Wednesday, September 28, 2011

ચોરનું બલિદાન


એક ગામમાં ત્રણ મિત્રો રહેતા હતા. ત્રણેય કામ-ધંધા વિના રખડપટ્ટી કર્યા કરતા આથી તેમનાં માતા-પિતા તેમના પર ગુસ્સે થતાં. ત્રણેય મિત્રોએ ઘરેથી ભાગી જઈને પર્વતમાંથી કીમતી રત્નો શોધીને જીવનનિર્વાહ ચલાવવાનો નિર્ણય કર્યો.




જંગલ પાર કરીને તેઓ પર્વત પાસે પહોંચ્યા અને નસીબના જોરે તેમને કીમતી રત્નો પણ મળી આવ્યાં. રત્નો વેચીને ખૂબ ધન કમાઈ લેવાનો તેમનો વિચાર હતો. તેઓ પર્વત પરથી પાછા ફર્યા અને જંગલ પસાર કરતા હતા ત્યાં તેમને ચોર -લૂંટારુંનો ડર સતાવવા લાગ્યો. તેમણે રત્નોને કોઈ સુરક્ષિત જગ્યાએ છુપાવવાની યુક્તિ શોધી કાઢી. તેઓ પાણી સાથે રત્નો ગળી ગયા, જેથી કોઈ તેમની જડતી લે તો પણ રત્નો ન મળે. આ બધું એક ચોર ઝાડ પાછળ સંતાઈને જોતો હતો. તેણે આ ત્રણેય મિત્રોને મારીને રત્નો પડાવી લેવાનો વિચાર કર્યો. વટેમાર્ગુ બનીને તે મિત્રોની સાથે જોડાઈ ગયો.




ચારેય જણા ચાલતા જતા હતા ત્યાં રસ્તામાં ઠગોનું ગામ આવ્યું. ઠગ મુખીનો પોપટ જો કોઈ વટેમાર્ગુ પાસે રત્નો હોય તો તેની જાણકારી મુખીને આપી દેતો. ચારેય જણા પસાર થયા એટલે પોપટે જોરથી બૂમ મારી કે આમની પાસે રત્નો છે. મુખીએ ચારેયને પકડીને રત્નો પડાવવા તેમની જડતી લીધી પણ કશું હાથમાં ન આવ્યું તેથી તેણે વિચાર્યું કે નક્કી આ લોકોની પાસે રત્નો તો હોવા જ જોઈએ. બની શકે કે એ તેમના આ રત્નો છૂપાવ્યા હશે. કાલે ત્રણેયને મારીને ખાતરી કરી લઈશ. ચારેય જણાના જીવનું જોખમ હતું. ચોરે વિચાર્યું કે જો મુખી આ ત્રણેયને મારી નાખશે અને પેટ ચીરશે તો રત્નો મળી આવશે. મારી પાસે રત્નો નથી તો મારું પણ પેટ ચીરશે જ. કોઈપણ ભોગે મરવાનું તો છે જ. તો ચાલો મરતાં પહેલાં કોઈ સારું કામ કરતો જઉં અને અગાઉ કરેલા ગુનાઓનું પ્રાયશ્ચિત કરી લઉં. આવતીકાલે હું જ પહેલાં મુખીને કહી દઈશ કે મારું પેટ ચીરીને ખાતરી કરી લો કે રત્નો છે કે નહીં. મારી પાસેથી રત્નો નહીં મળે એટલે આ ત્રણેય જણાને તે છોડી મૂકશે. બીજા દિવસે ચોરે જેવું વિચાર્યું હતું એવું જ બન્યું. ચોરના પેટમાંથી રત્નો ન મળ્યાં એટલે મુખીએ પેલા ત્રણેય મિત્રોને છોડી મૂક્યા. ચોરના બલિદાનને કારણે ત્રણેય મિત્રોને જીવતદાન મળી ગયું.

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment