાધક એવું ચક્ર છે ત્યાં જનસામાન્ય માટે તો આ લોભ અને લાલચના ચક્કરમાંથી નીકળવું શક્ય જ કેમ બને ? ઘરબાર અને સગાં સ્નેહીઓ છોડનારા, અરે કામને પણ જીતી લેનારાઓ, અહીં માયાના ચક્કરમાં ફસાયા છે.
પણ કૃષ્ણ ત્યાં પણ પકડાતો નથી ! કહે છે;
“શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ
શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ”
હે નાગણો, નકામી માથાકુટ મેલો ! તમે મને ઓળખતી નથી !! અને આમે મારે માટે તમારે આટલું કષ્ટ લેવાની શી જરૂર છે ? જરા વિચારો, એકના ડબલની લાલચ, રાતોરાત તમને ધનાઢય બનાવી દેતા મેઇલના સંદર્ભે, આજથી છસો વર્ષ પહેલાં, નરસિંહે કૃષ્ણના મોંએ મુકેલો આ પ્રત્યુત્તર યાદ રાખવા જેવો નથી લાગતો ? અરે કહે છે કે માગ્યા વગર તો મા પણ નથી પીરસતી ત્યાં વગર માગ્યે આપની પર સંપત્તિનો વરસાદ કરવા ઉત્સુક એવા આ મહાનુભાવો કઇ માસીના દીકરા થાય છે કે આટલા બધા વરસી પડે છે ? વિચારો અને હવે આગળ વધીએ.
“ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઈ, બારણે બાળક આવિયો”
હવે નાગણોને લાગે છે કે કશો જ ઉપાય બચ્યો નથી, અહીં નાગને જગાડવાની ક્રિયામાં નરસિંહ કુંડલિનીનું ઉધર્વગમન પણ રૂપકમાં દર્શાવી આપે છે ! ચરણથી લઇ અને મૂછ (નાક) સુધી પહોંચ્યાનું સ્મરણ ફરીને કરાવે છે. અને યોગવિદ્યામાં કઠીન એવું ’વિશુદ્ધ ચક્ર’ પાર કર્યા પછી, લોભ અને લાલચના આ પાશમાંથી છૂટ્યા પછી શરૂ થાય છે ખરૂં દ્વંદ્વ ! કુંડલિનીના સંદર્ભે તે કહેવાય છે ’આજ્ઞાચક્ર’ જે બે આંખની વચ્ચે આવેલું છે. આને ત્રીકુટી પણ કહે છે, સાધકો તેને શંકરનું ત્રીજું નેત્ર પણ કહે છે. આ આજ્ઞાચક્રમાં થાય છે આરપારની લડાઇ ! આ કેન્દ્ર છે અહંકારનું. (નાક કપાયું અને નાક બચ્યું જેવા શબ્દો યાદ કરો !)
“બેઉ બળિયા બાથે વળગિયા, શ્રીકૃષ્ણે કાળીનાગ નાથિયો”
નરસિંહે રચેલા આ કાવ્યના કદાચ કેટલાયે અર્થ નીકળતા લાગે પરંતુ અહીં મારા મનમાં એક અર્થ એ પણ નીકળે છે કે આ આખી લડાઇ ક્યાંય બહાર નથી થયેલી ! આ વર્ણન જ આખું માણસના મનોદ્વંદ્વનું છે ! તેના ડર, કામ, મોહ, લોભ, લાલચ, ક્રોધ અને અહંકાર સામેના દ્વંદ્વનું. અહીં માણસના મનમાં પડેલી સત-અસત વૃતિઓનો સંઘર્ષ છે. એક પછી એક વૃતિ પર વિજય પામી અને આજ્ઞાચક્રમાં પહોંચેલો માણસ તેની અંતિમ લડાઇ ’અહંકાર’ સામે લડે છે. ’મેં ડરને જીત્યો, કામને જીત્યો, ક્રોધને જીત્યો, મોહને જીત્યો, લોભ અને લાલચને જીત્યા !!’ આ અહંકાર હવે અહીં માણસને રોકી પાડે છે. સાધનાપથની વાત કરીએ તો સાધકને રોકી પાડે છે. અને ભક્તિમાર્ગમાં પણ આ જ કહેવાય છે. ગંગાસતીના ભજનને જુઓ તો કહે છે; ’માન રે મુકીને તમે, આવો ને મેદાનમાં ને’, આ માન મુકવું બહુ કઠીન કામ છે. આ કામ બુદ્ધિથી થવું સંભવ નથી ! કારણ, બુદ્ધિને પોતાનો અહંકાર હોય છે ! અહીં નરસૈંયાનો ભક્તિમાર્ગ જીતે છે ! અહીં બુદ્ધિ નહીં બુદ્ધની જરૂર પડે છે !! અહીં બળ કે કળ નહીં ચાલે કૃષ્ણ ચાલશે !! આવું પ્રબુદ્ધજનોનું મંતવ્ય છે. અને અંતે આ છેલ્લી લડાઇ જીતાય છે. (સત્યમેવ જયતે)
હવે એ વાત આવે છે જે વર્ષોથી ઘણાને હેરાન કરે છે ! અમે પણ આ પ્રશ્નનો સામનો કર્યો છે ! જેનો ઉત્તર પણ જ્ઞાનીજનોને સથવારે કંઇક કંઇક સાંપડ્યાનું જણાય છે.
“સહસ્ત્ર ફેણાં ફુંફવે જેમ, ગગન ગાજે હાથિયો” — અહીં અંતિમ સવાલ એ થાય છે કે નાગ નથાયો. કાબૂમાં થયો, પછી તો તે ઢીલોઢફ પડી જવો જોઇએ ! અહીં તો નરસિંહ લખે છે, ’સહસ્ત્ર ફેણાં ફુંફવે..’. આ વર્ણન છે કુંડલિની જાગૃતિનું, આ વર્ણન છે કુંડલિની યોગના અંતિમ ચક્ર, ’સહસ્ત્રાધાર ચક્ર’નું. મસ્તકના સર્વોચ્ચ બિંદુએ આવેલું આ ચક્ર, કહે છે જ્યારે આજ્ઞાચક્ર પર વિજય પ્રાપ્ત થાય છે, જ્યારે અહંકાર પર વિજય પ્રાપ્ત થાય છે, ત્યારે સહસ્ત્રાધાર ચક્ર જાગી ઊઠે છે. જૈન અને બુદ્ધિઝમમાં તેને ’ડાન્સિંગ ઓફ ધ થાઉઝેન્ડ પેટલ લોટસ’ કહે છે. આ જે ગગન ગાજે હાથીયોનો ગડગડાટ થાય છે તે જ છે કુંડલિની શક્તિ. અહીં સાધક જીવમાંથી શિવ સ્વરૂપ બને છે. શંકરાચાર્યનો ’અહમ બ્રહ્માસ્મિ’નો નાદ પણ અહીં જ થતો હશે ! આ યાત્રા કોઇ બાહ્યયાત્રા નથી, આ અંતરયાત્રા છે, સહસ્ત્રદલ કમળ સમાન અમુલ્ય સત્યને પામવાની યાત્રા છે. નરસિંહ આ યાત્રા આપણને કરાવે છે. યાત્રાના માર્ગમાં આવનારા વિઘ્નનો પરિચય પણ આપે છે. જો કે હજુ થોડું કહેવાનું બાકી રહી જાય છે. નરસિંહના આ અદ્‌ભૂત જ્ઞાનને હજુ પણ ઓળખવાનું બાકી રહ્યું છે. તો ચાલો આગળ વધીએ.
“બેઉ કર જોડી વીનવે, સ્વામી ! મૂકો અમારા કંથને
અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને
થાળ ભરીને શગ મોતીડે, શ્રીકૃષ્ણને રે વધાવિયો
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો”
અહીં પહેલું તો એ જણાવાય છે કે, કૃષ્ણ નાગને નાથે છે, તેના પર કબ્જો કરે છે, પણ તેને મારતો નથી ! કાળીનાગને સ્વયં મનોવૃતિઓનું પ્રતિક ગણો તો, વૃતિઓ મારી મરતી નથી. તેના પર માત્ર કાબૂ કરવાનો છે ! નરસિંહ ન તો આ ઇંદ્રિયોની વૃતિઓથી ડરીને ભાગવાના મતનો છે ન તેને કબ્જે થવાના મતનો છે કે ન તો તેને મારવાના મતનો છે ! તે તો આ વૃતિઓ રૂપી કાળીનાગને વશમાં કરી, તેનું ઝેર ચૂસી લઇ, જીવનરૂપી જમનાના જળમાં રમવાના મતનો છે. ઉપર ત્રુટક ત્રુટક આપણે મારી અલ્પ સમજ મુજબનો યોગમાર્ગ પણ જોયો જ આધ્યાત્મનો બહુ જ ગુઢ સંકેત પણ આ કાવ્યમાં સંતાયેલો મળે છે જે લગભગ ભાગ્યે જ કોઇ જ્ઞાનીના ધ્યાને ચઢ્યો હશે ! આ આખા કાવ્યની મુળ મજા તેના બદલાતા સંદર્ભમાં છે. આ કાવ્યની શરૂઆત થી અંત સુધીમાં ’સ્વામી’ બદલાય જાય છે !
“જળકમળ છાંડી જાને બાળા, ’સ્વામી’ અમારો જાગશે” અને અંતે,
“બેઉ કર જોડી વીનવે, ’સ્વામી’ ! મૂકો અમારા કંથને”
પ્રથમ સ્વામી કાળીનાગ છે અને અંતે સ્વામી કૃષ્ણ છે. આપણી જીવનરૂપી જમનામાં સ્વામી નાગ છે ત્યારે ઝેર છે અને સ્વામી કૃષ્ણ બની જાય છે ત્યારે એ જ જમના અમૃત છે. એમ કહેવાનો નરસિંહનો આશય હોય તેવું અહીં જણાય છે. (આ રહસ્ય શ્રી જવાહર બક્ષીજીના કહેવા મુજબ તેમને જુનાગઢમાં એક મુસ્લિમ સુફી સંતે સમજાવ્યું હતું !! બોલો ફરી એમ જ કહી શકાય ને કે ’તું રહેતા કહાં કહાં પર હૈ ઔર પતા કહાં કા દેતા હૈ !’)
આ એક કાવ્યને આધારે હજુ પણ ઘણું ઘણું ચિંતન મનમાં ઉદ્‌ભવે છે, બધું જ કંઇ સાચી દીશાનું હશે તેવું નથી માનતો પરંતુ આપણી સંસ્કૃતિમાં અદ્‌ભુત ચિંતન પરંપરા રહેલી છે (અને ઉપરની સુફી સંતની વાત વાંચ્યા પછી આ ’આપણી સંસ્કૃતિ’નો વિશાળ અર્થ પણ ધ્યાને રાખવો !) જેના નિર્વહનનો ગુણ કદાચ આપણને વારસામાં મળે છે, ઊંડા અંધારેથી પણ પરમ ઉજાસ શોધનારા આપણે, પથ્થરમાં પણ પરમેશ્વર શોધનારા આપણે, શબ્દોમાં કશો જ મર્મ ન હોય તેમ તો શી રીતે ધારી લઇએ ? આથી મારી જાતને રોકી નથી શકતો ! (અને એ કારણે આપણે સૌ નિરાંતવા ખાઈ-પી અને નિંદર નથી કરી શકતા !!) આ રસાસ્વાદના પ્રયત્નને માટે વિવિધ ચિંતન ક્રિયાઓ દ્વારા માર્ગદર્શન કરનારા બધાજ સ્નેહીમિત્રોનો આભાર માનું છું. નરસિંહની અને આપણા અમુલ્ય વારસા સમાન અન્ય કૃતિઓનો પણ આગળ ઉપર વિવિધ દૃષ્ટિબિંદુએથી રસાસ્વાદ કરવાનો પ્રયત્ન હું તો કરીશ જ, આપ પણ કરશો તો આનંદ થશે. આ પછીના લેખમાં આપણે ’ગીતગોવિંદમ્‌’ને આગળ વધારીશું. આભાર.
* જળકમળ છાંડી જાને.. (વિકિસોર્સ ગુજરાતી પર)
* જળકમળ …સાંભળો (મીતિક્ષા.કોમ પર)

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment