Wednesday, April 14, 2010

”બાળકની સ્વતંત્રતા”


એક વહેલી સવારે આંખ ખુલી ગઈ .આંખ  ખુલવાનુ કારણ આદતવશ તો નહોતુ જ, નહી કોઇ વહેલી સવારની પ્રભાતફેરીનો અવાજ .દુરથી  નજીક આવતો એક બાળકનો સતત રડવાનો અવાજ અને એ અવાજને દબાવી દે તેવો સ્ત્રૈણ છતાં કઠોર-કાનને ખુંચે તેવો અવાજ. પહેલાં તો સહેજ મનમાં  ફાળ ઉઠી કે કોઇ બાળકને ધાક- ધમકીથી પોતાને વશ કરવાનો પ્રયત્ન તો નથી કરી રહ્યુને ?કુતુહલવશ સહેજ બારીની બહાર નજર કરી .નજીક આવતા અવાજનો એક સ્પષ્ટ આકાર પણ નજરે પડવઆ લાગ્યો. પાંચ સાત વર્ષનું બાળક ,સહેજ અસ્ત-વ્યસ્ત થઈ ગયેલા સ્કુલ  ડ્રેસમાં મા ના પાશમાંથી છુટવા પ્રયત્ન કરતુ દેખાયુ .મા પરાણે બાળકને ઢસડીને  સ્કુલે મુકવા જવાની મથામણમાં હતી .જેમ જેમ બંન્ને પાસે આવતા ગયા તેમ અવાજો પણ સ્પષ્ટ થતા ગયા. બાળક માને કાકલુદી કરતુ હતુ ” મારે આજે સ્કુલે નથી જવુ.મારે આજે ઘેર રહેવું છે.” મા નો હઠાગ્રહ હતો ” ના કેમ જાય ? મારુ ચાલે તો તમે આખો દિવસ સ્કુલમાં જ બેસાડી રાખુ ” દ્રશ્ય અને અવાજ  બંન્ને  આંખ અને કાનને કઠતા હતાં.
મનમાં વિચાર આવ્યો . “આટલી કઠોરતા આટલો આગ્રહ જરૂરી છે ?” બાળકને પોતાને પણ પોતાની મરજી હોઇ શકેને? બાળક આપણું છે પણ એ સ્વતંત્ર આત્મા નથી? ભલેને એ હજુ અપરિક્વ છે છતાંય પોતાની કંઇક તો સમજ ,આગવી બુધ્ધિ તો હશેને? પોતાની અલગ રૂચિ , અભિપ્રાય,પોતાના આગ્રહો અને એ આગ્રહો પાછળ કોઇક તો પૂર્વગ્રહ પણ હશેને? ક્યારેક સ્કુલમાં કોઇ એવો અનુભવ થયો હશે કે એને જવા મન પાછું પડતું હશે.શુ ક્યારેય આપણે એ જાણવા કોશિશ કરી છે ખરી ? આપણે માની લઈએ છે કે આપણા ત્યાં જન્મેલુ બાળક આપણા અસ્તિત્વનો -આપણા વ્યક્તિત્વનો જ એક ભાગ છે માટે આપણુ વ્યક્તિત્વ એના પર થોપવાનો પ્રયત્ન કરીએ છીએ.
પણ ના , બાળકને પણ પોતાનુ મન ,વચન અને કાયા છે.પોતાની આવડત અને રીતભાત છે.એના પોતાના માન -સન્માન છે. ગુણ અને દુર્ગુણો પણ છે.એના પોતાના સંબંધો છે.માટે એ બાળકને પણ એઅના આગવા વ્યક્તિત્વથી સ્વીકારાય તે અત્યંત જરૂરી છે.કુંભારના ચાક પર અત્યંત કુશળ હાથોથી ઘડાઇને પાત્ર તૈયાર થાય તેટલીજ કુશળતાથી,તેટલીજ નાજુકાઇથી બાળકના મનને ,સંસ્કારોને, સ્વભાવને ઘાટ આપવાનો છે.એક કુશળ માળી જેમ અત્યંત કાળજીથી ગુલાબના રોપાને ઉછેરે છે તેટલીજ કાળજીથી તેના વ્યક્તિત્વને ઉછેરવાનું છે.આપણી રૂચિ,ગમા-અણગમા,અભિપ્રાયોને જો બાળક પર લાદવા જઈશું તો તેનું વ્યક્તિત્વ સ્વતંત્ર રીતે નહી ખીલે એના માટે જરૂરી છે કે આપણે આદર્શ મા-બાપ બનીએ. સંતાનો આપણે જેવું કહીશું એવા થવાના નથી ,પરંતુ આપણે જેવું કરતા હોઇશુ તેવું જ કરવાના છે.
જે ઘરમાં આદરપૂર્વકનો આવકાર હશે ત્યાં બાળક વિનયી બનશે. જે ઘરમાં મા-બાપ સ્વંય સવારે ઉઠીને ઇશ્વર પાસે મસ્તક નમાવતાં હશે કે પોતાના વડીલોને પગે લાગતા હશે ત્યાં એ બાળક પણ પોતાના મા-બાપની મર્યાદા સાચવનાર બનશે. મા-બાપનો વ્યવસ્થા પ્રેમ બાળકમાં શિસ્તબધતા લાવશે. માતા-પિતા શાંત હશે -ઘરમાં હળી મળીને ચર્ચા કરતાં અને નિર્ણય લેતાં હશે ત્યાં બાળકો પણ શાંત સ્વભાવના, પ્રસન્ન વ્યક્તિત્વના અને આત્મવિશ્વાસ ધરાવતા હશે.
બાળકને સમજવા જેટલી સહિષ્ણુતા જે ઘરમાં હશે તે બાળકમાં પણ  ધૈર્યના ગુણ વિકસશે.સલામતીનો અનુભવ બાળકમાં શ્રધ્ધા વધારવાનું કામ કરશે.ઘરનાં વાતાવરણમાં જો ડર , ભય ,કે ભ્રાંતિ અનુભવાશે તો બાળક ડરપોક બનશે.
ક્યારેક એવું બને કે ઘરમાં બીજા બાળકનું આગમન થવાનું હોય ત્યારે માતા-પિતા અથવા ઘરનાં  બીજા સદસ્ય એવું કહેતા જોવા મળશે કે ” હવે તો તારો ભાઇ કે બહેન આવશે એટલે તારે તારું બધુ  એને આપવું પડશે .” અમસ્તા કોઇ ઉદ્દેશ વગર કહેવાયેલી આવી વાત બાળકમાં ઇર્ષા , અદેખાઇ અને અંતે પોતાના સહોદર સાથે અળગાપણું ઉભુ કરનાર બનશે.
સામન્ય રીતે એવું જોવા મળે કે બાળકને ખોટી રીતે સમજાવી , ફોસલાવી એનું ધ્યાન બીજે વાળવાનો  પ્રયત્ન થતો હોય .એક એવો પરિવાર  જોયો કે જ્યાં સાવ નાના ત્રણ વર્ષના બાળકને  પણ સાવ સાચી હકીકત કહી સમજાવવામાં આવતું .કોઇ ખોટી રીતે ફોસલાવવાની વાત નહીં . પરિણામે બાળકને પણ માતા-પિતા  પ્રત્યેનો વિશ્વાસ સઘન બને . જે હકિકત છે તેનો સ્વીકાર કરી એ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા ખીલે.
અંતે કહો કે શરૂઆતથી કહો બાળકની સાચી શાળા જ ઘર છે અને સાચા  શિક્ષકો એ મા-બાપ જ છે .
“આ લેખ/આદર્શ અમદાવાદ સમાચાર પત્રિકા માટે લખ્યો અને 15/8/2009 ના પ્રગટ થયો.”

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment