ઑલ ઈઝ વૅલ
આ દુનિયામાં વ્યસન પછીની બીજા નંબરની ગુલામી કદાચ ડિગ્રીઓની છે એમ કહી શકાય. વ્યસનનો નશો તો ક્યારેક ઊતરે છે અને માણસને સાચી પરિસ્થિતિનું ભાન થાય છે. પરંતુ ડિગ્રીઓ મેળવવાનો નશો એવો છે કે તે પેઢી દર પેઢી કાયમ બની રહે છે. ટનલની જેમ દરેક જણ એમાંથી પસાર થતા રહે છે. સંજોગોવશાત જો કોઈ વ્યક્તિ ભણી નથી શકતો અથવા તો અન્ય લોકો કરતાં સાવ જુદો માર્ગ લે છે તો તેનું કહેવાતા ભણેલા સભ્ય સમાજમાં કોઈ સ્થાન રહેતું નથી. અભણને સાવ નગણ્ય ગણવાની આ એકવીસમી સદીની નવી અસ્પૃશ્યતા છે.
મલ્ટીનેશનલ કંપનીઓ માટે મશીનો બનાવતી હોય એ રીતે ડિગ્રીધારીઓને તૈયાર કરે છે. દુનિયાની દોડમાં રહેવા અને આકર્ષક પગારના પેકેજો મેળવવા સિવાય જીવનનું કોઈ બીજું પાસું આ માનવ-મશીનો વિચારી શકતા નથી. ઊંચા પગારો છોડવાની હિંમત ન હોવાથી સાવ કંગાળ વિચારધારા અપનાવીને એક જગ્યાએ પડી રહેવાનું તેઓ મુનાસિબ માને છે. જેટલો વધારે પગાર એટલું જીવન સફળ !! જ્ઞાન મેળવવાની ભૂખ તો સાવ શૂન્ય જ થઈ જાય છે અને ઉપરથી ફિઝિક્સ ભણનારો એમ વિચારે છે કે મારે કેમેસ્ટ્રી સાથે શું લેવા દેવા ? સાહિત્ય ભણનારો એમ વિચારે છે કે મારે કોમ્પ્યુટર શીખીને શું કામ ? વિનોબા ભાવે, નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા જેવા શિક્ષણાચાર્યોએ વારંવાર કહ્યું છે કે જ્ઞાન કદી ખંડિત હોઈ શકે જ નહીં. બધું પરસ્પર જોડાયેલું છે અને એક સાથે અનેક વસ્તુઓને આત્મસાત કરવાની વિદ્યા કેળવવી એનું જ નામ જ્ઞાન. પણ કોઈને ક્યાં જ્ઞાન મેળવવું છે ? ભણવા માટે કોણ ભણે છે ? દષ્ટિ માત્ર કેમ્પસ ઈન્ટરવ્યૂના આકર્ષક પેકેજો પર રહેતી હોય છે.
સામાન્ય રીતે કોઈ પણ ક્ષેત્રમાં જો વ્યક્તિ સાવ જુદો માર્ગ અપનાવે એટલે એને સમાજનું ખૂબ સાંભળવાનું થતું હોય છે. એમાંય ઘેટાંની પાછળ ઘેટાંની જેમ ચાલનારા લોકો આપણને ડરાવવા હંમેશા તૈયાર બેઠાં હોય છે. કોઈ કશુંક નવું કરે એ ઘાંચીના બળદની પેઠે ગોળ ગોળ ફરતા લોકોથી સહન થઈ શકતું નથી હોતું. કોઈક તત્વચિંતકે કહ્યું છે કે જો તમારા કામની આલોચના થાય તો સમજવું કે તમારો માર્ગ એકદમ બરાબર છે ! કંઈક જુદું કરનારને ખૂબ સહન કરવું પડતું હોય છે. સંપૂર્ણ એકાગ્રતાથી કોઈક સાવ અલગ પ્રકારના કાર્યમાં ડૂબી જઈએ ત્યારે એમાંથી પ્રાપ્ત થતો આનંદ દુનિયાની સમજમાં આવતો નથી. એ આનંદ જ દુનિયાના વાકપ્રહારો સહન કરવાની શક્તિ આપતો હોય છે.
શિક્ષણજગતના મહાનુભાવોના કંઈક આ પ્રકારના વિચારોને કચકડે મઢીને તાજેતરમાં ‘3 ઈડિયટ્સ’ નામનું ચલચિત્ર પ્રદર્શિત કરાયું છે. અહીં એ ફિલ્મની વાર્તા કહેવાનો ઉપક્રમ નથી પરંતુ સ્વાભાવિક છે કે ત્રણ કલાકમાં ઘણી બધી વસ્તુઓ આવરી લેવાની હોય તેથી દશ્યો આંખ સામેથી ઝડપથી પસાર થઈ જતાં હોય છે. કોઈક બાબતે કશુંક વિચારીએ તે પહેલાં તો વાર્તા આગળ વધી જતી હોય છે. આથી, કેટલીક ફિલ્મોને કઈ રીતે જોવી અને સમજવી એ પણ એક કલા છે. ખાસ કરીને વિચારપ્રેરક ફિલ્મોના સંવાદો અને દ્રશ્યો થોડામાં ઘણું કહી જતાં હોય છે. જો એની પર બરાબર મનન ન થાય તો આપણે તેમાંથી મનોરંજન સિવાય બીજું કશું મેળવી શકતા નથી. પરિણામે ઘણું ગુમાવવાનું થાય છે. શિક્ષણને ક્યા અર્થમાં આત્મસાત કરવું એનો ખૂબ સુંદર સંદેશ આ ફિલ્મ આપે છે અને સાથે સાથે આજની શિક્ષણ વ્યવસ્થાની ભરપૂર ઠેકડી પણ ઉડાડે છે. આ ફિલ્મના દ્રશ્યો અને સંવાદોમાંથી પ્રાપ્ત થતાં વિચારોની અહીં એક યાદી આપવામાં આવી છે, જે ફિલ્મ જોનારને કે જેમણે ફિલ્મ જોયેલી હોય તેને પણ ઉપયોગી થઈ રહેશે તેવી આશા છે.
[1] સૌથી પહેલો સંદેશ પંચતંત્રની કથાઓ પર આધારિત છે. પંચતંત્રમાં કહેવાયું છે કે બળ કરતાં બુદ્ધિ વધે. જે બધા કરતાં કંઈક જુદુ વિચારે છે તે જ હકીકતે પોતાની બુદ્ધિનો સાચો ઉપયોગ કરી જાણે છે. આપત્તિના સમયમાં બુદ્ધિ કામ આવે છે. કૉલેજના રેગિંગને ડામવા માટે માત્ર કાગળો પર કાયદા ઘડવાથી કામ ચાલતું નથી. ત્યાં સામુહિક બળ પણ ચાલતું નથી. કળથી કામ લઈને આ દૂષણ ઊભું કરનારને બોધપાઠ ભણાવવાનો રહે છે.
[2] આ જ દ્રશ્ય બીજો એક બોધ આપ છે કે જ્ઞાનGF[ IF[uI p5IF[U YJF[ જોઈએ. આસપાસ પડેલ ચમચી, ફુટપટ્ટી અને વાયરનો ઉપયોગ કરીને શું બનાવી શકાય – એની ગણત્રી સેકંડોમાં થવી જોઈએ. જેની પાસે આ તીવ્રતા છે એનાથી બધા ભાગે છે. એને કોઈ પરેશાન કરી શકતું નથી.
[3] આજનું શિક્ષણ એવું પોપટિયું છે કે પ્રોફેસર જે બોલવાના હોય તે બાજુમાં ઈસ્ત્રીની લારી પર કામ કરતા શ્રમજીવી બાળકને પણ ખબર હોય છે ! કૉલેજોમાં પ્રોજેક્ટ અને પેપર્સ કોપી કરી આપવામાં આ આસિસ્ટન્ટો ‘ફિક્સ ચાર્જ’ લઈને વિદ્યાર્થીઓની સેવા કરતા હોય છે ! વળી, પ્રોફેસર ભણાવે ત્યારે સામાન્ય વિદ્યાર્થીઓને ‘આવું કેમ ?’ એવો પ્રશ્ન તો થતો જ નથી. જે કહેવામાં આવે છે તે કથાની જેમ સાંભળી લેવાય છે. પ્રશ્ન પૂછનારની સામે લોકો હસે છે.
[4] માણસ પોતાના જીવન દરમ્યાન સારા અને ખરાબ એમ બંને પ્રકારના કર્મો કરતો હોય છે. સારા કર્મો કરવાથી ખરાબ કર્મોમાં ખતમ નથી થઈ જતાં. ખરાબ કર્મોનું ખરાબ ફળ તો ભોગવવું જ પડે છે પરંતુ જો સારા કર્મોની માત્રા વધારે હોય તો ખરાબ કર્મો ભોગવવાની શક્તિ વધે છે. આંતરિક સહનશક્તિ મજબૂત બને છે. એ રીતે ‘ઑલ ઈઝ વેલ’ એમ બોલવાથી કંઈ આસપાસની પરિસ્થિતિ બદલાઈ જતી નથી. પરંતુ પ્રાપ્ત થયેલી પરિસ્થિતિને સહન કરવાની શક્તિ ચોક્કસ વધે છે.
[5] સફળતાની પાછળ શું કામ ભાગો છો ? પોતાનું કૌશલ્ય વધારો – સફળતા તમને શોધતી તમારી પાસે આવશે. – રણછોડ ચાંચડ (ફિલ્મનું મુખ્ય પાત્ર.)
[6] કૉલેજોમાં જ્ઞાન તો પ્રાપ્ત થતું જ નથી. માત્ર ગોખણપટ્ટીને પ્રાધાન્ય આપવામાં આવે છે. જે વધારે યાદ રાખી શકે છે તે મહાન છે ! જે વધુ માર્કસ લાવે છે, જેનો નંબર ઊંચો છે એ બધા કરતાં વધુ હોંશિયાર છે એમ માની લેવામાં આવે છે. આ સિસ્ટમ એવી સજ્જડ છે કે એને બદલી શકવાની કોઈનામાં હિંમત નથી.
[7] ઓછા માર્ક્સને કારણે વિદ્યાર્થી હીનભાવ અનુભવે છે, ડિપ્રેશનનો ભોગ બને છે અને છેક ત્યાં સુધી કે તે આત્મહત્યા પણ કરી બેસે છે. પરીક્ષાના માર્કસનું મહત્વ જીવંત વ્યક્તિ કરતાં પણ વધી જાય છે. એ પોતાના માટે નહીં પણ પોતાના માતાપિતાના સપનાં સાકાર કરવા જીવતો હોય છે. એ સપનાં પણ સમાજમાં સ્ટેટ્સ મેળવવાના, પૈસા કમાવવાના, દહેજમાં મારુતી-800 ગાડી આપવાનાં હોઈ શકે છે.
[8] સાવ અલગ રીતે જીવનાર વ્યક્તિ દુનિયાની પરવા કરતો નથી. એ એવા શબ્દોની ખોજ કરે છે જે ડિક્ષનેરીમાં હોતા નથી. પુસ્તકીયા કીડાઓ હજારો પાનાં ફેરવી લે તો પણ એનો અર્થ પામી શકતા નથી. એ આ દુનિયામાં નવા શબ્દોને જન્મ આપે છે. જેમ કે ગાંધીજી એ ‘સત્યાગ્રહ’, વિનોબાજીએ ‘ભૂદાન’, ‘શાંતિસેના’ વગેરે સાવ નવા જ શબ્દોની ખોજ કરી. આ પ્રકારનો વ્યક્તિ સાચું શિક્ષણ આપી શકે છે. એ પુસ્તકીયું ન રહેતાં અનુભવજન્ય બને છે. સાચો શિક્ષક જ્ઞાન આપતો નથી, જ્ઞાનની ભૂખ પેદા કરે છે.
[9] મૂળમાં જો નવું શીખવાની તાલાવેલી હોય તો અભ્યાસક્રમ આસાનીથી ભણી લેવાય છે. અન્ય પ્રવૃત્તિઓમાં આગળ રહેનાર વ્યક્તિ અભ્યાસમાં નબળો રહી જશે તો ? એવી એક ભ્રામક માન્યતા પ્રવર્તતી હોય છે. પરંતુ જે હકીકતે હોંશિયાર છે એ તો બધું જ થોડા સમયમાં શીખીને ધાર્યો નંબર મેળવી શકે છે. સ્વામી વિવેકાનંદ જેમ આખે આખું પુસ્તક યાદ રાખી શકતા હતા એમ.
[10] અંગ્રેજીમાં એક શબ્દ છે : ‘Decision Making’ ચપળતાથી જીવનારો માનવી સામાન્ય વ્યક્તિઓ કરતાં ખૂબ ઝડપી નિર્ણય લઈ શકતો હોય છે. કોઈ બિમાર લકવાગ્રસ્ત માનવીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાનો હોય ત્યારે પ્રાપ્ય સાધનોમાંથી તાત્કાલિક શું ઉકેલ કાઢી શકાય તેની કોઠાસૂઝ એનામાં આપો આપ વિકસે છે. આ નિર્ણયશક્તિ જુદા જુદા સંજોગોનો સામનો કરવામાંથી કેળવી શકાય છે.
[11] આજનો માનવી હકીકતે માનવીને પ્રેમ કરે છે ખરો ? એ તો ક્યારેક વસ્તુઓને જ પ્રેમ કરતો હોય છે. લાખોના ઘડિયાળ, બૂટ અને કરોડોના ડ્રેસનું મૂલ્ય માણસની લાગણીઓથી વધી જાય છે. કહેવાતા પ્રેમ પાછળ ‘લાઈફ પાર્ટનર’ બનવાની ઓછી અને ‘બિઝનેસ પાર્ટનર’ બનવાની મહત્વાકાંક્ષા વધુ હોય છે. જ્યારે એ પદ કે પ્રતિષ્ઠાને નુકશાન પહોંચે છે ત્યારે બધો જ પ્રેમ એક ક્ષણમાં આપોઆપ ઓસરી જાય છે અને વ્યક્તિનું મૂળ સ્વરૂપ સામે આવે છે.
[12] જ્ઞાન એટલે સવારથી ઊઠીને રાત સુધી સતત કંઈક નવું નવું શીખવાની ધગશ અને તાલાવેલી. ‘આ મારું ફિલ્ડ નથી…’ એમ માનવું એ જ અજ્ઞાનતાની નિશાની છે. જ્ઞાનપિપાસુ વ્યક્તિને ભાષા, દેશ, કાળ કે વિષયોની કોઈ મર્યાદા નડતી નથી. એના જ્ઞાનનો સતત ઉપયોગ થતો રહે છે અને એ ઉપયોગથી એને સતત નવું નવું જ્ઞાન પ્રાપ્ત થતું રહે છે. એ વેક્યુમ-ક્લિનરથી પ્રસુતિ પણ કરાવી શકે છે અને ગાડીની બેટરી વડે ઈન્વર્ટર પણ બનાવી શકે છે. ‘મારું તો બસ આ એક જ કામ’ એવી એને કોઈ મર્યાદા હોતી નથી.
[13] કેટલાક લોકો એવા હોય છે કે જે બે-ચાર ડિગ્રીઓ લે છે. પહેલાં એન્જિનિયરિંગ કરશે, પછી એમ.બી.એ કરશે અને પછી પરદેશની બેન્કમાં જઈને નોકરીમાં બેસી જશે. અલ્યા ભઈ, તારે બેન્કની નોકરી જ કરવી હતી તો તેં એન્જિનિયરિંગ શા માટે કર્યું ? – રણછોડ ચાંચડ (ફિલ્મનો એક સંવાદ)
[14] સાવ અલગ રીતે જીવનાર વ્યક્તિ કમાશે શું ? ખાશે શું ? – આવા ફાલતુ પ્રશ્નો ટોળામાં જીવનારને હંમેશા થતાં હોય છે. સંશોધનમાં ડૂબેલા સાહસિકને આવી ચિંતાઓ કદી સતાવતી નથી. ‘જેવા પડશે એવા દેવાશે’ એવી મકક્મતાથી એ જીવી લેતો હોય છે અને પરિણામે અન્ય લોકો કરતાં પણ એ સારું પદ અને પ્રતિષ્ઠા સમાજમાં આપોઆપ મેળવી શકતો હોય છે. એની એકાગ્રતા અને એનું કામ ક્યારેક એને સમાજમાં સર્વોચ્ચ સ્થાને મૂકી આપે છે. પણ હા, એની માટે એને ધીરજ કેળવવાની રહે છે.
[15] સફળતા એટલે માત્ર પદ અને પ્રતિષ્ઠા અને ઊંચો પગાર નહીં. હકીકતે કહેવાતો સફળ વ્યક્તિ કોઈક સાવ નાના કામમાં પરોવાઈને પોતાની ક્ષમતાનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરતો હોય છે. એની સફળતા દુનિયાના લોકોને દેખાડવા માટે નથી હોતી. એ તો લડાખના કોઈ ઉત્તુંગ પહાડી શિખરો વચ્ચે પોતાની મનગમતી પ્રવૃત્તિમાં મગ્ન બની જાય છે. દુનિયાની એને પરવા હોતી નથી અને દુનિયા એની કદર કરે એવી પણ તે ઈચ્છા રાખતો નથી. પ્રકૃતિના ખોળે એ કામમાં મગ્ન બનીને રહે છે. હકીકતે એના માટે કોઈ કામ નાનું કે મોટું હોતું નથી.
[16] એ બધું તો ઠીક, પણ આવા ઓલિયાને કન્યા કોણ દેશે ? – પોતાના કાર્યમાં સંતુષ્ઠ વ્યક્તિને કન્યા શોધવા જવું પડતું નથી, કન્યા જ એને હિમાલયની ટોચેથી પણ શોધી કાઢે છે. એ ડિગ્રીઓનો ઉપયોગ યોગ્ય પાત્ર મેળવવા ક્યારેય કરતો નથી. એને માટે ડિગ્રીઓએ સામાજીક મોભાનું સાધન નથી.
[17] જે બહુ કુશળતાથી તમામ વ્યાખ્યાઓ અને આખે આખા પાનાંઓ યાદ રાખી શકે છે એવા ગોખણિયા વિદ્યાર્થીની ક્યારેક દયનીય હાલત થતી હોય છે. સમજ્યા વગરની ગોખણપટ્ટી ક્યારેક એવી મુસીબત નોંતરે છે કે વિદ્યાર્થી હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ જાય છે. પોપટની જેમ ગોખેલા વક્તવ્યમાં કેટલાંક શબ્દો બદલાઈ જવાથી અર્થનો અનર્થ સર્જાય છે અને પરિસ્થિતિ બેકાબૂ બને છે. ક્યારેક પોતે ખોદેલા ખાડામાં પોતાને જ પડવાનો વારો આવે છે.
[18] જીવનમાં માણસે પોતાને મનગમતા ક્ષેત્રમાં જ આગળ જવાનું પ્રાધાન્ય રાખવું જોઈએ. એ પછી ભલે ને વાઈલ્ડ-લાઈફ ફોટોગ્રાફી જેવું સાવ અલગ ક્ષેત્ર જ કેમ ન હોય ! સચિન તેંડુલકર સંગીતમાં ગયો હોત અને લતામંગેશકરે સ્પોર્ટ્સ લીધું હોત તો આપણે બેઉને ગુમાવ્યાં હોત ! કોઈ પણ ક્ષેત્ર બહારથી ભલે નાનું લાગતું હોય, તમારી આવડત તેને આપોઆપ મોટું બનાવી દે છે અને ક્યારેક તો દુનિયામાં સાવ નવા જ માર્ગનું એ રીતે નિર્માણ થતું હોય છે. અભ્યાસની લાઈન દુનિયાના પ્રવાહો કે માતાપિતાના આગ્રહો પર આધારિત ન હોવી જોઈએ. પ્રેમથી બધાને સમજાવીને પોતાના મનગમતા ક્ષેત્રમાં યાહોમ કરીને ઝંપલાવવું જોઈએ. ભલે દુનિયા તમારા નિર્ણયની કદર નહીં કરે, પણ so what ?
[19] ઘણા લોકો એવું માને છે કે આ પ્રકારની વિચારધારાથી મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી નહીં મળે તો ? પરંતુ એ યાદ રાખવું જોઈએ કે કંપનીઓને ટેવ આપણે જ પાડીએ છીએ. જાગૃત વ્યક્તિ પોતાની આવડતથી કોઈ પણ પરિસ્થિતિને પાર પાડી શકે છે. એવા વ્યક્તિને મલ્ટિનેશનલ કંપનીઓ સામેથી પૂછે છે કે ‘તમે કેટલો પગાર લેશો ?’ દુનિયાની દષ્ટિએ બહુ મોટી ગણાતી સિદ્ધિઓ તો આ પ્રકારના વ્યક્તિને ચપટી વગાડતાં સહેલાઈથી મળી જતી હોય છે.
ટૂંકમાં ‘आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत:’ એટલે કે અમને દશે દિશામાંથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ. અમારી જ્ઞાની ભૂખ સતત તીવ્ર બને અને જીવનમાં નવો પંથ કંડારવા અમે સતત સાહસિક બનીએ એવી આપણી ઔપનિષદીય વિચારધારા છે. શિક્ષણનો મૂળ હેતુ પણ જ્ઞાનની ભૂખ જગાડવાનો જ હોવો જોઈએ. પરંતુ સાંપ્રત સમયમાં એ કંઈક ભૂલાતો જતો હોય એમ લાગે છે. પૈસો, પદ અને પ્રતિષ્ઠાની દોડમાં સર્જનાત્મક જીવન વિસરાતું જાય છે. છેક ત્યાં સુધી કે જો આસપાસમાં કોઈ સર્જનાત્મક વિચારે તો દુનિયા એને પાગલ ગણે છે ! પરંતુ લાંબેગાળે દુનિયાના પટ પર એ આપોઆપ સ્પષ્ટ થઈ જ જાય છે કે કોણ સફળ છે અને કોણ નિષ્ફળ. આ કેન્દ્રવર્તી વિચારને ધ્યાનમાં રાખીને કેટલીક બાબતો બાદ કરતાં એકંદરે ફિલ્મ જોવા જેવી ખરી !
એ
0 comments:
Post a Comment