Tuesday, July 5, 2011

ચતુર પુત્ર …


નાનકડા એક ગામમાં રામદીન નામે એક ખેડૂત તેની પત્ની, એક પુત્ર અને વૃદ્ધ પિતા સાથે રહેતો હતો.
એક સવારે રામદીન પોતાના વૃદ્ધ પિતાને ક્યાંક લઈને જઈ રહ્યો હતો. એ વખતે એનો પુત્ર બોલી ઊઠ્યો, ‘પિતાજી ! આપ દાદાજીને ક્યાં લઇ જઈ રહ્યા છો ?’
‘બેટા ! શહેરમાં લઇ જઈ રહ્યો છું.’
‘હું પણ શહેરમાં આવીશ.’ પુત્ર જીદ કરવા લાગ્યો.
‘ના, બેટા ! તું અહિંયા જ રહે. તારી માં તને સારી-સારી વસ્તુઓ, મીઠાઈઓ ખવડાવશે.’
‘અંદર ચાલ. તારા પિતાજી ગઈકાલે તારા માટે મીઠાઈ લાવ્યા હતાં, એ ખવડાવીશ.’ એની માએ બાળકને લાલચ આપતાં કહ્યું.

બાળકની માએ તેણે ઘણી લાલચો આપી, પિતાએ ધમકાવ્યો છતાં છોકરો ન માણ્યો અને દોડીને બળદ ગાડીમાં બેઠેલા પોતાના દાદાજીના ખોળામાં બેસી ગયો.
રામદીને ગુસ્સે થતાં કહ્યું : ‘વિચિત્ર મુસીબત છે. હવે આણે પણ સાથે લઇ જવો પડશે.’
‘કંઈ નહીં હવે ! માનતો નથી તો લઇ જાવ. એ નાનો બાળક જ છે ને ! એણે કંઈ ખબર પડશે નહીં.’ રામદીનની પત્ની બોલી.
થોડે આગળ જતાં રામદીને પોતાની ગાડી એક એકાંત જંગલમાં રોકી અને પોતે ગાડીમાંથી નીચે ઉતારી ગયો અને કહ્યું : ‘તમે બંને જણા અહીં જ રહેજો. હું હમણાં આવું છું.’

આટલું કહ્યા પછી એ એક જગ્યાએ જઈ એક ખૂણામાં ખાડો ખોદવા લાગ્યો. થોડીવારમાં એનો પુત્ર પણ ત્યાં આવી પહોંચ્યો.
રામદીને પોતાના પુત્રને ધમકાવતા કહ્યું : ‘તું અહીંયા શા માટે આવ્યો ? જા તારા દાદાજી પાસે બેસ.’
‘બાપુ ! તમે અહીંયા શું કરી રહ્યા છો?’ છોકરાએ નિર્દોષતાપૂર્વક પૂછ્યું.
‘જમીન ખોદી રહ્યો છું, દેખાતું નથી ?’ રામદીને ચિડાઈને ઉત્તર આપ્યો.
‘બાપુ ! તમે શા માટે જમીન ખોદો છો ?’
‘જમીનમાં કાંઈ દાટ્યું છે ?’ છોકરાએ ફરી ભોળા ભાવે પૂછ્યું.
રામદીન વિચારવા લાગ્યો કે હવે આને સાચી વાત કરવી જ પડશે. પછી કહ્યું : ‘બેટા ! હું તારા દાદા માટે કબર ખોદી રહ્યો છું.’
‘દાદાજી માટે ? પણ દાદાજી તો હજી જીવતા છે ?’ છોકરાએ ફરી નવાઈપૂર્વક કહ્યું.
‘હા, તારી વાત સાચી છે. પણ હવે તે એટલા ઘરડા થઇ ગયા છે કે હવે એ મારા માથે ભારરૂપ બની ગયા છે. હવે એ વધારે દિવસો સુધી જીવતાં નહીં રહે. માટે તારી માએ અને મેં નક્કી કર્યું છે કે તેમને અત્યારથી ખાડામાં દફનાવી દેવામાં ખોટું શું છે ?’
‘તમે આ ઘણું સારું કર્યું બાપુ કે મને આ વાત કરી દીધી.’
‘હા પણ મને પૂરો વિશ્વાસ છે કે મારો રાજુ આ વાત કોઈને નહિ કહે.’ રામદીને છોકરાને પટાવતા કહ્યું.
‘ના બાપુજી ! હું કોઈને વાત નહી કરું. પણ થોડીવાર માટે આ માટી ખોદવાનો પાવડો મને આપોને બાપુજી.’ છોકરા કહ્યું.
રામદીનને પોતાના પુત્રની વાત સાંભળી નવાઈ લાગી, એમ છતાં પાવડો એના હાથમાં આપી દીધો અને એ શું કરવા માંગે છે એ જાણવા એની પાછળ-પાછળ ચાલવા લાગ્યો.
છોકરો થોડે દૂર ગયા પછી ખાડો ખોદવા લાગ્યો. રામદીનને નવાઈ લાગી એટલે પૂછ્યું : ‘બેટા ! આ તું શું કરી રહ્યો છે ?’
‘પિતાજી ! હું ખાડો ખોદી રહ્યો છું.’
‘પણ તું શા માટે ખાડો ખોદે છે ?’
‘પિતાજી ! તમને ખાડો ખોદતાં કેટલીવાર થઇ ગઈ. બિચારા દાદાજી ક્યારના બેસી રહ્યા છે. હું અત્યારથી જ ખાડો ખોદી રાખું તો તમે ઘરડા થાવ ત્યારે મારે તમને જ્યારે આ રીતે ખાડામાં દફનાવવા હોય ત્યારે મારે તમને આવી રીતે વધારે વાર બેસાડી રાખવા ના પડે એટલે અત્યારથી જ ખાડો ખોદી રાખું છું, જેથી તમને તરત જ દાટી શકાય.’
‘બેટા ! આ તું શું કહે છે, તેનું તને ભાન છે ?’
‘હા, પિતાજી ! દાદાજીએ તમને પાળી –પોષી – ઉછેરીને મોટા કર્યાં અને આજે ઘડપણમાં તમારે એને સાચવવા જોઈએ, સહારો આપવો જોઈએ, તેના બદલે તમે એમને બોજારૂપ ગણીને જીવતા દાટી રહ્યા છો, તો આવતી કાલે તમે પણ ઘરડા થશો ત્યારે મને પણ ભારરૂપ લાગશો, એટલે મારે પણ તમને જીવતા દાટવા પડશે. એટલે અત્યારથી જ ખાડો ખોદી રાખું છું, જેથી તમને અહીં લાવીને તરત જ દફનાવી શકું. આપણા પરિવારની આ પરંપરા હું બરાબર જાળવી રાખીશ.’
આ સાંભળી રામદીનની આંખ ખૂલી ગઈ. તેણે પોતાના વર્તન માટે અત્યંત પસ્તાવો થવા માંડ્યો. તેણે પોતાના પુત્રને બાથમાં લીધો અને પશ્ચાતાપનાં આંસું સારતો બોલ્યો :
‘પિતાજી ! તો હું પણ તમે ઘરડા થશો ત્યારે એવી જ રીતે તન-મનથી તમારી સેવા કરીશ.’ પુત્ર બોલ્યો.
એ પછી રામદીને પોતાના પિતાજીને ફરી ગાડીમાં બેસાડ્યા અને પુત્રને લઈને ગાડી ઘર તરફ વાળી. અને એના પિતાજી જીવ્યા ત્યાં સુધી ઘણા ખંતથી તેમની સેવા-ચાકરી કરી.
ઉપસંહાર : માતા-પિતાનો ગણ/ઉપકાર જીવનમાં ક્યારેય ભૂલવો ન જોઈએ. તેનું કોઈ મૂલ્ય ચૂકવી શકાય નહિ. તેમનું અમૂલ્ય રત્નની જેમ જતન કરવું જોઈએ.
બીજાના માટે ખાડો ખોદશો તો તમારા માટે ખાઈ તૈયાર થયેલી મળશે.

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment