આજનું બાળક વધારે બુદ્ધિશાળી છે ?
આપણે એક એવી ભૂલભરેલી માન્યતામાં જીવીએ છીએ કે આજકાલનાં બાળકો અગાઉની પેઢીનાં
બાળકો કરતાં વધારે બુદ્ધિશાળી અને ચબરાક છે અને તેમની શીખવાની ક્ષમતા વધી છે. કુમળા
બાળમાનસ પર આકરા અભ્યાસક્રમનો બોજ નાખતી વેળાએ આપણા કેળવણીકારો તેમજ નીતિવિષયક
ઘડવૈયાઓ ચોક્કસપણે જ આ માન્યતાનો ભોગ બનેલા જણાય છે. કમનસીબે માબાપ અને સમાજ પણ આ
માન્યતાથી મુક્ત રહી શક્યા નથી. પરિણામે બાળકોને ચોતરફથી અસહ્ય અપેક્ષાઓનો બોજ સહન
કરવાનો આવ્યો છે.
માનવીનું મગજ પેઢી-દર-પેઢી વધારે ને વધારે વિકાસ કરી રહ્યું છે એ ખરું, પણ એના
ફેરફારો કંઈ બે કે ત્રણ જ પેઢીના સમયગાળામાં ઊડીને આંખે વળગે તેવા સ્પષ્ટ અને
નોંધપાત્ર બનતા નથી. આપણે તો ત્રણથી ચાર દાયકાના ટૂંકા સમયગાળામાં જ શિક્ષણમાં
પ્રયોગશીલતાના નામે આકરા ફેરફારો અમલમાં મૂક્યા છે. કુમળા બાળકનું મગજ તે બોજ ઉઠાવી
શકે તેમ છે કે નહીં તેનો આપણે કદી વિચાર કર્યો નથી.
આજનું બાળક વધારે બુદ્ધિશાળી બન્યું છે એવું જો આપણે માનતા હોઈએ તો એ આપણો નર્યો
ભ્રમ છે. સમય જેમ જેમ બદલાય છે તેમ તેમ તેનો સામનો કરવાની નવી નવી ક્ષમતાઓ માનવ
મગજે કેળવવી પડે છે. બાળમાનસને પણ આ હકીકત લાગુ પડે છે. અત્યારનો યુગ માહિતીનો યુગ
ગણવામાં આવે છે. આગલી પેઢી કરતાં આજની નવી પેઢીને ઘણી વધારે માહિતીઓ યાદ રાખવાની
અને ગોખવાની પળોજણનો સામનો કરવો પડ્યો છે. માણસનું મગજ અમુક હદ સુધી આ માટે તૈયાર
થઈ શક્યું છે એ ખરું, છતાં એની બુદ્ધિમત્તા વધી ગઈ છે એવું તારણ કાઢવું વધારે પડતું
છે. માણસની ભણવાની સરેરાશ ઉંમર 25 જ વર્ષ સુધીની ગણીએ તો અગાઉ શાળા-મહાશાળાના
શિક્ષણનાં વર્ષો પૂરાં કરતાં સુધીમાં આપણે જેટલું ઔપચારિક માહિતીજ્ઞાન પ્રાપ્ત કરતા
તેના કરતાં અનેકગણું વધારે જ્ઞાન એટલા જ ટૂંકા ગાળામાં આજનાં બાળકોને મેળવવાનું
આવ્યું છે. પહેલાં ગણિત અને વિજ્ઞાનનો જે અભ્યાસક્રમ કૉલેજના બીજા કે ત્રીજા વર્ષ
સુધીમાં સમાવવામાં આવતો તે આજે હવે અગિયારમા કે બારમા ધોરણનાં પાઠ્યપુસ્તકોમાં
સમાવી લેવાની આજના કેળવણીકારોને ફરજ પડી છે. આમ કરવામાં સ્પર્ધાનું તત્વ કામ કરી
ગયું છે. ગુજરાતનો સરેરાશ વિદ્યાર્થી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ
સ્પર્ધામાં ઊભો રહી શકે તે મુદ્દો ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરે 1975ની સાલ પછી સતત
ફેરફારો કરાતા રહ્યા છે. આમ કરવામાં બાળકના મગજની ક્ષમતાનો જરાપણ વિચાર કરવામાં
આવ્યો નથી તે હકીકત છે. એક આખી ને આખી પેઢીને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે
સમાન સ્તરે સ્પર્ધાત્મક રીતે આગળ લઈ જવાનું જાણે કે એક સામાજિક અને રાજકીય કાવતરું
કામ કરી રહ્યું છે. પરિણામે બાળક જે જ્ઞાન મેળવે છે તે કેવળ માહિતીલક્ષી અને
પાઠ્યપુસ્તકિયું બનીને રહી ગયું છે. આવું શિક્ષણ આપવાથી ત્રણથી ચાર દાયકાના ટૂંકા
ગાળામાં તે વધારે બુદ્ધિશાળી બની ગયું છે એવું માનવું ભારોભાર ભૂલભરેલું છે. આમ
માનીને આપણે તેના પર વધારે ને વધારે બોજ નાખતા ગયા છીએ.
માહિતીજ્ઞાન અને બુદ્ધિમત્તા વચ્ચેનો તફાવત
વાસ્તવમાં માહિતીજ્ઞાન અને બુદ્ધિમત્તા એ બંને વચ્ચે તફાવત છે એ આપણે ધ્યાનમાં
લેતા નથી. જ્ઞાનાત્મક વિકાસમાં બાળક પ્રથમ માહિતીજ્ઞાન મેળવે છે અને પછીના ચરણમાં
બુદ્ધિમત્તા કેળવતું હોય છે. પ્રાપ્ત કરેલી માહિતીને સાર્થક રીતે વ્યવહારમાં
ઉપયોગમાં મૂકતા થવું એ બુદ્ધિમત્તા છે. આ કાર્ય એના મગજ પર માહિતીઓનો ખડકલો કરી
દેવાથી હાંસલ થતું નથી. એને શાળામાં જે ભણાવવામાં આવે છે તે કેવળ પાઠ્યપુસ્તકિયું
અને ઉપલકિયું હોય છે. તેમાં વ્યવહારનો અંશ ભળેલો હોતો નથી. કોરા માહિતીજ્ઞાનને
પોતાની મર્યાદાઓ છે; તેમ સમસ્યાઓ પણ હોય છે, એનાથી આપણી બુદ્ધિમત્તા કેળવાતી નથી.
નવા શિક્ષણે બાળકોને માહિતીપ્રચૂર જરૂર બનાવ્યાં છે, પણ બુદ્ધિશાળી નહીં.
નવી પેઢીનાં બાળકોના ઉછેરમાં છેલ્લાં થોડાં વર્ષોમાં એક મહત્વનો તફાવત જોવા
મળ્યો છે, જેણે એની બુદ્ધિમત્તા પર અવળી અસર પેદા કરી છે – એને પસંદગીની વિશાળ તકો
અને શ્રેણી ઉપલબ્ધ બની છે. પહેરવાનાં કપડાં, રમવાનાં રમકડાં, ખાવાપીવાની ચીજો,
મનોરંજનના સાધનો, ટીવીની ચેનલો અને હરવા-ફરવાનાં સ્થાનોથી માંડીને ભણવાના વિષયોમાં
એને ઘણી પસંદગીઓ મળી રહે છે. કારકિર્દીના ઘડતર બાબતમાં અગાઉની પેઢીઓ પાસે જે
પસંદગીઓ હતી તેની સરખામણીમાં આજની પેઢીને વધારે પસંદગીનો અવકાશ મળે છે. બારમા ધોરણ
પછી શું કરવું તે નક્કી કરવા માટે આજનો વિદ્યાર્થી વધારે વિકલ્પો ધરાવતો હોય છે. પણ
જેમ જેમ એની પાસે પસંદગીના વિકલ્પો વધતા ગયા છે તેમ તેમ એની બુદ્ધિ પણ ગૂંચવાતી ગઈ
છે. મનોવિજ્ઞાનનું એક સરળ તથ્ય છે કે સુખ પસંદગીઓના અને વિકલ્પોના વિસ્તારમાં નથી
પણ તેને મર્યાદિત બનાવવામાં રહેલું હોય છે. માણસ સમક્ષ જેમ જેમ વધારે ને વધારે
પસંદગીઓ મૂકો તેમ તેમ તેનો અસંતોષ વધતો જાય છે, તેની ગૂંચ વધતી જાય છે અને તેની
વિવેકશક્તિ વધારે મૂંઝાવાને કારણે નિર્ણય લેવામાં ભૂલ કરવાની સંભાવના ઘણી વધી જતી
હોય છે. બરાબર આ જ હાલત આજની ઊછરી રહેલી પેઢીની થયેલી જોવા મળે છે. એની સુખની
માત્રા ઘણી ઘટી છે અને સામે પક્ષે અસંતોષ, લોલુપતા, ભૌતિક મહત્વાકાંક્ષાઓ અને લોભ
અનેકગણાં વધી ગયાં છે. આનું આડકતરું પરિણામ એ આવ્યું છે કે નવી પેઢી ભારોભાર માનસિક
ગૂંચવણની સ્થિતિમાં પોતાનો અભ્યાસ અને વ્યવસાયની કારકિર્દી ઘડી રહી છે. આનો દોષ
આપણા માથે છે. આપણે આપણાં સંતાનોને હતાશાની ઊંડી ખાઈમાં ધકેલી રહ્યા છીએ. અતિશય
માનસિક તાણમાં જીવવાની આપણે એમને ફરજ પાડી રહ્યા છીએ. પરિણામે યુવાન પેઢીમાં હતાશા,
અસંતોષ અને આત્મહત્યાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. દસમા ધોરણની પરીક્ષા કે
એનું પરિણામ હજુ તો એકાદ બે મહિના દૂર હોય ત્યાં જ એના ગભરાટથી પોતાનું જીવન
ટૂંકાવી નાખનારા વિદ્યાર્થીઓની સંખ્યા આપણા રાજ્યમાં દર વર્ષે વધી રહી છે છતાં આપણી
આંખ હજુ કેમ ઊઘડતી નથી એ સમજાતું નથી !
શાળાઓ બાળકોના શિક્ષણમાં અંતરાયરૂપ છે !
બાળક માત્રમાં શીખવાની જન્મજાતવૃત્તિ રહેલી હોય છે. બે વર્ષથી નાની ઉંમરનાં
બાળકોને એમના વાતાવરણના સંપર્કથી આપમેળે શીખવા માટે નિરંતર વિકસતી જતી
જ્ઞાનેન્દ્રિયો, શીખવા માટે સતત સતર્ક મગજ, આવશ્યક કુતૂહલવૃત્તિ, અવલોકનશક્તિ,
પ્રયોગશીલતા, એકાગ્રતા, તન્મયતા, અપાર ધીરજ, અનુકરણશક્તિ, કલ્પનાશીલતા અને સૌથી વધુ
તો ભૂલોમાંથી શીખવાની સહજ આવડતની કુદરતી બક્ષિસ મળેલી હોય છે. કમનસીબી એ છે કે
શાળામાં મૂક્યા પછી એ પોતાની આ બક્ષિસ ગુમાવી બેસે છે અને ગોખણિયું બની જાય છે.
શાળાઓ બાળકોને પરીક્ષાના, માનહાનિ, અણઆવડતના, નિષ્ફળતાના, ગૂંચવાડાના અને
ડરપોકપણાના ઓથાર તળે જીવતાં કરી મૂકે છે. આપણે એવી ભ્રમણામાં જીવીએ છીએ કે ગણિત,
વિજ્ઞાન અને વાચન-લેખનની કુશળતામાં જ બાળકના ભાવિ જીવનની સફળતા અને સુખનો પાયો છે.
વાસ્તવમાં શાળાશિક્ષણ જીવનલક્ષી નહીં, પણ કેવળ વ્યવસાયલક્ષી અને કારકિર્દીલક્ષી જ
બનીને રહી ગયું છે. ગોખણપટ્ટી કરીને મેળવેલું માહિતીજ્ઞાન જ્યારે જીવનની વાસ્તવિક
કપરી પરિસ્થિતિઓમાં કામે લગાડવાનું આવે છે ત્યારે એ અણીને વખતે દગો દઈ જાય છે, તેથી
સમાજમાં હતાશા અને આત્મહત્યાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બાળકની અંદર રહેલી
રસવૃત્તિ, કુતૂહલ શક્તિ, શારીરિક અને માનસિક ક્ષમતા, બુદ્ધિમત્તા, સૃજનાત્મકતા અને
કલાત્મક અભિરુચિને પોષવાની આપણી શાળાઓમાં કાબેલિયત નથી. આપણે આપણાં બાળકોને
વિષયલક્ષી અભ્યાસક્રમો, પાઠ્યપુસ્તકો, દફતર, ગૃહકાર્ય, નિરસ ઈતર પ્રવૃત્તિઓ,
અંગ્રેજી ભાષાના પારકા માધ્યમાં ભણવાની લાચારી, ટ્યુશન, પરીક્ષાઓ, સ્પર્ધાત્મક
મૂલ્યાંકનો, સતત આગળ રહેવાની હોડ અને આપણી બેસુમાર અપેક્ષાઓનો બોજ વહન કરનારા
વેઠિયાઓ બનાવી મૂક્યાં છે. આપણે એવી ભૂલભરેલી ગ્રંથિથી પીડાઈએ છીએ કે બાળકોને
સભ્યતા, નાગરિકતા અને સામાજિકતાના પાઠ શીખવવા માટે સ્કૂલો અનિવાર્ય છે. એમને
સ્કૂલમાં ન બેસાડીએ તો એ અણઘડ અને ગમાર રહી જશે એવો આપણને ડર સતાવે છે.
વિખ્યાત રશિયન કેળવણીકાર વસીલી સુખોમ્લિન્સકી કહેતા કે આપણી શાળાઓ કેદખાના જેવી
છે, એ આપણાં બાળકોને જીવનના સમૃદ્ધ અનુભવથી વંચિત રાખે છે. ચંચળતા, નિર્દોષતા અને
આનંદ મેળવવાની સહજ વૃત્તિ એ બાળક માત્રની નૈસર્ગિક શક્તિ હોય છે. શાળાઓ એમની આ
સંપત્તિને છીનવી લે છે. વખત જાય તેમ એ જીવનને માણવાની આવડત ગુમાવી બેસે છે અને
અતિગંભીર અને ભારેખમ બનતું જાય છે. જીવનને એ બોજ માનતું થઈ જાય છે. કામ એના માટે
વેઠ બની જાય છે. એની અંદરનું બાળક કાયમ માટે મરી જાય છે. ભણતર પૂરું કરીને બહાર
નીકળે ત્યાં સુધીમાં તે સ્વાર્થી, ખટપટિયું, સંકુચિત, આપમતલબી અને વેઠિયું બની જાય
છે, એ જ આજના શિક્ષણની આગવી દેન છે. જે ભણતરથી માણસ માણસ મટી જાય એને આપણે
સામાજિકતાના પાઠ શી રીતે કહી શકીએ ?
ભણતર અને કેળવણી જુદાં છે
આપણે એ ન ભૂલીએ કે બાળકને ભણાવવામાં અને કેળવવામાં તફાવત છે. શાળાઓ બાળકને
ભણાવવામાં અમુક હદ સુધીની જ ભૂમિકા ભજવી શકે, પણ આધુનિક શિક્ષણ પદ્ધતિની પોતાની ઘણી
મર્યાદાઓ છે. એ જોતાં આપણે આપણાં બાળકોને ભણાવવામાં શાળાઓ પર વધારે પડતો મદાર ન
રાખીએ. જીવનનું સાચું શિક્ષણ અને વ્યવહારલક્ષી કેળવણી તો વર્ગખંડની બહાર જ થઈ શકે.
આપણે જો એમ માનતા હોઈએ કે ડિગ્રી મળી જાય એટલે આપણું ભણતર પૂરું થયું ગણાય, તો એ
આપણી સૌથી મોટી ભૂલ છે. ખરું ભણતર અને સાચી કેળવણી તો વાસ્તવમાં શાળા-મહાશાળામાંથી
બહાર નીકળ્યા પછી જ શરૂ થતું હોય છે. સૌથી ઉત્તમ શિક્ષક જીવન છે અને સૌથી શ્રેષ્ઠ
શાળા પણ એ જ છે. ભાર વગર ભણવાની અને વ્યવહારુ ડહાપણ શિખવાડવાની સંભવિતતા જેટલી,
એનામાં સમાયેલી છે એટલી શાળા-મહાશાળાઓમાં ક્યાંથી હોય ?! સાથે આપણે એ પણ ન ભૂલીએ કે
બાળકના સૌથી ઉત્તમ શિક્ષક તો એના માબાપ જ નીવડી શકે છે !