Wednesday, September 28, 2011

ઘાસના મેદાનમાં વિહરતી જળમરઘી




દોસ્તો, મરઘી નામથી તમે બધા પરિચિત જ છો, પણ તમે ક્યારેય પાણીમાં રહેતી મરઘી જોઇ છે ખરી? રૂપાળી આ મરઘીને આપણે ‘જળમરઘી’ના નામથી ઓળખીએ છીએ.


પાણીમાં ક્યારેય મરઘીને તરતી જોઇ છે! આશ્ચર્ય થાય છે ને કે આવું હોઇ શકે? હા કેમ નહીં, મરઘી તો નહીં પણ જળમરઘીને તમે પાણીમાં તરતા જરૂર જોઇ શકો. જળમરઘીને ‘વોટરહેન’ અને ‘મુરહેન’ નામથી પણ ઓળખી શકાય છે. ભારતમાં જોવા મળતી જળમરઘીને ‘ઇન્ડિયન મુરહેન’ પણ કહે છે. ‘મુર’ એટલે ઘાસવાળું ખુલ્લું મેદાન એવો અર્થ થાય.

કદ, આકાર અને દેખાવ:::





જળમરઘીનું કદ તેતર-કબૂતર જેવડું એકાદ ફૂટનું (૩૦ સે.મી.) હોય છે. ઉપરની તરફ પીઠ અને પાંખ કળાશ પડતી ભૂખરી હોય છે. પૂંછડીનાં બહારનાં પીંછાં કાળાં રંગના હોય છે. તેની છાતીનો ભાગ પેટનાં પડખાં ઘેરા કાળાશ પડતાં સલેટી રાખોડી રંગનું હોય છે.. પેટનો વચલો ભાગ સફેદ હોય છે. પૂંછડીનો નીચેનો ભાગ સફેદ અને એની વચ્ચે ઊભો કાળો પહોળો પટ્ટો છે. તે પૂંછડી હંમેશા ઊંચી રાખીને ચાલતી હોવાથી તરત ઓળખાઇ જાય છે. તેની ચાંચ આગળથી પીળી રંગની અને મૂળ તરફ લાલ રંગ હોય છે. પગ લીલા રંગના અને નીચેના ભાગમાં લાલ પટ્ટી હોય છે. તેના પગના આંગળાં પણ લાંબા છે.



ક્યાં જોવા મળે?



જળમરઘી આખા વિશ્વમાં જોવા મળતી એક જ પ્રજાતિ છે. ભારત, એશિયા, યુરોપ, આફ્રિકા, અમેરિકામાં પણ તેની વસ્તી છે.



સ્વભાવ



તે પાણીમાં જ મોટેભાગે ફરે છે. એને વધારે ઘાસ ઊગ્યું હોય તેવા તળાવમાં ફરવાનું વધારે ગમે છે. તે ઘાસમાં જ વધુ સંતાઇ રહે છે. ક્યારેક પાણી કાંઠે ફરતી જોવા મળે છે. પોતાના બચાવ માટે તે ક્યારેક ડૂબકી પણ મારે છે. ચાલતાં કે તરતાં માથું ઝુકાવ્યા કરે છે અને પૂંછડી હલાવ્યા કરે છે.



શું ખાય છે?



જળમરઘી વનસ્પતિ અને બી તથા જીવાત ખાય છે.



અવાજ

‘કુટ્રક-કુટ્રક-કુક-કુક’ જેવો અવાજ કરે છે.

માળો ક્યાં કરે?



તે પોતાનો માળો જુનથી સપ્ટેમ્બર મહિનામાં ચોમાસા દરમિયાન બનાવે છે. પાણીના ઘાસમાં બનાવે છે.

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment