Wednesday, January 11, 2012

હું એક શિક્ષક છું




હું એક શિક્ષક છું શિક્ષક કદી નમાલો ગણતા નહીં,
હું સમાજનું હ્યદય ધબકતું સ્થાન ને મારા હણતા નહીં.

મેં કલાકો ગળા ઢઈડીને વર્ગખંડ મહેકાવ્યા છે,
મેં કળીઓને ફૂલ બનાવી બાગબાગ મહેકાવ્યા છે,
મેં વાવી છે શિષ્ટ સભ્યતા હવે આ મોસમ લણતા નહીં,
હું એક શિક્ષક છું શિક્ષક કદી નમાલો ગણતા નહીં

આદર્શોના ઈંધણ નાખી મેં સંસ્કારો રાંધ્યા છે,
ડૉક્ટર, વકીલ કે ઈન્સ્પેક્ટર મેં પાયેથી બાંધ્યા છે,
હું પાયાનો પથ્થર કોઈ જૂઠ ઈમારત ચણતા નહીં,
હું એક શિક્ષક છું શિક્ષક કદી નમાલો ગણતા નહીં.

ખાણમાં નાખી હાથ અને મેં કૈંક હીરાઓ ઝળકાવ્યાં,
શબ્દનો સેવક થઈને સાક્ષરતાનાં નેજાં ફરકાવ્યાં,
અને તમે શું આપ્યું ? પૂછો મા ! ઝખમને ખણતા નહીં,
હું એક શિક્ષક છું શિક્ષક કદી નમાલો ગણતા નહીં.

હા, હું હકથી , વટથી કહું છું સમાજ મારો ઋણી છે,
વેતન લઈને વતન સાચવ્યું તોય વાત અણસૂણી છે,
આદર ના આપો તો માફી,આરોપો બણબણતા નહીં,
હું એક શિક્ષક છું શિક્ષક કદી નમાલો ગણતા નહીં.

-શ્રી સાંઈરામ દવે

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment