Saturday, October 8, 2011

દરિયાનું પાણી સતત કેમ વહે છે?



બે સમુદ્રો કે સમુદ્રોના વિભાગોને જોડતી પાતળી જળપટ્ટીને ‘સામુદ્રધુની’ કહે છે. ગ્રીનલેન્ડ અને બેફિન બેટ વચ્ચે ૫૦થી ૩૨૦ કિ.મી. જેટલી પહોળી ‘ડેવિસ’ સામુદ્રધુની છે.




મહાસાગરોમાં સમાયેલું અખૂટ જળ સ્થિર નથી. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહેતું રહે છે. દરિયાનાં પાણીમાં જુદી જુદી ઊંડાઈએ પણ જળપ્રવાહો વહેતા હોવાનું જણાયું છે. ઉપલી સપાટી ઉપરના કેટલાક પ્રવાહ ગરમ હોય છે તો ઊંડે-ઊંડે ઠંડા પ્રવાહો પણ વહે છે. પૃથ્વી ઉપરના પવનના પ્રવાહોની માફક સાગરમાં જુદી જુદી ગતિથી નાના-મોટા અનેક પ્રવાહો સતત વહે છે. આ પ્રવાહો કેવી રીતે ઉત્પન્ન થતા હશે? એ સવાલ આપણને ચોક્કસ થાય. પૃથ્વીની દૈનિક ગતિ તેમજ ભૂપૃષ્ઠ, તાપમાન અને પવનના કારણે દરિયામાં વિવિધ પ્રવાહો ઉત્પન્ન થાય છે.



દરિયાની સપાટી ઉપર વાતો પવન પાણીને પવનની દિશામાં ગતિ આપે છે. વળી, પૃથ્વીની ધરી ઉપરનું તેનું ભ્રમણ સાગરના જળપ્રવાહોનું સર્જન કરે છે. તમે જાણો છો કે પૃથ્વી પોતાની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. આ ભ્રમણને પરિણામે વિષુવવૃત્ત પરનાં સાગરજળ પૂર્વથી પશ્ચિમ તરફ વહેવા માંડે છે. વિષુવવૃત્ત પરના પવનો પણ આ જ દિશામાં વહેતા હોવાથી આ જળપ્રવાહોને વધારે ગતિ મળે છે. સાગરના કેટલાક મોટા પ્રવાહો ખૂબ ઊંડા હોતા નથી. ‘ગલ્ફસ્ટ્રીમ’ જેવો સાગરપ્રવાહ બારસો ફૂટ જેટલો ઊંડો જોવા મળ્યો છે. સાગરપ્રવાહોની ઝડપ કલાકના એક-બે દરિયાઈ માઈલ જેટલી હોય છે. કેટલાક ઝડપી પ્રવાહો કલાકે ચાર-પાંચ દરિયાઈ માઈલનું અંતર કાપતા હોય છે.



ઊંડા સાગરના પ્રવાહોની ગતિ બહુ જ ધીમી હોય છે. જે દેશોની નજીક થઈ દરિયાના ગરમ કે ઠંડા જળપ્રવાહો પસાર થાય છે તેની આબોહવા પર તે અસર કરે છે. કેટલાક જળપ્રવાહો સપાટી પરથી નીચે અને કેટલાક ઊંડી સપાટીથી ઉપર તરફ વહેતા હોય છે. આ રીતે દરિયાનું પાણી એકથી બીજી જગ્યાએ સતત વહેતું રહે છે.

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment