Sunday, January 30, 2011

માતા-પિતાને, શિક્ષકોને….. – સંકલિત


માતા-પિતાને, શિક્ષકોને….. – સંકલિત



હજારો મા-બાપો માર મારી મારીને છોકરાઓને ડરપોક બનાવે છે. પછી જુલ્મી લોકો આ ડરપોકપણાનો લાભ ઉઠાવે છે. આમ, જુલ્મી લોકોના રાજ્ય ચાલે છે, તેની બધી જવાબદારી બાળકોને મારનાર મા બાપોની છે.”

- વિનોબા ભાવે

કેળવણીનો ઉદ્દેશ બાળકના શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્વયંસ્ફૂરીત વિકાસને સહાય આપવાનો છે, નહીં કે બાળકને ભણાવી ગણાવી, જેને શિષ્ટ કે ભણેલો કહેવામાં આવે છે, તેવો બનાવવાનો છે.

- ડો. મોન્ટેસરી

શેરીની નિર્દોષ ધૂળ બાળકને આનંદ કરતાંયે વહાલી લાગે છે. પવનની મીઠી લહરીઓ એને માની ચૂમી કરતાંય વધુ મીઠી લાગે છે. સૂરજના કોમળ કિરણો આપણા હાથ કરતાંયે કુમળા લાગે છે.

- ગિજુભાઇ બધેકા

શિક્ષકની વાચાળતા કરતાં તેનું મૌન વધુ કામનું છે. શિક્ષકે શીખવવા કરતાં બાળકોનું અવલોકન કરવું જરૂરનું છે. પોતે ભૂલ કરે જ નહિં એવું અભિમાન રાખવા કરતાં નમ્રતાથી પોતાની ભૂલો શોધવી અને સ્વીકારવી એ શિક્ષકનું કર્તવ્ય છે.

- ડો. મોન્ટેસરી

દરેક માતા પોતાના બાળકના મનમાં ચાલતા ભાવો સ્વયંભૂ રીતે સમજી જાય છે. ઇશ્વરની યોજનામાં એવું નથી કે એક સ્ત્રી મનોવિજ્ઞાનની વિદ્યામાં પારંગતની ડિગ્રી મેળવે ત્યાર પછી જ તેને માતૃત્વ મળે.

- જુગતરામ દવે

ઇશ્વરની સૃષ્ટીમાં બાળક એક અદભુત નિર્દોષ સર્જન છે. આપણે તેની સમક્ષ માનપૂર્વક ઉભાં રહી તેના વિકાસમાં ક્રમને ઓળખીને તેને અનુકૂળતા કરી આપીએ.

- ગીજુભાઇ બધેકા

જરૂરી જ્ઞાન વિના બાળકોને ઉછેરવાનું જોખમ વહોરવું એ ભારે ગંભીર પ્રકારનો દેશદ્રોહ કરવા જેવું છે. બાળકો એ ખાનગી બાબત નથી પરંતુ, રાષ્ટ્રની – દેશની એ મિલકત છે.

મા બાપ અને શિક્ષક કહે : ‘તું ના કરતો, હું કરું છું, તું ના બોલતો, હું બોલું છું, તું ના ચાલતો, હું ચાલું છું, તું ના લખતો, હું લખું છું’ આજ દિવસ સુધી આ જાતનું શિક્ષણ ઘરમાં ને શાળામાં બાળકોને મળ્યું. પરિણામ એ આવ્યું કે આજનું બાળક અપંગ છે; અપંગ બાળક પરાધીન છે; પરાધીન પરતંત્ર છે, અને પરતંત્ર એટલે ગુલામ.

- ગિજુભાઇ બધેકા

બાળક નથી પ્રભુનું પયગંબર કે નથી તે નિર્દોષતાની મૂર્તી, અને તે નથી નિરાધાર, મૂર્ખ કે આફત. બાળક એ બાળક જ છે, તે વિકાસને ઝંખતું, વિકાસ માટે જરૂરી એવી ચિતની તથા ઇન્દ્રિયોની સામગ્રી લઇને આવેલું, સ્વાવલંબન તરફ જવાની કુદરતી ઇચ્છાવાળું એક ચેતનતંત્ર છે. મા બાપ, કુટુંબ, કુદરત, પરિસ્થિતિ એ બધાં તેના વિકાસમાં મદદ કરે છે; પણ વિકાસ તો બાળક પોતે જ કરે છે.

- મૂ. મો. ભટ્ટ

બાળકો આપણને સાંભળતાં નથી, તેની ચિંતા કરવાની જરૂર નથી. પણ બાળકો આપણને જોઇ રહ્ય છે તેની ચિંતા કરવી જોઇએ.

- રોબર્ટ ફુલ્ધુમ

જીવન વિકાસનો પાયો બાલ્યાવસ્થામાં નખાય છે; બાળરોપાને સાચવશું તો બધું સચવાશે. જે દેશ બાળ કેળવણીમાં પછાત નહીં રહે તે કશામાં પછાત નહીં રહે.

- તારાબહેન મોડક

( ગિજુભાઇ બધેકા, મેડમ ડો. મોન્ટેસરી જેવા બાળમાનસના અભ્યાસુઓએ માતા પિતા અને શિક્ષકો માટે ઘણાં માર્ગદર્શક રસ્તાઓ અને બાળ ઉછેરનું સાહિત્ય આપ્યું છે. ગિજુભાઇ બધેકા તો આ ક્ષેત્રના એક આધારભૂત સીમાસ્તંભ ગણાય છે. આજે આવીજ કેટલીક સંકલિત વાતોમાં બાળ ઉછેર અને તેમના માનસ વિશેની કેટલીક વાતો અત્રે પ્રસ્તુત છે. બાલમૂર્તિ માસીકના અંકોના મુખપૃષ્ઠોમાંથી આ કંડીકાઓ લેવામાં આવી છે. )



0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment