Sunday, May 1, 2011

એક વાત





[1] વિકટ પરિસ્થિતિમાંથી બેઠા થવું



બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે એક વાર કહ્યું હતું : ‘દુ:ખ-તકલીફો-કલેશ જીવનમાં અનિવાર્યપણે આવે જ છે. એને તમારા પર કેટલું હાવિ થવા દેવું એ તમારા હાથમાં છે. એમણે આગળ વાત કરતાં એમ પણ કહ્યું કે તમને શારીરિક ઈજા થાય, તમારી પાસે ખાવાનું ન હોય કે તમારું ઘર આગમાં સળગી ગયું હોય તો તમે ખરેખર મુશ્કેલીમાં છો. એ સિવાયની તમામ તકલીફો માત્ર અગવડતાથી વિશેષ કશું જ નથી.’ ચર્ચિલની આ વાત માણસના જીવનમાં આવતી કટોકટીભરી કે વિપરીત સંજોગોવાળી પરિસ્થિતિ – ક્રાઈસિસ – ના સંદર્ભમાં સમજવા જેવી છે.



ક્રાઈસિસ ગમે ત્યારે આવી શકે છે. એક તબક્કે આખું જીવન સડસડાટ, કોઈ અડચણ વિના ચાલતું હોય અને બીજી જ મિનિટે કોઈ એવી માઠી ઘટના બને કે સુરક્ષિત જિંદગીનો ગઢ તૂટવા લાગે. જીવનને ફિલસૂફીના દષ્તિકોણથી જોતા લોકો તો કહેતા જ આવ્યા છે કે માનવજીવનમાં અંગત સ્તરે કે બાહ્ય સ્તરે કશું જ સ્થાયી નથી. તેમ છતાં કેટલીક ક્રાઈસિસ વાસ્તવિક હોય છે, કેટલીક માનવમનની પ્રતિક્રિયાઓને લીધે ઊભી થતી હોય છે. નાની કે મોટી જાતસર્જિત, માનવસર્જિત કે કુદરતી આપત્તિ વખતે માણસ એનો સામનો કેવી રીતે કરે છે એના પર બધો આધાર રહે છે. ઘણા લોકો એમના સ્વભાવને કારણે નાનામાં નાની અગવડને જીવનમરણના પ્રશ્ન જેવડી મોટી કરીને જુએ છે અને બેહાલ થઈ ગયા જેવી અકળામણ અનુભવે છે. જ્યારે કેટલાક લોકો ખૂબ વિકટ પરિસ્થિતિમાં પણ ધીરજ ગુમાવતા નથી અને એને સાચા અર્થમાં – યોગ્ય પરિમાણમાં સમજવાનો પ્રયત્ન કરે છે. નબળા માનસવાળા લોકો જલદી ભાંગી પડે છે, આંતરિક વિત્તવાળા લોકો રાખમાંથી બેઠા થાય છે.

એક સ્ત્રીના જીવનમાં બનેલી ઘટના જોઈએ. સગવડતા ખાતર એનું નામ કમળા રાખીએ. કમળાના પતિએ ખૂબ મહેનત કરીને એક ફેક્ટરી નાખી હતી. એનો ધંધો જામવા લાગ્યો હતો. લાંબા સંઘર્ષ પછી એમનું જીવન સ્થિર થવા લાગ્યું હતું. એ જ વખતે ખબર પડી કે પતિને કૅન્સર છે. કમળા ઉપર આભ તૂટી પડ્યું. પતિની જીવલેણ બીમારી, એણે માંડ જમાવેલા ધંધાની અને કુટુંબની જવાબદારીથી કમળા ઘેરાઈ ગઈ. આ બધી વિપત્તિઓ ઓછી હોય એમ કમળાની કારને અકસ્માત થયો. નસીબજોગે એને ઈજા થઈ નહીં. આવી ચારેકોરના પડકારોની સામે કમળાનું અત્યાર સુધી સુષુપ્ત રહેલું વિત્ત પૂરી તાકાત સાથે પ્રગટ્યું. એણે કોઈ પણ બાબતમાંથી આશા ગુમાવી નહીં, જાતને પણ તૂટવા દીધી નહીં. જરૂરી આયોજનો કર્યાં, કુટુંબીજનો અને મિત્રોની મદદ મેળવી અને થોડાં વર્ષો પછી એનું જીવન ફરીથી સમથળ થઈ ગયું. એ સ્ત્રી કહે છે : ‘મેં માનસિક સ્વસ્થતા ગુમાવી નહીં, શિસ્તબદ્ધ આયોજન કર્યું અને મારી અંદર આશાવાદને ટકાવી રાખ્યો. મારા ઉપર દુ:ખના ડુંગર એકસામટા તૂટી પડ્યા ત્યારે જ મને ખબર પડી કે હું અંદરથી કેટલી બધી મજબૂત છું. મારો પતિ જે સ્વસ્થતાથી કૅન્સરનો સામનો કરી રહ્યો હતો એ જોઈને મને પ્રેરણા મળી હતી.’



ક્રાઈસિસ વખતે કમળા જેવી તાકાત બધાએ બતાવવી જોઈએ. એ માટે સૌથી વિશેષ જરૂરી હોય છે સકારાત્મક અભિગમની. નકારાત્મક અને હતાશા જન્માવે એવા વિચારો માણસ સામેના બધા જ વિકલ્પોને બંધ કરી નાખે છે. કેવિન એલ. પોલ્ક નામના માનસશાસ્ત્રી કહે છે : ‘સકારાત્મક વિચારો નવા દરવાજા ખોલી આપે છે. જો તમે સ્વસ્થ ચિત્તે વિચાર કરી શકો તો ગમે તેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરી શકો છો.’ બીજી આવશ્યકતા છે તમારી સામે ઊભી થયેલી સમસ્યાને પૂરેપૂરી સમજો. જે બન્યું છે તે વાસ્તવમાં કેટલું ગંભીર છે અને તેના કારણે ખરેખર કેવા પ્રકારનો ભય ઊભો થયો છે તે સમજી લેવું જોઈએ. કાલ્પનિક અને અતિશયોક્તિભર્યો ભય માણસની વિચારશક્તિને ધૂંધળી બનાવી દે છે. ઊભી થયેલી વિકટ પરિસ્થિતિથી તમને થઈ રહેલા દુ:ખને બરાબર સમજો અને એને છુપાવો નહીં. બદલાયેલી પરિસ્થિતિમાં પણ શક્ય તેટલી હદ સુધી જીવનના નિત્યક્રમને જાળવી રાખવો જોઈએ. તમારો ટ્રેક સાચવી રાખવો જરૂરી છે. દુ:ખમાંથી પસાર થવાથી જ એમાંથી છુટકારો મળે છે. જાતને એક વાતની સતત યાદ અપાવતા રહેવું જોઈએ કે ક્રાઈસિસ માત્ર તમારા એકલાના જીવનમાં જ આવી નથી. બીજા અસંખ્ય લોકોના જીવનમાં પણ તમારાથી ખરાબ સમસ્યાઓ આવી છે. જરૂર પડે તો સમજદાર મિત્રો પરિવારજનોની મદદ લેતાં પણ ખચકાવું જોઈએ નહીં.



જરૂર છે યોગ્ય સમયે, યોગ્ય વિચાર કરીને લીધેલા નિર્ણયની. એક જાપાની કહેવત છે કે સક્રિય થયા વિના માત્ર વિચારો જ કરતા રહેવું એ દિવાસ્વપ્નો જેવું છે, પણ પૂરતો વિચાર કર્યા વિના લીધેલાં પગલાં દુ:સ્વપ્નો બની જાય છે.



[2] વાર્તાઓ કહેવી અને સાંભળવી



બાળકોને વાર્તા સાંભળવી બહુ ગમે છે. એમને વાર્તામાં મજા આવે છે માત્ર એ જ કારણસર નહીં, પણ એમના વ્યક્તિત્વના વિકાસ માટે પણ વાર્તાઓ ઘણી લાભદાયક નીવડે છે, આજના જમાનામાં તો ખાસ. અત્યારે ટેલિવિઝન, કોમિક બુક્સ, વીડિયો ગેમ્સ, સિનેમા જેવાં બાળકોના આકર્ષણનું કેન્દ્ર બને એવાં અનેક માધ્યમો સહેલાઈથી ઉપલબ્ધ છે. એના થોડાઘણા લાભ હશે, પણ મોટા ભાગે જે રીતે એ માધ્યમોનો બેદરકારીથી ઉપયોગ કરવામાં આવે છે એનાથી ગેરલાભ થવાની શક્યતાઓ ઘણી વધી ગઈ છે.



બાળમાનસના અભ્યાસીઓ કહે છે તેમ બાળકોની કલ્પનાશક્તિ વધે છે તેવી પ્રવૃત્તિઓની એમને ખાસ જરૂર રહે છે. બાળવાર્તાઓ એ જરૂરિયાતને સંતોષે છે. રસપ્રદ-બોધપ્રદ વાર્તાઓમાંથી બાળકોમાં અજાણતાં જ – સહજ રીતે – સંસ્કારનું ઘડતર થાય છે. આજના અતિવ્યસ્ત જમાનામાં માબાપ એમનાં સંતાનોને દરરોજ એક વાર્તા કહેવાનો નિયમ રાખે તો બાળકો અને માતાપિતા વચ્ચે ખુલ્લા દિલે વાતો કરવાનું વાતાવરણ રચાય છે. કાલ્પનિક કથાઓ ઉપરાંત વડીલો એમના જીવનમાં બનેલી જાતજાતની સાચી ઘટનાઓ વિશે પણ વાર્તારસ જાળવીને બાળકોને કહે તો બાળકમાં એક પ્રકારે પોતાના કુટુંબ સાથે જોડાવાની તક મળે છે. એક બાળક ઝાડ ઉપર ચડતાં પડી ગયું, એને વાગ્યું તો હતું પણ માબાપે એના ઉપર કરેલા ગુસ્સાને લીધે એની ચામડી જેટલી છોલાઈ હતી એથી વધારે એનું મન છોલાયું હતું ! એવી જ એક બીજી ઘટનામાં બાળક તોફાન કરતાં કરતાં પડી ગયું ત્યારે એની દાદીએ એને પોતાના શાળાજીવન દરમિયાન બનેલો પ્રસંગ કહ્યો. દાદી જ્યારે નવદસ વર્ષની હતી ત્યારે શાળાના ચોગાનમાં આવેલા ઝાડ ઉપર ચઢી ગઈ હતી. ત્યાંથી નીચે ઊતરવા માટે ભૂસકો મારવા ગઈ અને એનું ફ્રોક ઝાડની ડાળીમાં ફસાઈ ગયું ત્યારે એ કેવી ઊંધા માથે લટકવા લાગી હતી એ પ્રસંગ સાંભળીને સાથે બેઠેલું બાળક ખડખડાટ હસવા લાગ્યું હતું. એની સામે બેઠેલી ધોળા વાળવાળી વૃદ્ધ દાદી કોઈ સમયે નાનકડી બાળકી હોય અને એ ડાળીમાં લટકવા લાગી હશે એ ચિત્ર જ એને પ્રસન્ન કરી ગયું હતું. પછી દાદીએ ધીરેથી ઉમેર્યું : ‘તે દી’ની ઘડી ને આજનો દિવસ, મેં કોઈ વાર વાગી જાય એવું તોફાન કર્યું નથી.’ મા-બાપ અને દાદાદાદી પોતે જ્યારે નાનાં હતાં ત્યારે એમનાથી પણ ભૂલો થઈ હતી એવા પ્રસંગોની વાતો કરે તો બાળકોમાં એમની ભૂલો માટે નકારાત્મક અપરાધભાવ જાગતો નથી, પણ સાહજિક સમજ વિકસે છે.



સામાન્ય રીતે વડીલો વાર્તા કહે અને બાળકો એ સાંભળે છે. એનાથી ઊલટું પણ કરી શકાય. બાળકો વાર્તા કહે અને વડીલો તે સાંભળે એવો ક્રમ પણ વચ્ચે વચ્ચે લાવી શકાય. એવું કરવાથી બાળકમાં કલ્પનાશક્તિ ખીલે છે, ભાષાનો યોગ્ય ઉપયોગ કરવાની શક્તિ વધે છે અને વર્ણન કરવાની આવડતની સાથે સાથે અન્ય લોકોની સાથે સંવાદ કરવાની ટેવનો પણ વિકાસ થાય છે. બાળકોનું વિશ્વ ખૂબ નિરાળું હોય છે. એમના મનોજગતમાં જાતજાતનાં પ્રાણીઓ, પક્ષીઓ, દેવો-દાનવો, પરીઓ, આજુબાજુની સજીવ અને નિર્જીવ સૃષ્ટિ વગેરેની સાથે અલગ પ્રકારનું વિસ્મયજનક ખેંચાણ રહેલું હોય છે. બાળકો એમના મનમાં જે ચાલતું હોય એના વિશે વાર્તા રચીને જ્યારે વાત કરે છે ત્યારે એમની આ અજબગજબની ભાવસૃષ્ટિ સાથે વડીલો જોડાઈ શકે છે અને બાળકના મનમાં શું ચાલે છે એનો એમને ખ્યાલ આવે છે.



આ દિશામાં થયેલાં સર્વેક્ષણોમાંથી જાણવા મળ્યું છે કે બાળકોને વાર્તા કહેવાથી અને બાળકો પાસેથી વાર્તાઓ સાંભળવાથી બાળકના મનમાં એક પ્રકારના ‘સહિયારા અનુભવ’ અને ‘સહિયારાં જ્ઞાન-માહિતી’નો ભાવ જાગે છે. એ એવું અનુભવે છે કે પોતાની લાગણીઓ, કલ્પનાઓ, વિચારો અને તર્કો-તુક્કાઓ વડીલોની સાથે વહેંચી શકાય છે. બાળક વાર્તા કહેતું હોય ત્યારે એને ધ્યાનથી સાંભળવું જોઈએ. બાળકને લાગવું જોઈએ કે વડીલો એનામાં સાચેસાચ રસ લઈ રહ્યાં છે. એવું થવાથી બાળકમાં આત્મવિશ્વાસ વધે છે, પોતાની વાત ખુલ્લા દિલે કહી શકવાની શક્તિ બહાર આવે છે. આ બધા જ ગુણો મોટા થયા પછી બાળકને કામ લાગે છે.



વાર્તાઓ કહેવી અને સાંભળવી – આ પ્રવૃત્તિ છેક પુરાતનકાળથી ચાલી આવે છે. જગતભરની બાળવાર્તાઓ અને લોકવાર્તાઓ આ સત્યની સાક્ષી પૂરે છે. વાર્તાઓની પરંપરાથી કુટુંબજીવન, જુદી જુદી જાતિઓના રીતરિવાજો – વહેવારો વગેરેની માહિતી એક પેઢીમાંથી બીજી પેઢી સુધી વિસ્તરે છે. વાર્તાઓ દ્વારા માનવસમાજ પોતાની પરંપરાઓ, માન્યતાઓ, શ્રદ્ધાઓ, વહેમો અંધશ્રદ્ધાઓ અને જીવનનાં મૂલ્યોની શોધ કરતો રહ્યો છે. જગતભરની કલ્પનારંગી, અદ્દભુત કથારસથી ભરપૂર, વ્યવહારલક્ષી વાર્તાઓએ જુદી જુદી સભ્યતા અને સંસ્કૃતિવાળી માનવજાતને એક રાખવામાં ખૂબ મોટો ફાળો આપ્યો છે. જે કામ કોઈ સીધા ઉપદેશથી કે લાંબાંલાંબાં વ્યાખ્યાનોથી થઈ શકતું નથી એ કામ વાર્તાઓ વડે સહેલાઈથી થઈ શક્યું છે. આ બધામાં બાળવાર્તાઓનો ફાળો ઘણો જ મોટો છે એ વાત આજના કૃત્રિમ અને અત્યંત ખર્ચાળ મનોરંજનના યુગમાં ભુલાવી જોઈએ નહીં.



[3] પહેલા પ્રેમની લહેરખીનું વાવાઝોડું



એક છોકરો દરરોજ સ્કૂલ છૂટવાના સમયે છોકરીઓની સ્કૂલની સામે ઊભો રહે છે. સ્કૂલના દરવાજામાંથી એક છોકરી બહાર નીકળે છે. છોકરી એના ઘર તરફ ચાલવા લાગે છે. છોકરો પણ એની પાછળ પાછળ જાય છે. એ આગળ ચાલી રહેલી છોકરીના ચહેરાની એક ઝલક મેળવવા માટે બેતાબ છે. છોકરીને પણ ખબર છે. એ ઘરમાં પ્રવેશતાં પહેલાં એક વાર પાછળ જોઈ લે છે અને પછી અંદર ચાલી જાય છે. છોકરાની આંખો સામેથી છોકરીનો ચહેરો ખસતો નથી. એની કલ્પનામાં છોકરીના ગાલ ગુલાબના ફૂલની જેમ ખીલતા રહે છે. છોકરીનો અવાજ ગીતની ધૂનની જેમ એના કાનમાં ગુંજતો રહે છે. એના વાળની સુગંધ એને ઘેરી વળે છે. રાતદિવસ – ચોવીસેચોવીસ કલાક.



આ દશ્ય તરુણાવસ્થામાં પહેલીવાર પ્રેમમાં પડેલા કિશોર-કિશોરીનું છે. એ દશ્ય મારા-તમારા ભૂતકાળનું પણ હોઈ શકે છે. આ એવો અનુભવ છે, પ્રથમ પ્રણયનો – જેમાં પાણીમાં ઊગતી લીલ ઉપર ઉઘાડા પગે ચાલવા જેવું લાગે છે. જિંદગીમાં પ્રથમ પ્રણયનો અનુભવ અદ્દભુત ઘટના છે – કદી પણ ભૂલી શકાય નહીં એવો તરલ – સ્નિગ્ધ અનુભવ. તરુણોની લાગણીની અભ્યાસી લેખિકા એમિલી જોહનસન લખે છે તેમ ‘પહેલો પ્રેમ હવાની લહેરખીની જેમ આવે છે અને તોફાની પવનની જેમ પણ ફૂંકાય છે. એ જ્યારે આવે છે ત્યારે એની અદ્દભુત લાગણીના પ્રચંડ પૂરમાં તરુણ હૈયાં તણાતાં જ રહે છે.’ મહાન નાટ્યકાર જ્યોર્જ બનાર્ડ શૉ પ્રથમ પ્રણયની લાગણીને જુદી રીતે જુએ છે. એમણે કહ્યું છે : ‘પ્રથમ પ્રેમ મૂર્ખતા સિવાય, બીજું કશું જ નથી કારણ કે એમાં વિસ્મય-ઉત્સુકતા-કુતૂહલનું તત્વ વધારે હોય છે.’ એમની વાત સમજવા જેવી છે. તરુણાવસ્થામાં કિશોર-કિશોરીઓની સાથે ઘણુંબધું પહેલીવાર બને છે. એ બધું એમને અત્યંત રહસ્યમય લાગે છે. એથી જ્યારે પ્રેમનો ભાવ પહેલીવાર જાગે છે ત્યારે કશુંક નવું બની રહ્યું હોવા વિશેની ઉત્સુકતા વિશેષ હોય છે. ઘણી વાર એ ઉત્સુકતા – એ વિસ્મય પ્રેમનું સાચું સ્વરૂપ ધારણ કરે ન કરે એ પહેલાં તો કોઈ દર્દનાક સપનાની જેમ વિખેરાઈ જાય છે.



જરૂરી નથી કે પ્રથમ પ્રણયની ઘટના કિશોરાવસ્થામાં જ બને. એ માણસના જીવનમાં કોઈ પણ ઉંમરે બની શકે છે અથવા તો કદી પણ બને જ નહીં. તેમ છતાં એ તરુણાવસ્થાનો જ અનુભવ બને એવી શક્યતા વિશેષ છે. મોટાભાગના લોકો એમના પહેલા પ્રેમને જિંદગીભર ભૂલી શકતા નથી, પ્રૌઢ ઉંમરે લોકો એમની કિશોરવયની એ લાગણીઓને હસી કાઢવાનો પ્રયત્ન પણ કરે છે, છતાં એમને ખબર હોય છે કે એ બધું એક સમયે સાચેસાચ એમની સાથે બન્યું હતું અને એ સમયે એ લાગણી તમામ મુગ્ધભાવ સાથે ખૂબ તીવ્ર હતી. એ વયે અનુભવેલા પ્રથમ પ્રેમનો ઉન્માદ, એનો રોમાંચ, એ વખતની મૂંઝવણો અને બેતાબી પૂરેપૂરી પ્રમાણિક હોય છે. જિંદગીના કોઈ પણ તબક્કે એ હસી કાઢવા જેવી વાત હોતી નથી. એ વાત જુદી છે કે નાની વયનો પહેલો પ્રેમ ઝાઝું ટકતો નથી, પણ એ માણસના ચિત્ત ઉપર અમીટ છાપ છોડી જાય છે. એ વયમાં છોકરા-છોકરી વચ્ચે જાગતી નિકટતા એમની જાત વિશેની પ્રથમ ઓળખ બને છે. પહેલીવાર એમને સંબંધોની પ્રામાણિકતા, પવિત્રતા અને અસરપરસ માટેના વિશ્વાસનો પરિચય મળે છે, જે આગળ જતાં એમને પુખ્ત બનવામાં મદદ કરે છે. આપણે કોઈ પણ ભાષા પૂરેપૂરી શીખી લઈએ છીએ ત્યાર પછી પણ પહેલીવાર શીખેલી બારાખડીના મહત્વને ભૂલી શકતા નથી. એ રીતે જ સમગ્ર જીવનમાં બંધાતા બધા જ સંબંધોના પાયામાં પહેલા પ્રેમનો અનુભવ ઓછાવત્તા અંશે સચવાઈ રહે છે.



એન્દ્રેઆ દ્વોરકિન નામની યહૂદી લેખિકાની પ્રથમ નવલકથા ‘ફર્સ્ટ લવ’માં એની નાયિકા પોતાના પ્રથમ પ્રેમીને એક પત્રમાં લખે છે : ‘મેં તને ખૂબ પ્રેમ કર્યો હતો. હવે એ માત્ર સ્મૃતિ બની ગયો છે. એક દાટી દીધેલી ઘટના, છતાં આજે પણ હું તારો ચહેરો જોઈ શકું છું. મને ખબર છે કે એક સમયે એ ચહેરો મારી જિંદગીમાં હતો. હું જે રીતે સૂરજને યાદ કરી શકું છું એવી રીતે જ તને પણ યાદ કરું છું, હંમેશાં મારી અંદર સળગતા સૂર્યની જેમ. તું મારો જ એક હિસ્સો બની ગયો છે, મારી અંદર ભળી ગયો છે. તું મારી જિંદગી બની ગયો હતો એ સમયે જ આપણે અલગ થઈ ગયાં. તારાથી અલગ થવાનું દર્દ મારું કોઈ અંગ કાપી નાખવામાં આવ્યું હોય ત્યારે થાય એવા દર્દ જેવું મેં અનુભવ્યું છે.’



પ્રથમ પ્રણયના વાવાઝોડામાંથી પસાર થયેલી કોઈ પણ વ્યક્તિ એન્દ્રેઆ દ્વોરકિનની નવલકથાની નાયિકાના ઉદ્દગારો નીચે પોતાની સહી કરશે – જો એ લાગણીની બાબતમાં પ્રામાણિક હશે તો.





0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment